કરુણા વિકસાવવાના લાભો

બૌદ્ધ ધર્મમાં, કરુણા ફક્ત એક ઉમદા આદર્શ કરતાં વધુ છે; તે એક શક્તિશાળી અને પરિવર્તનશીલ શક્તિ છે જે આપણા આધ્યાત્મિક અભ્યાસના હૃદયમાં છે. કરુણા વિકસાવવી એ સંપૂર્ણપણે જરૂરી છે, ફક્ત આપણા વ્યક્તિગત વિકાસ માટે જ નહીં, પરંતુ વધુ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વિશ્વ બનાવવા માટે પણ - એવી વસ્તુ જે આપણે લગભગ બધા જ ઈચ્છીએ છીએ. ફક્ત આપણી અંદર કરુણાની વ્યાપક ભાવના કેળવીને, આપણે બીજાઓના જીવનને અવિશ્વસનીય રીતે સ્પર્શી શકીએ છીએ, જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ લાવી શકીએ છીએ અને જ્યાં વેદના છે ત્યાં સાંત્વના આપી શકીએ છીએ. આ કરુણાની શક્તિ છે.

આપણે કરુણા શા માટે વિકસાવવી જોઈએ?

આપણામાંથી કેટલાક પૂછી શકે છે, "મારે કરુણા શા માટે વિકસાવવી જોઈએ?" આપણે આપણા જીવનમાં ખુશ અને સફળ હોઈ શકીએ છીએ અને એવું કંઈક વિકસાવવાની જરૂર નથી લાગતી જે આપણા માટે બહુ ફાયદાકારક નથી લાગતી. પરંતુ જો આપણે ખુશ અને સફળ અનુભવીએ છીએ, તો આપણે ચકાસી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આમાંથી કેટલું બધું અન્ય લોકો પર આધારિત છે, જેમ કે આપણે જે ખાઈએ છીએ તે ખોરાક જેઓ ઉગાડે છે અને આપણે ઉપયોગમાં લઈએ છીએ તે રસ્તાઓની જેઓ જાળવણી કરે છે. બીજાઓ વિના, આપણે ક્યાં હોત?

જ્યારે આપણે સમજીએ છીએ કે, હકીકતમાં, આપણે આપણી આસપાસની દુનિયા પ્રત્યે ઘણું ઋણી છીએ, ત્યારે આપણે જોઈશું કે કરુણા વિકસાવવી એ એક ચાવી છે જે નજીકના અને દૂરના અન્ય લોકો સાથે વધુ ઊંડા જોડાણને ખોલે છે. બુદ્ધે શીખવ્યું હતું કે બધા જીવો એકબીજા સાથે જોડાયેલા છે, અને આમ બીજાઓની ખુશી અને વેદના આપણા પોતાની ખુશી અને વેદના સાથે ગૂંચવણભર્યા રીતે જોડાયેલી છે.

જ્યારે આપણે કરુણા વિકસાવીએ છીએ, ત્યારે કંઈક નોંધપાત્ર થાય છે: આપણે આપણી જાત અને આપણી વ્યક્તિગત જરૂરિયાતો, ઇચ્છાઓ અને ચિંતાઓથી આગળ જોવાનું શરૂ કરીએ છીએ. આપણે એ સમજવાનું શરૂ કરીએ છીએ કે બીજાઓની ખુશી અને સુખાકારી આપણા પોતાના જેટલું જ મહત્વનું છે. તિબેટીયન ગુરુઓ દ્વારા શીખવવામાં આવતી એક સુંદર કસરત એ છે કે એક બાજુ આપણી જરૂરિયાતો અને ઇચ્છાઓ સાથે એકલા પોતાને ચિત્રિત કરીએ, જ્યારે બીજી બાજુ, બીજા બધા - બધા જીવો, દરેક પોતાની આશાઓ અને સંઘર્ષો સાથે. અને પછી આપણે પોતાને પૂછીએ છીએ: કોની જરૂરિયાતો વધુ છે, મારી એકલાની, કે બીજા બધાની અસંખ્ય જરૂરિયાતો? દ્રષ્ટિકોણમાં આ પરિવર્તન ફક્ત બીજાઓને મદદ કરવા વિશે નથી - તે આપણને આપણી પોતાની સ્વ-કેન્દ્રિતતામાં ફસાયેલા રહેવાથી પણ મુક્ત કરે છે, જ્યાં આપણે ફક્ત પોતાના વિશે વિચારીએ છીએ.

જો તમે બીજાઓને ખુશ કરવા માંગતા હો, તો કરુણાનો અભ્યાસ કરો. જો તમે ખુશ રહેવા માંગતા હો, તો કરુણાનો અભ્યાસ કરો. — પરમ પવિત્ર ૧૪મા દલાઈ લામા

વધુમાં, બુદ્ધના મતે, કરુણા એ સાચા ખુશીનો સ્ત્રોત છે. ભૌતિક વસ્તુઓ અથવા આપણી કારકિર્દીમાં સિદ્ધિઓનો પીછો કરવાથી - જે ફક્ત કામચલાઉ સંતોષ આપે છે -  એનાથી વિપરીત કરુણા કાયમી પરિપૂર્ણતા લાવે છે. તે આપણને નાના, રોજિંદા ક્ષણોમાં આનંદ શોધવા દે છે - જેમ કે બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના કંઈક આપવું અથવા ફક્ત કોઈ અજાણી વ્યક્તિ સામે જોઈને હંસવું. આ ખુશી બાહ્ય સંજોગો પર આધારિત નથી; તે કુદરતી રીતે અન્ય લોકોની સંભાળ રાખીને અને તેમની સાથે માનવી તરીકે જોડાવાથી ઉદ્ભવે છે, જેઓ, આપણી જેમ, ખુશ રહેવા માંગે છે.

કરુણા વિકસાવવા ના લાભો

શરૂઆતમાં, એવું લાગે છે કે બીજાઓના વેદના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અને તેના વિશે કંઈક કરવાની ઇચ્છા આપણને ભાવનાત્મક રીતે દબાવી દેશે. પરંતુ, વિરોધાભાસી રીતે, આપણે જેટલી વધુ કરુણા કેળવીશું, તેટલું જ આપણે પોતાને ઉત્થાન આપીશું, આપણા પોતાના જીવનમાં વધુ શાંતિ અને હેતુ શોધીશું. સરળ શબ્દોમાં કહીએ તો, કરુણા વિકસાવવાથી આપણા અને આપણી આસપાસની દુનિયા બંનેને અસંખ્ય ફાયદા થાય છે.

વ્યક્તિગત સ્તરે, કરુણા તણાવ, ચિંતા અને હતાશા ઘટાડવા માટે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. તે આપણને ભાવનાત્મક શક્તિ કેળવવામાં મદદ કરે છે, જેનાથી જીવનના તમામ પડકારોનો સામનો કરવાનું સરળ બને છે. કરુણા આપણા અંગત સંબંધોને પણ સમૃદ્ધ બનાવે છે, જેનાથી આપણે વધુ સમજદાર, ધીરજવાન અને જેની આપણે કાળજી કરીએ છીએ તેમના પ્રત્યે સહાયક બનીએ છીએ.

વ્યાપક સ્તરે, કરુણામાં સમાજને બદલવાની શક્તિ છે. જ્યારે આપણે કરુણા સાથે કાર્ય કરીએ છીએ, ત્યારે આપણે દયા અને સહાનુભૂતિની સંસ્કૃતિમાં ફાળો આપીએ છીએ. આ એક સકારાત્મક વાતાવરણ બનાવે છે જ્યાં લોકો મૂલ્યવાન અને સમર્થિત અનુભવે છે, જે વધુ સામાજિક સંવાદિતા અને એકતા તરફ દોરી જાય છે.

કદાચ, જોકે, કરુણાનો સૌથી મોટો લાભ એ છે જે રીતે તે આપણને આપણા સાચા સ્વભાવ સાથે જોડે છે. કરુણા આપણને અલગતાના ભ્રમથી આગળ જોવામાં મદદ કરે છે, જે બધા જીવનના પરસ્પર જોડાણને પ્રગટ કરે છે. આ અનુભૂતિમાં, આપણે ફક્ત હેતુની ભાવના જ નહીં પણ લાંબા ગાળાની શાંતિ અને પરિપૂર્ણતાનો માર્ગ પણ શોધીએ છીએ.

કરુણા વિકસાવવાની રીતો

બુદ્ધે કરુણા કેળવવાની ઘણી રીતો શીખવી. શક્ય તેટલા વધુ લોકો સાથે તાલીમ કરીને, આપણી કરુણા ધીમે ધીમે બીજાઓ પ્રત્યે આપમેળે પ્રતિભાવ બની જાય છે અને દયાના સ્વયંભૂ કાર્યો તરફ દોરી જાય છે.

બીજાઓના વેદના પર ચિંતન કરવું

આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં વધુને વધુ લોકો "કરુણાનો થાક" અનુભવે છે. આપણા સમાચાર અને સોશિયલ મીડિયા પર યુદ્ધો, દુષ્કાળ અને અન્ય આફતોની છબીઓ સતત છલકાતી રહે છે, જેના કારણે આપણામાંથી ઘણા લોકો વધુ વેદના સહન કરવા તૈયાર નથી અને ગભરાઈ જાય છે.

જોકે, કરુણા વિકસાવવાની સૌથી અસરકારક રીતોમાંની એક એ છે કે બીજાઓના વેદના પર સક્રિયપણે ચિંતન કરવું. તેથી, જ્યારે આપણે સમાચારમાં કોઈ દુર્ઘટના જોઈએ છીએ, ત્યારે આપણે ફક્ત "અરે, કેટલું ભયંકર થયું" એવું વિચારીને પછી તરત જ આગળ વધતા નથી. ચાલો શરણાર્થીઓ વિશેની વાર્તાનું ઉદાહરણ લઈએ. આપણે થોડો સમય કાઢીને વિચારી શકીએ છીએ કે કોઈને પોતાનું વતન અને આખું જીવન કંઈક અજાણ્યા માટે છોડી દેવું કેટલી ભયાનક પરિસ્થિતિ છે. તેઓ ઘણીવાર સલામતી શોધવા માટે ખતરનાક મુસાફરી પર પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને એટલું જ નહીં, પણ જ્યારે તેઓ આખરે પહોંચે છે, ત્યારે તેમને શંકા, ભય અથવા ઉદાસીનતા ની નજરે પણ જોવામાં આવે છે. વિચારો કે જો આપણે અથવા આપણા પ્રિયજનો તે પરિસ્થિતિમાં હોત તો તે કેટલું ભયાનક હોત, અને સ્વાભાવિક રીતે, કરુણાની ભાવના ઉત્પન્ન થાય: "કોઈને પણ આવી વેદનામાંથી પસાર થવું ન પડે."

અહીં, આપણે જોઈ શકીએ છીએ કે વેદના પર ચિંતન કરવાનો અર્થ એ નથી કે વેદના કે ઉદાસી પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેમાં ડૂબી જવું, પરંતુ એ સ્વીકારવું કે વેદના એક સાર્વત્રિક અનુભવ છે. આપણી આસપાસના લોકો અને દૂરના દેશોમાં રહેતા લોકો - જે પડકારોનો સામનો કરે છે તે સ્વીકારીને, આપણે તેમના વેદનાને દૂર કરવાની સાચી ઇચ્છા કેળવી શકીએ છીએ.

દયાના કાર્યોમાં ભાગ લેવો

જેમ ઉલ્લેખ કર્યો છે તેમ, કરુણા એ ફક્ત આપણે અનુભવીએ એ નથી, તે એ છે જે આપણે કરીએ છીએ. નાના નાના દયાળુ કાર્યો પણ - પછી ભલે તે મદદનો હાથ બતાવવાનો હોય, કોઈને વાત કરવાની જરૂર હોય ત્યારે સાંભળવું હોય, અથવા ફક્ત કોઈ અજાણી વ્યક્તિ તરફ જોઈને હંસવું હોય - આપણને આપણી કરુણાને વ્યવહારમાં ઉતારવાની મંજૂરી આપે છે.

આ નાના દયાળુ કાર્યો કદાચ નજીવા લાગે, પરંતુ તે મોટી અસર કરી શકે છે, જે આપણે કલ્પના કરતાં વધુ જીવનોને સ્પર્શે છે. દયા એક સ્નાયુ જેવી છે, અને તેથી આપણે જે દયાળુ કાર્ય કરીએ છીએ તે, ભલે ગમે તેટલું નાનું હોય, આપણી પોતાની કરુણાને મજબૂત બનાવે છે, ભવિષ્યમાં સહાનુભૂતિ અને કાળજી સાથે પ્રતિક્રિયા આપવાનું સરળ બનાવે છે. એવા દુનિયામાં જે વિભાજિત લાગે છે, દયાળુતાના આ નાના કાર્યો ખરેખર આપણને અન્ય જીવોની નજીક લાવવામાં અને વિશ્વને થોડું તેજસ્વી બનાવવામાં મદદ કરી શકે છે.

પરોપકારી પ્રેમનો અભ્યાસ કરવો

પરોપકારી પ્રેમ, બીજાઓ ખુશ રહે તેવી ખરી ઇચ્છા, કરુણા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તે એક શક્તિશાળી અભ્યાસ છે જેમાં આપણે આપણી જાતને સ્વ-કેન્દ્રિત ચિંતાઓથી એક વ્યાપક પ્રેમ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે તાલીમ કરીએ છીએ જે બધા જીવોને સમાવી લે છે. આમ કરીને, આપણે શાંતિ અને પરિપૂર્ણતાના સ્ત્રોતને ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ જે સંપૂર્ણપણે આપણી અંદર છે.

જેમ મેથિયુ રિકાર્ડ, બૌદ્ધ સાધુ જેને ઘણીવાર "વિશ્વનો સૌથી ખુશ માણસ" તરીકે ઓળખવામાં આવે છે, તે કહે છે, "પરોપકાર એ કેળવવા માટે શ્રેષ્ઠ મનની સ્થિતિ છે કારણ કે તે આપણા માટે અને અન્ય લોકો માટે સૌથી વધુ ફાયદા ઉત્પન્ન કરે છે." જ્યારે આપણે દૈનિક ધોરણે પરોપકારી પ્રેમનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે સ્વાભાવિક રીતે વધુ કરુણાપૂર્ણ અને ખુલ્લા હૃદયનો વિકાસ કરીએ છીએ.

આ અભ્યાસ માટે ભવ્ય વર્તન ની જરૂર નથી; તે દિવસભર મળતા લોકો માટે ખરેખર ખુશીની ઇચ્છા રાખવા જેવી સરળ વસ્તુથી શરૂ થઈ શકે છે. ભલે તે રસ્તા પર કોઈ અજાણી વ્યક્તિને કંઈક બોલ્યા વગર શુભેચ્છાઓ આપવાનું હોય, મિત્રને શાંતિ મળે તેવી આશા હોય, અથવા વિશ્વભરના પીડિતોને પ્રેમ મોકલવાનું હોય, દયાના આ નાના, ઇરાદાપૂર્વકના કાર્યો પ્રેમ અને કરુણા માટેની આપણી ક્ષમતાને વિસ્તૃત કરવામાં મદદ કરે છે.

ક્યારેક, આપણને એવા લોકો માટે પરોપકારી પ્રેમ અનુભવવાનું સરળ લાગે છે જેઓ બહારથી પીડિત દેખાય છે. આપણે શેરીમાં કોઈ ભિખારીને જોઈ શકીએ છીએ અને તરત જ કોઈ પ્રકારની લાગણી અનુભવી શકીએ છીએ, "અરે, તેમને તેમના સંઘર્ષમાંથી ખુશી અને રાહત મળે." પરંતુ પછી, જ્યારે આપણે કોઈ એવી વ્યક્તિને જોઈએ છીએ જે શ્રીમંત દેખાય છે અને તેની પાસે બધું જ છે, ત્યારે આપણે વિચારીએ છીએ, "મારે તેમના ખુશ રહેવાની ઇચ્છા શા માટે કરવી જોઈએ? તેમની પાસે પહેલેથી જ બધું છે!" જોકે, પરોપકારી પ્રેમ બાહ્ય અનુભવોથી આગળ વધે છે. ભલે કોઈ સંઘર્ષ કરી રહ્યું હોય કે સમૃદ્ધ, આપણે યાદ રાખવું જોઈએ કે દરેક વ્યક્તિ ખુશીને પાત્ર છે.

આ માટે, બુદ્ધે પ્રેમાળ-દયા ધ્યાન શીખવ્યું. આ અભ્યાસમાં, આપણે પોતા માટે પ્રેમ અને દયાની લાગણીઓ ઉત્પન્ન કરીને શરૂઆત કરીએ છીએ, અને પછી તે જ લાગણીઓને અન્ય લોકો સુધી પહોંચાડીએ છીએ: પહેલા પ્રિયજનો સુધી, પછી તટસ્થ લોકો સુધી, અને અંતે જેમને આપણે મુશ્કેલ અથવા પડકારજનક શોધીએ છીએ. ધ્યેય એ છે કે આપણા પ્રેમ અને કરુણાના વર્તુળને ધીમે ધીમે વિસ્તૃત કરીએ જ્યાં સુધી તેમાં અપવાદ વિના બધા જીવોનો સમાવેશ ન થાય. સમય જતાં, આપણે સ્વાભાવિક રીતે જ આપણે જે પણ લોકોને મળીએ છીએ તેમના માટે ખુશીની ઇચ્છા રાખીશું.

સચેતતા અને ધ્યાન

સચેતતા એ આપણા વિચારો, લાગણીઓ અને આસપાસના વાતાવરણ પ્રત્યે સંપૂર્ણપણે હાજર રહેવાની અને કોઈ પણ નિર્ણય લીધા વિના જાગૃત રહેવાની અભ્યાસ છે. જ્યારે આપણે આ કૌશલ્યને તીક્ષ્ણ બનાવીએ છીએ - જે આપણે બધા કરી શકીએ છીએ - ત્યારે આપણને આપણા પોતાના વેદના અને બીજાઓના વેદનાની સ્પષ્ટ સમજ મળે છે. જેમ જેમ આપણી જાગૃતિ વધે છે, સ્વાભાવિક રીતે આપણી કરુણા પણ વધે છે, કારણ કે આપણે જોવાનું શરૂ કરીએ છીએ કે વેદના એ માનવ સ્થિતિનો મૂળભૂત ભાગ છે જેનો આપણે બધા અનુભવ કરીએ છીએ.

મહાન બૌદ્ધ સાધુ અને શિક્ષક થિચ નટ હાન્હે ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, "સચેતતા કરુણાને જન્મ આપે છે." જ્યારે આપણે વધુ સચેત બનીએ છીએ, ત્યારે આપણે ફક્ત તરત જ દેખાય એવા માર્ગો જ નહીં, પણ તે સૂક્ષ્મ માર્ગો પણ જોવાનું શરૂ કરીએ છીએ જેમાં આપણે અને અન્ય લોકો પીડા, ભય અને હતાશાનો અનુભવ કરીએ છીએ. આ સમજણ આપણા હૃદયને નરમ બનાવે છે જેથી બળતરા અથવા હતાશા સાથે પ્રતિક્રિયા કરવાની બદલે, આપણે કરુણા અને દયાથી પ્રતિક્રિયા આપી શકીએ.

સચેતતા અને ધ્યાન દ્વારા, આપણે ઓળખીએ છીએ કે દરેક વ્યક્તિ, ભલે તેમના જે પણ સંજોગો હોય, પોતાના સંઘર્ષો અને પડકારોનો સામનો કરે છે. આ આપણને તાત્કાલિક નિર્ણય અને નિષ્કર્ષોથી આગળ વધવામાં મદદ કરે છે જેના પર આપણે સરળતાથી કૂદીએ છીએ. જેમ જેમ આપણે ધીમે ધીમે બધા જીવો પ્રત્યે આપણી કરુણા ફેલાવવાનો અભ્યાસ કરીએ છીએ, તેમ તેમ આપણે અલગતાની દિવાલો અને ઘણીવાર શ્રેષ્ઠતાને તોડી પાડવાનું શરૂ કરીએ છીએ, જે ઘણીવાર આપણને અન્ય લોકો સાથે ઊંડાણપૂર્વક જોડાવાથી અટકાવે છે. આ સાથે, આપણે સામાજિક માણસો તરીકે આપણી પોતાની ખુશીમાં અને આપણી આસપાસના બધા લોકોની ખુશીમાં ફાળો આપીએ છીએ.

નિષ્કર્ષ: સાચી કરુણાનો માર્ગ

થિચ નટ હાન્હે કહ્યું, "કરુણા એક ક્રિયાપદ છે." તે એવી વસ્તુ છે જે આપણે સક્રિયપણે કેળવવાની જરૂર છે, ફક્ત તે લોકો માટે જ નહીં જેઓ દેખીતી રીતે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ આપણે જેને પણ મળીએ છીએ તેમના માટે. ભલે તે નાના દયાળુ કાર્યો દ્વારા હોય, બીજાના વેદના પર ચિંતન કરીને હોય, કે પ્રેમાળ દયા ધ્યાન દ્વારા હોય, આપણી અંદર કરુણાનું બીજ બધા જીવો માટે સાચી ચિંતાના ફૂલમાં ખીલી શકે છે.

મનુષ્ય તરીકે, આપણી વ્યક્તિગત જરૂરિયાતો અને ચિંતામાં ખોવાઈ જવું ખૂબ જ સરળ છે, પરંતુ દરેક વ્યક્તિ, ભલે તે કોઈ પણ હોય અથવા ક્યાંઇથી પણ આવે છે અથવા તેઓ કેવા પણ દેખાય છે, તે પણ ખુશી અને વેદનામાંથી રાહત ઇચ્છે છે. અહીં આપણે ફરક લાવવા માટે પગલું ભરી શકીએ છીએ. આપણે વિચારી શકીએ છીએ કે આપણે તુચ્છ છીએ, પરંતુ બુદ્ધે આપણને શીખવ્યું કે બધું અને દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલા છે. આનો અર્થ એ છે કે આપણે અજાણ્યાઓને જે સ્મિત આપીએ છીએ અને દરેક મિનિટ જે આપણે પ્રેમાળ દયા ધ્યાન કરવામાં વિતાવીએ છીએ, તે બધું આપણા પર અને આપણી આસપાસના લોકો પર સકારાત્મક અસર કરે છે.

Top