બોધિચિત્ત નો વિકાસ કેવી રીતે કરવો તે માટે બે પરંપરાઓ છે, અન્ય લોકો માટે સંપૂર્ણ રીતે સમર્પિત હૃદય અને તેમને શક્ય તેટલો લાભ થાય તે માટે જ્ઞાન પ્રાપ્ત કરવું - સાત-ભાગની કારણ અને અસર પરંપરા અને સ્વ અને અન્ય લોકો પ્રત્યેના આપણા વલણને સમાન બનાવવા અને વિનિમય કરવાની પરંપરા. દરેક પાસે પ્રારંભિક તરીકે અગાઉથી સમાનતા વિકસાવવાની એક અલગ અથવા વિશિષ્ટ રીત છે. જો કે દરેકનું નામ સમાન છે, સમતા, જે પ્રકારની સમતા વિકસિત થાત છે એ અલગ છે.
- સાત-ભાગના કારણ અને અસર ધ્યાનમાં દરેકને આપણી માતા તરીકે ઓળખતા પહેલા જે સમતા આવે છે તેમાં મિત્ર, દુશ્મન અને અજાણી વ્યક્તિની કલ્પનાનો સમાવેશ થાય છે અને તે સમતા છે જેનાથી આપણે આસક્તિ અને દ્વેષની લાગણીઓ કરવાનું બંધ કરીએ છીએ. તેનું એક નામ, હકીકતમાં, "માત્ર સમતા કે જેનાથી આપણે મિત્રો, દુશ્મનો અને અજાણ્યાઓ પ્રત્યે આસક્તિ અને દ્વેષ રાખવાનું બંધ કરીએ છીએ." અહીં માત્ર શબ્દનો અર્થ એ છે કે બીજી પદ્ધતિ અસ્તિત્વમાં છે જે આગળ કંઈક કરે છે. આ પ્રથમ પ્રકારની સમતાનું બીજું નામ છે "માત્ર સમતા કે જે શ્રાવકો અને પ્રતિકબુદ્ધો વચ્ચે સમતા કેળવવાનો માર્ગ સામાન્ય છે." શ્રાવકો (શ્રોતાઓ) અને પ્રતિકબુદ્ધો (સ્વયં-વિકાસ કરનારા) એ બુદ્ધના ઉપદેશોના હિનયાન (સાધારણ વાહન)ના બે પ્રકારના પ્રેક્ટિશનરો છે. અહીં, માત્ર એ સૂચવે છે કે આ પ્રકારની સમતા સાથે, આપણી પાસે બોધિચિત્તનું સમર્પિત હૃદય નથી.
- સ્વ અને અન્ય પ્રત્યેના આપણા વલણને સમાન બનાવવા અને વિનિમય કરવા માટે આપણે પ્રારંભિક તરીકે જે સમતા વિકસાવીએ છીએ તે માત્ર ઉપરોક્ત પ્રકારની સમતા નથી. તે સમતા છે કે જેની સાથે આપણા બધા મર્યાદિત માણસોને લાભ અને મદદ કરવામાં અને તેમની સમસ્યાઓ દૂર કરવામાં સામેલ વિચારો અથવા કાર્યોમાં આપણે નજીકની કે દૂરની લાગણી જોતા નથી. સમતા વિકસાવવા માટે આ ખાસ કરીને વિશિષ્ટ, અસામાન્ય મહાયાન (વિશાળ વાહન) માર્ગ છે.
માત્ર સમતા
જો આપણે પૂછીએ કે સાત ભાગની કારણ અને અસર પદ્ધતિમાં દરેકને આપણી માતા તરીકે ઓળખતા પહેલા આવે છે તે સમતા વિકસાવવાની રીત શું છે, તેમાં નીચેના પગલાં શામેલ છે.
ત્રણ વ્યક્તિઓની કલ્પના
પ્રથમ, આપણે ત્રણ વ્યક્તિઓની કલ્પના કરીએ છીએ: એક તદ્દન બીભત્સ અને અપ્રિય વ્યક્તિ કે જેને આપણે નાપસંદ કરીએ છીએ અથવા જેને આપણે આપણો દુશ્મન માનીએ છીએ, એક ખૂબ જ પ્રિય વ્યક્તિ અથવા મિત્ર, અને એક અજાણી વ્યક્તિ અથવા કોઈ વ્યક્તિ જેની પ્રત્યે આપણી આ લાગણીઓ નથી. આપણે તે ત્રણેયને એકસાથે કલ્પના કરીએ છીએ.
જ્યારે આપણે એક પછી એક દરેક પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે કેવા પ્રકારનું વલણ ઉદ્ભવે છે? અપ્રિયતા, બેચેની અને પ્રતિકૂળતાની લાગણી આપણને નાપસંદ વ્યક્તિના સંદર્ભમાં ઊભી થાય છે. પ્રિય મિત્ર પ્રત્યે આકર્ષણ અને જોડાણની લાગણી ઊભી થાય છે. ઉદાસીનતાની લાગણી, ન તો મદદ કરવાની કે નુકસાન પહોંચાડવાની ઇચ્છા, તે વ્યક્તિ પ્રત્યે ઉદ્ભવે છે જે બેમાનું એકે પણ નથી, કારણ કે આપણને અજાણી વ્યક્તિ ન તો આકર્ષક લાગે છે કે ન તો પ્રતિકૂળ.
આપણા નાપસંદ વ્યક્તિ પ્રત્યે પ્રતિકૂળતા અટકાવવું
ચર્ચાની સરળતા માટે, ધારો કે આપણે જે ત્રણેય લોકોની કલ્પના કરીએ છીએ તે સ્ત્રીઓ છે. સૌપ્રથમ, આપણે જે વ્યક્તિને નાપસંદ કરીએ છીએ તેની સાથે કામ કરીએ છીએ, જેને આપણે કદાચ દુશ્મન પણ માનીએ છીએ.
- આપણે તેણીને અપ્રિય અને ઘૃણાસ્પદ લાગવાની લાગણી ઊભી થવા દઈએ છે. જ્યારે તે સ્પષ્ટ રીતે ઉદ્ભવ્યું છે,
- આપણે નોંધ્યે છે કે એક વધુ લાગણી ઊભી થાય છે, એટલે કે તેણીને કંઇક ખરાબ થાય તો સારું લાગશે, અથવા જો તેણીએ એવું કંઈક અનુભવે છે જે તે ઈચ્છે છે કે ન થાય.
- પછી આપણે આ ખરાબ લાગણીઓ અને ઉદ્ભવવાની ઇચ્છાઓનાં કારણોની તપાસ કરીએ છીએ. સામાન્ય રીતે આપણે શોધીએ છીએ કે તે એટલા માટે છે કારણ કે તેણીએ આપણા જોડે કંઈક ખરાબ કર્યું છે, આપણને કોઈ નુકસાન પહોંચાડ્યું છે અથવા આપણને અથવા આપણા મિત્રોને કંઈક ખરાબ કર્યું છે અથવા કહ્યું છે. તેથી જ આપણે ઈચ્છીએ છીએ કે તેણી સાથે કંઈક ખરાબ થાય અથવા તે જે ઇચ્છે છે તે ન મળે.
- હવે, આપણે આ સ્ત્રી સાથે કંઇક ખરાબ થવાની ઇચ્છાના તે કારણ વિશે વિચારીએ છીએ જે આપણને ખૂબ નાપસંદ છે અને તે ખરેખર સારું કારણ છે કે નહીં તે જોવા માટે તપાસ કરીએ છીએ. આપણે નીચે મુજબ વિચારીએ છીએ:
- ભૂતકાળના જીવનમાં, આ કહેવાતા દુશ્મન ઘણી વખત મારા માતા અને પિતા રહ્યા છે, તેમજ મારા સંબંધી અને મિત્ર રહ્યા છે. તેમને મને અસંખ્ય વખત ખૂબ મદદ કરી છે.
- આ જીવનમાં શું થશે તે નિશ્ચિત નથી. તે આ જીવનમાં પછીથી ખૂબ મદદરૂપ અને સારી મિત્ર બની શકે છે. આવી વસ્તુઓ ખૂબ જ શક્ય છે.
- કોઈ પણ સંજોગોમાં, તેમની અને મારી પાસે અનંત ભાવિ જીવન હશે અને તે સંપૂર્ણપણે નિશ્ચિત છે કે તે કોઈક સમયે મારી માતા અથવા પિતા બનશે. એટલે, તે મને ખૂબ મદદ કરશે, અને મારે મારી બધી આશાઓ તેના પર રાખવી પડશે. તેથી, ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં, કારણ કે તેમને અસંખ્ય રીતે મને મદદ કરી છે, કરે છે અને કરશે એટલે તે આખરે એક સારી મિત્ર છે. આ ચોક્કસપણે નક્કી છે. તેના કારણે, જો કોઈ નાના કારણોસર, જેમ કે તેમને મને આ જીવનમાં થોડું દુઃખ પહોંચાડ્યું, તો હું તેમને દુશ્મન માનું છું અને તેમના માટે ખરાબ ઇચ્છુ છું, તો તે સારું નથી.
- આપણે કેટલાક ઉદાહરણોનો વિચાર કરીએ છીએ. દાખલા તરીકે, ધારો કે કોઈ બેંક અધિકારી અથવા કોઈ શ્રીમંત વ્યક્તિ કે જેની પાસે મને પુષ્કળ પૈસા આપવાની શક્તિ હોય અને જેની પાસે આવું કરવાની ઈચ્છા અને ઈરાદો હોય, અને તેણે ભૂતકાળમાં થોડું થોડું કર્યું હોય, તે એક દિવસ ગુસ્સે થઈને મને મોઢા પર લાફો મારે. જો હું ગુસ્સે થઈશ અને મારા ગુસ્સાને પકડી રાખું, તો તે કદાચ મને વધુ પૈસા આપવાનો તેમનો ઈરાદો ગુમાવી દેશે. એવો ભય પણ હશે કે તે પોતાનો વિચાર બદલી નાખશે અને પૈસા બીજા કોઈને આપવાનું નક્કી કરશે. બીજી બાજુ, જો હું લાફો સહન કરું, મારી આંખો નીચી રાખું અને મારું મોઢું બંધ રાખું, તો તે પછીથી મારા પર વધુ ખુશ થશે કે હું નારાજ ન થયો. કદાચ, તે મને તેના મૂળ હેતુ કરતાં વધુ આપી શકે છે. જો કે, જો હું ગુસ્સે થઈને એક મોટું હળફલ બનાવું, તો તે તિબેટીયન કેહવત જેવું હશે, "તમારા મોંમાં ખોરાક છે અને તમારી જીભ તેને બહાર કાઢે છે."
- તેથી, મારે આ વ્યક્તિ સાથે લાંબા ગાળે વિચારવું પડશે જે મને નાપસંદ છે, અને તે જ તમામ મર્યાદિત માણસોના સંદર્ભમાં સાચું છે. લાંબા ગાળે મારા માટે તેમની મદદ ૧૦૦% નિશ્ચિત છે. તેથી, મારા માટે મારા ગુસ્સાને કોઈ પણ વ્યક્તિ કરી શકે તેવા નાના, મામૂલી નુકસાન માટે પકડી રાખવો તે તદ્દન અયોગ્ય છે.
- આગળ, આપણે ધ્યાનમાં લઈએ છીએ કે કેવી રીતે વીંછી, જંગલી પ્રાણી અથવા ભૂત, સહેજ પણ સ્પર્શ અથવા ઉશ્કેરણી પર તરત જ વળતો પ્રહાર કરે છે. પછી, આપણી જાતને ધ્યાનમાં રાખીને, આપણે જોઈએ છીએ કે આવા જીવોની જેમ વર્તવું કેટલું અયોગ્ય છે. આ રીતે, આપણે આપણા ગુસ્સાને શાંત કરીએ છીએ. આપણે વિચારવું જોઈએ કે આ વ્યક્તિ મને ગમે તેટલું નુકસાન પહોંચાડે, હું મારો ગુસ્સો ગુમાવીશ નહીં અને ગુસ્સે થઈશ નહીં, નહીં તો હું જંગલી પ્રાણી કે વીંછી કરતાં વધુ સારો નથી.
- નિષ્કર્ષમાં, આપણે આ બધું તર્કના ઉચ્ચારણના સ્વરૂપમાં મૂકીએ છીએ. હું અન્ય લોકો પર ગુસ્સે થવાનું બંધ કરીશ કારણ કે તેઓએ મને નુકસાન પહોંચાડ્યું છે, કારણ કે:
- ભૂતકાળના જીવનમાં, તેઓ મારા માતા-પિતા રહ્યા છે.
- પછીથી આ જીવનમાં, તેઓ મારા સૌથી પ્રિય મિત્રો નહીં બને તેની કોઈ ખાતરી નથી.
- ભવિષ્યમાં, તેઓ અમુક અથવા અન્ય સમયે મારા માતા-પિતા તરીકે પુનર્જન્મ કરશે અને મને ઘણી મદદ કરશે, તેથી ત્રણ સમયમાં તેઓ મને મદદરૂપ થયા છે.
- બદલામાં જો મને ગુસ્સો આવે છે, તો હું જંગલી પ્રાણી કરતાં વધુ સારો નથી. તેથી, તેઓ મને આ જીવનમાં જે નાની અહિત કરી શકે છે તેના માટે હું ગુસ્સે થવાનું બંધ કરીશ.
આપણને ગમે તે વ્યક્તિ માટે જોડાણ બંધ કરવું
- આપણે દુશ્મન, મિત્ર અને અજાણી વ્યક્તિના જૂથમાં આપણા મિત્ર અથવા પ્રિય વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે આપણે શરૂઆતમાં કલ્પના કરી હતી.
- આપણે તેમના પ્રત્યે આપણી આકર્ષણ અને આસક્તિની લાગણી ઉભી થવા દઈએ છીએ.
- આપણી જાતને વધુ મજબૂત અનુભવવા દઈએ છે કે આપણે આ વ્યક્તિ સાથે કેટલું રહેવા માંગીએ છીએ, પછી આપણે
- આવા મોહ અને આસક્તિના આપણા કારણો તપાસીએ છે. તે એટલા માટે છે કારણ કે તેમને મને આ જીવનમાં થોડી મદદ કરી, મારા માટે કંઈક સરસ કર્યું, મને સારું લાગ્યું, અથવા એવું કંઈક કર્યું, અને તેથી હું તેના પ્રત્યે આકર્ષિત થયો અને જોડાયેલો છું.
- હવે, આપણે તપાસ કરીએ છીએ કે આવી લાગણી માટે આ યોગ્ય કારણ છે કે નહીં. તે એક સારું કારણ પણ નથી, કારણ કે:
- નિઃશંકપણે ભૂતકાળના જીવનમાં, તે મારી દુશ્મન રહી છે, મને નુકસાન પહોંચાડ્યું છે, અને મારું માંસ પણ ખાધું છે અને મારું લોહી પીધું છે.
- પછીથી આ જીવનમાં, એવી કોઈ ખાતરી નથી કે તે મારી સૌથી ખરાબ દુશ્મન નહીં બને.
- ભવિષ્યના જીવનમાં, તે નિશ્ચિતપણે નક્કી છે કે તે મને નુકસાન પહોંચાડશે અથવા કોઈક સમયે મારી સાથે ખરેખર ખરાબ વર્તન કરશે.
- જો, તેને કંઇક સરસ, પરંતુ તુચ્છ કાર્ય કરવાના નાના કારણોસર, આ જીવનમાં, મારા માટે, હું તેની સાથે મોહક બની જાઉં, તો પછી હું એવા પુરુષો કરતાં શ્રેષ્ઠ નથી કે જેઓ સાયરન નરભક્ષી સ્ત્રીઓના ગીતોથી લલચાય છે. આ સાયરન ખૂબ સુંદર દેખાવ ધરાવે છે, પુરુષોને તેમની રીતોથી આકર્ષિત કરે છે અને પછીથી તેમને ખાઈ જાય છે.
- આ રીતે, આપણે નક્કી કરીએ છીએ કે આ જીવનમાં આપણા માટે કોઈક કંઈક નાની સરસ વસ્તુ કરે છે તે માટે ક્યારેય કોઈની સાથે આસક્ત ન થવું.
તટસ્થ વ્યક્તિ પ્રત્યે ઉદાસીનતા બંધ કરવી
ત્રીજું, આપણે એ જ પ્રક્રિયાને અનુસરીએ છીએ જે વ્યક્તિ વચ્ચે છે તેમના માટે - અજાણી વ્યક્તિ કે જે ન તો મિત્ર છે કે ન તો દુશ્મન.
- આપણે આપણા કલ્પનામાંથી આવી વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ,
- આપણી જાતને કંઈપણ ન અનુભવવા દો, ન તો નુકસાન પહોંચાડવાની કે મદદ કરવાની, ન તો છૂટકારો મેળવવાની કે ન તો આ વ્યક્તિ સાથે રહેવાની,
- અને તેને અવગણવાનો ઇરાદો વધુ અનુભવો.
- આપણે આ રીતે અનુભવવાના આપણા કારણની તપાસ કરીએ છીએ. કારણ કે તેમને મને મદદ કરવા અથવા નુકસાન પહોંચાડવા માટે કંઈ કર્યું નથી, અને તેથી મારે તેની સાથે કોઈ સંબંધ નથી.
- જ્યારે આપણે વધુ તપાસ કરીએ છીએ કે શું આ રીતે અનુભવવા માટે આ એક માન્ય કારણ છે કે નહીં, ત્યારે આપણે જોઈએ છીએ કે તે આખરે અજાણી નથી, કારણ કે અસંખ્ય પાછલા જીવનમાં, આ જીવનમાં પછીથી, અને ભવિષ્યના જીવનમાં તે નજીક હશે, તે મિત્ર બનશે, અને વગેરે.
આ રીતે, આપણે દુશ્મનો, મિત્રો અને અજાણ્યાઓ પ્રત્યે ગુસ્સો, આસક્તિ અથવા ઉદાસીનતાની બધી લાગણીઓને રોકવામાં સમર્થ થઈશું. શ્રાવકો અને પ્રતિકબુદ્ધો સાથે સામાન્ય સમતા વિકસાવવાનો આ માર્ગ છે અને જેને સમર્પિત બોધિચિત્ત હૃદય વિકસાવવા માટે સાત ભાગોની કારણ અને અસર પદ્ધતિમાં દરેકને આપણી માતા તરીકે ઓળખવા માટે પ્રારંભિક રૂપે વિકસાવવામાં આવી છે.
પાંચ નિર્ણયો
ઉપરોક્ત મુદ્દાઓ વિશે આવું વિચારવાથી, આપણે પાંચ નિર્ણયો લેવાની જરૂર છે.
હું પક્ષપાતી થવાનું બંધ કરીશ
ભલે આપણે સાપેક્ષ અથવા ઊંડા દૃષ્ટિકોણથી જોઈએ, કેટલાક લોકો અથવા માણસોને નજીકના અને અન્યને દૂર તરીકે ધ્યાનમાં લેવાનું કોઈ કારણ નથી. તેથી, આપણે એક મક્કમ નિર્ણય લેવાની જરૂર છે: હું પક્ષપાતી થવાનું બંધ કરીશ. હું મારી જાતને પક્ષપાતની લાગણીઓથી મુક્ત કરીશ કે જેની સાથે હું કેટલાકને નકારું છું અને અન્યને આવકારું છું. કારણ કે દુશ્મનાવટ અને આસક્તિ મને આ અને ભાવિ બંને જીવનમાં નુકસાન પહોંચાડે છે, અસ્થાયી રૂપે અને આખરે, ટૂંકા અને લાંબા સમય બંનેમાં, તેનો કોઈ ફાયદો નથી. તેઓ સેંકડો પ્રકારના વેદનાનો મૂળ છે. તેઓ એવા રક્ષકો જેવા છે કે જેઓ મને મારી સંસારની અનિયંત્રિત રીતે વારંવાર થતી સમસ્યાઓના જેલમાં ચક્કર લગાવતા રાખે છે.
૧૯૫૯ માં વિદ્રોહ પછી તિબેટમાં પાછળ રહી ગયેલા લોકોના ઉદાહરણનો વિચાર કરો. જેઓ તેમના મઠો, ધન, સંપત્તિ, ઘર, સંબંધીઓ, મિત્રો અને તેથી વધુ સાથે જોડાયેલા હતા, તેઓ તેમને પાછળ છોડી શક્યા નહીં. પરિણામે, તેમના જોડાણને કારણે, તેઓને ૨૦ કે તેથી વધુ વર્ષો સુધી જેલમાં અથવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં ગૂંગળામણ કરવામાં આવ્યા હતા. પક્ષપાતની આવી લાગણીઓ કતલ કરનારાઓ છે જે આપણને આનંદહીન નરક ક્ષેત્રની આગમાં લઈ જાય છે. તેઓ આપણી અંદરના ઉગ્ર રાક્ષસો છે જે આપણને રાત્રે ઊંઘતા અટકાવે છે. આપણે તેમને દરેક રીતે જડમૂળથી દૂર કરવું જોઈએ.
બીજી બાજુ, દરેક પ્રત્યે સમાન વલણ, જેની સાથે આપણે બધા મર્યાદિત માણસો ખુશ રહેવાની અને તેમની સમસ્યાઓ અને વેદનાઓથી અલગ થવાની ઈચ્છા રાખીએ છીએ, તે અસ્થાયી અને અંતિમ બંને રીતે કોઈપણ દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. તે તમામ બુદ્ધ અને બોધિસત્વો દ્વારા તેમની સિદ્ધિઓ સુધી પહોંચવા માટે મુસાફરી કરવામાં આવતી મુખ્ય માર્ગ છે. તે ત્રણ સમયના તમામ બુદ્ધોનો હેતુ અને આંતરિક ઇચ્છા છે. તેથી, આપણે વિચારવાની જરૂર છે કે કોઈપણ મર્યાદિત જીવો તેમની બાજુથી મને ગમે તેટલું નુકસાન કરે અથવા મદદ કરે, મારી બાજુથી મારી પાસે કોઈ વિકલ્પ નથી. હું ગુસ્સે થઈશ નહીં કે આસક્ત થઈશ નહીં. હું કેટલાકને દૂરના અને અન્યને નજીકના ગણીશ નહીં. તે સિવાયની પરિસ્થિતિઓને વ્યવહાર કરવાની કોઈ રીત અથવા પદ્ધતિ હોઈ શકે નહીં. મેં ચોક્કસપણે નક્કી કર્યું છે. દરેક વ્યક્તિ પ્રત્યે હું કેવી રીતે વિચારું છું અને કેવી રીતે વર્તે છું તેના સંદર્ભમાં હું સમાન વલણ ધરાવીશ, કારણ કે દરેક જણ ખુશ રહેવા માંગે છે અને ક્યારેય દુઃખી ન થવા માંગે છે. આ તે છે જે કરવા માટે હું શક્ય તેટલા પ્રયત્નો કરીશ. હે આધ્યાત્મિક માર્ગદર્શક, કૃપા કરીને મને આ શક્ય તેટલું શ્રેષ્ઠ કરવા માટે પ્રેરણા આપો. આ પ્રથા સાથે સંકળાયેલી ગુરુ પૂજા - લામા ચોપા માંના પાંચ શ્લોકોમાંથી પ્રથમ શ્લોકનો પાઠ કરતી વખતે આપણને આ વિચારોની જરૂર છે:
અન્ય લોકો અને આપણે અલગ નથી એવું વિચારીને અમને અન્ય લોકોના આરામ અને આનંદમાં વધારો કરવા પ્રેરણા આપો: કોઈ પણ વ્યક્તિ સહેજ પણ વેદનાની ઈચ્છા રાખતો નથી, અને તેની પાસે જે ખુશી છે તેનાથી તે ક્યારેય સંતુષ્ટ નથી.
આ રીતે, આ પ્રથમ શ્લોક સાથે આપણે દરેકના ખુશી અને વેદનાને સમાન રીતે દૂર કરવા માટે આપણા વિચારો અથવા કાર્યોમાં કોઈ નજીકની કે દૂરની લાગણી ન હોય તેવું સમાન વલણ વિકસાવવા પ્રાર્થના કરીએ છીએ. સમાનતાનું આ પ્રકારનું વલણ સમતાના પ્રકાર અથવા સમાન વલણની વ્યાખ્યાને પૂર્ણ કરે છે જેની આપણે અહીં ચિંતા કરીએ છીએ. આપણે તે વલણ વિકસાવવા અને હાંસલ કરવાનો મક્કમ નિર્ણય લઈએ છીએ, તે જ રીતે જ્યારે આપણે કોઈ ડેકાંમાં કોઈ અદ્ભુત વસ્તુ જોઈએ છીએ અને તેને ખરીદવાનું નક્કી કરીએ છીએ.
હું મારી જાતને સ્વ-વહાલથી મુક્ત કરીશ
આગળ, આપણે સ્વ-વહાલના વલણ રાખવાની ખામીઓ વિશે વિચારીએ છીએ. સ્વ-વહાલના વલણની સ્વાર્થી ચિંતાને કારણે, આપણે વિનાશક રીતે કાર્ય કરીએ છીએ, દસ વિનાશક ક્રિયાઓ કરીએ છીએ અને પરિણામે આપણી જાતને નરકીય પુનર્જન્મ લાવીએ છીએ. ત્યાંથી, ઉપર અર્હત (મુક્ત વ્યક્તિ) સુધી જ્ઞાન પ્રાપ્ત થતું નથી - આવી સ્વાર્થી ચિંતા તમામ ખુશી અને શાંતિ ગુમાવવાનું કારણ બને છે. બોધિસત્વો જ્ઞાનની નજીક હોવા છતાં, કેટલાક અન્ય કરતાં વધુ નજીક હોય છે. તેમની વચ્ચેના તફાવતો તેમની પાસે હજુ પણ કેટલી સ્વ-વહાલ છે એમાંથી આવે છે. દેશોમાં વિવાદોથી લઈને આધ્યાત્મિક ગુરુઓ અને શિષ્યો વચ્ચે, પરિવારોમાં અથવા મિત્રો વચ્ચેના મતભેદ સુધી - બધું જ સ્વ-વહાલથી આવે છે. તેથી, આપણે વિચારવાની જરૂર છે કે જો હું મારી અંદરના સ્વાર્થ અને સ્વ-વહાલનાં આ ધૂંધળા વાસણમાંથી મુક્ત ન થઈશ, તો હું ક્યારેય કોઈ ખુશીનો આનંદ માણી શકતો નથી. આમ, હું મારી જાતને ક્યારેય સ્વ-વહાલનાં આધિપત્ય હેઠળ આવવા દઈશ નહીં. હે આધ્યાત્મિક માર્ગદર્શક, કૃપા કરીને મને બધી સ્વાર્થી ચિંતાઓમાંથી મુક્ત કરવા પ્રેરણા આપો. આ બીજા શ્લોક સાથેના વિચારો છે:
અમને એ જોવા માટે પ્રેરણા આપો કે સ્વ-વહાલનો આ દીર્ઘકાલીન રોગ આપણા અપ્રિય વેદનાને જન્મ આપવાનું કારણ છે, અને તેથી, આપણે સ્વાર્થના રાક્ષસી દૈત્યને નષ્ટ કરવા અનિચ્છાએ તેને દોષ આપીએ છે.
આમ, બીજા શ્લોક સાથે, આપણે આપણી જાતને સ્વાર્થી ચિંતાના આપણા સ્વ-વહાલના વલણથી મુક્ત કરવાનો મક્કમ નિર્ણય લઈએ છીએ.
હું અન્ય લોકોને વહાલ કરવી મારી મુખ્ય કાર્ય બનાવીશ
આગળ, આપણે બીજાઓની પ્રશંસા કરવાથી મળતા ફાયદા અને સારા ગુણો વિશે વિચારીએ છીએ. આ જીવનમાં, બધી ખુશીઓ અને બધું સારું થઈ રહ્યું છે; ભવિષ્યના જીવનમાં, મનુષ્ય અથવા દેવતા તરીકે જન્મ; અને સામાન્ય રીતે, જ્ઞાનની પ્રાપ્તિ સુધીની તમામ ખુશીઓ અન્યને વહાલ કરવાથી મળે છે. આપણે ઘણા ઉદાહરણોના સંદર્ભમાં આ વિશે ઘણું વિચારવાની જરૂર છે. દાખલા તરીકે, સારી રીતે પસંદ કરાયેલા અધિકારીની લોકપ્રિયતા તેના વહાલ અને અન્ય લોકો સાથે સંબંધિત હોવાને કારણે છે. બીજાનો જીવ લેવાથી અથવા ચોરી કરવાથી રોકવાની આપણી નૈતિક સ્વ-શિસ્ત, અન્ય લોકો પ્રત્યેના વહાલના કારણે છે, અને આ તે છે જે આપણને મનુષ્ય તરીકે પુનર્જન્મ લાવી શકે છે.
પરમ પવિત્ર દલાઈ લામા, ઉદાહરણ તરીકે, હંમેશા દરેક જગ્યાએ દરેકના કલ્યાણ વિશે વિચારે છે, અને તેમના તમામ સારા ગુણો અન્ય પ્રત્યેના આ વહાલમાંથી આવે છે. બોધિસત્વ તોગ્મેય-ઝાંગપોને ઇચ્છાના દેવતા, કામા નુકસાન પહોંચાડી શક્યા નહીં, જે તેમની દખલગીરી કરવા માટે નીકળ્યા હતા. આ મહાન તિબેટીયન પ્રેક્ટિશનર એવા વ્યક્તિ હતા કે જો કોઈ જંતુ આગમાં ઉડીને જાય, તો તે આંસુમાં તૂટી જતા. તે બીજા બધા માટે નિષ્ઠાપૂર્વક ચિંતિત હતા અને તેથી ભૂત અને આવા દખલ કરનારાઓ પણ તેમને નુકસાન પહોંચાડેટા પોતાને અટકાવી દેતા હતા. આ એટલા માટે હતું કારણ કે, આત્માઓએ પોતે કહ્યું તેમ, તેમની પાસે ફક્ત આપણા લાભ અને વહાલના વિચારો છે.
બુદ્ધના પાછલા જીવનમાં જ્યારે તેઓ દેવતાઓના રાજા ઇન્દ્ર તરીકે જન્મ્યા હતા, ત્યારે દેવતાઓ અને અર્ધ-દેવો વચ્ચે યુદ્ધ થયું હતું. અર્ધ-દેવો જીતી રહ્યા હતા અને તેથી ઇન્દ્ર તેમના રથમાં ભાગી ગયા. તે રસ્તા પરની એક એવી જગ્યા પર આવ્યા જ્યાં ઘણા કબૂતરો ભેગા થયા હતા, અને તેમાંથી કેટલાકને તે મારી દેશે તે ડરથી તેમણે પોતાનો રથ રોક્યો. આ જોઈને, અર્ધ-દેવતાઓએ વિચાર્યું કે તેમણે તેમનો રથને પાછો ફેરવવા અને તેમના પર હુમલો કરવા માટે રોક્યો છે, અને તેથી તેઓ ભાગી ગયા. જો આપણે આનું પૃથ્થકરણ કરીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે તે ભાગી ગયા એનો કારણ ઇન્દ્રની અન્યોની સંભાળ રાખવાની વૃત્તિને કારણે હતી. આવી રીતે, આપણે બીજાઓને વહાલ કરવાના ફાયદાઓ વિશે ઘણા દૃષ્ટિકોણથી વિચારવાની જરૂર છે.
જ્યારે કોઈ મેજિસ્ટ્રેટ અથવા કોઈપણ અધિકારી ઓફિસમાં ખૂબ જ ભવ્ય રીતે બેસે છે, ત્યારે તેમની સ્થિતિ અને તેના વિશેની દરેક વસ્તુ અન્યના અસ્તિત્વને કારણે છે. આ ઉદાહરણમાં, અન્યોની દયા ફક્ત એ હકીકતમાં સમાવે છે કે તેઓ અસ્તિત્વ ધરાવે છે. જો પોતાના સિવાય અન્ય કોઈ લોકો અસ્તિત્વમાં ન હોત, તો તે મેજિસ્ટ્રેટ ન બની શકે. તેમના પાસે કરવા માટે કંઈ ન હોત. તદુપરાંત, જો લોકો અસ્તિત્વમાં હોય તો પણ, જો કોઈ તેમની પાસે ક્યારેય ન આવે, તો આ મેજિસ્ટ્રેટ ફક્ત બેસ્યો રહેશે અને કંઈ કરશે નહીં. બીજી બાજુ, જો ઘણા લોકો તેમની સામે આવે, તેમની બાબતોનું સમાધાન કરવા તેમની તરફ જોએ, તો તેમના પર નિર્ભર રહીને, તે સરસ રીતે બેસીને તેમની સેવા કરશે. લામા માટે પણ એવું જ છે. અન્ય પર નિર્ભરતામાં, તે સરસ રીતે બેસે છે અને શીખવે છે. તેમની સંપૂર્ણ પદ અન્ય લોકોની મદદ કરવાના કારણે છે. તે બીજાઓના લાભ માટે ધર્મ શીખવે છે અને આ રીતે તેમની મદદ અન્ય લોકો પર આધાર રાખે છે, જેમ કે તેમની દયાને યાદ કરીને.
તેવી જ રીતે, તે પ્રેમ અને કરુણા દ્વારા, અન્યના વહાલથી, આપણે ઝડપથી પ્રબુદ્ધ બની શકીએ છીએ. દાખલા તરીકે, જો કોઈ શત્રુ આપણને નુકસાન પહોંચાડે અને આપણે ધીરજ કેળવીએ, અને તે રીતે આપણે જ્ઞાન પ્રાપ્તિની નજીક આવીએ, તો આ આપણા બીજાના વહાલના કારણે થયું છે. આમ, કારણ કે મર્યાદિત જીવો જ સર્વ ખુશી અને કલ્યાણનો આધાર અને મૂળ છે, કોઈપણ સિવાય, આપણે નક્કી કરવાની જરૂર છે કે તેઓ શું કરી શકે છે અથવા તેઓ મને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે તે ધ્યાનમાં લીધા વિના, હું હંમેશા અન્યને વહાલ કરીશ. અન્ય જીવો મારા આધ્યાત્મિક માર્ગદર્શકો, બુદ્ધો અથવા અમૂલ્ય રત્નો જેવા છે એટલે હું તેમની કદર કરીશ, જો તેમની સાથે કંઈપણ ખોટું થાય તો હું નુકશાન અનુભવીશ, અને તેમને ક્યારેય નકારીશ નહીં, પછી ભલે ગમે તે થાય. હું હંમેશા તેમના પ્રત્યે દયાળુ અને ઉષ્માભર્યું હૃદય રાખીશ. હે મારા આધ્યાત્મિક માર્ગદર્શક, મહેરબાની કરીને, મને પ્રેરણા આપો, આવા હૃદય અને અન્ય લોકો માટે લાગણીથી એક ક્ષણ માટે પણ અલગ ન થાઓ. આ ત્રીજા શ્લોકનો અર્થ છે:
અમને એ જોવા માટે પ્રેરણા આપો કે જે મન અમારી માતાઓને વહાલ કરે છે અને તેમને આનંદમાં સુરક્ષિત કરે છે તે અનંત સદ્ગુણો તરફ દોરી જતું પ્રવેશદ્વાર છે, અને આ રીતે આ ભટકતા માણસોને આપણા જીવન કરતાં વધુ વહાલ કરવા માટે, ભલે તેઓ આપણા દુશ્મનો તરીકે ઉભરી આવે.
આ રીતે, આપણે આપણા ધ્યાન કેન્દ્ર તરીકે અન્યને વહાલ કરવાની પ્રથા લેવાનું નક્કી કરીએ છીએ.
હું ચોક્કસપણે સ્વ અને અન્યને લગતા મારા વલણની વિનિમય કરવામાં સક્ષમ છું
આપણી જાતને વહાલ કરવાની ઘણી ખામીઓ વિશે અને બીજાઓને વહાલ કરવાના ઘણા ગુણો વિશે વિચારવાના પ્રવેશદ્વાર પર આધાર રાખીને, જ્યારે આપણને લાગે છે કે આપણે આપણા મૂલ્યોને બદલવું જોઈએ જેમને આપણે ચાહીએ છીએ, અને પછી આપણને આશ્ચર્ય થાય છે કે શું આપણે ખરેખર તેમને બદલી શકીએ છીએ, આપણે ચોક્કસપણે કરી શકીએ છીએ. આપણે આપણું વલણ બદલી શકીએ છીએ કારણ કે તે પ્રબુદ્ધ થયા તે પહેલાં, બુદ્ધ આપણા જેવા જ હતા. તે પણ આ જ રીતે સંસારની અનિયંત્રિત રીતે પુનરાવર્તિત પરિસ્થિતિઓ અને સમસ્યાઓમાં પુનર્જન્મથી પુનર્જન્મ સુધી ભટકતા હતા. તેમ છતાં, સક્ષમ બુદ્ધે તેમના વલણનું વિનિમય કર્યું કે જેના વિશે તેઓ પ્રેમ કરતા હતા. બીજાઓને વહાલ કરવાનું પકડી રાખીને, તે પોતાના અને અન્યના લક્ષ્યોને પૂર્ણ કરવામાં સક્ષમ બનવાના શિખર પર પહોંચ્યો.
તેનાથી વિપરિત, આપણે ફક્ત આપણી જાતને વહાલ કર્યું છે અને બીજા બધાની અવગણના કરી છે. બીજાના લાભની કોઈ પણ સિદ્ધિને બાજુ પર મૂકીને, આપણે પોતાને માટે સહેજ પણ ફાયદો નથી કર્યો. આપણી જાતને વહાલ કરીને અને બીજાઓને અવગણવાથી આપણે સંપૂર્ણપણે પોતાને અસહાય બનાવી દીધા છે, વાસ્તવિક મહત્વની કોઈ પણ વસ્તુ પૂર્ણ કરવામાં અસમર્થ બની ઘય છીએ. આપણે આપણી સમસ્યાઓમાંથી મુક્ત થવાનો સાચો ત્યાગ કે નિશ્ચય કેળવી શકતા નથી. આપણે આપણી જાતને પુનર્જન્મની સૌથી ખરાબ અવસ્થામાં પડતાં પણ રોકી શકતા નથી. આ રીતે, આપણે આપણી જાતને વહાલ કરવાની ભૂલો વિશે અને બીજાઓને વહાલ કરવાના ફાયદા વિશે વિચારીએ છીએ. જો બુદ્ધ તેમનું વલણ બદલવામાં સક્ષમ હતા અને તેમણે આપણી જેમ શરૂઆત કરી હતી, તો આપણે પણ આપણું વલણ બદલી શકીએ છીએ.
એટલું જ નહીં, પરંતુ પર્યાપ્ત પરિચય સાથે, આપણે આપણી પોતાની સંભાળ રાખીએ છીએ તેવી જ રીતે અન્યના શરીરની પણ કાળજી લેવી શક્ય છે. છેવટે, આપણે અન્ય લોકોના શરીરમાંથી શુક્રાણુ અને ઇંડાના ટીપાં લીધાં છે, એટલે કે આપણા માતાપિતા, અને હવે આપણે તેમને આપણા પોતાના શરીર તરીકે વહાલ કરીએ છીએ. મૂળ રીતે તેઓ આપણા નહોતા. તેથી, આપણે વિચારવાની જરૂર છે કે મારું વલણ બદલવું અશક્ય નથી. હું મારી જાત પ્રત્યે અને અન્ય પ્રત્યેના વલણની વિનિમય કરી શકું છું. તેથી, જો કે હું તેના વિશે વિચારું છું, તે ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી હું મારી જાત પ્રત્યે અને અન્ય લોકો પ્રત્યેના વલણની વિનિમય કરું. તે કંઈક છે જે હું કરી શકું છું, એવું નથી જે હું કરી શકતો નથી. તેથી, હે મારા આધ્યાત્મિક માર્ગદર્શક, મને તે કરવા માટે પ્રેરણા આપો. આ ચોથા શ્લોકનો ભાર છે.
સંક્ષિપ્તમાં, અમને એવા મગજ વિકસાવવા પ્રેરણા આપો કે જે ફક્ત તેમના સ્વાર્થ માટે ગુલામી કરતા શિશુઓના દોષો અને ફક્ત અન્ય લોકોના ભલા માટે કામ કરતા ઋષિઓના રાજાઓના ગુણો વચ્ચેના તફાવતને સમજે છે, અને આ રીતે, સમતા અને બીજાઓ અને આપણા વિશેના આપણા વલણની વિનિમય કરો.
આમ, આપણે અહીં જે નિર્ણય લઈએ છીએ તે એ છે કે આપણે નિશ્ચિતપણે પોતાના અને અન્ય લોકોના વહાલને લગતા આપણા વલણની વિનિમય કરી શકીએ છીએ.
હું ચોક્કસપણે સ્વ અને અન્યને લગતા મારા વલણની વિનિમય કરીશ
ફરીથી, આપણે સ્વ-વહાલ કરવાના દોષો અને અન્યને વહાલ કરવાના ફાયદા વિશે વિચારીએ છીએ, પરંતુ આ વખતે આપણે તેને વૈકલ્પિક રીતે કરીએ છીએ, બંનેને એકસાથે મિશ્રિત કરીને. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે વૈકલ્પિક રીતે દરેક સૂચિમાંથી એક પછી એક, દસ વિનાશક અને દસ રચનાત્મક ક્રિયાઓને જોઈએ છીએ, અને તેમના પરિણામો સ્વ-વહાલ અને અન્યને વહાલ કરવાની દ્રષ્ટિએ જોઈએ છીએ. દાખલા તરીકે, જો હું મારી જાતને વહાલ કરું છું, તો હું બીજાના જીવ લેવામાં અચકાઈશ નહીં. પરિણામે, હું આનંદવિહીન નરક ક્ષેત્રમાં પુનર્જન્મ પામીશ અને પછીથી મનુષ્ય તરીકે જન્મીશ ત્યારે પણ, હું માંદગીથી ભરેલું ટૂંકું જીવન જીવીશ. બીજી બાજુ, જો હું બીજાઓને વહાલ કરીશ, તો હું બીજાના જીવ લેવાનું બંધ કરીશ અને પરિણામે, હું વધુ સારી સ્થિતિમાં પુનર્જન્મ પામીશ, લાંબુ આયુષ્ય પામીશ, વગેરે. પછી, આપણે ચોરી અને ચોરીથી દૂર રહેવા, અયોગ્ય જાતીય વર્તણૂકમાં સંડોવાયેલા અને આવી ક્રિયાઓથી દૂર રહેવા, વગેરે સાથે સમાન પ્રક્રિયાનું પુનરાવર્તન કરીએ છીએ. ટૂંકમાં, જેમ કે પાંચમો શ્લોક કહે છે:
કારણ કે આપણી જાતને વહાલ કરવું એ બધી યાતનાઓ માટેનું દ્વાર છે, જ્યારે આપણી માતાઓનું વહાલ કરવું એ દરેક વસ્તુ માટેનો પાયો છે, અમારા માટે અન્ય લોકો સાથે વિનિમય કરવાના યોગને અમારી મુખ્ય અભ્યાસ બનાવવા માટે પ્રેરણા આપો.
પાંચમો નિર્ણય, પછી, એ છે કે હું ચોક્કસપણે મારી જાત પ્રત્યે અને અન્ય પ્રત્યેના મારા વલણને વિનિમય કરીશ. અલબત્ત, આનો અર્થ એ નથી કે હવે હું તું છું અને તું હું છું એ નક્કી કરવું. ઊલટાનું, તેનો અર્થ એ છે કે આપણે જેને વહાલ કરીએ છીએ તેમના જોડે દૃષ્ટિકોણની વિનિમય કરવી. આપણી જાતને વહાલ કરવા અને બીજાને અવગણવાને બદલે, હવે આપણે આપણી સ્વાર્થી ચિંતાઓને અવગણીશું અને બીજા બધાની કદર કરીશું. જો આપણે આ કરવામાં નિષ્ફળ થઈએ, તો આપણે કંઈપણ પ્રાપ્ત કરી શકીએ તેવો કોઈ રસ્તો નથી. પરંતુ જો આપણે આપણા વલણમાં આ વિનિમય કરીએ, તો તેના આધારે આપણે નિષ્ઠાવાન સંભાળ પ્રેમ અને કરુણાપૂર્ણ સહાનુભૂતિ વિકસાવવાના માર્ગ તરીકે, અન્યોને આપણી ખુશીઓ આપવા અને તેમના વેદનાને સ્વીકારવાની કલ્પના સાથે તાલીમ આપી શકીએ છીએ. તેના આધારે, આપણે દરેકની સમસ્યાઓ અને વેદનાને દૂર કરવા અને તેમને ખુશી આપવાનો અસાધારણ સંકલ્પ વિકસાવી શકીશું અને બોધચિત્તનું સમર્પિત હૃદય કે જેનાથી આપણે જ્ઞાન પ્રાપ્તિ માટે શક્ય છીએ તેટલું કરવાની પ્રયત્ન કરી શકીશું.
સારાંશ
આ ઉપદેશોનો સ્ત્રોત શાંતિદેવ દ્વારા બોધિસત્વ વર્તણૂકમાં સામેલ થવું (સંસ્કૃત બોધિચાર્યવતાર), કદમ્પ માસ્ટર્સની ઉપદેશો, અને અલબત્ત ચોથા પંચેન લામા દ્વારા લિખિત ગુરુ પૂજા – લામા ચોપા. તેઓ આ સ્વરૂપમાં પરમ પવિત્ર દલાઈ લામાના સ્વર્ગીય અવર શિક્ષક ક્યાબ્જે ત્રિજાંગ દોરજેચાંગના એકત્રિત કામમાં ક્રમાંકિત વિભાગો માં દેખાય છે. જો કે, રૂપરેખા અને તેની અંદરના ક્રમાંકમાં ખૂબ રસ લેવો એ એવું છે કે જ્યારે આપણી સામે સાત મોમો (ડમ્પલિંગ) ની પ્લેટ હોય અને તેને ખાવાને બદલે, આપણે ઈચ્છીએ છીએ કે કોઈ પ્રમાણિત કરે કે તેમાં કેટલા છે, તેમના આકાર માટે સ્ત્રોત શું છે, અને તેથી વધુ. જરા બેસો અને ખાઓ!