ઈમાનદારી, ભરોસો અને મિત્રતા

ખુશી શું છે?

દરેક વ્યક્તિને ખુશી જીવન જોઈએ છે, તો પ્રશ્ન એ થાય છે કે ખુશી શું છે? ખરેખર દીર્ઘકાલીન, ભરોસાપાત્ર ખુશી શું છે? આપણે આને ખૂબ ઊંડાણપૂર્વક જોવાની જરૂર છે. ખુશી અથવા આનંદ જે મુખ્યત્વે આપણા સંવેદનાત્મક અવયવો દ્વારા આવે છે - અનુભવો જેમ કે કંઈક સરસ જોવું, કંઈક સારું સાંભળવું, સારી રુચિ અથવા ગંધ - થોડો સંતોષ આપે છે. પરંતુ આ સંવેદનાત્મક અનુભવો પર આધારિત આનંદ ખૂબ જ બાહ્ય છે. અમુક સગવડો મળતાં જ તમને એક પ્રકારનો હર્ષ કે ખુશી કે આનંદ મળે છે, પણ જેવો કોઈ મોટો ખલેલ પહોંચાડતો અવાજ આવે છે, તેનાથી આનંદ નથી રહેતો. અથવા તો પછી અમુક લોકો ટેલિવિઝન જોવામાં કોઈ પ્રકારનો આનંદ શોધે છે, અને પછી ટેલિવિઝન વિના તેઓ માત્ર એક કલાક પછી કંટાળી જાયે છે. કેટલાક લોકોને મોજમસ્તી કરવાનો અને વિશ્વના વિવિધ ભાગોમાં ફરવાનો અને સતત નવા સ્થાનો, સંસ્કૃતિઓ, સંગીત અને સ્વાદનો અનુભવ કરવાનો ખૂબ શોખ હોય છે. મને લાગે છે કે આ માનસિક તાલીમ દ્વારા આંતરિક શાંતિ બનાવવાની ક્ષમતાના અભાવથી આવે છે.

પરંતુ તે લોકો, જેઓ ખરેખર વર્ષો અને વર્ષો સુધી સંન્યાસી જીવનશૈલી જીવે છે, તેઓ ખરેખર સૌથી ખુશી જીવનનો અનુભવ કરે છે. એક વખત બાર્સેલોનામાં હું એક કેથોલિક સાધુને મળ્યો, જેમનું અંગ્રેજી મારા જેવું જ હતું અને તેથી મને તેમની સાથે વાત કરવાની વધુ હિંમત મળી! આયોજકે મને કહ્યું કે એ સાધુ પાંચ વર્ષ પર્વતોમાં સંન્યાસી જીવન જીવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તેમણે  પર્વતોમાં શું કર્યું, અને તેમણે મને કહ્યું કે તે પ્રેમ વિશે વિચારતા અથવા તેનું ધ્યાન કરતા. જ્યારે તેમણે આનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમની આંખોમાં ખરેખર વિશેષ અભિવ્યક્તિ હતી, જે દર્શાવે છે કે તેમણે ખરેખર મનની શાંતિનો આનંદ માણ્યો હતો. તેથી આ સંવેદનાત્મક અનુભવો પર આધાર રાખીને નહીં, પરંતુ ચોક્કસ ઊંડા મૂલ્યોના સંવર્ધન દ્વારા મનની શાંતિનું એક ઉદાહરણ છે. પ્રેમ વિશે સતત વિચારવાથી, ખરેખર સાચી શાંતિ પેદા થયી.

તેથી હવે જ્યારે હું પ્રવચન આપું છું, ત્યારે હું હંમેશા ભારપૂર્વક જણાવું છું કે શારીરિક સુખાકારી માટે ભૌતિક વિકાસ ખૂબ જ જરૂરી છે, પરંતુ તે ભૌતિક મૂલ્ય ક્યારેય માનસિક આરામ આપતું નથી. કેટલીકવાર જ્યારે લોકો ધનવાન બને છે, ત્યારે તેઓ લોભી બને છે, અને વધુ તણાવગ્રસ્ત બને છે. પરિણામ એક નાખુશ વ્યક્તિ છે. તેથી, ખુશી જીવન પ્રાપ્ત કરવા માટે, ફક્ત ભૌતિક મૂલ્ય પર વિશ્વાસ ન કરો. ભૌતિક મૂલ્યો જરૂરી છે, પરંતુ તે ઉપરાંત આપણે આપણા આંતરિક મૂલ્યોને વધુ ગંભીરતાથી જોવાની જરૂર છે. ભલે આપણે ધાર્મિક આસ્થાવાન હોઈએ કે ન હોઈએ, જ્યાં સુધી આપણે મનુષ્ય છીએ ત્યાં સુધી આંતરિક શાંતિ આવશ્યક છે.

મનની શાંતિ અને સારું સ્વાસ્થ્ય

કેટલાક વિજ્ઞાનીઓનું કહેવું છે કે તેમના તારણો મુજબ, વધુ પડતો તણાવ લોહિનુ દબાણ અને અન્ય ઘણી બાબતો માટે સમસ્યા ઊભી કરે છે. અને કેટલાક તબીબી વૈજ્ઞાનિકો કહે છે કે સતત ભય, ગુસ્સો અને નફરત ખરેખર આપણી રોગપ્રતિકારક શક્તિને ખાઈ જાય છે. તેથી સારા સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંનું એક મનની શાંતિ છે, કારણ કે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન ખૂબ જ નજીકથી જોડાયેલા છે. મારા પોતાના અનુભવ પરથી, બે વર્ષ પહેલાં એક પ્રકારની પ્રેસ મીટિંગમાં, એક મીડિયા વ્યક્તિએ મને મારા પુનર્જન્મ વિશે પૂછ્યું. મેં મજાકમાં તેની તરફ જોયું, મારા ચશ્મા ઉતાર્યા અને તેને પૂછ્યું, "મારા ચહેરા પરથી નક્કી કરો, મારો પુનર્જન્મ તાત્કાલિક છે કે નહીં?!" અને તેણે કહ્યું કે કોઈ ઉતાવળ નથી!

હમણાં હું યુરોપમાં હતો અને કેટલાક લાંબા સમયના મિત્રોએ મારા વીસ, ત્રીસ, ચાળીસ વર્ષ પહેલાં લીધેલા ચિત્રોની સરખામણી કરી, અને બધા કહે છે કે મારો ચહેરો હજી જુવાન દેખાય છે. મારા જીવનમાં, મને લાગે છે કે તમે જોઈ શકો છો કે હું ખરેખર ઘણી સમસ્યાઓ સાથે મુશ્કેલ સમયમાંથી પસાર થયો છું, અને ચિંતા, હતાશા અને એકલતા પેદા કરવા માટે પૂરતા પરિબળો છે. પરંતુ મને લાગે છે કે મારું મન તુલનાત્મક રીતે શાંત છે. પ્રસંગોપાત હું મારો ગુસ્સો ગુમાવી બેઠો છું, પરંતુ મૂળભૂત રીતે મારી માનસિક સ્થિતિ એકદમ શાંત છે.

મને યુવતીઓને પણ ચિડાવું ગમે છે જેઓ સૌંદર્ય પ્રસાધનો પાછળ ઘણો ખર્ચ કરે છે. પ્રથમ, તમારા પતિ કદાચ ફરિયાદ કરે કે તે ખૂબ ખર્ચાળ છે! એમ પણ, બાહ્ય સુંદરતા મહત્વપૂર્ણ છે, પરંતુ આંતરિક સુંદરતા વધુ મહત્વપૂર્ણ છે. તમારો ચહેરો સુંદર હોઈ શકે છે, પરંતુ બેડોળ ચહેરો શનગાર વિના પણ સરસ લાગે છે જો સાચુ સ્મિત અને પ્રેમ હોય. આ વાસ્તવિક સુંદરતા છે; વાસ્તવિક મૂલ્ય આપણી અંદર છે. બાહ્ય સુવિધાઓ માટે ઘણા પૈસાની જરૂર હોય છે - હંમેશા મોટી દુકાનો અને મોટા સુપરમાર્કેટ. પરંતુ આંતરિક શાંતિ માટે કોઈ ખર્ચની જરૂર નથી! આ આંતરિક મૂલ્યો વિશે વિચારો અને તેમની સાથે પોતાને પરિચિત કરો, અને ધીમે ધીમે વિનાશક લાગણીઓ ઘટશે. તેનાથી આંતરિક શાંતિ મળે છે.

વધુ કરુણાપૂર્ણ વલણ અથવા અન્યની સુખાકારી માટે ચિંતાની ભાવના આત્મવિશ્વાસ બનાવે છે. જ્યારે તમે આત્મવિશ્વાસ ધરાવો છો, ત્યારે તમે તમારી બધી ક્રિયાઓ પારદર્શક, સત્યતા અને ઈમાનદારીથી કરી શકો છો. આ અન્ય લોકો સાથે ભરોસો બનાવે છે, અને ભરોસો મિત્રતાનો આધાર છે. આપણે મનુષ્યો સામાજિક પ્રાણીઓ છીએ જેને મિત્રોની જરૂર છે. મિત્રો સત્તા કે પૈસા અથવા તો શિક્ષણ કે જ્ઞાનથી આવતા નથી, પરંતુ મિત્રતા માટેનું મુખ્ય પરિબળ ભરોસો છે. તેથી અન્ય લોકોના જીવન અને સુખાકારી માટે ચિંતા અને આદરની ભાવના એ સંવાદનો આધાર છે.

Top