ચાર સાચા તથ્યો
બુદ્ધ શાક્યમુનિએ જ્ઞાન પ્રાપ્તિ દર્શાવ્યા પછી, તેમણે આપણને આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વિવિધ પદ્ધતિઓ શીખવી. મૂળભૂત પદ્ધતિ એ છે કે નિવારક પગલાં લેવા, બીજા શબ્દોમાં કહીએ તો, ધર્મનું પાલન કરવું. પ્રથમ, (૧) સાચી સમસ્યાઓ છે જેનો દરેક વ્યક્તિ સામનો કરે છે. આના (૨) સાચા કારણો છે. તેમ છતાં, આપણે (૩) આ સમસ્યાઓના કારણોને રોકીને તેનો સાચો અંત લાવી શકીએ છીએ, અને આ સાચા અંત લાવવા માટે, આપણે (૪) મનના સાચા માર્ગો વિકસાવવાની જરૂર છે.
પ્રારંભિક સ્તર
આ ચાર સાચા તથ્યો (ચાર ઉમદા સત્યો) ને અનેક સ્તરો પર સમજી શકાય છે. શરૂઆતમાં, પુનર્જન્મની વધુ ખરાબ સ્થિતિમાં પુનર્જન્મ લેવાની સાચી સમસ્યાઓ છે. જો આપણે અત્યંત વેદનાની સ્થિતિમાં હોઈએ, અતિશય બીમારી, ભૂખ, તરસનો અનુભવ કરીએ છીએ, અથવા હંમેશા યાતનાઓથી પીડાતા રહીએ, તો આપણી પાસે આધ્યાત્મિક વિકાસ માટે કોઈ સમય કે શક્યતા રહેશે નહીં. આનું કારણ એ છે કે આપણું મન ગંભીર સમસ્યાઓ અને મુશ્કેલીઓથી ભરાઈ જશે.
આનું સાચું કારણ વિનાશક કૃત્ય છે. જેમ બુદ્ધે શીખવ્યું હતું, જો આપણે પીડા કે વેદના પેદા કરીએ છીએ, તો આપણે પોતે જ તે વેદનાનો અનુભવ કરવો પડશે. બીજી બાજુ, જો આપણે રચનાત્મક રીતે કાર્ય કરીએ છીએ, જો આપણે ખુશી ઉત્પન્ન કરીએ છીએ, તો આપણે આખરે આ ખુશીનો અનુભવ કરીશું. તેથી, જો આપણે તે ગંભીર સમસ્યાઓનો સાચો અંત લાવવા માંગતા હોઈએ, તો આપણે નકારાત્મક કે વિનાશક કાર્યોથી પોતાને રોકવાનો સાચો માર્ગ અપનાવવો જોઈએ.
સૌ પ્રથમ, આપણે એ સમજવું જોઈએ કે આપણી પાસે એક અમૂલ્ય માનવ જીવન છે. હાલમાં, આપણી પાસે આધ્યાત્મિક રીતે વધવા માટે અને વિકાસ કરવાની બધી તકો છે. ઉદાહરણ તરીકે, આપણે કોન્સન્ટ્રેશન કેમ્પમાં નથી કે કોઈ ભયંકર દુષ્કાળનો ભોગ બની રહ્યા નથી. જોકે, આ તકો કાયમ માટે રહેવાની નથી કારણ કે આપણે બધા ચોક્કસ મૃત્યુ પામીશું અને આ અમૂલ્ય માનવ જીવન ખોવાઈ જશે. આ ક્યારે બનશે તેની કોઈ ખાતરી નથી. કોઈપણ ક્ષણે, આપણને ટ્રક ટક્કર મારી શકે છે. જો આપણે અત્યારે મૃત્યુ પામીએ, તો જો આપણે હંમેશા વિનાશક વર્તન કરતા હતા, તો ભવિષ્યમાં આનાથી વધુ ખરાબ સ્થિતિ સર્જાશે. આપણે એવી પરિસ્થિતિઓમાં પુનર્જન્મ પામીશું જેમાં આપણે પોતે જ બનાવેલા પીડા અને વેદનાનો અનુભવ કરવો પડશે. તેથી, આ ભવિષ્યથી ડરીને, આપણે જોઈએ છીએ કે આમાંથી બહાર જવા કોઈ દિશા મળે છે કે નહીં. આપણે ખુદ બુદ્ધોને જોઈએ છીએ.
બુદ્ધ એવા છે જેમણે પોતાની જાતને બધી મર્યાદાઓથી મુક્ત કરી છે જેથી તેમના મન, વાણી અને શરીરની શક્તિઓ અમર્યાદિત અને સ્પષ્ટ રહે. તેમના મન ગુસ્સો, આસક્તિ અથવા કટ્ટરતા જેવી ખલેલ પહોંચાડતી લાગણીઓ અથવા વલણોથી મર્યાદિત નથી. તેઓ માનસિક નીરસતા અથવા માનસિક ભટકતાથી મર્યાદિત નથી. તેમના હૃદય, જેને મનનો એક પાસું પણ માનવામાં આવે છે, તે સ્વાર્થ અથવા પક્ષપાતથી મર્યાદિત નથી. ઉદાહરણ તરીકે, તેમની વાણી વાતચીત કરવાની ક્ષમતામાં મર્યાદિત નથી અને તેમના શરીરમાં ઊર્જા મર્યાદિત નથી. આ રીતે, તેમના મન, તેમના હૃદય, વાણી અને શરીર વિશે બધું સ્પષ્ટ છે. વધુમાં, તેઓએ તેમની બધી સંભાવનાઓને સાકાર કરી છે જેથી તેઓ શક્ય તેટલી ઉચ્ચતમ સ્થિતિમાં વિકસિત થયા છે.
બુદ્ધોએ ફક્ત આ જ નથી કર્યું, પરંતુ તેમણે એ પણ સૂચવ્યું છે કે તેમણે તે કેવી રીતે કર્યું. આ તેમની મર્યાદાઓથી ડૂબી ન જવા માટે નિવારક પગલાં અથવા ધર્મ લઈને કર્યું હતું, જે પોતાના અને અન્ય લોકો માટે સમસ્યાઓ ઊભી કરશે. એવા લોકોનો સમુદાય પણ છે જે આવા લક્ષ્યો પર દૃઢ છે અને તેમાં ઘણા અદ્યતન છે, સંઘ. તો પછી, બુદ્ધ, ધર્મ અને સંઘના સારા ગુણોને જોઈને, અને એવું જીવન જીવવા ન માંગીએ જે આપણા માટે વધુ સમસ્યાઓ ઊભી કરવાની દિશામાં જઈ રહ્યું છે, અને વધુમાં, જો આપણે બુદ્ધ, ધર્મ અને સંઘની દિશામાં જઈએ, તો આ આપણને આવી સમસ્યાઓથી બચવા માટે સક્ષમ બનાવશે, તો આપણે જીવનમાં આપણી સુરક્ષિત દિશા તેમાંથી મેળવી લઈએ છીએ. આશ્રય લેવાનો અર્થ એ છે કે - આપણા જીવનમાં સુરક્ષિત દિશા મૂકવી.
વાસ્તવિક સુરક્ષિત દિશા કારણ અને અસરના નિયમોનું પાલન કરીને સૂચવવામાં આવે છે. તેથી, જો આપણે ભવિષ્યમાં સમસ્યાઓ ટાળવા માંગતા હોઈએ, તો આપણે પોતાને નકારાત્મક વર્તનથી રોકવાનો સાચો માર્ગ અપનાવીએ છીએ, જેમ કે હત્યા, ચોરી, જૂઠું બોલવા વગેરેથી પોતાને રોકવું. આમ, આપણે રચનાત્મક રીતે કાર્ય કરીએ છીએ. આ ચાર સાચી તથ્યોની સમજણનો પ્રારંભિક સ્તર છે.
મધ્યવર્તી સ્તર
મધ્યવર્તી સ્તરે, આપણે ગમે તે પ્રકારની પરિસ્થિતિમાં પુનર્જન્મ લઈએ, આપણે જન્મ લેવા, બીમાર થવા, વૃદ્ધ થવા અને મૃત્યુ જેવી સાચી સમસ્યાઓનો અનુભવ કરીએ છીએ. આપણા પ્રયાસ કરવા પછી પણ આપણે જે મેળવવા માંગીએ છે તે ન મળવાની, અને આપણી સાથે એવી વસ્તુઓ બને છે જે આપણે ઇચ્છતા નથી ની સાચી સમસ્યાઓ છે. આપણી પાસે ઘણી અનિયંત્રિત રીતે વારંવાર આવતી સમસ્યાઓ છે જેમ કે બીજાઓ સાથે હંમેશા મુશ્કેલ સંબંધો રાખવાથી થતી હતાશા, વગેરે. આનું સાચું કારણ સૌ પ્રથમ વાસ્તવિકતા પ્રત્યેની આપણી જાગૃતિનો અભાવ છે - આપણે કોણ છીએ અને આપણે કેવી રીતે અસ્તિત્વમાં છીએ. તેના કારણે, આપણે ચોક્કસ અહંકાર-ઓળખને પકડી રાખીએ છીએ, પરંતુ તેના વિશે આપણે અસુરક્ષિત અનુભવીએ છીએ. પરિણામે, આવી ઓળખનો બચાવ કરવા અથવા દાવો કરવા માટે, આપણું મન આસક્તિ, ક્રોધ, નિષ્કપટતા, અભિમાન, ઈર્ષ્યા, અનિર્ણાયક ડગમગતા વગેરે જેવી ખલેલ પહોંચાડતી લાગણીઓ અને વલણોથી ભરાઈ જાય છે. આના આધારે, આપણા મનમાં વિવિધ આવેગો અથવા કર્મો આવે છે, જે આપણે આવેગજન્ય વર્તનના રૂપમાં કરીએ છીએ. આ આપણે આપણી ઓળખને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસમાં કરીએ છીએ, ઉદાહરણ તરીકે, શક્ય તેટલી વધુ સંપત્તિ, ભૌતિક વસ્તુઓ અથવા મિત્રો એકઠા કરવાનો પ્રયાસ કરીને, અથવા જે કોઈ કે કંઈક આપણને પસંદ નથી તેને ભગાડીને અથવા તેનો નાશ કરવાનો પ્રયાસ કરીને. જ્યારે આપણે આ રીતે આવેગજન્ય વર્તન કરીએ છીએ, જેમ કે એકબીજા સાથે બૂમો પાડીને અથવા ક્રૂર વર્તન કરીને, ત્યારે આ આપણી સાચી સમસ્યાઓનું કારણ બને છે.
જો આપણે આ સમસ્યાઓનો સાચો અંત ઇચ્છતા હોઈએ, તો આપણે સાચા માર્ગ પર ચાલવાની જરૂર છે. સૌ પ્રથમ, આપણે યોગ્ય પ્રેરણા વિકસાવવાની જરૂર છે, જે આપણી સમસ્યાઓથી મુક્ત થવાનો મજબૂત નિશ્ચય છે, જેને ક્યારેક ત્યાગ કહેવામાં આવે છે. આ પ્રેરણાને આપણી પ્રેરણા તરીકે રાખીને, આપણે એવી ભેદભાવપૂર્ણ જાગૃતિ વિકસાવવાની જરૂર છે જેનાથી આપણે વાસ્તવિકતા અથવા શૂન્યતા જોઈ શકીએ. આવી વિદ્વતા મેળવવા માટે, આપણને એકાગ્રતાની જરૂર છે, અને આપણા મન પર આટલું નિયંત્રણ રાખવા માટે, આપણે આપણા શરીર અને વાણીની સ્થૂળ ક્રિયાઓને નિયંત્રિત કરવા સક્ષમ બનવાની જરૂર છે. તેથી, આપણે નૈતિક સ્વ-શિસ્ત રાખવાની જરૂર છે. ઉચ્ચ નૈતિક સ્વ-શિસ્ત, એકાગ્રતા અને વિદ્વતા - આ ત્રણ ઉચ્ચ તાલીમના આ માર્ગને અનુસરીને આપણે શૂન્યતા જોવા માટે ભેદભાવપૂર્ણ જાગૃતિ મેળવી શકીએ છીએ: અસ્તિત્વના તમામ અશક્ય માર્ગોનો સંપૂર્ણ અભાવ.
કારણ કે આપણે વાસ્તવિકતાથી અજાણ છીએ અને આપણે કોણ છીએ અને આપણે અને દુનિયા કેવી રીતે અસ્તિત્વમાં છે તે અંગે મૂંઝવણ અનુભવીએ છીએ, આપણે તેમને અશક્ય રીતે અસ્તિત્વમાં હોવાનું સમજીએ છીએ, જેમ કે દરેક વસ્તુ નક્કર અને સ્વતંત્ર છે. જોકે, કંઈપણ આવી કાલ્પનિક અશક્ય રીતે અસ્તિત્વમાં નથી. બધું આવી અશક્ય રીતે અસ્તિત્વમાં રહેવાથી વંચિત છે. જોકે, આનો અર્થ એ નથી કે કંઈપણ અસ્તિત્વમાં નથી. તેના બદલે, જે કંઈ અસ્તિત્વમાં છે તે આશ્રિત રીતે ઉદ્ભવવાની રીતે અસ્તિત્વમાં છે, બધું કારણો અને સંજોગો પર, ભાગો પર, અથવા મન અને માનસિક લેબલિંગની પ્રક્રિયા સાથેના સંબંધમાં ઉદ્ભવે છે. સમજણ અને અનુભૂતિના આવા સાચા માર્ગ દ્વારા, આપણે માનસિક અસ્પષ્ટતાઓ અથવા માનસિક અવરોધોને દૂર કરી શકીએ છીએ જે ખલેલ પહોંચાડે છે અને મુક્તિ મેળવી શકીએ છીએ. આ ચાર સાચા તથ્યોની સમજણનું મધ્યવર્તી સ્તર છે.
અદ્યતન સ્તર
અદ્યતન સ્તરે, આપણે જોઈએ છીએ કે ફક્ત આપણે પોતે જ સમસ્યાઓનો અનુભવ કરતા નથી, પરંતુ દરેક વ્યક્તિ સમાન સમસ્યાઓનો અનુભવ કરે છે. તેથી, આ સ્તરે, સાચી સમસ્યાઓ એ છે જેનો દરેક વ્યક્તિ સામનો કરે છે. વધુમાં, બીજી સાચી સમસ્યા એ છે કે આપણે દરેકને તેમની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરવામાં અસમર્થ છીએ. આ સમસ્યાઓના સાચા કારણો, સૌ પ્રથમ, સ્વાર્થ છે જેમાં આપણે ફક્ત પોતાના વિશે ચિંતિત છીએ અને બીજાઓને અવગણીએ છીએ. પછી, માનસિક અસ્પષ્ટતાઓ અથવા માનસિક અવરોધો પણ છે જે આપણને બીજાઓને લાભ પહોંચાડવા માટેના તમામ કુશળ માધ્યમોને જાણવાથી અટકાવે છે, બીજા શબ્દોમાં કહીએ તો, અસ્પષ્ટતાઓ આપણા સર્વજ્ઞતાને અટકાવે છે. આનો સાચો રોકાણ ફક્ત આપણી પોતાની સમસ્યાઓથી મુક્ત થવાનો જ નહીં, પરંતુ બુદ્ધની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આગળ વધવાનો છે, જેમાં આપણે આપણી બધી મર્યાદાઓને દૂર કરીએ છીએ અને આપણી બધી સંભાવનાઓનો અનુભવ કરીએ છીએ જેથી આપણે શક્ય તેટલો દરેકને લાભ આપી શકીએ.
આ તરફ દોરી જતો સાચો માર્ગ, સૌ પ્રથમ, બોધિચિત્તની પ્રેરણા વિકસાવવી છે, જે આપણા હૃદયને બીજા બધા માટે અને જ્ઞાન પ્રાપ્તિ માટે, બધાને લાભ પહોંચાડવા માટે સક્ષમ બુદ્ધની સ્થિતિ માટે વિસ્તૃત અથવા ખુલ્લા કરે છે. આને આપણી પ્રેરણા તરીકે રાખીને, આપણે દૂરગામી વલણો અથવા પૂર્ણતાઓનો વિકાસ અને અભ્યાસ કરીએ છીએ, જે બધા કાળજી રાખનારા પ્રેમ અને કરુણાપૂર્ણ સહાનુભૂતિ પર આધારિત છે. આ ઉદારતા, સ્વ-શિસ્ત, ધીરજવાન સહિષ્ણુતા, આનંદી દ્રઢતા, મનની સ્થિરતા (એકાગ્રતા) અને ભેદભાવપૂર્ણ જાગૃતિ (વિદ્વતા) ના વલણો છે. દૂરગામી ભેદભાવ સાથે, આપણે એ જ વાસ્તવિકતા અથવા શૂન્યતા જોઈએ છીએ જે આપણી ખલેલ પોંહચાડતી લાગણીઓને દૂર કરવા અને મુક્તિ મેળવવા માટે જોવાની જરૂર છે. જોકે, કારણ કે બોધિચિત્તનું આપણી પ્રેરણા તરીકે બળ, મુક્ત થવાના નિશ્ચય કરતાં ઘણું મજબૂત છે, તે સમજણમાં વધુ ઊર્જા છે.
જો આપણી પાસે ફક્ત આપણી સમસ્યાઓથી મુક્ત થવાનો દૃઢ નિશ્ચય હોય, તો આ વાસ્તવિકતાની આપણી સમજણ પાછળ મર્યાદિત માત્રામાં ઊર્જા પૂરી પાડે છે. જો કે, વાસ્તવિકતા જોવાની આપણી પ્રેરણા, વધુમાં, દરેકને લાભ પહોંચાડવા માટે સક્ષમ હોય, તો આ ઘણી મોટી ઊર્જા ઉમેરે છે. આમ, આપણી સમજ અસ્પષ્ટતાના બંને સ્તરોને કાપી શકે છે, ફક્ત ખલેલ પોંહચાડતી લાગણીઓ જ નહીં, પણ સર્વજ્ઞતાને અટકાવતી અસ્પષ્ટતાઓને પણ.
ઉદાહરણ તરીકે, ધારો કે ઝેરી સર્પદંશનો ઇલાજ કેવી રીતે કરવો તે અંગે એક તબીબી વ્યાખ્યાન છે. જો કોઈ વિદ્યાર્થી ફક્ત ડૉક્ટર બનવા માટે આનો અભ્યાસ કરી રહ્યો છે, જેથી તે ઘણા પૈસા કમાઈ શકે અને તેની આર્થિક સમસ્યાઓ દૂર કરી શકે, તો તે આ વ્યાખ્યાન ફક્ત ચોક્કસ શક્તિથી સાંભળશે. જો કે, અગર એક માતા જેના બાળકને હમણાં જ સાપે કરડ્યું છે તે વર્ગખંડમાં દોડી આવે છે, તો કારણ કે તેણીને તેના બાળકના સાજા થવા માટે ખૂબ જ તીવ્ર ચિંતા છે, તે વધુ તીવ્રતાથી સર્પદંશનો ઇલાજ કેવી રીતે કરવો તે શીખવા માંગશે. તેવી જ રીતે, જ્યારે આપણી વાસ્તવિકતાની સમજણ પાછળ બોધિચિત્ત પ્રેરણા હોય છે, ત્યારે તે તેમાં વધુ મજબૂત શક્તિ ઉમેરે છે, જેથી આપણી સમજણ આપણી બધી માનસિક અસ્પષ્ટતાઓને દૂર કરી શકે.
આ પ્રકારની પદ્ધતિમાં મનનો એક રસ્તો અથવા માર્ગ શામેલ છે જે પદ્ધતિ અને વિદ્વતા જોડે છે. જોકે, સૂત્ર સ્તરે, અહીં તેઓ જે રીતે જોડાય છે, તે એવી નથી કે જેમાં બંને એક સાથે થાય છે. તેના બદલે, તે એક એવી પદ્ધતિ છે જેમાં દરેક બીજાના સંદર્ભમાં થાય છે. આમ, આપણા હૃદયને બીજા બધા સુધી વિસ્તૃત કરવાની અને તેમને લાભ આપવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ આપણી પાસે વિદ્વતા, અથવા વાસ્તવિકતાની સમજણ હોવાના સંદર્ભમાં છે, અને એવી જ રીતે એનું ઊલટું પણ લાગુ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે આપણા હૃદય બીજા બધા તરફ વિસ્તરે છે, ત્યારે આ સંદર્ભમાં છે અથવા આપણા મન વાસ્તવિકતા તરફ વિસ્તરે છે. જ્યારે આપણા મન વાસ્તવિકતા તરફ વિસ્તરે છે, ત્યારે તે આપણા હૃદયના બીજા બધા તરફ વિસ્તરે છે તેના સંદર્ભમાં છે. આ રીતે, એક બીજાના સંદર્ભમાં છે, અને જ્યાં સુધી આપણે બુદ્ધ ન બનીએ, ત્યાં સુધી બંને એક મનમાં એક સાથે થઈ શકતા નથી.
પદ્ધતિ અને વિદ્વતાના આ સંયોજનથી, આપણી બધી માનસિક અસ્પષ્ટતાઓને દૂર કરવામાં ખૂબ લાંબો સમય લાગે છે. હકીકતમાં, ત્રણ અસંખ્ય યુગો તરીકે ઓળખાતી, જ્યાં અસંખ્ય સૌથી મોટી મર્યાદિત સંખ્યા છે, જેમાં ૧૦ છે અને એના પાછળ ૬૦ શૂન્ય છે એટલું લાબું લાગે છે. ચાલો તેને એક ઝિલિયન કહીએ. આ સમયનો એક જબરદસ્ત સમયગાળો છે અને અન્ય લોકો આપણી મર્યાદાઓને દૂર કરવામાં અને આપણી બધી સંભાવનાઓને સાકાર કરવામાં આટલો લાંબો સમય લાગે તેની રાહ જોઈ શકતા નથી જેથી આપણે તેમને શ્રેષ્ઠ લાભ આપી શકીએ. આ જ તે જગ્યા છે જ્યાં તંત્રનો ઉપયોગ થાય છે. તંત્ર એ એક મહાયાન અથવા વિશાળ મનની અભ્યાસ છે જેનો ઉપયોગ બુદ્ધની સ્થિતિ સુધી પહોંચવા માટે - સૌથી ઝડપથી અને અસરકારક રીતે - શક્ય તેટલી માત્રા માં અને શક્ય તેટલું જલ્દી બીજાઓને લાભ પહોંચાડવા માટે કરવામાં આવે છે. તે ચાર સાચા તથ્યોના સંદર્ભમાં આપણે હમણાં જ ચર્ચા કરેલી બધી પદ્ધતિઓ પર આધારિત છે.