શારિરીક અને માનસિક અગવડતા
શાંતિ એ દરેકની ચિંતા છે, પછી ભલે તે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અથવા દક્ષિણમાં રહેતા હોય. અમીર હોય કે ગરીબ, દરેક વ્યક્તિએ ખરેખર શાંતિની ચિંતા કરવાની જરૂર છે. આપણે બધા માણસો છીએ અને તેથી આપણે બધાને સામાન્ય રીતે સમાન ચિંતા હોય છે: ખુશ રહેવું, ખુશ જીવન જીવવું. અને આપણે બધા ખુશી જીવનના હકદાર છીએ. આપણે અહીં તે સ્તર પર વાત કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિને "હું" અથવા "સ્વ" ની લાગણી હોય છે, પરંતુ આપણે "હું" અથવા "સ્વ" શું છે તે સંપૂર્ણપણે સમજી શકતા નથી. તેમ છતાં, અમને હજુ પણ "હું" ની તીવ્ર લાગણી છે. એ અનુભૂતિ સાથે આવે છે ખુશ રેહવાની ઈચ્છા થાય છે અને દુઃખી ન રેહવાની. આ આપોઆપ ઉદ્ભવે છે અથવા દેખાય છે. તેના આધારે, આપણને બધાને ખુશ રહેવાનો અધિકાર છે.
આ દરમિયાન, આપણા જીવનમાં ઘણી બધી અપ્રિય વસ્તુઓ અને અવરોધો તો થવાના જ છે. આની બે શ્રેણીઓ છે. દર્દની એક શ્રેણી શારીરિક કારણોને લીધે છે, દાખલા તરીકે માંદગી અને વૃદ્ધત્વ. મારી જેમ, મને પહેલેથી જ આ વિશે થોડો અનુભવ છે - મારા માટે સાંભળવું, જોવું, ચાલવું મુશ્કેલ છે. આ વસ્તુઓ તો બનવાની જ છે. બીજી શ્રેણી મુખ્યત્વે માનસિક સ્તરની છે. જો, શારીરિક સ્તરે, બધું આરામદાયક અને વૈભવી છે અને બધું જ છે, પરંતુ તેમ છતાં જો આપણને થોડો તણાવ અને આત્મ-શંકા હોય, તો આપણે એકલું લાગે છે. આપણામાં ઈર્ષ્યા, ડર અને ધિક્કાર છે અને પછી આપણે નાખુશ થઈએ. તેથી, શારીરિક સ્તર હોવા છતાં, માનસિક સ્તરે આપણે ઘણું દુઃખ સહન કરવું પડી શકે છે.
શારીરિક સુખ-સુવિધા માટે, હા, આપણે પૈસાથી થોડી તકલીફો ઘટાડી શકીએ છીએ અને શારીરિક સંતોષ લાવી શકીએ છીએ. તે શારીરિક સ્તર, જેમાં સત્તા, નામ અને ખ્યાતિનો સમાવેશ થાય છે, તેમ છતાં, આપણને આંતરિક શાંતિ લાવી શકતું નથી. કેટલીકવાર, હકીકતમાં, ઘણાં પૈસા અને સંપત્તિ હોવાને કારણે આપણામાં વધુ ચિંતા પેદા થાય છે. આપણે આપણા નામ અને ખ્યાતિ વિશે ખૂબ જ ચિંતિત થઈએ છીએ, અને તેના કારણે થોડો દંભ, થોડી અગવડતા, થોડો તણાવ થાય છે. એટલે, માનસિક ખુશી બાહ્ય માધ્યમો પર એટલું નિર્ભર નથી, પરંતુ આપણા વિચારોની આંતરિક રીત પર આધારિત છે.
આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક એવા ગરીબ લોકો છે જે હજુ પણ આંતરિક સ્તરે, ખૂબ જ મજબૂત અને ખુશ છે. હકીકતમાં, જો આપણને આંતરિક સંતોષ હોય, તો આપણે કોઈપણ પ્રકારની મુશ્કેલ શારીરિક વેદના સહન કરી શકીએ છીએ અને તેનું પરિવર્તન કરી શકીએ છીએ. તેથી, શારીરિક અને માનસિક પીડા વચ્ચે, મને લાગે છે કે માનસિક પીડા વધુ તીવ્ર છે. આ એટલા માટે છે કારણ કે શારીરિક અગવડતાને માનસિક આરામ દ્વારા વશ માં કરી શકાય છે, પરંતુ માનસિક અગવડતાને શારીરિક આરામથી દૂર કરી શકાતી નથી.
લોકોની માનસિક તકલીફો અને સમસ્યાઓ પ્રાણીઓ કરતાં વધુ મજબૂત અને વધુ ગંભીર હોય છે. શારીરિક સ્તરે, કદાચ બંનેની વેદના સરખી છે, પરંતુ, મનુષ્યની બાબતમાં, આપણી બુદ્ધિમત્તાને કારણે આપણને શંકા, અસુરક્ષા અને તણાવ થાય છે. આ હતાશા તરફ દોરી જાય છે; અને તે બધું આપણી શ્રેષ્ઠ બુદ્ધિના કારણે આવે છે. આનો સામનો કરવા માટે પણ આપણે આપણી માનવ બુદ્ધિનો જ ઉપયોગ કરવો જોઈએ. ભાવનાત્મક સ્તરે, કેટલીક લાગણીઓ ઉદભવતાની સાથે જ, આપણને આપણી માનસિક શાંતિ ગુમાવવાનું કારણ બને છે. બીજી બાજુ, અમુક લાગણીઓ આપણને વધુ શક્તિ પણ લાવે છે. તેઓ શક્તિ અને આત્મવિશ્વાસનો આધાર છે અને આપણને વધુ અક્ષુબ્ધ અને વધુ નિશ્ચલ મનની સ્થિતિ તરફ દોરી જાય છે.
લાગણીઓની બે શ્રેણીઓ
તેથી, લાગણીઓની બે શ્રેણીઓ છે. એક માનસિક શાંતિ માટે ખૂબ જ હાનિકારક છે અને આ ક્રોધ અને નફરત જેવી વિનાશક લાગણીઓ છે. તેઓ આ ક્ષણે માત્ર આપણી મનની શાંતિને જ નષ્ટ નથી કરતું, પરંતુ તે આપણા વાણી અને આપણા શરીર માટે પણ ખૂબ જ વિનાશક છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે કઈ રીતે વર્તન કરીએ છીએ તેના પર અસર કરે છે. તેઓ આપણને હાનિકારક રીતે વર્તન કરવા તરફ દોરી જાય છે અને તેથી તેઓ વિનાશક છે. જો કે, બીજી લાગણીઓ આપણને આંતરિક શક્તિ અને શાંતિ આપે છે જેમ કે કરુણા. ઉદાહરણ તરીકે, તેઓ આપણે ક્ષમાની શક્તિ આપે છે. જો કોઈ વ્યક્તિ સાથે કોઈ સમયે આપણને કેટલીક મુશ્કેલીઓ હોય, તો પણ આખરે ક્ષમા આપણને અક્ષુબ્ધ રહેવા, મનની શાંતિ મેળવવા તરફ દોરી જશે. જે વ્યક્તિ પર આપણે આટલા ગુસ્સે હતા તે આપણો શ્રેષ્ઠ મિત્ર પણ બની શકે છે.
બાહ્ય શાંતિ
જ્યારે આપણે શાંતિની વાત કરીએ છીએ, ત્યારે આપણે આ લાગણીઓ અને આંતરિક શાંતિ વિશે વાત કરવી જોઈએ. તેથી, આપણે શોધવાનું છે કે કઈ લાગણીઓ આંતરિક શાંતિ તરફ દોરી જાય છે. પરંતુ પ્રથમ હું બાહ્ય શાંતિ વિશે કંઈક કહેવા માંગુ છું.
બાહ્ય શાંતિ એ માત્ર હિંસાની ગેરહાજરી નથી. કદાચ શીત યુદ્ધ દરમિયાન આપણને દેખીતી રીતે શાંતિ હતી; પરંતુ તે શાંતિ ભય પર આધારિત હતી, પરમાણુ હોલોકોસ્ટના ભય પર. બંને પક્ષોને દર હતો કી બીજો એમના પર બોમ્બ ધડાકો કરશે, તેથી આ સાચી શાંતિ નહોતી. સાચી શાંતિ આંતરિક શાંતિથી આવવી જોઈએ. જ્યારે પણ સંઘર્ષ થાય છે, ત્યારે મને લાગે છે કે આપણે શાંતિપૂર્ણ ઉકેલ શોધવો જોઈએ અને તેનો અર્થ સંવાદ દ્વારા થાય છે. તેથી શાંતિને બીજાઓના જીવન પ્રત્યે હૂંફાળું-હૃદય અને આદર રાખવો, અન્યને નુકસાન પહોંચાડવાનો પ્રતિકાર કરવા અને અન્ય લોકોનું જીવન આપણા પોતાના જેટલું જ અગત્યનું છે તેવું વલણ રાખવા સાથે ઘણું કરવાનું છે. આપણે તેનો આદર કરવાની જરૂર છે અને, તેના આધારે, જો આપણે બીજાને પણ મદદ કરી શકીએ, તો આપણે તે કરવાનો પ્રયાસ કરીએ છીએ.
જ્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ અને કોઈ આપણને મદદ કરવા આવે છે, ત્યારે આપણે તેની કદર કરીએ છીએ. જો બીજું કોઈ પીડાઈ રહ્યું હોય, તો પછી ભલે આપણે માત્ર માનવીય સમજને વિસ્તારીએ, તે વ્યક્તિ આની પ્રશંસા કરે છે અને ખૂબ જ ખુશી અનુભવે છે. તેથી, આંતરિક કરુણા અને મનની શાંતિથી, બધી ક્રિયાઓ શાંતિપૂર્ણ બને છે. જો આપણે આંતરિક શાંતિ સ્થાપિત કરી શકીએ, તો આપણે બાહ્ય શાંતિ પણ લાવી શકીએ છીએ.
માણસો તરીકે, એકબીજા સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયાઓનો હંમેશા જુદો દ્રષ્ટિકોણ હોય છે. પરંતુ "હું" અને "તેઓ" ની મજબૂત વિભાવનાઓ પર આધારિત, પછી આપણને "મારી રુચિ" અને "તમારી રુચિ" ની વિભાવનાઓ મળે છે. તેના આધારે આપણે યુદ્ધ પણ થયી શકે છે. આપણને લાગે છે કે મારા દુશ્મનનો વિનાશ મારી જીત લાવશે. પરંતુ હવે એક નવી વાસ્તવિકતા સામે આવી છે. આપણે આર્થિક દૃષ્ટિકોણથી અને ઇકોલોજીકલ દૃષ્ટિકોણથી એકબીજા પર બહુ પરસ્પર નિર્ભર છીએ. તેથી "આપણે" અને "તેઓ" ની વિભાવનાઓ હવે સુસંગત નથી. જેને આપણે “તેઓ” માનતા હતા તે હવે એ “આપણે” નો ભાગ બની ગયા છે. તેથી મનની શાંતિ વિકસાવવા માટેનું મુખ્ય પરિબળ કરુણા છે, આ માન્યતાના આધારે કે આપણે આ ગ્રહ પર છ અબજ લોકો છીએ અને આપણા બધા લોકોને ખુશીનો સમાન અધિકાર છે. તેના આધારે, આપણે દરેકને ગંભીરતાથી લઈએ છીએ અને તેના આધારે, આપણે બાહ્ય શાંતિ સ્થાપિત કરવા સક્ષમ થવા જોઈએ.
નાના સ્તર પર શરૂ કરવું
તેથી શાંતિ માટે, આપણે આપણી જાતમાં, પછી આપણા પરિવારોમાં અને પછી આપણા સમુદાયોમાં શાંતિ વિકસાવવાનું શરૂ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, મેક્સિકોમાં, એક મિત્રએ તેના પોતાના સમુદાયમાં "શાંતિનો ક્ષેત્ર" વિકસાવ્યો. તેણે તેના સમુદાયના દરેક વ્યક્તિ દ્વારા એક કરાર કરીને આ સ્થાપિત કર્યું. સમુદાયમાં દરેક વ્યક્તિએ આ શાંતિના ક્ષેત્રમાં હિંસા ટાળવા ઇરાદાપૂર્વક પ્રયાસ કરવા માટે સંમત થયા. જો તેઓને લડવું અથવા અસંમત થવું હોય, તો તેઓ બધા સંમત થયા કે તેઓ તે ક્ષેત્રની સીમાઓની બહાર જશે. આ ખુબ સારુ છે.
વિશ્વ શાંતિ માટે પૂછવું મુશ્કેલ છે, જોકે આખરે વિશ્વ સ્તરે તે શ્રેષ્ઠ હશે. પરંતુ સૌથી વધુ વાસ્તવિક એ છે કે હમણાં નાના સ્તરે સ્વ, કુટુંબ, સમુદાય, જિલ્લા વગેરે સાથે શાંતિના ક્ષેત્રો જેવી વસ્તુઓની સ્થાપના કરીને શરૂઆત કરવી. તેથી, આંતરિક શાંતિ, કરુણા સાથે ખૂબ જોડાયેલ છે.
દુનિયામાં અત્યારે વસ્તુઓ ખરેખર ખૂબ જ બદલાઈ રહી છે. મને યાદ છે કે થોડા વર્ષો પહેલા એક જર્મન મિત્ર, સ્વર્ગસ્થ ફ્રેડરિક વોન વેઇઝેકર, જેને હું મારા શિક્ષક માનું છું, તે મને કહેતા હતા કે જ્યારે તે નાના હતા, ત્યારે દરેક જર્મન વ્યક્તિના દૃષ્ટિકોણે, ફ્રેન્ચને દુશ્મન માનવામાં આવતા હતા અને, દરેક ફ્રેન્ચના દૃષ્ટિકોણે, જર્મનો દુશ્મન હતા. પરંતુ હવે વસ્તુઓ અલગ છે. હવે આપણી પાસે એકીકૃત દળ છે, યુરોપિયન યુનિયન. આ ખુબ સારુ છે. પહેલાં, દરેક રાજ્ય, તેમના દૃષ્ટિકોણથી, તેમના પોતાના સાર્વભૌમત્વને ખૂબ મૂલ્યવાન માનતા હતા. પરંતુ હવે યુરોપમાં એક નવી વાસ્તવિકતા છે; વ્યક્તિગત હિતો કરતાં સામાન્ય હિત વધુ મહત્વપૂર્ણ છે. જો અર્થવ્યવસ્થા સુધરશે તો દરેક સભ્ય દેશને ફાયદો થશે. તેથી હવે આ વિચારને પૃથ્વીના તમામ છ અબજ લોકો સુધી પહોંચાડવો મહત્વપૂર્ણ છે. આપણે દરેકને એક વિશાળ માનવ પરિવારના સભ્યો તરીકે વિચારવાની જરૂર છે.
કરુણા જૈવિક પરિબળ તરીકે
હવે કરુણા માટે, બધા સસ્તનપ્રાણીઓ કે જેઓ માતામાંથી જન્મે છે - મનુષ્યો, સસ્તનપ્રાણીઓ, પક્ષીઓ વગેરે - તેમનો વિકાસ સ્નેહ અને સંભાળ મેળવવા પર આધારિત છે. દરિયાઈ કાચબો, પતંગિયા, સૅલ્મોન જેઓ ઈંડાં મૂકે છે અને મૃત્યુ પામે છે, આવી કેટલીક પ્રજાતિઓને બાદ કરતાં આ કિસ્સો છે - આ જીવો થોડો અપવાદ છે. દાખલા તરીકે, દરિયાઈ કાચબાને લો. માતાઓ તેમના ઇંડા કિનારા પર મૂકે છે અને પછી છોડી દે છે; તેથી નાના કાચબાઓનું અસ્તિત્વ ફક્ત તેમના પોતાના પ્રયત્નો પર આધારિત છે. તેમને માતાના સ્નેહની જરૂર નથી અને છતાં તેઓ ટકી રહે છે. તેથી હું કેટલાક પ્રેક્ષકોને કહું છું કે જ્યારે કાચબા ઈંડામાંથી બહાર નીકળે ત્યારે નાના બાળક કાચબા અને માતાને એકસાથે મૂકવા અને તેઓ એકબીજા પ્રત્યે સ્નેહ ધરાવે છે કે નઈ તે જોવું એ ખૂબ જ રસપ્રદ વૈજ્ઞાનિક પ્રયોગ હોઈ શકે. મને નથી લાગતું કે તેઓ કરશે. કુદરતે તેમને તે રીતે બનાવ્યું છે, તેથી સ્નેહની જરૂર નથી. પરંતુ સસ્તનપ્રાણીઓ અને ખાસ કરીને મનુષ્યો માટે, માતાના સંભાળ વિના આપણે બધા મરી જઈશું.
નાના બાળકની સંભાળ કરવા માટે કેટલીક લાગણીઓની જરૂર છે, જે છે કરુણા, સ્નેહ અને ચિંતા અને કાળજીની લાગણી. વિજ્ઞાનીઓનું કહેવું છે કે જન્મ પછીના થોડા અઠવાડિયા દરમિયાન બાળકના મગજના વિકાસ માટે માતાનો સ્પર્શ જરૂરી છે. અમે નોંધ્યું છે કે જે બાળકો પ્રેમાળ, સ્નેહાળ, હુંફાળા કુટુંબમાંથી આવે છે તે વધુ ખુશ હોય છે. તેઓ શારીરિક સ્તરે પણ વધુ સ્વસ્થ હોય છે. પરંતુ બાળકોમાં સ્નેહનો અભાવ હોય છે, ખાસ કરીને જ્યારે તેઓ નાના હોય છે, ત્યારે તેમને ઘણી મુશ્કેલી થાય છે.
કેટલાક વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે જેમાં તેઓએ યુવાન વાંદરાઓને તેમની માતાઓથી અલગ કર્યા છે અને તેઓએ જોયું કે તે યુવાન વાંદરાઓ હંમેશા ખરાબ મનોભાવમાં હોય છે, લડતા હોય છે. તેઓ એકબીજા સાથે બહુ સારી રીતે રમતા નહોતા. પરંતુ જે તેમની માતા સાથે રાખવામાં આવ્યા હતા તે ખુશ હતા અને એકબીજા સાથે સરસ રીતે રમતા હતા. અને ખાસ કરીને માનવ બાળકો કે જેઓ શિશુ તરીકે સ્નેહનો અભાવ ધરાવે છે - તેઓ લાગણીહીન થવાનું વલણ ધરાવે છે. તેઓને અન્યો પ્રત્યે સ્નેહ દર્શાવવામાં મુશ્કેલી પડે છે અને કેટલાક કિસ્સાઓમાં તેઓ અન્યો સાથે હિંસક બની જાય છે. તેથી સ્નેહ એ જૈવિક પરિબળ છે, જૈવિક રીતે આધારિત પરિબળ છે.
ઉપરાંત, મને લાગે છે કારણ કે કરુણા અને લાગણી આ જૈવિક શારીરિક સ્તર સાથે સંબંધિત છે, તો પછી કેટલાક વૈજ્ઞાનિકોના મતે જો આપણે સતત ગુસ્સે રહીએ અને નફરત અને ડર રાખીએ, તો તે આપણી રોગપ્રતિકારક શક્તિને ખાઈ જાય છે અને તે નબળી પડી જાય છે. પરંતુ કરુણાશીલ મન રોગપ્રતિકારક શક્તિને મદદ કરે છે અને મજબૂત બનાવે છે.
બીજું ઉદાહરણ લો. જો આપણે તબીબી ક્ષેત્રે જોઈએ તો, જો એક બાજુ નર્સો અને ચિકિત્સકો અને બીજી બાજુ દર્દીઓ વચ્ચે વિશ્વાસ હોય, તો આ દર્દીઓના સુધારણા માટે મહત્વપૂર્ણ છે. તો વિશ્વાસનો આધાર શું છે? જો ચિકિત્સક અને નર્સની બાજુએ તેઓ દર્દીના સાજા થવા માટે સાચી ચિંતા અને કાળજી દર્શાવે, તો વિશ્વાસ આવે છે. પરંતુ બીજી બાજુ, ચિકિત્સક ભલે નિષ્ણાત હોય, છતાં પણ જો તે દર્દીની સાથે મશીનની જેમ વર્તે છે, તો બહુ ઓછો વિશ્વાસ હોય છે. ઠીક છે, કદાચ જો ચિકિત્સકને સારો અનુભવ હોય, તો થોડો વિશ્વાસ હોય છે, પરંતુ જો ચિકિત્સક વધુ કરુણાશીલ હોય, તો તેના કરતાં પણ વધુ વિશ્વાસ હોય છે. દર્દીઓ વધુ સારી રીતે ઊંઘે છે અને ઓછી તકલીફ થાય છે. જો તેઓ ઊંડા સ્તરે પરેશાન થાય છે, તો તેઓ ખૂબ જ તકલીફ થઈ જાય છે અને આ તેમની રિકવરી પર અસર કરે છે.
પરંતુ સમસ્યાઓ, અલબત્ત, જીવનમાં અનિવાર્ય છે. મહાન ભારતીય બૌદ્ધ ગુરુ શાંતિદેવે સલાહ આપી કે જ્યારે આપણે સમસ્યાઓનો સામનો કરીએ છીએ, ત્યારે આપણે તેનું વિશ્લેષણ કરવાની જરૂર છે. જો તેમને કોઈ પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય છે, તો ચિંતા કરશો નહીં, ફક્ત પદ્ધતિ લાગુ કરો. પરંતુ જો મદદ કરી શકાતી નથી, તો ચિંતા કરવાની જરૂર નથી, તેનાથી આપણને બિલકુલ ફાયદો થશે નહીં. આ પંક્તિ વિશે વિચારવું ખૂબ મદદરૂપ છે. ભલે આપણને કોઈ મોટી સમસ્યા હોય, પણ જો આપણે આવું વિચારીએ તો તેને ઘટાડી શકીશું.
જ્યાં સુધી આપણને બીજાની સંભાળની જરૂર હોય છે, દાખલા તરીકે જ્યારે આપણે નાના બાળકો હોઈએ છીએ, ત્યારે આપણી પાસે સ્નેહ અને કરુણા હોય છે. પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ વધુ સ્વતંત્રતા સાથે, આપણે આપણી પોતાની રીતો મેળવવા માટે કરુણા કરતાં આક્રમકતા વધુ મહત્વપૂર્ણ છે એવું લાગે છે. પરંતુ છ અબજ લોકો બધા માતાઓમાંથી આવે છે. દરેક વ્યક્તિ માતૃપ્રેમની દેખરેખ હેઠળ ખુશી અને સંતોષનો અનુભવ કરે છે, અથવા, જો માતૃપ્રેમ ન હતો તો, જ્યારે આપણે બાળક હતા ત્યારે અન્ય કોઈનો સ્નેહ. ધીમે ધીમે, જોકે, આ ગુણો જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ પાતળું થતું જાય છે અને પછી આપણે વધુ ગુંડાગીરી સાથે આક્રમક બનીએ છીએ અને આપણે વધુ સમસ્યાઓ ઊભી કરીએ છીએ.
વાસ્તવિકતા જોવાની આવશ્યકતા
જ્યારે મન ગુસ્સે થઈ જાય છે અને મગજ પર ગુસ્સાનું વર્ચસ્વ હોય છે, ત્યારે સ્વીડનમાં એક વૈજ્ઞાનિકે મને કહ્યું હતું કે આ ભયંકર વ્યક્તિના દેખાવમાંથી ૯૦% જે આપણે ગુસ્સે થઈએ છીએ તે માનસિક પ્રક્ષેપણ છે. બીજા શબ્દોમાં કહીએ તો, ૯૦% નકારાત્મકતા માનસિક રીતે પ્રક્ષેપિત છે. જ્યારે આપણને કોઈ વ્યક્તિ માટે આસક્તિ અને તીવ્ર ઈચ્છા થાય ત્યારે પણ આ સમાન છે: આપણે વ્યક્તિને ૧૦૦ % સુંદર અને સારી રીતે જોઈએ છીએ. પરંતુ તેની મોટી ટકાવારી માનસિક પ્રક્ષેપણ પણ છે; આપણે વાસ્તવિકતા જોતા નથી. તેથી, વાસ્તવિકતા જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બીજો મહત્વનો મુદ્દો છે: કોઈને મુશ્કેલી જોઈતી નથી, પરંતુ મુશ્કેલી શા માટે ઊભી થાય છે? તે આપણી નિષ્કપટતા, આપણી અજ્ઞાનતા, આપણા અભિગમને કારણે છે: આપણે વાસ્તવિકતા જોતા નથી. આપણા પોતાના મર્યાદિત દૃષ્ટિકોણથી, આપણે વાસ્તવિકતાનું સંપૂર્ણ ચિત્ર જોઈ શકતા નથી. આપણે ફક્ત બે જ પરિમાણ જોઈએ છીએ, પરંતુ આ પૂરતું નથી. આપણે વસ્તુઓને ત્રણ, ચાર, છ પરિમાણમાં જોઈ શકવાની જરૂર છે. નિરપેક્ષપણે તપાસ કરવા માટે આપણે સૌ પ્રથમ આપણા મનને શાંત કરવાની જરૂર છે.
અહીં પણ, રચનાત્મક અને વિનાશક લાગણીઓ વચ્ચેનો તફાવત આ તમામ મુદ્દાઓ માટે સમજવો મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે મોટા થઈએ છીએ, ત્યારે ધીમે ધીમે કરુણાનું જૈવિક પરિબળ આખરે ઘટતું જાય છે, તેથી તેને ફરીથી ઉત્તેજિત કરવા માટે આપણે કરુણા વિશે શિક્ષણ અને તાલીમની જરૂર છે. જૈવિક પ્રકારની કરુણા, જો કે, પક્ષપાતી છે: તે અન્ય લોકોનો સ્નેહ મેળવવા પર આધારિત છે. પરંતુ તેના આધારે, પછી અમારી તપાસમાં કારણ અને વૈજ્ઞાનિક પરિબળો ને ઉમેરીને, અમે કરુણાના આ જૈવિક સ્તરને ફક્ત જાળવવા માટે જ સક્ષમ નથી, પરંતુ અમે તેને વધારવામાં પણ સક્ષમ છીએ. તેથી, તાલીમ અને શિક્ષણ સાથે, મર્યાદિત પક્ષપાતી કરુણા અનંત નિષ્પક્ષ કરુણા બની શકે છે જે છ અબજ લોકો અને તેનાથી વધુ લોકો સુધી વિસ્તૃત થાય છે.
શિક્ષણનું મહત્વ
આ બધાની ચાવી શિક્ષણ છે. આધુનિક શિક્ષણ મગજ અને બુદ્ધિના વિકાસ પર ધ્યાન આપે છે, પરંતુ આ પૂરતું નથી. આપણે આપણી શૈક્ષણિક પ્રણાલીઓમાં હુંફાળું-હૃદય કેળવવા માટે પણ સક્ષમ બનવાની જરૂર છે. બાલમંદિરથી સમગ્ર વિશ્વવિદ્યાલયમાં આની જરૂર છે.
અમેરિકામાં, થોડા વૈજ્ઞાનિકોએ બાળકોને વધુ કરુણા અને સચેતતા વિકસાવવા તાલીમ આપવા માટે શિક્ષણ કાર્યક્રમો વિકસાવ્યા છે. અને આ બાળકોને તેમના ભાવિ જીવનને સુધારવામાં અને નિર્વાણ પ્રાપ્ત કરવામાં મદદ કરવાના હેતુથી કરવામાં આવ્યું નથી, પરંતુ તે આ જીવનના લાભ માટે કરવામાં આવ્યું છે. કેટલીક વિશ્વવિદ્યાલયોમાં પણ, હુંફાળું-હૃદય અને કરુણા વિકસાવવા માટે પહેલાથી જ કેટલાક શિક્ષણ કાર્યક્રમો છે. તે પ્રકારની નિષ્પક્ષ કરુણા અન્ય લોકોના વલણ પર કેન્દ્રિત નથી, પરંતુ ફક્ત તેઓ માનવ છે તેના પર કેન્દ્રિત છે. આપણે બધા આ ગ્રહ પરની છ અબજ લોકોની વસ્તીનો એક ભાગ છીએ, તેથી સમાનતાના પરિબળના આધારે દરેક જણ આપણી કરુણાના પાત્ર છે.
આંતરિક અને બાહ્ય નિઃશસ્ત્રીકરણ
તેથી આંતરિક શાંતિ અને વિશ્વ શાંતિ માટે, આપણને આંતરિક અને બાહ્ય નિઃશસ્ત્રીકરણ બંનેની જરૂર છે. આનો અર્થ એ છે કે આંતરિક સ્તરે, આપણે કરુણા વિકસાવીએ છીએ અને પછી આખરે, તેના આધારે, આપણે બાહ્ય સ્તરે, તમામ દેશોને નિઃશસ્ત્ર કરવામાં સક્ષમ છીએ. તે ફ્રાન્કો-જર્મન યુરોપિયન આર્મી કોર્પ્સનું એકીકૃત દળ રાખવા જેવું છે; આ ઉત્તમ છે. જો સમગ્ર યુરોપિયન યુનિયન માટે એકીકૃત દળ બની શકે, તો સભ્યો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ નહીં થાય.
એકવાર બ્રસેલ્સમાં વિદેશ પ્રધાનોની એક બેઠક હતી અને મેં કહ્યું કે ભવિષ્યમાં જો યુરોપિયન યુનિયનનું મુખ્ય મથક વધુ પૂર્વમાં ખસેડવામાં આવે તો તે ખૂબ જ મદદરૂપ થશે, પૂર્વ યુરોપિયન દેશોમાંથી એકમાં, ઉદાહરણ તરીકે પોલેન્ડ. પછી આખરે રશિયાને પણ સમાવવા માટે તેનો વિસ્તાર કરવો અને પછી આખરે નાટોનું મુખ્ય મથક મોસ્કોમાં ખસેડવું સારું રહેશે. જો આ થાય, તો ખરેખર શાંતિ રહેશે અને અહીં યુરોપમાં યુદ્ધનો ભય નહીં રહેશે . હવે, હાલમાં, રશિયા અને જ્યોર્જિયા વચ્ચે કેટલીક મુશ્કેલીઓ છે, પરંતુ આપણે આપણી આશા જાળવી રાખવાની જરૂર છે.
શાંતિના આ મોટા વિસ્તરણના આધારે, ઉદાહરણ તરીકે, અહીં ફ્રાન્સમાં શસ્ત્રાગાર ઉદ્યોગ આખરે બંધ થઈ શકે છે અને આપણે અર્થતંત્રને વધુ ઉત્પાદક પાસાઓ તરફ ખસેડી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, ટેન્કોના બદલે, ફેક્ટરીઓ બુલડોઝર બનાવવા માટે રૂપાંતરિત થઈ શકે છે!
આફ્રિકન દેશોને પણ આપણી મદદની ખૂબ જરૂર છે. અમીર અને ગરીબ વચ્ચેનું અંતર એક મોટી સમસ્યા છે, માત્ર વૈશ્વિક સ્તરે જ નહીં; પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ અમીર અને ગરીબ વચ્ચેનું આ અંતર ખૂબ જ ભયાનક છે. ફ્રાન્સમાં, ઉદાહરણ તરીકે, અહીં અમીર અને ગરીબ વચ્ચે મોટી વિસંગતતા છે. કેટલાક લોકો ભૂખમરાનો પણ સામનો કરી રહ્યા છે. પરંતુ આપણે બધા માણસો છીએ અને આપણા બધાની સમાન આશાઓ, જરૂરિયાતો અને સમસ્યાઓ છે. આંતરિક શાંતિ દ્વારા શાંતિનો વિકાસ કરવા માટે આપણે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેવું જરૂરી છે.