પરિચય
છ દૂરોગામી વલણ (પૂર્ણતા)માંથી બીજું નૈતિક સ્વ-શિસ્ત છે. સંગીતનાં સાધન શીખવા અથવા રમતગમતમાં શ્રેષ્ઠતા મેળવવા માટે જે પ્રકારની શિસ્તની જરૂર હોય, આ એવું નથી, પરંતુ તે આપણા નૈતિક વર્તન સાથે સંબંધિત છે. તે અન્ય લોકોની નિરીક્ષા કરવી, તમારા કૂતરાને તાલીમ આપવા અથવા લશ્કરમાં લોકોને નિયંત્રિત કરવા સાથે પણ સંબંધિત નથી. આપણે ફક્ત આપણી પોતાની શિસ્ત વિશે વાત કરી રહ્યા છીએ, જેમાંથી આપણા પાસે ત્રણ પ્રકાર છે.
વિનાશક ક્રિયાઓથી દૂર રહેવું
પ્રથમ પ્રકારની નૈતિક સ્વ-શિસ્ત એ છે કે આપણે કેવી રીતે કાર્ય કરીએ છીએ, બોલીએ છીએ અને વિચારીએ છીએ તેનો ઉલ્લેખ કરીને વિનાશક ક્રિયાઓ કરવાથી દૂર રહેવું. આનો અર્થ એ છે કે સામાન્ય રીતે આપણે દસ પ્રકારની વિનાશક ક્રિયાઓ જેમ કે હત્યા, ચોરી, જૂઠું બોલવું વગેરેથી દૂર રહીએ છીએ અને જો આપણે આપણા આધ્યાત્મિક વિકાસને અવરોધે તેવા વર્તનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હોય, તો આપણે આ પ્રતિજ્ઞાઓ પાળીએ છીએ.
જ્યારે આપણે અમુક વિનાશક વર્તણૂકોને ટાળવા વિશે વાત કરીએ છીએ, ત્યા બે પ્રકારના હોય છે. એક વર્તન છે જે કુદરતી રીતે વિનાશક હોય છે, જેમ કે હત્યા અને ચોરી, જે સમજવામાં સરળ છે. પછી એવી વર્તણૂકો છે જે પોતે વિનાશક નથી, પરંતુ બુદ્ધે કહ્યું કે અમુક લોકો માટે અથવા અમુક સમયે ટાળવું વધુ સારું છે. ઉદાહરણ તરીકે, સાધુઓ અને સાધ્વીઓ રાત્રે ખાવાનું ટાળવા જોઈએ, પરંતુ આ દરેકને લાગુ પડતું નથી. આ નિયમ એ હકીકત પરથી આવે છે કે જો આપણે રાત્રે અને સવારે શુદ્ધ મન થી ધ્યાન કરવું હોય, તો રાત્રે ન ખાવું વધુ સારું છે. બીજું ઉદાહરણ સાધુ કે સાધ્વી તરીકે લાંબા વાળ ન રાખવાની સલાહ છે, કારણ કે આમ કરવાથી વ્યક્તિની પોતાની સુંદરતા પ્રત્યે લગાવ વધી શકે છે અને દરરોજ તેને ઓળવામાં સમયનો બગાડો પણ થાય છે! દેખીતી રીતે, આ સલાહ દરેક માટે નથી, પરંતુ માત્ર સાધુઓ અને સાધ્વીઓ માટે છે.
રચનાત્મક કાર્યોમાં સામેલ થવું
બીજા પ્રકારનો નૈતિક સ્વ-શિસ્ત એ હકારાત્મક, રચનાત્મક ક્રિયાઓમાં જોડાવાનું છે, જે આપણને જ્ઞાન પ્રાપ્તિ માટે જરૂરી હકારાત્મક બળનું નિર્માણ કરે છે. આનો અર્થ એ છે કે ઉપદેશો અને અધ્યયનમાં જવાનું, ધર્મનું ચિંતન અને મનન કરવાની શિસ્ત રાખવી, અને આપણા નગોન્દ્રો (અદ્યતન તંત્ર અભ્યાસ માટે પૂર્વશરત) જેમ કે પ્રણામ, અર્પણ વગેરેને પૂર્ણ કરવું.
ફરીથી, નૈતિક સ્વ-શિસ્ત એ વાસ્તવિક વર્તનને બદલે મનની સ્થિતિ છે. તે શિસ્ત છે જે આપણા મનમાંથી આવે છે અને જે આપણે જે રીતે વર્તીએ છીએ તેને આકાર આપે છે - ખાતરી કરે છે કે આપણે સકારાત્મક બાબતોમાં શામેલ થઈએ અને વિનાશક અને અયોગ્ય વર્તનથી દૂર રહીએ. આ શિસ્ત વિના, આપણે સંપૂર્ણપણે નિયંત્રણની બહાર થઈએ છીએ અને સરળતાથી ખલેલ પહોંચાડતી લાગણીઓના પ્રભાવ હેઠળ આવીએ છીએ.
નૈતિક સ્વ-શિસ્ત ભેદભાવ અને ભેદભાવપૂર્ણ જાગૃતિ પર આધારિત છે. વિનાશક રીતે કાર્ય કરવાથી દૂર રહેવા માટે, આપણે ભેદભાવ કરીએ છીએ અને વિનાશક રીતે કાર્ય કરવાના ગેરફાયદા વિશે નિર્ણાયક છીએ. સકારાત્મક વર્તણૂકમાં જોડાવાથી, આપણે ધ્યાન, પ્રારંભિક અભ્યાસ કરવા વગેરેના ફાયદાઓમાં ભેદભાવ કરીએ છીએ. ભેદભાવ સાથે, આપણે આપમેળે જાણીએ છીએ કે કેવી રીતે કાર્ય કરવું અને આપણને તેના વિશે વિશ્વાસ છે.
બીજાને ફાયદો પહોંચાડવા માટે કામ કરવું
ત્રીજો પ્રકારનો નૈતિક સ્વ-શિસ્ત એ છે કે ખરેખર અન્યોના લાભ અને મદદ માટે કામ કરવું. અહીં, આપણી પાસે બીજાને મદદ કરવાના લાભનો અને તેમને મદદ ન કરવાથી દૂર રહેવું છે કારણ કે આપણને મન નથી અથવા આપણે ખાસ કરીને કોઈને પસંદ નથી કરતા વચ્ચે ભેદભાવ છે .
બીજાઓને મદદ કરવામાં ઘણા બધા પાસાઓ સંકળાયેલા છે, પરંતુ સામાન્ય રીતે કહીએ તો, "આપણા સકારાત્મક પ્રભાવ હેઠળ અન્યને એકત્રિત કરવાની ચાર રીતો" કહેવાય છે તેમાં જોડાવાની આપણી પાસે શિસ્ત છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે એવી રીતે વર્તીએ છીએ કે જે અન્ય લોકો આપણા પ્રત્યે વધુ ગ્રહણશીલ બને, જેથી આપણે તેમને વધુ, ઊંડી વસ્તુઓ શીખવી શકીએ.
આ ચાર રીતો છે:
- ઉદાર બનવું
- આનંદદાયક રીતે બોલવું
- અન્ય લોકોને તેમના લક્ષ્યો સુધી પહોંચવા માટે હલાવું
- આ ધ્યેયો સાથે સુસંગત રહેવું.
છ દૂરોગામી વલણો પરના ઉપદેશોમાં ૧૧ પ્રકારના લોકોની સૂચિને સ્પષ્ટ કરે છે જેને આપણે ખાસ કરીને મદદ કરવા અને લાભ આપવા માટે પ્રયાસ કરવા સખત મહેનત કરવાની જરૂર છે. આપણે તેને ફક્ત એક સૂચિ તરીકે ન વિચારવું જોઈએ, પરંતુ જ્યારે આપણે તેમની સામે આવીએ ત્યારે તેમને અવગણવાને બદલે ખરેખર મદદ કરવા માટે એક ખૂબ જ ચોક્કસ સૂચના તરીકે જોવું જોઈએ.
- જેઓ પીડિત છે
- જેઓ પોતાની જાતને કેવી રીતે મદદ કરવી તે અંગે મૂંઝવણમાં છે
- જેમણે આપણને મદદ કરી છે
- જેઓ ભયથી ભરેલા છે
- જેઓ માનસિક વ્યથાથી ભરેલા છે
- જેઓ ગરીબ અને જરૂરિયાતમંદ છે
- જેઓ આપણી સાથે જોડાયેલા છે
- જેમને આપણે તેમની ઈચ્છા અનુસાર મદદ કરી શકીએ છીએ
- જેઓ સદ્ગુણી જીવન જીવે છે
- જેઓ વિનાશક જીવન જીવે છે
- જેમને આપણી પાસે હોય તેવી કોઈપણ અસાધારણ ક્ષમતાઓના ઉપયોગની જરૂર છે.
નૈતિક સ્વ-શિસ્ત પર શાંતિદેવ
શાંતિદેવ તેમના લખાણ બોધિસત્વ વર્તણૂકમાં સામેલ થવું માં બે પ્રકરણોમાં નૈતિક સ્વ-શિસ્તની ચર્ચા કરે છે. પ્રથમ પ્રકરણ, જેને "કાળજી રાખવાનું વલણ" કહેવામાં આવે છે, તે નૈતિક સ્વ-શિસ્તનો આધાર છે, જ્યાં આપણે આપણા વર્તનની અસરની કાળજી રાખીએ છીએ અને ખલેલ પહોંચાડતી લાગણીઓના પ્રભાવ હેઠળ ન આવવાની કાળજી રાખીએ છીએ. આપણે તેને ગંભીરતાથી લઈએ છીએ કે અન્ય લોકોને પણ લાગણીઓ હોય છે, અને જો આપણે વિનાશક વર્તન કરીએ તો આપણે તેમને નુકસાન પહોંચાડીશું. આપણે આપણી જાત પર ભવિષ્યમાં આપણા વર્તનના પરિણામોની કાળજી રાખીએ છીએ. આ બધું નૈતિક સ્વ-શિસ્ત માટેનો આધાર છે. જો આપણે ખરેખર બીજાઓને અથવા આપણા પોતાના ભવિષ્યને નુકસાન પહોંચાડવાની કાળજી લેતા નથી, તો આપણે નૈતિક રીતે કાર્ય કરવાની કોઈ જરૂર અનુભવીશું નહીં.
ઘણી ભાષાઓમાં, આ કાળજી રાખવાનું વલણ ને અનુવાદિત કરવું ખૂબ જ મુશ્કેલ છે. તેમાં કાળજી રાખવી અને તેથી આપણે કેવી રીતે વર્તીએ છીએ તે અંગે સાવચેતી રાખવાનો સમાવેશ થાય છે, પરંતુ તે તેમાંથી શું અનુસરે છે તેનો પણ ઉલ્લેખ કરે છે, આપણી જાત પર અને અન્ય લોકો પર આપણા વર્તનની અસરને ગંભીરતાથી લે છે.
શાંતિદેવ આ વિષય પર સમર્પિત બીજો પ્રકરણ સચેતતા અને સતર્કતા સાથે સંબંધિત છે. સચેતતા એ મનની સ્થિતિ છે જે શિસ્ત પર માનસિક પકડ રાખે છે, ખલેલ પહોંચાડતી લાગણીઓને વશ ન થાય. તે માનસિક ગુંદર છે જે શિસ્તને વળગી રહે છે, જેમ કે જ્યારે આપણે ડાયેટિંગ પર હોઈએ ત્યારે બેકરી પાસેથી પસાર થઈએ છીએ અને આપણી મનપસંદ કેક જોઈએ છીએ, પરંતુ આપણે કોઈક રીતે તેને રોકીએ છીએ. આપણે આપણા ડાયેટને છોડતા નથી: "મારા લોભ અને આસક્તિના પ્રભાવ હેઠળ હું તે કેક ખરીદવાનો નથી." આ સચેતતાના કારણે છે, અને તે નૈતિક શિસ્ત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સતર્કતા સાથે, આપણે ધ્યાન રાખીએ છીએ કે જ્યારે આપણે આપણા ડાયેટથી વિચલિત થવાનું શરૂ કરીએ છીએ અને કહીએ છીએ, "સારું, કદાચ કેકનો નાનો ટુકડો લઈ લઉં!" આપણી સતર્કતા આંતરિક એલાર્મ વગાડે છે જેથી આપણે દૂર રહીએ અને આપણા સ્વ-નિયંત્રણમાં પાછા આવીએ છે. આપણે આ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. સચેતતા અને સતર્કતા એ નૈતિક શિસ્ત ના આધાર છે. તે એવા સાધનો છે કે જેની મદદથી આપણે આપણી શિસ્ત જાળવી શકીએ છીએ, અને જેનો આપણે પછીથી એકાગ્રતા વિકસાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ.
અંતે, શાંતિદેવ ત્રણ પરિબળો દર્શાવે છે જે આપણને સચેતતા વિકસાવવા અને જાળવવામાં મદદ કરે છે:
- આપણા આધ્યાત્મિક શિક્ષકોની સંગતમાં રહો. જો આપણે ન રહી શકીએ, તો આપણે વિચારી શકીએ કે આપણે તેમની હાજરીમાં છીએ. જો આપણે તેમની હાજરીમાં હોત, તો તેમના પ્રત્યેના આપણા આદરને લીધે, આપણે ફક્ત મૂર્ખતાપૂર્વક અથવા વિનાશક રીતે વર્તશું નહીં. એવું વિચારવું સારું છે કે, "શું મારા શિક્ષકની હાજરીમાં હું આવું વર્તન કરીશ કે વાતો કહીશ?" જો આપણે એમ ન કરીએ, તો શાંતિદેવ આપણને "લાકડાના ટુકડાની જેમ રહેવાની" સલાહ આપે છે. ફક્ત તે નહીં કરો. તે આપણને સચેત રહેવામાં મદદ કરે છે - દેખીતી રીતે જો આપણે આપણા શિક્ષક સાથે રાત્રિભોજન કરતા હોત, તો આપણે આપણા ચહેરાને કેકથી નહીં ભરીશું અથવા કોઈના પર બૂમો પાડશે નહીં.
- આપણા શિક્ષકની સલાહ અને સૂચનાને અનુસરો. તેમને જે કહ્યું છે તે યાદ રાખવાનો પ્રયાસ કરવાથી આપણને સચેત રાખવામાં મદદ કરે છે.
- સચેત ન રહેવાના પરિણામોથી ડરો. એવું નથી કે આપણે ડરીએ છીએ, પરંતુ આપણે આત્મગૌરવ અને સ્વ-મૂલ્યની ભાવનાના આધારે, સચેતતા ન રાખવાના અસરોનો અનુભવ કરવા માંગતા નથી. આપણે આપણી જાતને સકારાત્મક રીતે પૂરતું વિચારીએ છીએ અને આપણે માત્ર ક્રોધ, લોભ વગેરેના પ્રભાવ હેઠળ વર્તીને નીચે નથી જવા માંગતા નથી.
ઉપરોક્ત ના હાથમાં હાથ જોડે, આપણે આપણા આધ્યાત્મિક શિક્ષકો પ્રત્યે વિસ્મયની ભાવના વિકસાવવાની જરૂર છે. "વિસ્મય" એ મુશ્કેલ શબ્દ છે. તેનો અર્થ એ નથી કે આપણે આપણા આધ્યાત્મિક શિક્ષકોથી ડરીએ છીએ - જાણે કે તેઓ આપણને ઝાટકશે. વિસ્મય સૂચવે છે કે આપણે આપણા આધ્યાત્મિક શિક્ષકો અને બૌદ્ધ ધર્મનો એટલો આદર કરીએ છીએ કે જો આપણું નકારાત્મક વર્તન તેમના પર ખરાબ રીતે પ્રતિબિંબિત થાય તો તે આપણને ખરાબ લાગશે. આપણને ડર છે કે તે કેટલું ખરાબ હશે જો, આપણા કારણે, લોકો વિચારે, "અરે, આ શિક્ષકના વિદ્યાર્થીઓ આવું વર્તન કરે છે?" અથવા "તમે બૌદ્ધ છો?! પણ તમે તો નશામાં રહો છે અને લડાઈ કરો છે અને ગુસ્સે થાય છો.” વિસ્મય અને આદરની ભાવનાથી, આપણે સચેત રહીએ છીએ અને નૈતિક શિસ્ત અનુસાર કાર્ય કરીએ છીએ.
સારાંશ
આપણે બધાએ એ હકીકતનો અનુભવ કર્યો છે કે શિસ્ત એ આપણા જીવનમાં પ્રગતિ કરવા માટે અતિ મહત્વનું તત્વ છે. ભલે તે મૂળાક્ષરો શીખવાનું હોય, પરીક્ષા માટે અભ્યાસ કરવું હોય કે વજન ઘટાડવાનો પ્રયાસ કરવું હોય - શિસ્ત વિના, ગમે ત્યાં પહોંચવું મુશ્કેલ છે.
બૌદ્ધ પ્રથા સાથે પમ એમ જ છે, જ્યાં આપણને માર્ગ પર પ્રગતિ કરવા માટે આપણા વર્તનના સંદર્ભમાં શિસ્તની જરૂર છે. જો આપણે આપણી અને અન્યની કાળજી રાખીએ છીએ, તો નૈતિક સ્વ-શિસ્ત એ કોઈ દૂરનો વિચાર નથી, પરંતુ કુદરતી, સામાન્ય-વિચારની વસ્તુ છે. કાળજીપૂર્વક રચનાત્મક વર્તણૂક કેળવવા અને અન્યને નુકસાન ન પહોંચાડવા માટેના આપણા સખત પ્રયાસમાં, આપણે હમણાં વધુ ખુશ અને આવતીકાલે વધારે ખુશ થવા માટેનો આધાર અને કારણો બનાવીએ છીએ.