પૃથ્વી દિવસ માટે દલાઈ લામાનો સંદેશ

ગ્લોબલ વોટર ૨૦૨૦ દ્વારા વિનંતી કરેલ સંદેશ

પૃથ્વી દિવસની આ ૫૦મી વર્ષગાંઠ પર, આપણો ગ્રહ તેના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટેના સૌથી મોટા પડકારોનો સામનો કરી રહ્યો છે. અને તેમ છતાં, આ સંઘર્ષની વચ્ચે, આપણને કરુણા અને પરસ્પર સમર્થનના મૂલ્યની યાદ અપાય છે. વર્તમાન વૈશ્વિક રોગચાળો જાતિ, સંસ્કૃતિ અથવા લિંગના ભેદભાવ વિના આપણા બધાને જોખમમાં નાખે છે અને આપણો પ્રતિભાવ એક માનવતા તરીકે હોવો જોઈએ, જે બધાની સૌથી આવશ્યક જરૂરિયાતો પૂરી પાડે છે.

આપણને ગમે કે ન ગમે, આપણે આ પૃથ્વી પર એક મહાન કુટુંબના ભાગરૂપે જન્મ્યા છીએ. શ્રીમંત હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત, કોઈ એક રાષ્ટ્રના હોઈએ કે બીજા રાષ્ટ્રના, છેવટે આપણામાંના દરેક બીજા બધાની જેમ જ એક માનવ છે. તદુપરાંત, આપણે બધાને ખુશીની શોધ કરવાનો અને દુઃખ ટાળવાનો સમાન અધિકાર છે. જ્યારે આપણે જાણીએ છીએ કે આ સંદર્ભમાં તમામ જીવો સમાન છે, ત્યારે આપણે આપમેળે અન્યો પ્રત્યે સહાનુભૂતિ અને નિકટતા અનુભવીએ છીએ. આમાંથી સાર્વત્રિક જવાબદારીની સાચી ભાવના આવે છે: અન્ય લોકોને તેમની સમસ્યાઓ દૂર કરવામાં સક્રિય રીતે મદદ કરવાની ઇચ્છા.

આપણી ધરતી માતા આપણને સાર્વત્રિક જવાબદારીનો પાઠ શીખવી રહી છે. આ વાદળી ગ્રહ એક આહલાદક નિવાસસ્થાન છે. તેનું જીવન આપણું જીવન છે; તેનું ભવિષ્ય, આપણું ભવિષ્ય. ખરેખર, પૃથ્વી આપણા બધા માટે માતાની જેમ વર્તે છે; તેના બાળકો તરીકે, આપણે તેના પર નિર્ભર છીએ. આપણે જે વૈશ્વિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છીએ તે સમયે આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ તે મહત્વનું છે.

હું ૧૯૫૯ માં તિબેટમાંથી ભાગી ગયા પછી જ પર્યાવરણીય ચિંતાના મહત્વની પ્રશંસા કરી શક્યો, જ્યાં અમે હંમેશા પર્યાવરણને શુદ્ધ માનતા હતા. જ્યારે પણ આપણે પાણીનો પ્રવાહ જોયો, દાખલા તરીકે, તે પીવા માટે સુરક્ષિત છે કે નઈ તેની કોઈ ચિંતા નહોતી. દુર્ભાગ્યે, આજે સમગ્ર વિશ્વમાં શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા એ એક મોટી સમસ્યા છે.

આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સમગ્ર વિશ્વમાં બીમાર અને બહાદુર આરોગ્ય-સંભાળ પ્રદાતાઓને રોગના અનિયંત્રિત ફેલાવાને રોકવા માટે સ્વચ્છ પાણી અને યોગ્ય સ્વચ્છતાની મૂળભૂત આવશ્યકતાઓ ઉપલબ્ધ છે. સ્વચ્છતા એ અસરકારક આરોગ્ય સંભાળના પાયામાંનું એક છે.

યોગ્ય રીતે સજ્જ અને સ્ટાફ ધરાવતી આરોગ્ય-સંભાળ સુવિધાઓની ટકાઉ ઉપલબ્ધતા આપણને વર્તમાન રોગચાળાના પડકારોને પહોંચી વળવામાં મદદ કરશે જે આપણા ગ્રહને તબાહ કરે છે. તે ભવિષ્યમાં જાહેર આરોગ્યની કટોકટી સામે સૌથી મજબૂત સંરક્ષણ પણ પ્રદાન કરશે. હું સમજું છું કે યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં આ જ ચોક્કસ ઉદ્દેશ્યો છે જે વૈશ્વિક સ્વાસ્થ્ય સામેના પડકારોને સંબોધિત કરે છે.

જેમ જેમ આપણે આ સંકટનો એકસાથે સામનો કરીએ છીએ, તે જરૂરી છે કે આપણે વિશ્વભરના આપણા ઓછા નસીબદાર ભાઈઓ અને બહેનોની, ખાસ કરીને મહત્ત્વની જરૂરિયાતો પૂરી પાડવા માટે એકતા અને સહકારની ભાવનાથી કાર્ય કરીએ. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોમાં, આપણામાંના દરેક વધુ ખુશી અને સ્વસ્થ વિશ્વ બનાવવા માટે આપણે બનતું બધું જ કરીશું.

દલાઈ લામા

૨૨ એપ્રિલ ૨૦૨૦

Top