વેદના વિશેના આ ઉપદેશો મૂલ્યવાન ગુરુ ગુંગથાંગ રિનપોચે (ગુંગ-થાંગ-ત્શાંગ દકોન-મચોગ બસ્તાન-પ'ઇ સ્ગ્રોન-મે) (૧૭૬૨–૧૮૨૩) દ્વારા લખાયેલા એક અનુભવી વૃદ્ધ માણસની સલાહ (ન્યામ્સ-મ્યોંગ ર્ગન-પો'ઇ 'બેલ-ગ્તમ) માંથી લેવામાં આવ્યા છે. ઘણા દૃષ્ટાંતો ધરાવતા, તે શાસ્ત્ર પર આધારિત શ્લોક સ્વરૂપમાં વાર્તા તરીકે વહે છે. શિક્ષણનો મુખ્ય મુદ્દો એ છે કે આપણને ત્યાગ અને મુક્ત થવાનો નિશ્ચય વિકસાવવામાં મદદ કરવી, અને સામાન્ય રીતે દરેકના લાભ માટે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બોધિચિત્ત માટે પાયો નાખવો છે.
કર્મ અને ખલેલ પોહાચાડતી લાગણીઓના બળથી અનિયંત્રિત રીતે પુનરાવર્તિત થતા પુનર્જન્મના બીજનો ત્યાગ કરનારા નિષ્કલંક બુદ્ધને શ્રદ્ધાંજલિ. સંસારના વિશાળ, એકલા, જંગલી મેદાનની મધ્યમાં એક વૃદ્ધ માણસ રહે છે જેની મુલાકાત એક યુવાન છોકરા, જેને તેની યુવાની અને સ્વાસ્થ્ય પર ગર્વ છે, જોડે થાય છે. તેમની આ ચર્ચા થાય છે. "હે વૃદ્ધ માણસ, તમે બીજાઓથી અલગ રીતે કેમ વર્તો છો, જુઓ છો અને બોલો છો?" તેના પર, વૃદ્ધ માણસ જવાબ આપે છે, "જો તમે કહો છો કે હું અલગ રીતે કાર્ય કરું છું, ચાલુ છું, હલનચલન કરું છું અને બોલું છું, તો એવું ન અનુભવો કે તમે ઉપર આકાશમાં ઉડી રહ્યા છો. મારી જેમ જ પૃથ્વી પર પાછા ઉતરો અને મારા શબ્દો સાંભળો."
કેટલાક યુવાનો એવું માને છે કે વૃદ્ધાવસ્થા ફક્ત વૃદ્ધો માટે છે અને તે ક્યારેય તેમના પર આવશે નહીં. તેઓ ખૂબ જ ઘમંડી હોય છે અને વૃદ્ધો સાથે કોઈ સંબંધ રાખવાની ધીરજ રાખતા નથી.
વૃદ્ધ માણસ આગળ કહે છે, "થોડા વર્ષો પહેલા, હું તમારા કરતા ઘણો મજબૂત, વધુ સુંદર અને વધુ ઉત્સાહી હતો. હું હવે જેવો છું તેવો જન્મ્યો નહોતો. જો હું દોડું, તો હું ઉડતા ઘોડાઓને પણ પકડી શકતો હતો."
મોટાભાગના વૃદ્ધ લોકો આવું બોલે છે. વર્તમાન ક્યારેય જૂના દિવસો જેટલું સારું નથી.
"જો હું કંઈક પકડી શકું, તો હું ખાલી હાથે વિચરતી ભૂમિના યાક પણ પકડી શકું. મારું શરીર એટલું લવચીક હતું કે હું આકાશમાં પક્ષીની જેમ ફરી શકતો હતો. મારું શરીર એટલું સ્વસ્થ હતું કે હું યુવાન દેવ જેવો દેખાતો હતો. મેં સૌથી તેજસ્વી રંગીન કપડાં અને સોના-ચાંદીના આભૂષણો પહેરતો હતો, ઘણા બધા સ્વાદિષ્ટ ખોરાક અને મીઠાઈઓ ખાતો હતો, અને શક્તિશાળી ઘોડાઓ પર સવારી કરતો હતો. હું ભાગ્યે જ ક્યારેય રમ્યા વિના, હસ્યા વિના અને આનંદ માણ્યા વિના એકલો બેસતો હતો. ભાગ્યે જ કોઈ એવી ખુશી હશે જેનો મેં અનુભવ ન કર્યો હોય. "તે સમયે, મેં ક્યારેય મારા જીવનની નશ્વરતા અથવા મારા મૃત્યુ વિશે વિચાર્યું ન હતું. ના કે મેં હવે જે રીતે વૃદ્ધાવસ્થાના વેદનામાંથી પસાર થવું છે એની અપેક્ષા રાખી હતી."
એક વાર હું જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં એક યુવાન રહેતો હતો, જે વૈભવી જીવન જીવતો હતો અને હંમેશા મોજશોખમાં મગ્ન રહેતો હતો. ધીમે ધીમે તે વૃદ્ધ થતો ગયો, તેનું શરીર વાંકા વળ્યું, તેની આવક ઓછી થઈ ગઈ. તેણે તેના મિત્રોને કહ્યું, "મેં ક્યારેય વિચાર્યું ન હતું કે વૃદ્ધાવસ્થા આટલી અચાનક આવશે."
"મિત્રો સાથે સંકળાયેલા રહેવા, પાર્ટીઓ કરવા અને મજા માણવાના વિક્ષેપ સાથે જીવતા, વૃદ્ધાવસ્થા તમારા હાસ્યના અવાજ વચ્ચે છુપાઈને તમારા પર કાબુ મેળવે છે."
ગેશે કામપાએ કહ્યું, "આપણે આભારી રહેવું જોઈએ કે વૃદ્ધાવસ્થા ધીમે ધીમે આવે છે. જો તે એક જ સમયે આવે, તો તે અસહ્ય હોત. જો ત્રીસ વર્ષની ઉંમરે આપણે સૂઈ જઈએ અને એંસી વર્ષની ઉંમરે જાગીએ, તો આપણે પોતાને જોવું સહન કરી શકત નહીં. આપણે આપણી પોતાની વૃદ્ધાવસ્થાને સમજી શકતા નથી. આપણે કેવી રીતે વૃદ્ધ થયા તે આપણા માટે એક સંપૂર્ણ રહસ્ય છે. જ્યારે અચાનક આપણને આપણી વૃદ્ધાવસ્થાનો અહેસાસ થાય છે, ત્યારે તેને સ્વીકારવામાં થોડો સમય લાગે છે. પછી ખૂબ મોડું થઈ ગયું હોય છે. જોકે એવું કહેવાય છે કે મૃત્યુ પહેલાં થોડા કલાકો સુધી ધર્મનું પાલન મદદરૂપ છે, તંત્રમાં જોડાવા માટે આપણને શારીરિક રીતે સ્વસ્થ શરીરની જરૂર હોય છે. તેથી, યુવાનીમાં જ તાંત્રિક પ્રથા શરૂ કરવી મહત્વપૂર્ણ છે."
"જ્યારે આપણે ખૂબ વૃદ્ધ થઈ જઈએ છીએ, ત્યારે આપણે અરીસામાં જોઈને પોતાને ધિક્કારીએ છીએ. તે સમયે, આપણા શરીર અને મન નબળા પડી જાય છે. આપણા શરીર માથાથી પગ સુધી અધોગતિ પામવા લાગે છે. આપણા માથા વાંકા થઈ ગયા છે જાણે હંમેશા ફૂલદાની દીક્ષા પ્રાપ્ત કરી રહ્યા હોય.
"મારા માથા પર સફેદ વાળ, એક પણ કાળો બાકી નથી, તે શુદ્ધિકરણની નિશાની નથી. તે મૃત્યુના ભગવાનના મુખમાંથી નીકળેલો હિમનો તીર છે, જે મારા માથા પર પડ્યો છે. મારા કપાળ પરની રેખાઓ તેની માતાનું દૂધ પીતા ગોળ શિશુ પરના કરચલીઓ નથી. તે મૃત્યુના ભગવાનના સંદેશવાહકો દ્વારા ગણતરી છે કે હું કેટલા વર્ષો જીવી ચૂક્યો છું. જ્યારે હું આંખો મીંચું છું, ત્યારે તે એટલા માટે નથી કારણ કે મારી આંખોમાં ધુમાડો છે. તે મારી સંવેદનાત્મક શક્તિઓના અધોગતિથી લાચાર હોવાની નિશાની છે. જ્યારે હું મારા સાંભળવાનો મોટો પ્રયાસ કરતા કાન પાસે હાથ મુકું છું, ત્યારે તે એટલા માટે નથી કારણ કે હું ગુપ્ત વાતચીત કરી રહ્યો છું. તે મારી શ્રવણશક્તિના અધોગતિનો સંકેત છે.
"જ્યારે મારા નાકમાંથી પાણી ટપકે છે અને નસકોરાં નીકળે છે, ત્યારે તે મારા ચહેરા પર મોતીનો શણગાર નથી. તે વૃદ્ધાવસ્થાના સૂર્યપ્રકાશથી યુવાનીના બરફના પીગળવાની નિશાની છે. મારા દાંત ગુમાવવા એ નાના બાળકની જેમ નવા દાંત કાપવાની નિશાની નથી. તે ખાવાના સાધનોના ઘસાઈ જવાની નિશાની છે જેને મૃત્યુના ભગવાન દૂર કરી રહ્યા છે. જ્યારે ઘણી લાળ બહાર આવે છે અને હું વાત કરતી વખતે થૂંકું છું, ત્યારે તે પૃથ્વી ને સાફ કરવા એના પર પાણી છાંટવા જેવું નથી. તે જે હું કહીશ એ બધા શબ્દોના અંતની નિશાની છે. જ્યારે હું અસંગત રીતે બોલું છું અને શબ્દો પર ઠોકર ખાઈશ, ત્યારે એવું નથી કે હું કોઈ વિચિત્ર વિદેશી ભાષા બોલી રહ્યો છું. તે એ સંકેત છે કે મારી જીભ જીવનભરની નિષ્ક્રિય વાતોથી થાકી ગઈ છે.
"જ્યારે મારો દેખાવ કદરૂપો થઈ જાય છે, ત્યારે એવું નથી કે હું વાંદરાના મુખવટો પાછળ છુપાઈ રહ્યો છું. તે મારા શરીરનો સંપૂર્ણ અધોગતિનો સંકેત છે જે મેં ઉધાર લીધો છે. જ્યારે મારું માથું ખૂબ હલે છે, ત્યારે એવું નથી કે હું તમારી સાથે અસંમત છું. તે મૃત્યુના ભગવાનની લાકડીની પ્રચંડ શક્તિનો સંકેત છે જેણે મારા માથા પર પ્રહાર કર્યો છે. જ્યારે હું વાંકો વળીને ચાલું છું, ત્યારે એવું નથી કે હું મારી ખોવાયેલી સોય શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. તે મારા શરીરમાં પૃથ્વીના તત્વના અધોગતિનો સ્પષ્ટ સંકેત છે.
"જ્યારે હું મારા હાથ અને ઘૂંટણ પર ઊભો થાઉં છું, ત્યારે હું ચાર પગવાળા પ્રાણીનું અનુકરણ કરતો નથી. તે એટલા માટે છે કારણ કે મારા પગનો ટેકો હવે પૂરતો નથી. જ્યારે હું બેઠો છું, ત્યારે તે કંઈક ભરેલી થેલી પાડવા જેવું છે. એવું નથી કે હું મારા મિત્રોથી ગુસ્સે છું. તે મારા શરીર પરનો નિયંત્રણ ગુમાવવાનો સંકેત છે.
"જ્યારે હું ધીમે ધીમે ચાલું છું, ત્યારે હું એક મહાન રાજનેતાની જેમ ચાલવાનો પ્રયાસ નથી કરી રહ્યો. તે એટલે છે કે મેં મારા શરીરનો સંપૂર્ણ સંતુલન ગુમાવી દીધું છે. જ્યારે મારા હાથ ધ્રુજે છે, ત્યારે એવું નથી કે હું કંઈક મેળવવાના લોભથી મારા હાથ હલાવી રહ્યો છું. તે મૃત્યુના ભગવાન દ્વારા મારી પાસેથી બધું છીનવાઈ જવાના ડરની નિશાની છે. જ્યારે હું ફક્ત થોડું જ ખાઈ અને પી શકું છું, ત્યારે તે એટલા માટે નથી કે હું કૃપણ કે કંજૂસ છું. તે મારી નાભિ પર પાચન શક્તિના અધોગતિનો સંકેત છે. જ્યારે હું હળવા કપડાં પહેરું છું, ત્યારે તે રમતવીરોની નકલ કરવાનો પ્રયાસ નથી. તે એટલા માટે છે કે મારા શરીરની નબળાઈ કોઈપણ પહેરેલા કપડાંને બોજ બનાવે છે.
"જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને હું હાંફું છે, ત્યારે એવું નથી કે હું કોઈ મંત્ર ફૂંકીને કોઈને સાજો કરી રહ્યો છું. તે મારા શરીરમાં રહેલી શક્તિઓની નબળાઈ અને થાકની નિશાની છે. જ્યારે હું ખૂબ ઓછું કરું છું અને થોડી જ પ્રવૃત્તિઓ કરું છું, ત્યારે તે ઇરાદાપૂર્વક મારી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાથી નથી. તે વૃદ્ધ માણસ શું કરી શકે છે તેની મર્યાદાને કારણે છે. જ્યારે હું ખૂબ જ ભૂલી જાઉં છું, ત્યારે તે એટલા માટે નથી કારણ કે હું બીજાઓને બિનમહત્વપૂર્ણ માનું છું અને તેમને નીચું જોઉં છું. તે મારી યાદશક્તિની સભાનતાના અધોગતિનો સંકેત છે.
"હે યુવાન, મને ચીડવશો નહીં અને મારી મજાક ઉડાવશો નહીં. હું જે અનુભવું છું તે ફક્ત મારા માટે વિશિષ્ટ નથી. દરેક વ્યક્તિ આ અનુભવે છે. તું રાહ જો અને જો; ત્રણ વર્ષમાં, વૃદ્ધાવસ્થાના પહેલા થોડા સંદેશવાહકો તારી પાસે આવશે. તું મારી વાત માનશે નહીં કે તે તને ગમશે નહીં, પરંતુ તું અનુભવથી શીખીશ. પાંચ અધોગતિના આ સમયમાં, તું નસીબદાર હશે જો તું મારા જેટલો વૃદ્ધ થશે. ભલે તું મારા જેટલો જીવશે, તો પણ તું મારા જેટલું બોલી શકશે નહીં."
યુવાન જવાબ આપે છે, "તમારા જેટલું જોવીને તમારા જેટલું કદરૂપા અને અવગણ થવાને બદલે અને કૂતરાઓની હરોળમાં આવાને બદલે, મરવું વધુ સારું છે."
વૃદ્ધ માણસ હસે છે. “યુવાન, તું ખૂબ જ અજ્ઞાની અને મૂર્ખ છે કે તું લાંબુ જીવવા અને ખુશ રહેવાની ઇચ્છા રાખે છે, પણ વૃદ્ધાવસ્થા ન મેળવવાની ઇચ્છા રાખે છે. મૃત્યુ સાંભળવામાં સરળ લાગે છે, પણ તે એટલું સહેલું નથી. શાંતિથી અને ખુશીથી મૃત્યુ પામવા માટે, તમારે એવી વ્યક્તિ બનવાની જરૂર છે જેણે ખોટી રીતે મેળવેલા દાન સ્વીકાર્યા નથી અથવા દસ સકારાત્મક કાર્યોની નૈતિકતા તોડી નથી, અને જેણે ધર્મ, ચિંતન અને ધ્યાનનું ઘણું બધું સાંભળ્યું છે. તો મૃત્યુ સરળ છે.
“જોકે, મને એવું લાગતું નથી. મને કોઈ વિશ્વાસ નથી કે મેં કોઈ રચનાત્મક કાર્ય કર્યા છે. હું મૃત્યુથી ડરું છું અને હું જેટલા દિવસ જીવી શકું છું તેના માટે આભારી છું. મારી પ્રબળ ઇચ્છા દરરોજ જીવવાની છે.”
તે યુવાન પોતાનો વિચાર બદલીને કહે છે, “હે વૃદ્ધ માણસ, તમે જે કંઈ કહો છે તે બધું સાચું છે. વૃદ્ધાવસ્થાના વેદના વિશે બીજાઓએ મને જે કહ્યું છે તે મેં તમારામાં જે જોયું છે તેની સાથે મેળ ખાય છે. વૃદ્ધાવસ્થાનું તમારું પ્રદર્શન મારા મન માટે ખૂબ જ ફાયદાકારક રહ્યું છે. વૃદ્ધાવસ્થાના વેદનાથી હું આશ્ચર્યચકિત છું. હે જ્ઞાની વૃદ્ધ માણસ, જો તમે વૃદ્ધાવસ્થાથી બચવા માટે કોઈ પદ્ધતિઓ સાંભળી હોય, તો તેને ગુપ્ત ન રાખો; તેનો વિતરણ મારી સાથે કરો અને મને સત્ય કહો.”
વૃદ્ધ માણસ ખુશ થઈને કહે છે, “ચોક્કસપણે એક પદ્ધતિ છે. જો તમે તે જાણો છો, તો તેનું પાલન કરવું સરળ છે. ઓછા પ્રયત્નોથી, આપણે આ વેદનામાંથી ઝડપથી મુક્ત થઈ શકીએ છીએ. જોકે જન્મ લેનાર દરેક વ્યક્તિ મૃત્યુ પામે છે, પણ વૃદ્ધ થયા પછી બહુ ઓછા મૃત્યુ પામે છે. ઘણા વૃદ્ધાવસ્થા સુધી પહોંચવાની તક મળ્યા વિના યુવાનીમાં મૃત્યુ પામે છે. પદ્ધતિઓ બુદ્ધના ઉપદેશોમાં છે. તેમાં મુક્તિ અને જ્ઞાન પ્રાપ્તિના માટે ઘણી પદ્ધતિઓ છે, બીજા શબ્દોમાં કહીએ તો પુનર્જન્મ ન લેવો, વૃદ્ધ ન થવું, બીમાર ન થવું અથવા મૃત્યુ ન પામવું; પરંતુ આપણે તેનો અભ્યાસ કર્યો નથી.”
એક વાર એક મઠ ઘરમાં એક સ્વ-નિર્મિત લામા રહેતા હતા. તે મઠમાં એક અવર સભ્ય હતા, અને મોટાભાગના સાધુઓ તેમના પર ધ્યાન આપતા નહોતા. તેમણે ઘરના ભવિષ્ય વિશે ચર્ચા કરવા માટે એક બેઠક યોજી હતી. તેમણે શબને બાંધવા માટે દોરડા અને ચાદર તૈયાર કરવાનું કહ્યું. બધાએ કહ્યું કે આ એક ખરાબ શુકન છે અને તેમના પર ગુસ્સે થયા. પછી તેઓએ ચર્ચા કરી કે મઠને મદદ કરવા માટે દરેકે શું કરવું જોઈએ. તેમણે કહ્યું કે નશ્વરતા પર ધ્યાન કરો. આ કહીને, તેમણે તેમને એક મહાન ઉપદેશ આપ્યો. પાછળથી ઘણા દલાઈ લામાઓએ તેમની પ્રશંસા કરી છે. ભવિષ્ય માટે તૈયારી કરવા માટે, મૃત્યુ માટે તૈયારી કરવાની જરૂર છે.
"દરેક વ્યક્તિ અમરત્વ અને તેને પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ ઇચ્છે છે. પરંતુ જન્મ લેવો અને મરવું નહીં તે અશક્ય છે. શાક્યમુનિ બુદ્ધ સહિત હજારો પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત વ્યક્તિઓ પણ ગુજરી ગયા છે. અને ભૂતકાળના બોધિસત્વો અને મહાન ગુરુઓની વાત કરીએ તો, ફક્ત તેમના નામ જ બાકી છે. વિશ્વના ઇતિહાસમાં પણ આ જ વાત સ્પષ્ટ છે. બધા મહાન ઐતિહાસિક વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે અને ફક્ત ખંડેર જ બાકી છે. આમ, આપણે આપણા આવનારા મૃત્યુની વાસ્તવિકતાને ભૂલવી ન જોઈએ. વર્તમાનના મહાન ગુરુઓ પણ ગુજરી જશે. આજે જન્મેલા બધા બાળકો સો વર્ષમાં મૃત્યુ પામશે. તો, યુવાન, તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે તમે એકલા હંમેશ માટે જીવશો? તેથી, મૃત્યુ માટે તમારી જાતને આધ્યાત્મિક રીતે તૈયાર કરવાની સલાહ આપવામાં આવે છે.
"લાંબુ આયુષ્ય પૈસાથી ખરીદી શકાતું નથી કે ભૌતિક આરામ દ્વારા મેળવી શકાતું નથી. જો તમારી પાસે આધ્યાત્મિક આત્મવિશ્વાસ હોય અને તમે જીવનમાંથી શું ઇચ્છો છો તે જાણો છો, તો તમે શારીરિક રીતે જેટલા વૃદ્ધ થશો, તેટલી વધુ ખુશી અને યુવાની તમારી પાસે હશે. જો તમે ખૂબ જ શારીરિક આરામનો આનંદ માણો છો પણ અર્થહીન જીવન જીવ્યું છે, તો તમે જેટલા વૃદ્ધ થશો, તેટલા જ તમે નાખુશ બનશો. મૃત્યુની ચિંતાથી તમારા મનને દૂર કરવા માટે તમારે પ્રવાસી તરીકે મુસાફરી કરવી પડશે. બીજી બાજુ, જો તમારી પાસે થોડો પણ આધ્યાત્મિક આત્મવિશ્વાસ હોય, તો તમે જેટલું મૃત્યુની નજીક આવશો, તેટલું જ તમે ખુશ ઘરમાં પાછા ફરતા પુત્ર જેવું અનુભવશો. મૃત્યુ તમને ભગાડતું નથી, પરંતુ ખુશ જીવનો ચાલુ રાખવા માટે આગળ જુઓ છો."
એક મહાન આધ્યાત્મિક ગુરુએ એકવાર કહ્યું, "કારણ કે મને મારા ભવિષ્યના જન્મોમાં સંપૂર્ણ વિશ્વાસ છે; મને કોઈ ચિંતા નથી. મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, અને હું તેનું સ્વાગત કરું છું."
"મૃત્યુનું વેદના અનિવાર્ય હોવાથી, આપણે તેના વિશે કંઈક કરવું જોઈએ. આપણે ફક્ત બેસી રહીને હતાશ રહી શકતા નથી. માનવી તરીકે આપણી પાસે ઘણી પદ્ધતિઓ અજમાવવાની વિદ્વતા છે. બુદ્ધ પણ તમને વધુ સ્પષ્ટ ઉપદેશો આપી શકતા નથી, યુવાન. મેં મારા હૃદયથી કહ્યું છે. જોકે આ મારી સાચી હૃદયસ્પર્શી સલાહ છે, ફક્ત મારા શબ્દો પર આધાર રાખશો નહીં; તેનું વિશ્લેષણ જાતે કરો. નશ્વરતા અંગેના અભ્યાસ જાતે કરો. એક કહેવત છે, 'બીજાઓના મંતવ્યો પૂછો, પણ નિર્ણય જાતે લો.' જો તમે ઘણા લોકોને તમારા માટે નિર્ણયો લેવા દો, તો ઘણા તમને અલગ અલગ સલાહ આપશે."
યુવાન કહે છે, "તમે જે કહો છો તે ખૂબ જ સાચું અને ફાયદાકારક છે. પરંતુ, આગામી થોડા વર્ષો સુધી હું આ વસ્તુઓ કરી શકતો નથી. મારી પાસે બીજું કામ છે. મારી પાસે મોટી મિલકત, સંપત્તિ વગેરે છે. મારે ઘણો વ્યવસાય કરવા પડશે અને મારી મિલકતનું ધ્યાન રાખવું પડશે. થોડા વર્ષો પછી મારે તમને ફરીથી મળવું પડશે, અને પછી હું અભ્યાસ કરીશ."
વૃદ્ધ માણસ ખૂબ જ નાખુશ થઈ જાય છે અને કહે છે, "તમે મને જે કંઈ કહ્યું છે તે હવે ખાલી શબ્દો અને અર્થહીન બની જાય છે. મારી પાસે પણ એ જ વાત હતી, થોડા વર્ષો પછી કંઈક અર્થપૂર્ણ કરવાની ઇચ્છા; પણ મેં ક્યારેય કંઈ કર્યું નહીં અને હવે હું વૃદ્ધ થઈ ગયો છું. હું જાણું છું કે તમે જે કહો છો તે કેટલું વ્યર્થ છે. થોડા વર્ષોમાં કરવાના કામો ક્યારેય સમાપ્ત થશે નહીં. તમે હંમેશા તેમને મુલતવી રાખશો. થોડા વર્ષોમાં કરવાના કામો વૃદ્ધ માણસની દાઢી જેવા છે; જો તમે આજે મુંડન કરશો, તો કાલે વધુ વધશે. કાલ અને કાલ સુધી વિલંબ કર્યા પછી, ટૂંક સમયમાં તમને શોધશો કે તમારું જીવન સમાપ્ત થઈ ગયું છે. ધર્મ આચરણના આ વિલંબે બધાને મૂર્ખ બનાવ્યા છે. મને તમારા પર કોઈ વિશ્વાસ નથી કે તમે ક્યારેય ધર્મનું પાલન કરી શકશો. તેથી, આપણી વાત કરવી એ સંપૂર્ણ વ્યર્થ છે. તમારા ઘરે પાછા જાઓ અને તમે જે ઇચ્છો તે કરો, અને મને કેટલાક મણિ (મંત્ર) કહેવા દો."
યુવાન ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને તેને થોડો દુઃખી થાય છે. તે કહે છે, “તમે મને આવી વાતો કહેવાનું વિચારી પણ કેવી રીતે શકો છો? મને કહો, આ જીવનમાં ભૌતિક વસ્તુઓ કેટલી ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે?”
વૃદ્ધ માણસ હસે છે, “તમે મને આ પ્રશ્નો પૂછો છો, તેથી મને લાગે છે કે મારે જવાબ આપવો પડશે કે કંઈપણ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે. દક્ષિણ દિશામાં મૃત્યુના ભગવાન રહે છે જેમને તમે તમારું કામ પૂર્ણ કર્યું છે કે નહીં તેની બિલકુલ પરવા નથી. તે જે ઇચ્છે છે તે કરે છે. જો તમે તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવી શકો છો અને જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માટે તેમની પરવાનગી મેળવી શકો છો, તો તમે આરામ કરી શકો છો. નહિંતર, તમે ક્યારેય આરામ કરી શકતા નથી. લોકો ચાના કપ પીતી વખતે વચ્ચે મૃત્યુ પામે છે, જ્યારે ટેબલ પર ખોરાક હોય છે, ચાલતી વખતે, તેઓ સૂંઘવાનું સમાપ્ત કરે તે પહેલાં.
"આવું દરેક જોડે થાય છે, મહાન ગુરુઓ સાથે પણ. તેમના ઘણા ઉપદેશો અધૂરા છે, કારણ કે તેઓ તેમને લખવાનું પૂર્ણ કરે તે પહેલાં જ મૃત્યુ પામી ગયા. તેથી જ્યારે મૃત્યુનો ભગવાન આવે છે, ત્યારે તમે કહી શકતા નથી કે, 'મારી પાસે મોટી મિલકત છે અને ઘણું કામ કરવાનું છે.' તમે તેમની સામે કંઈપણનો બડાઈ મારી શકતા નથી; તમારે બધું છોડી દેવું પડશે. આ સંદર્ભમાં આપણે સંપૂર્ણપણે શક્તિહીન છીએ. આપણે આપણું આયુષ્ય નક્કી કરી શકતા નથી. તેથી, જો તમે કંઈ કરી શકો છો, તો હમણાં જ અભ્યાસ શરૂ કરો. તે અર્થપૂર્ણ રહેશે; નહીં તો, ફક્ત તમારી મિલકત અર્થહીન છે. પરંતુ આજકાલ એવા થોડા લોકો જ છે જે સત્ય કેહેશે કે તમને શું ફાયદો કરશે. તેનાથી પણ વધુ દુર્લભ એ છે કે કોઈ વ્યક્તિ જે નિષ્ઠાવાન સલાહ સાંભળે."
યુવાન ખૂબ જ પ્રભાવિત થાય છે અને વૃદ્ધ માણસ પ્રત્યે ખૂબ આદર રાખીને, થોડા ડગલાં પાછળ હટીને તેમને પ્રણામ કરે છે. તે કહે છે, “સોનેરી ધ્વજ, ગેશે કે યોગીઓથી ઘેરાયેલા બીજા કોઈ લામા પાસે તમે જે કહ્યું છે તેના કરતાં વધુ ગહન ઉપદેશો નથી. તમે એક સામાન્ય વૃદ્ધ માણસ જેવો દેખાવ ધરાવો છો, પરંતુ તમે ખરેખર એક મહાન આધ્યાત્મિક મિત્ર છો. હું મારા સન્માનનો વચન આપું છું કે તમે જે કહ્યું છે તે બધું મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ અમલમાં મુકીશ, અને ભવિષ્યમાં, કૃપા કરીને મને વધુ ઉપદેશો આપજો.”
વૃદ્ધ માણસ સંમત થાય છે અને સ્વીકારે છે. તે કહે છે, “મને બહુ ખબર નથી, પણ મેં ઘણો અનુભવ કર્યો છે. હું તમને તેમાંથી શીખવી શકું છું. સૌથી મુશ્કેલ બાબત એ છે કે શરૂઆત કરવી અને ધર્મમાં પોતાને સ્થાપિત કરવું. વૃદ્ધ થયા પછી ધર્મનું અભ્યાસ શરૂ કરવું વધુ મુશ્કેલ છે. તેથી, નાની ઉંમરે શરૂઆત કરવી મહત્વપૂર્ણ છે.”
"જ્યારે યુવાન હોવ, ત્યારે તમારી યાદશક્તિ તાજી હોય છે; તમારી પાસે ગતિશીલ બુદ્ધિ અને પ્રણામ દ્વારા સકારાત્મક શક્તિનું નિર્માણ કરવાની શારીરિક શક્તિ હોય છે. તંત્રની દ્રષ્ટિએ, યુવાનીમાં તમારી ઉર્જા માર્ગની શક્તિ અને જોમ ખૂબ જ સારી હોય છે. જો નાની ઉંમરે, તમે લોભ અને ભૌતિક સંપત્તિ પ્રત્યેના આસક્તિના અવરોધને તોડી શકો છો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પોતાને સામેલ કરી શકો છો, તો તે ખૂબ જ મૂલ્યવાન છે. એકવાર તમે ધર્મ સ્વીકારી લો, તેના આવશ્યક મુદ્દાઓ સમજી લો અને તેની ભાવનામાં પ્રવેશ કરી લો, પછી તમે જે કંઈ કરો છો, કહો છો અને વિચારો છો તે બધું ધર્મ હશે."
મિલારેપા અને રા લોટ્સવાએ પણ એવું જ કહ્યું, "જ્યારે હું ખાઉં છું, ચાલું છું, બેસું છું કે સૂઉં છું - તે ધર્મ અભ્યાસ છે."
"ધર્મમાં કોઈ કઠોર નિયમો નથી. તેથી, ઘણા બધા વિચારો કે ચંચળ મન ન રાખવાનો પ્રયાસ કરો. હમણાંથી શરૂઆત કરો અને ધર્મમાં તમારી રુચિ જાળવી રાખો. દર મિનિટે તમારો વિચાર બદલશો નહીં. આ ક્ષણથી, તમારું જીવન - શરીર, વાણી અને મન - ધર્મ અભ્યાસમાં સમર્પિત કરો."
હવે વૃદ્ધ માણસ યુવાનોને ધર્મ શું સમાવે છે તે કહે છે, "પહેલા, એક લાયક આધ્યાત્મિક માર્ગદર્શક શોધો અને તમારા વિચારો અને કાર્યોથી તમારી જાતને યોગ્ય રીતે તેમની સમક્ષ સમર્પિત કરો. તમે બીજાઓને કેટલું લાભ આપી શકો છો તે યોગ્ય આધ્યાત્મિક માર્ગદર્શક શોધવા અને તેમની સાથેના તમારા સંપૂર્ણ હૃદયથી સમર્પિત સંબંધ પર આધારિત છે."
અતિષ આ મુદ્દા પર ભાર મૂકતા હતા. તેઓ ઘણીવાર કહેતા હતા કે તેમના બધા ૧૫૫ ગુરુઓ પ્રત્યે તેમની સમાન રીતે સંપૂર્ણ પ્રતિબદ્ધતા હતી.
"પછી, તમારે દસ રચનાત્મક ક્રિયાઓનો અભ્યાસ કરવા માટે તમારા સન્માનના શબ્દો અને પ્રતિજ્ઞાઓનું પાલન કરવાની જરૂર છે. જેમ તમે તમારી આંખોનું રક્ષણ કરો છો તેમ તેમનું રક્ષણ કરો. આ જીવન પ્રત્યેના તમારા જોડાણને કાપી નાખો, જાણે કે જંગલી હાથી સાંકળ તોડી રહ્યો હોય. પછી શ્રવણ, ચિંતન અને ધ્યાન એકત્રિત કરો, અને ત્રણેયને એકસાથે કરો. સાત-અંગ અભ્યાસ દ્વારા આ બધાને ટેકો આપો. આ સકારાત્મક શક્તિ બનાવવાનો, ગુણ એકઠા કરવાનો માર્ગ છે. આ કર્યા પછી, બુદ્ધત્વ તમારી આંગળીના ટેરવે છે."
પાંચમા દલાઈ લામાએ કહ્યું હતું કે જો કોઈ લાયક માર્ગદર્શક કોઈ લાયક શિષ્યને માર્ગદર્શન આપે છે, તો બુદ્ધત્વ વ્યક્તિના પોતાના હાથમાં ઘડી શકાય છે. મિલારેપાએ એમ પણ કહ્યું હતું કે જો તમારી પાસે એક લાયક માર્ગદર્શક અને એક લાયક શિષ્ય હોય જે તેના લાયક ઉપદેશોનો અભ્યાસ કરે છે, તો બુદ્ધત્વ તમારી બહાર નથી; તે અંદર છે. જોકે, વ્યક્તિએ હંમેશા ભાર મૂકવો જોઈએ કે ગુરુ યોગ્ય રીતે લાયક હોવો જોઈએ.
"આ ખુશી છે; આ આનંદ છે. હે પ્રિય પુત્ર, જો તું આ રીતે અભ્યાસ કરશે તો તારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે."
આ ઉપદેશો મનને કાબૂમાં રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કઠિન મનને નરમ પાડે છે. એક કહેવત છે, "માખણ રાખવા માટે ચામડાની થેલી જેવા ન બનો. પ્રવાહમાં કાંકરા જેવા ન બનો." ચામડાની થેલીમાં ગમે તેટલું માખણ હોય તો પણ નરમ થતી નથી. પથ્થર પ્રવાહમાં ગમે તેટલો સમય રહે, તે પણ નરમ થતું નથી.
તે દિવસથી, તે યુવકે આઠ સાંસારિક, બાલિશ લાગણીઓથી અમિશ્રિત શુદ્ધ ધર્મનું પાલન કર્યું.
આપણે પણ એ જ કરવાનો પ્રયાસ કરવાની જરૂર છે. આપણે જેટલી વધુ ઉપદેશો સાંભળીએ છે, તેટલી જ વધુ આપણે તેનો અભ્યાસ અને વિકાસ કરવાની જરૂર છે, અને ક્યારેય નરમ ન પડતા પ્રવાહમાં કાંકરા જેવા ન બનીએ.
વૃદ્ધ માણસ કહે છે, "મેં આ ઉપદેશો મારા આધ્યાત્મિક માર્ગદર્શકો પાસેથી સાંભળ્યા છે અને તે મારા પોતાના અનુભવ પર પણ આધારિત છે. હું આશા કરું છું કે આનાથી અમર્યાદિત સંવેદનશીલ જીવોને તેમના ખુશી માટે લાભ થાય."
લેખક અંતમાં કહે છે:
જોકે મેં બહુ ઓછું અભ્યાસ કર્યું છે અને ધર્મનો અનુભવ નથી, છતાં સંવેદનશીલ જીવોના સ્વભાવની વિવિધતાને કારણે, કદાચ આ ઉપદેશો કેટલાક માટે ફાયદાકારક રહેશે. મર્યાદિત જીવોના મનને લાભ થાય તેવી આશા સાથે, મેં આ નિષ્ઠા અને શુદ્ધ પ્રેરણાથી લખ્યું છે. નશ્વરતા પરના આ ઉપદેશો ફક્ત એક રસપ્રદ વાર્તા નથી જે મેં કહેવા માટે બનાવ્યું છે, પરંતુ આર્યદેવ દ્વારા લખાયેલા ચારસો શ્લોકો પર આધારિત છે.