પ્રેરણાના મધ્યવર્તી અને અદ્યતન સ્તરો

સમીક્ષા

આપણે આધ્યાત્મિક માર્ગના ક્રમાંકિત માર્ગો વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં આપણે મૂળભૂત રીતે આપણી પ્રેરણાને નાના અવકાશથી શરૂ કરીને તે પૂર્ણ ન થાય ત્યાં સુધી વિસ્તૃત અને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ રીતે, દરેક સ્તર પાછલા એક પર વિકસે છે.

આપણે એ પણ જોયું કે આ વિકાસ કરવાના બે રસ્તા છે. આપણે ધર્મ-લાઇટ સંસ્કરણને અનુસરી શકીએ છીએ, જેની સાથે આપણે આ જીવનકાળમાં સુધારો કરવા અને આપણા જીવનને થોડું સારું બનાવવા માટે ચિંતિત છીએ. આપણામાંના મોટાભાગના લોકો માટે, આપણે અહીં પ્રારંભ કરવાની જરૂર છે. જો કે, પરંપરાગત પ્રસ્તુતિ આ સ્તરને ધ્યાનમાં પણ લેતું નથી કારણ કે તે કોઈ શરૂઆત અને કોઈ અંત વિના પુનર્જન્મની માન્યતાને ધારે છે. વાસ્તવિક ધર્મ, વાસ્તવિક કોકા-કોલાની જેમ, પુનર્જન્મના સંદર્ભમાં આ વિકાસની વાત કરી રહી છે.

આપણે જોયું કે પ્રારંભિક સ્તરની પ્રેરણા, પ્રેરણાના તમામ સ્તરોની જેમ, એક ધ્યેય ધરાવે છે, તે ધ્યેય પ્રાપ્ત કરવા માટેનું એક કારણ અને તેની પાછળની લાગણી છે જે આપણને તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે. પ્રારંભિક સ્તરમાં, આપણે આપણા ભાવિ જીવનને બહેતર બનાવવાનું વિચારી રહ્યા છીએ, તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આપણે અમૂલ્ય માનવ પુનર્જન્મ ચાલુ રાખી શકીએ જેથી કરીને આપણે મોટા લક્ષ્યો સુધી પહોંચવા માટે પોતાને વિકસિત કરવાનું ચાલુ રાખી શકીએ. આપણે સમજીએ છીએ કે આ જીવનકાળમાં અંતિમ લક્ષ્યો હાંસલ કરવા મુશ્કેલ છે. તે લાંબો સમય અને ઘણી મહેનત લે છે. વધુ સારા પુનર્જન્મ માટે પ્રયત્ન કરવાનું અને ચાલુ રાખવાનું કારણ એ છે કે આપણે માર્ગ પર આગળ વધી શકીએ.

જ્યારે આપણે અમૂલ્ય માનવ પુનર્જન્મના આ ધ્યેયને હાંસલ કરીએ છીએ ત્યારે આપણે આ કરવાની યોજના બનાવીએ છીએ. આપણે આપણા આગામી જીવનકાળમાં સ્વર્ગમાં જવાની અને માત્ર સારો સમય પસાર કરવાની વાત નથી કરી રહ્યા. આ અવકાશમાં, જે ભાવના આપણને વધુ સારા પુનર્જન્મની શોધ માટે પ્રેરિત કરે છે તે ખરાબ પુનર્જન્મનો ભય છે. આ ખરાબ સ્થિતિમાં, આપણી પાસે આપણી જાત પર કામ કરવાની અને સુધારવાની કોઈ તક નહીં મળે. પરંતુ, આપણને વિશ્વાસ છે કે આને ટાળવાનો એક માર્ગ છે. આપણે સુરક્ષિત દિશા અથવા આશ્રયના સંદર્ભમાં આની ચર્ચા કરી હતી. આ દિશા મૂળભૂત રીતે આપણી માનસિક પ્રવૃત્તિ સાથે આવતી તમામ મર્યાદાઓ અને નકારાત્મક પાસાઓને હંમેશ માટે દૂર કરવાનો પ્રયાસ કરવાનો છે, ખાસ કરીને આપણા વર્તનની દ્રષ્ટિએ. આ ઉપરાંત, આપણે રચનાત્મક રીતે કાર્ય કરવા માંગીએ છીએ. આપણે આ અમૂલ્ય માનવ જીવનની કદર આપણી પાસે રહેલી તકોની પ્રશંસા કરવાના સંદર્ભમાં કરીએ છીએ, અને તેવી સમજ સાથે કે મૃત્યુ સમયે આપણે આ ચોક્કસપણે ગુમાવીશું. મૃત્યુ નિશ્ચિતપણે આવશે અને આ ક્યારે થશે તેની આપણને કોઈ જાણ નથી.

શ્રેષ્ઠ પુનર્જન્મ સ્થિતિ પણ અસંતોષકારક છે

મધ્યવર્તી અવકાશ સાથે, આપણે વધુ વિશ્લેષણ કરીએ છીએ. જો આપણને કહેવાતા વધુ સારું પુનર્જન્મ, અથવા અમૂલ્ય માનવ પુનર્જન્મ મળે, તો પણ આ રીતે ચાલુ રાખવું અસંતોષકારક છે. જીવન ચાલ્યા રાખે છે અને તેનો સ્વભાવ છે કે આગળની ક્ષણે આપણે કેવું અનુભવીશું તેની નિશ્ચિતતા વિના ઉપર અને નીચે જાય છે. આપણે હમણાં કદાચ ખુશ હોઈશું, પરંતુ આગલી મિનિટમાં આપણે અચાનક ઓછી સંતુષ્ટિ, ઉદાસી અથવા તો હતાશ અનુભવી શકીએ છીએ. નાનીમાં નાની બાબતો આપણને પરેશાન કરે છે અને અલબત્ત આપણને વારંવાર આવતી સમસ્યાઓ છે કે દરેક જીવનમાં આપણે આપણા શારીરિક કાર્યો પર કોઈ નિયંત્રણ રાખ્યા વિના જન્મ અને બાળક તરીકે પસાર થવું પડે છે. આપણે કેવી રીતે ચાલવું અને વાત કરવી તે શીખવાની જરૂર છે, અને વારંવાર આમાંથી પસાર થવું ખરેખર કંટાળાજનક છે. આપણે શાળાએ જવું પડશે, અને કોણ ફરીથી તે કરવા માંગે છે?! આપણે જીવનસાથી અને નોકરી શોધવાની જરૂર પડશે, અને ફરી એકવાર માંદગી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો સામનો કરવો પડશે, માત્ર આપણી જાતની જ નહીં પરંતુ જેને આપણે પ્રેમ કરીએ છીએ તેમની પણ.

આ અમૂલ્ય માનવ જીવન સાથે પણ, ઘણી બધી અસંતોષકારક બાબતો છે, અને આપણી બધી ભાવનાત્મક સમસ્યાઓ હજી પણ રહેશે. આપણે ગુસ્સે થઈએ છીએ અને ઉદાસ થઈએ છીએ, અને આપણે લોભી થઈએ છીએ. આપણને લોકો અને વસ્તુઓ સાથે ઘણું જોડાણ છે. આપણે કારણ અને અસર અને વાસ્તવિકતા વિશે નિષ્કપટ છીએ, અને તેથી આપણે મૂર્ખ રીતે કાર્ય કરીએ છીએ, જાણે કે આપણે જે રીતે વર્તીએ છીએ અને બોલીએ છીએ તેની અન્ય પર કોઈ અસર થતી નથી. આપણે ઘણીવાર એવું વર્તન કરીએ છીએ જાણે અન્ય લોકો ખરેખર અસ્તિત્વમાં જ નથી અને લાગણીઓ નથી ધરાવતા. તે સંપૂર્ણપણે નિષ્કપટ છે, નહીં?

આ બધી સમસ્યાઓ ચાલુ રહેશે અને કોઈપણ નસીબદાર પુનર્જન્મમાં આપણને આ ઉતાર-ચઢાવ આવશે. એવો સમય પણ આવશે જ્યારે આપણે નસીબદારમાંથી કમનસીબ તરફ જઈશું, વધુ સારાથી ખરાબ પુનર્જન્મ અને પરિસ્થિતિઓમાં જઈશું. તે ફક્ત ચાલુ જ રહે છે. "અનિયંત્રિતપણે પુનરાવર્તિત અસ્તિત્વ અથવા પુનર્જન્મ" દ્વારા અમારો અર્થ આ છે, જેના માટે સંસ્કૃત શબ્દ "સંસાર" છે.

ત્યાગ: મુક્ત થવાના ધ્યેય સાથે સ્વતંત્રતાનું લક્ષ્ય

મધ્યવર્તી અવકાશ સાથે, આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે આ બધામાંથી મુક્તિ છે. આપણા માનસિક સાતત્યની કોઈ શરૂઆત અને કોઈ અંત નથી, અને આપણે અનિયંત્રિત રીતે પુનરાવર્તિત પુનર્જન્મના આ ક્યારેય સમાપ્ત થતું નથી એવું લાગે છે એવા ચક્રમાં આગળ વધવા માંગતા નથી. જ્યારે આપણે કહીએ છીએ કે "ક્યારેય સમાપ્ત થતું નથી એવું લાગે છે," તો તેનો અર્થ એ છે કે જો આપણે તેના વિશે કંઈ ન કરીએ તો તે કાયમ માટે ચાલુ રહે છે. આપણે તેનો અંત લાવવો પડશે, અને સંસારના સાચા અંતનો અનુભવ કરવો પડશે. શા માટે? કારણ કે આપણે વેદનાને રોકવા માંગીએ છીએ. જો આવતી સમસ્યાઓ ઉત્કૃષ્ટ રીતે ભયાનક ન હોય તો પણ, આપણે હજી પણ વધુ સૂક્ષ્મ સમસ્યાઓને રોકવા માંગીએ છીએ. મુક્તિ મેળવવાની ઈચ્છાનું આ જ કારણ છે.

સંસ્કૃતમાં, મુક્તિને "નિર્વાણ" કહેવામાં આવે છે અને જે લાગણી આપણને આ તરફ દોરી જાય છે તેને સામાન્ય રીતે "ત્યાગ" કહેવામાં આવે છે. આ શ્રેષ્ઠ અનુવાદ નથી, પરંતુ તે મૂળભૂત રીતે મુક્ત થવાના ખૂબ જ મજબૂત સંકલ્પનો સંદર્ભ આપે છે. ત્યાગ સાથે, આપણે નક્કી કરીએ છીએ કે આપણી બહુ સહન કરી લીધું. આપણે તેનાથી ત્રાસી ગયા છીએ, અને ઊંડા સ્તરે આપણે ખરેખર તે બધાથી કંટાળી ગયા છીએ. બહુ થયી ગયું: આપણે મુક્ત થવા માંગીએ છીએ.

આપણી ખલેલ પહોંચાડતી લાગણીઓને છોડી દેવા માટે તૈયાર થવું

આપણે જોઈએ છીએ કે મુક્ત થવા માટે, આપણે આપણી બધી સમસ્યાઓ અને વેદનાના કારણોથી છૂટકારો મેળવવાની જરૂર છે. આપણે માત્ર વેદના જ નહીં, પરંતુ તેના કારણો પણ છોડવા માટે તૈયાર છીએ. આપણે આઈસ્ક્રીમ અથવા ચોકલેટ અથવા એવું કંઈપણ છોડવાની વાત નથી કરી રહ્યા. તે ત્યાગની બહુ તુચ્છ સમજ છે. આપણે જે કરવા માટે સંકલ્પબદ્ધ થઈએ છીએ તે છે આપણા ક્રોધ, લોભ અને આ બધા માટેના જોડાણથી મુક્ત થવું છે. ચોકલેટના કિસ્સામાં, આપણે તેના પ્રત્યેના જોડાણને છોડી દેવાની જરૂર છે જે તેના સારા ગુણોની અતિશયોક્તિ પર આધારિત છે. દાખલા તરીકે, આપણે વિચારીએ છીએ, "આ વિશ્વની સૌથી અદ્ભુત અને સ્વાદિષ્ટ વસ્તુ છે, અને તે મને ખુશ કરશે, ખરેખર ખુશ!" જો ચોકલેટ વાસ્તવમાં આ કરવા સક્ષમ હોત, તો આપણે જેટલું વધારે ખાઈએ, તેટલા વધુ ખુશ હોત. પરંતુ આપણે ગમે તેટલા ચોકોહોલિક હોઈએ, આપણે જલ્દી તેનાથી કંટાળી જઈશું અને ફરી ક્યારેય ચોકલેટ જોવા નહીં માંગ્યે.

આપણી જોડાણ, ગુસ્સો વગેરે છોડી દેવાની આપણી ઈચ્છામાં નિષ્ઠાવાન બનવું ખરેખર ગહન અને ખૂબ જ મુશ્કેલ છે. આપણે તેને તુચ્છ ન ગણવું જોઈએ. તે કોઈ દીવાલ સાથે માથું મારે તેના મજાક જેવું છે, અને તેઓ રોકવામાં ડરતા હોય છે કારણ કે તેઓ જાણતા નથી કે જ્યારે તેઓ માથું મારવાનું બંધ કરશે ત્યારે તે વધુ ખરાબ થશે કે નહીં. આપણે એનાથી સાવ ટેવાયેલા છીએ અને તેથી આપણે દીવાલ સાથે માથું મારતા રહીએ છીએ. અલબત્ત તે એક આત્યંતિક ઉદાહરણ છે. વધુ સામાન્ય ઉદાહરણ છે જયારે એક વ્યક્તિ કોઈની સાથે વાંધાજનક સંબંધમાં હોઈ છે, પરંતુ આપણે તેને તોડવામાં અચકાતા હોઈએ છીએ કારણ કે આપણને એકલા રહેવાનો ડર લાગે છે. પરિણામે, આપણે આ વાંધાજનક સંબંધ જાળવી રાખીએ છીએ, અને દુઃખી થઈએ છીએ.

તે એકદમ સામાન્ય છે, નહીં? આપણે તેમને અમુક વસ્તુઓ કહેવા માંગતા નથી, કેમ કે  તેઓ કદાચ આપણને છોડી દે તો. આપણે અહીં કોઈ વિચિત્ર અનુભવો વિશે વાત નથી કરી રહ્યાં, માત્ર એવી વસ્તુ વિશે કે જે આપણે બધા હંમેશા અનુભવીએ છીએ.

શું અનિયંત્રિત પુનરાવર્તિત પુનર્જન્મમાંથી મુક્તિ શક્ય છે, અને શું હું તેને પ્રાપ્ત કરવા સક્ષમ છું?

મુક્તિના આ ધ્યેય અને આખરે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આપણે સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે તે શક્ય છે અને આપણે તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. આ જટિલ વિષયો છે અને, કારણ કે તે દર્શાવવું મુશ્કેલ છે કે તેઓ મેળવી શકાય તેવા લક્ષ્યો છે જે આપણે બધા પ્રાપ્ત કરી શકીએ છીએ, ઘણા લોકો તેને છોડી દે છે. આ એક મોટી ભૂલ છે કારણ કે જો આપણને ખરેખર ખાતરી ન હોય કે આપણે આ લક્ષ્યો હાંસલ કરી શકીએ છીએ, તો શા માટે આપણે તેમની તરફ કામ કરવાનો પ્રયાસ કરવાની તસ્દી લઈશું? આપણે ફક્ત એક રમત રમશું અને આખરે આપણે એવા શણે પહોંચીશું જ્યાં આપણે કહીશું કે આ મૂર્ખામીભરેલું છે અને છોડી દઈશું.

આપણે બુદ્ધ-પ્રકૃતિના વિષયો (મુક્તિ અને જ્ઞાન પ્રાપ્તિ માટેના પરિબળો), મનની પ્રાકૃતિક શુદ્ધતા વગેરે વિષયોની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે. શું આપણી ખલેલ પહોંચાડતી લાગણીઓ અને મૂંઝવણ આપણા મનનો મૂળભૂત ભાગ છે? જો એવું હોત, તો તેનો અર્થ એ છે કે તેઓ દરેક ક્ષણે ત્યાં રહેશે. જો એવું નથી, તો શું તેઓ નશ્વર છે અને શું તેને દૂર કરી શકાય છે જેથી તે ક્યારેય પાછા ન આવે?

તેના પર સવાલ ઉઠાવવો અને તેના વિશે ચર્ચા કરવી એકદમ જરૂરી છે. તે ચોક્કસપણે એવી વસ્તુ નથી જે આપણે ફક્ત અંધ વિશ્વાસ પર સ્વીકારવું જોઈએ. વાસ્તવમાં, આપણે જેટલો વધુ પ્રશ્ન કરીશું, તેટલું સારું, કારણ કે આપણે આપણી બધી શંકાઓને દૂર કરવાની અને આપણે જે કરી રહ્યા છીએ તેના પર મજબૂત વિશ્વાસ રાખવાની જરૂર છે. શું આપણે ૧૦૦% ખાતરી ન થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ? તે સરળ પ્રશ્ન નથી. આપણને સંપૂર્ણ રીતે ખાતરી થઈ છે તે  કેવી રીતે જાણી શકીએ? તેમાં ઘણો લાંબો સમય લાગી શકે છે.

જો આપણે વિચારીએ કે તે માત્ર નકામું છે, તો દેખીતી રીતે આપણે તેની સાથે કામ કરી શકતા નથી. પરંતુ જ્યારે આપણે એ વિચારવાની દિશામાં જઈ રહ્યા છીએ કે કદાચ તે બધું શક્ય છે, તો આપણે આગળ વધી શકીએ છીએ. વિચારવું કે તે સાચું છે, તેમ છતાં, અમુક પ્રકારના કારણ પર આધારિત હોવું જોઈએ અને માત્ર અંધ વિશ્વાસ નહીં, અથવા કારણ કે "મારા શિક્ષકે આમ કહ્યું છે." બુદ્ધે પોતે કહ્યું હતું કે, "મારા પર વિશ્વાસ ના કારણે મેં જે પણ કહ્યું તેના પર વિશ્વાસ ન કરો, પરંતુ તેનું પરીક્ષણ કરો એવી રીતે જાણે તમે સોનું ખરીદો છો ." તે ખરેખર સાચું છે કે નહીં તે જોવા માટે આપણે તપાસ કરવાની જરૂર છે.

પુનર્જન્મની પ્રતીતિ: બે જીવનકાળમાં સેર્કોંગ રિનપોચેના કિસ્સા

પુનર્જન્મને વાસ્તવિક હકીકત તરીકે માનવું એ ખૂબ લાંબી પ્રક્રિયા હોઈ શકે છે. હું મારો પોતાનો અનુભવ કહી શકું છું, કારણ કે મેં ઘણા વર્ષોથી આના સાથે કામ કર્યું છે. હું ૪૫થી વધુ વર્ષોથી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરી રહ્યો છું, અને કોઈ અમુક સમયે હું ચોક્કસપણે કારણના આધારે બૌદ્ધિક સમજ સુધી પહોંચ્યો હતો, કે પુનર્જન્મ શા માટે અર્થપૂર્ણ છે. પરંતુ જે ખરેખર મને સીમાથી ફેંકી દીધો અને મને ભાવનાત્મક સ્તર પર ખાતરી થયી તે મારા શિક્ષક સાથેનો મારો બે જીવનકાળનો સંબંધ હતો. તેમનું નામ સેર્કોંગ રિનપોચે હતું અને તેઓ પવિત્ર દલાઈ લામાના શિક્ષકોમાંના એક હતા; હું ખૂબ જ ભાગ્યશાળી હતો કે હું તેમનો ખૂબ નજીકનો શિષ્ય હતો. હું તેમની સાથે નવ વર્ષ રહ્યો, જે દરમિયાન મેં તેમના માટે અનુવાદ કર્યો અને તેમના અંગત સચિવ તરીકે કામ કર્યું. મેં તેમની તમામ વિદેશ યાત્રાઓ ગોઠવી અને તેમની સાથે ગયો,અને તેમની સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું. ૧૯૮૩ માં તેમનું અવસાન થયું, અને એમનો પુનઃજન્મ થયો અને તે તિબેટીયન પ્રણાલી તુલ્કુઓમાં ફરીથી મળ્યા.

તે હવે ૨૫ વર્ષના છે અને મારો હજુ પણ તેની સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે, જેમ  પહેલાના જીવનકાળમાં હતો. અલબત્ત હવે ઉંમરના તફાવતમાં ઉલટી અસમાનતા છે!

હું નવા સેરકોંગ રિનપોચેને પહેલી વાર મળ્યો જ્યારે તેઓ માત્ર ચાર વર્ષના હતા, અને જ્યારે હું પહેલીવાર ઓરડામાં ગયો ત્યારે તેમના પરિચરે તેમને પૂછ્યું, "શું તમે જાણો છો કે આ કોણ છે?" "મૂર્ખ ન બનો, દેખીતી રીતે હું જાણું છું કે આ કોણ છે," તેમનો જવાબ હતો. શરૂઆતથી જ, ચાર વર્ષની ઉંમરે, તે મારા પ્રત્યે ખૂબ જ નજીક અને પ્રેમાળ હતા, અન્ય લોકો કરતાં વધુ. જેમ જેમ તે મોટો થયા તેમ તે આવું જ રહ્યું.

વિવિધ સમયે અમે તેમના પાછલા જીવનના વિડિયો જોયા છે, અને તે મને કહેતા - અને તે મારી સાથે માત્ર નકામી વાત જ બોલતા નથી - "અરે, મને તે કહેલું યાદ છે." તમામ તર્ક અને કારણ ઉપરાંત, તે ખરેખર આ અનુભવ હતો જેણે મને "સારું, હોય શકે, કદાચ..." ની લાગણીથી આગળ વધવામાં મદદ કરી, આને મને નિશ્ચિતતા આપી.

આ વસ્તુઓ સરળ નથી. શું ખરેખર મુક્તિ પ્રાપ્ત કરવી શક્ય છે? શું મનનો સ્વભાવ ખરેખર શુદ્ધ છે? જો આપણે તેને તર્કસંગત રીતે સમજીએ તો પણ તેને ભાવનાત્મક રીતે સમજવા માટે આપણે વધુ ઊંડાણમાં જવું પડશે. પરંતુ, ધીમે ધીમે, આપણે તેની સાથે કામ કરી શકીએ છીએ.

અનિયંત્રિત પુનરાવર્તિત પુનર્જન્મના કારણ તરીકે વાસ્તવિકતા વિશે મૂંઝવણ

લેમ-રિમમાં પ્રેરણાના મધ્યવર્તી સ્તર સાથે, આપણી પાસે આશ્રિત ઉદ્ભવતા ૧૨ કડીઓ સાથે પુનર્જન્મની પદ્ધતિની ખૂબ જ વિગતવાર સમજૂતી છે. આ માત્ર એક ખૂબ જ જટિલ રચનાનું નામ છે જે કર્મ, કર્મ પછીના પરિણામો વગેરેના સમગ્ર મુદ્દા સાથે વ્યવહાર કરે છે. આપણે ક્રોધ અને લોભ જેવી વિવિધ પ્રકારની ખલેલ પોંહચાડતી લાગણીઓને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે, તે કેવી રીતે ઉદભવે છે અને તેના અંતર્ગત શું છે. ખૂબ જ સરળ રીતે, હું આ અંતર્ગત પરિબળને "મૂંઝવણ" તરીકે ઓળખું છું, જ્યાં આપણે અન્ય લોકો પર અને આપણી જાત પરના આપણા વર્તનની અસર વિશે મૂંઝવણમાં છીએ. વધુ ઊંડાણપૂર્વક, આપણે ખરેખર કેવી રીતે અસ્તિત્વમાં છીએ, અન્ય કેવી રીતે અસ્તિત્વમાં છે અને બધું કેવી રીતે અસ્તિત્વમાં છે તે વિશે આપણે મૂંઝવણમાં છીએ.

મૂળભૂત રીતે, આપણે વસ્તુઓને સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં હોવાનું વિચારીએ છીએ, સંપૂર્ણપણે તેમની પોતાની શક્તિથી, અને દરેક વસ્તુથી અલગ, જાણે કે તે પ્લાસ્ટિક સાથે આવરિત હોય. જો આપણે વિચારીએ કે બધું એકબીજા સાથે સંકળાયેલું છે, તો પણ આપણે વિચારીએ છીએ કે વસ્તુઓ પોતે પ્લાસ્ટિક સાથે આવરિત છે પરંતુ લાકડીઓથી જોડાયેલ છે. સૂક્ષ્મતાના ઘણા સ્તરો છે જે આપણે અસ્તિત્વમાંના અશક્ય માર્ગો વિશે સમજવાની જરૂર છે. આપણે ચોક્કસપણે સમજવાની જરૂર છે કે શું અશક્ય છે, અને આપણી મૂંઝવણ દરેક અને દરેક વસ્તુ પર શું પ્રક્ષેપણ કરે છે.

શૂન્યતા (ખાલીપણું): અસ્તિત્વમાં રહેવાના અશક્ય માર્ગોની સંપૂર્ણ ગેરહાજરી

આપણે જે સમજવાની જરૂર છે તેને "શૂન્યતા" અથવા "ખાલીપણું" કહેવામાં આવે છે. શૂન્યતા એટલે સંપૂર્ણ ગેરહાજરી; કંઈક જે ત્યાં બિલકુલ છે જ નહીં. જે નથી તે આ પ્રક્ષેપણનો વાસ્તવિક સંદર્ભ છે જે અશક્ય છે. તેઓ વાસ્તવિક કંઈપણને અનુરૂપ નથી.

આપણે સાન્તા ક્લોઝના ઉદાહરણનો ઉપયોગ કરી શકીએ છીએ. કહો કે આપણે લાલ પોશાક પહેરેલા લાંબા સફેદ દાઢીવાળા કોઈકને જોઈએ છીએ, અને તેઓ જેમને આપણે "સાન્તા ક્લોઝ" કહીએ છીએ તેવો દેખાય છે. આપણને લાગે છે કે તે સાન્તા ક્લોઝ છે, પણ શા માટે? કારણ કે તે સાન્તા ક્લોઝ જેવો દેખાય છે. જો કે, સાન્તા ક્લોઝનો દેખાવ વાસ્તવિક કંઈપણને અનુરૂપ નથી, કારણ કે કોઈ સાન્તાક્લોઝ વાસ્તવિકમાં નથી. આ તે છે જે વિશે શૂન્યતા વાત કરે છે, વાસ્તવિક સાન્તા ક્લોઝની ગેરહાજરી જે આ વ્યક્તિના દેખાવને અનુરૂપ છે. આ કોઈ પણ રીતે નકારતું નથી કે ત્યાં એક માણસ છે, અને તે સાન્તા ક્લોઝ જેવા દેખાય છે. આપણે ફક્ત સ્પષ્ટતા કરીએ છીએ કે માણસ જે રીતે આપણને દેખાય છે તે ભ્રામક છે. તે સાન્તા ક્લોઝ જેવા દેખાય છે, પરંતુ તે ખરેખર સાન્તા ક્લોઝ નથી, કારણ કે આવી કોઈ વસ્તુ નથી.

આપણું મન હંમેશા આ રીતે કામ કરે છે. આપણે તમામ પ્રકારની બકવાસ પ્રક્ષેપિત કરીએ છીએ, જેમ કે આ વ્યક્તિ સૌથી સુંદર વ્યક્તિ છે, અથવા તે વ્યક્તિ સૌથી રૌદ્ર વ્યક્તિ છે, અથવા તે કે આપણે વિશ્વ માટે ભગવાનની ભેટ છીએ અથવા તેના બદલે, આપણે એકદમ નકામા છીએ. આપણે આ વસ્તુઓને એવી રીતે પ્રક્ષેપણ કરીએ છીએ કે જેમ કે આપણે અથવા તેઓ તેના જેવા પહેલાથી એવા જ છીએ, અન્ય દરેક વસ્તુથી સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે, જાણે કે તે સાચું અને અપરિવર્તનશીલ છે.

વાસ્તવમાં, કોઈપણ પહેલાથી એવી રીતે નથી. હકીકતમાં, તે અશક્ય છે, કારણ કે દરેક વસ્તુ અન્ય વસ્તુઓની તુલનામાં અસ્તિત્વમાં છે. પરમ પવિત્ર દલાઈ લામા હંમેશા આપણી આંગળીઓના ઉદાહરણનો ઉપયોગ કરે છે. આપણી ચોથી આંગળી મોટી છે કે નાની? સારું, તે પાંચમી આંગળીની તુલનામાં મોટી છે, પરંતુ મધ્યમ આંગળીની તુલનામાં નાની છે. તો તેની પોતાની રીતે, પોતાની શક્તિથી, તે મોટું છે કે નાનું? ત્યાં કોઈ જવાબ નથી કારણ કે તે અન્ય વસ્તુઓના તુલનામાં માત્ર મોટું કે નાનું છે. તે અન્ય વસ્તુઓ પર સંપૂર્ણપણે નિર્ભર છે અને આપણા હિસાબે શું મોટું અને શું નાનું છે તેના પર પણ નિર્ભર છે. મને લાગે છે કે તમે વિચાર સમજી ગયા છો.

આ મધ્યવર્તી સ્તરે, આપણે શૂન્યતાની સમજ મેળવીને આ મૂળભૂત ગેરસમજને દૂર કરવા માટે કામ કરીએ છીએ. આ જ મૂંઝવણ છે જે અનિયંત્રિત રીતે પુનરાવર્તિત પુનર્જન્મનું કારણ બને છે, કારણ કે તે કર્મ અને કર્મ પછીના પરિણામોને સક્રિય કરે છે, જેમ કે આશ્રિત ઉદ્ભવતા ૧૨ કડીઓની જટિલ પદ્ધતિમાં સમજાવવામાં આવ્યું છે.

એકાગ્રતા અને નૈતિક સ્વ-શિસ્તની જરૂરિયાત

શૂન્યતાની સમજ મેળવવા માટે, આપણી પાસે એકાગ્રતા હોવી જરૂરી છે. એકાગ્રતા વિકસાવવા માટે, આપણી પાસે નૈતિક શિસ્ત હોવી જરૂરી છે. આપેલ ઉદાહરણ એક વૃક્ષ કાપવાનું છે. સમજણ એ તીક્ષ્ણ કુહાડી જેવી છે, પરંતુ ખરેખર વૃક્ષને કાપવા માટે આપણે હંમેશા એક જ જગ્યાએ મારવાની જરૂર છે. ચોક્કસ એક જ જગ્યાએ સતત મારવું એ એકાગ્રતા જેવું છે. વાસ્તવમાં કુહાડીને ઉપાડવું, તેને ઝૂલવું અને તે જ જગ્યાએ મારવા માટે, આપણને તાકાતની જરૂર છે. આ તાકાત નૈતિક સ્વ-શિસ્તમાંથી આવે છે, જ્યાં આપણે વિનાશક રીતે કાર્ય કરવાથી દૂર રહીએ છીએ.

મધ્યવર્તી અવકાશ વિવિધ પ્રતિજ્ઞાઓ પણ રજૂ કરે છે જે લઈ શકાય છે. આમાં સાધુ અથવા સાધ્વીની સંપૂર્ણ અથવા શિખાઉ પ્રતિજ્ઞાઓ અથવા પુરુષ અથવા સ્ત્રી ગૃહસ્થોની પ્રતિજ્ઞાઓ, નો સમાવેશ થાય છે. ગૃહસ્થો એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે મઠમાં બ્રહ્મચારી જીવન જીવતા નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારું કુટુંબ હોય; તે એકલ લોકોનો પણ ઉલ્લેખ કરે છે. પ્રાચીન ભારતમાં, તે વાસ્તવમાં ખૂબ જ દુર્લભ હતું, કારણ કે ગૃહસ્થો પાસે લગભગ હંમેશા કુટુંબ હોતું. આ મઠ અને ગૃહસ્થના  પ્રતિજ્ઞાઓને સામૂહિક રીતે "વ્યક્તિગત મુક્તિ માટેની પ્રતિજ્ઞા" કહેવામાં આવે છે, કારણ કે તે આપણી પોતાની મુક્તિ માટે લક્ષિત છે. આ પ્રતિજ્ઞાઓ આપણને વિવિધ પ્રકારના વર્તનને ટાળવામાં મદદ કરે છે જે સંભવતઃ ખલેલ પહોંચાડતી લાગણીઓ દ્વારા પ્રેરિત હોય છે, જે આપણી ધ્યાનની અભ્યાસ અને તેના જેવી હકારાત્મક બાબતોમાં દખલ કરે છે.

વાસ્તવમાં પ્રતિજ્ઞા લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શા માટે? કારણ કે જ્યારે આપણે ફરી ક્યારેય કંઈક કરશું નહીં એવી પ્રતિજ્ઞા લેવાથી, આપણે અનિશ્ચિતતામાંથી મુક્ત થઈએ છીએ. ઉદાહરણ તરીકે, કલ્પના કરો કે આપણે દારૂ અથવા સિગારેટ છોડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દર વખતે જ્યારે આપણે પીતા કે ધૂમ્રપાન કરતા લોકો સાથે હોઈએ છીએ, ત્યારે આપણે અનિશ્ચિત હોય છે કે આપણે પણ તે લેવું જોઈએ કે હવે ના કહીએ. જો આપણે ખરેખર છોડી દેવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ, તો પણ જ્યારે પણ આ પરિસ્થિતિ થાય ત્યારે આપણે નિર્ણય લેવો પડશે, અને જો તણાવપૂર્ણ ન હોય તો પણ આ પડકારજનક હોઈ શકે છે.

જો આપણે પ્રતિજ્ઞા કરીએ, તો તે ચોક્કસ છે. આપણે નિર્ણય લીધો છે, "હું પીવાનો નથી. હું ધૂમ્રપાન કરવાનો નથી," અથવા તે ગમે તે હોય. પછી તે ખરેખર ફરક નથી પડતો કે આપણી આસપાસના દરેક પીતા હોય, કારણ કે આપણે આપણું મન બનાવી લીધું છે. પ્રતિબંધ અથવા સજા થવાને બદલે, આ પ્રતિજ્ઞા લેવાથી વાસ્તવમાં આપણને ઘણી શક્તિ મળે છે અને અનિર્ણાયકતામાંથી મુક્તિ મળે છે, ખાસ કરીને એવી બાબતો વિશે જે આપણી અંતિમ મુક્તિ હાંસલ કરવા માટે હાનિકારક હશે.

બૌદ્ધ ધર્મમાં, કોઈ પ્રતિજ્ઞા લેવાની કોઈ ફરજ નથી. આપણે આ સમજવું જોઈએ. કોઈ એમ ન કહી શકે કે તમારે આ કે તે પ્રતિજ્ઞા લેવી પડશે, અને કોઈ એમ નથી કહેતું કે તમારે સાધુ કે સાધ્વી બનીને મઠમાં રહેવું પડશે. જો કે, જો તમે સંસારમાંથી મુક્તિ મેળવવા માટે અને તમારી જાતને ક્રોધ, જોડાણ, લોભ વગેરેથી હંમેશ માટે મુક્ત કરવા માટે ખરેખર ગંભીર છો, તો ચોક્કસ પ્રતિજ્ઞાઓ લેવાથી તે ચોક્કસપણે સરળ બનશે. કદાચ આપણે હમણાં તે માટે તૈયાર નથી, અને તે એકદમ ઠીક છે. આપણે આપણી જાતને અને આપણી પોતાની પરિસ્થિતિનું પ્રમાણિકપણે મૂલ્યાંકન કરવાની જરૂર છે.

આ મધ્યવર્તી અવકાશ છે. જો કે એકાગ્રતા અને શૂન્યતા તેનો એક ભાગ છે, તેમ છતાં તેની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી નથી. આ વિષયો સંપૂર્ણ રીતે અદ્યતન અવકાશ શિક્ષણમાં જોવામાં આવે છે.

પ્રેરણાનું અદ્યતન સ્તર: બીજા બધા વિશે વિચારવું

અદ્યતન અવકાશ સાથે, આપણે બ્રહ્માંડમાં એકમાત્ર ન હોવાના સંદર્ભમાં વિચારીએ છીએ. બીજા બધા છે, અને બાકીના દરેક વ્યક્તિ બરાબર એ જ પરિસ્થિતિમાં છે જેમાં આપણે છીએ. બીજા બધા પણ પીડાય છે, અને અનિયંત્રિત પુનરાવર્તિત પુનર્જન્મમાંથી પસાર થાય છે. આપણે સ્થિર ખુશી ઈચ્છીએ છીએ અને વેદના ટાળવા ઈચ્છીએ છીએ, અને બીજા બધા પણ. આ રીતે આપણે બધા એકદમ સમાન છીએ. તે માત્ર હું અને કેટલાક પસંદગીના અન્ય લોકો નથી, પરંતુ દરેક વ્યક્તિ છે. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ અને એકબીજા પર નિર્ભર છીએ. આપણે બધા સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં નથી. હકીકતમાં, આપણે તે રીતે ટકી શકીશું નહીં.

આપણા હૃદયમાં સમાન રીતે બધાને સમાવવા માટે વિસ્તૃત કરવા કેટલીક ખરેખર ખૂબ જ અત્યાધુનિક પદ્ધતિઓ છે. આપણે આ વિશે થોડી ચર્ચા કરી છે, જ્યારે અન્ય તમામ જીવોને અગાઉના જીવનમાં આપણી માતા તરીકે ઓળખવા વિશે વાત કરવામાં આવી હતી, અને તે ઓળખવું કે આપણા પ્રત્યે અતિશય દયાળુ હતા. એક ધર્મ-લાઇટ સંસ્કરણ છે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે અન્ય લોકો આપણી સંભાળ લેવામાં માતાની જેમ કેવી ક્ષમતા ધરાવે છે. જો કે, આની મર્યાદાઓ છે કારણ કે તે આપણા મિત્ર, મચ્છરને લાગુ કરવું મુશ્કેલ છે.

પ્રેમ

આપણા હૃદયને વિસ્તૃત કરવા શરૂ કરવા માટે, આપણે જેને "પ્રેમ" કહીએ છીએ તે વિકસાવવાનું શરૂ કરીએ છીએ. પ્રક્રિયા વાસ્તવમાં સમતાથી શરૂ થાય છે, જ્યાં આપણે કેટલાક લોકો તરફ આકર્ષિત થતા નથી, અન્ય લોકોને ભગાડયે નહીં અને બાકીના લોકો પ્રત્યે તટસ્થ નથી. આપણે દરેક વ્યક્તિ માટે ખુલ્લા બનવા માટે કામ કરીએ છીએ અને તેના આધારે આપણે દરેક વ્યક્તિ સાથેના આપણા પરસ્પર જોડાણને ઓળખીએ છીએ. આનો વિકાસ એ તર્ક દ્વારા થઈ શકે છે કે દરેક વ્યક્તિ આપણી માતા બનેલા છે અને અગાઉના જીવનમાં આપણા પ્રત્યે ખૂબ જ દયાળુ હતા, અથવા આપણે જે બધું માણીએ છીએ અને જેનો ઉપયોગ કરીએ છીએ તે અન્યના કાર્યમાંથી કેવી રીતે આવે છે તે ઓળખીને. ફક્ત તમારી નીચેનો જમીનને જુઓ, તમે જે મકાનમાં છો, તમે જે પાણી પીઓ છો, શું આપણે એ પણ વિચારીએ છીએ કે આ બધું ક્યાંથી આવ્યું? આપણું પાણી અને ખોરાક અહીં કેવી રીતે આવ્યું? તે બધું બીજાના કામથી, આપણી આસપાસના દરેકના પ્રયત્નોથી આવે છે. આપણે બધા સમાન છીએ અને તેથી ફક્ત આપણા પોતાના ફાયદા માટે કામ કરવું તે અતાર્કિક છે, કારણ કે વાસ્તવમાં પોતાને ફાયદો કરવા માટે, આપણે બધાને ફાયદો પહોંચાડવો પડશે.

આના આધારે, આપણે દરેક માટે સમાન રીતે પ્રેમ વિકસાવવા સક્ષમ છીએ. આ પ્રેમને દરેક જીવની ખુશ રહેવાની અને ખુશીના કારણો હોય તેવી ઈચ્છા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેને રોમેન્ટિક પ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી, જે સામાન્ય રીતે મોટા પ્રમાણમાં જોડાણ સાથે મિશ્રિત હોય છે. જ્યારે આપણે કહીએ છીએ, "હું તને પ્રેમ કરું છું," તેનો સામાન્ય રીતે અર્થ થાય છે, "મને તારી જરૂર છે. મને ક્યારેય છોડશો નહિ. હું તારા વગર જીવી નહિ શકું.” જ્યારે આપણે તે વ્યક્તિ તરફથી ઇચ્છિત ધ્યાન મેળવતા નથી, અથવા તેઓ કંઈક બીભત્સ કહે છે, તો તે ટૂંક સમયમાં "હું તમને હવે પ્રેમ કરતો નથી." માં બદલાય જાય છે.

બૌદ્ધ ધર્મમાં, આપણે જે પ્રેમના પ્રકારના વિશે વાત કરી રહ્યા છીએ તેને અન્ય લોકો કેવી રીતે વર્તે છે અથવા તેઓ આપણી તરફ શું કરે છે તેની સાથે સંપૂર્ણપણે કોઈ લેવાદેવા નથી. તે માત્ર એક ઇચ્છા છે: તમે ખુશ રહો. એવું છે જાણે કે બીજા બધા આપણા શરીરનો એક ભાગ છે: આપણે ઈચ્છીએ છીએ કે આપણા બધા અંગૂઠા ખુશ રહે, માત્ર તેમાંથી કંઈક નહીં. આપણા અંગૂઠા આપણા માટે શું કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

કરુણા

પ્રેમ સાથે, પછી આપણે “કરુણા” વિકસાવવા જઈએ છીએ. આ અન્ય લોકો માટેની વેદના અને વેદનાના કારણોથી મુક્ત થવાની ઈચ્છા છે. તે માત્ર વેદનાના ઉપલકિયું સ્તર, જીવનના ઉતાર-ચઢાવનો જ નહીં, પણ અનિયંત્રિત પુનરાવર્તિત પુનર્જન્મ જેવા ગહન પ્રકારના વેદનાનો પણ ઉલ્લેખ કરે છે. કરુણા રાખવાનો અર્થ એ નથી કે આપણે બીજાઓને નીચું જોઈએ છીએ અને તેમના માટે દિલગીર છીએ, જેમ કે, "હાય બિચારો." બૌદ્ધ કરુણા આદર અને સમજણ પર આધારિત છે કે અન્ય બધા માટે વેદના અને તેના કારણોથી મુક્ત થવું શક્ય છે. તે માત્ર એક સરસ ઇચ્છા અથવા સુંદર શબ્દો નથી. કરુણા સાથે, આપણે ખરેખર વેદના મુક્ત સ્થિતિ લાવવાની જવાબદારી લેવાનું શરૂ કરીએ છીએ. અહીં ઘણી હિંમત છે.

જ્યારે આપણે જે "મહાન કરુણા" તરીકે ઓળખાય છે તે વિકસાવીએ છીએ, ત્યારે આપણી કરુણા તમામ જીવો પ્રત્યે સમાન રીતે લક્ષિત હોય છે અને તે દરેકને એક ચિંતિત, પ્રેમાળ માતાના એકમાત્ર સંતાનની જેમ ગણે છે. આપણી મહાન કરુણાની લાગણીમાં દરેક જીવને વધુ વેદના સહન કરવાથી બચાવવાની ઇચ્છા પણ છે.

અપવાદરૂપ ઠરાવ

આપણી પાસે આગળનું પગલું એ મનની સ્થિતિ વિકસાવવાનું છે જેને "અપવાદરૂપ સંકલ્પ" કહેવાય છે. આ એક મજબૂત નિર્ણય છે કે આપણે જવાબદારી લેવા જઈ રહ્યા છીએ કે માત્ર અન્ય લોકોને વધુ ઉપલકિયું રીતે અથવા તો ઊંડાણપૂર્વક મદદ કરવાની પણ નહીં. આપણે અન્ય લોકોને બુદ્ધની સંપૂર્ણ પ્રબુદ્ધ અવસ્થા સુધી પહોંચવામાં મદદ કરવાની જવાબદારી લેવાનો સંકલ્પ કરીએ છીએ. આપણો માત્ર આ કરવાનો ઈરાદો નથી, આપણે આપણું મન બનાવી લીધું છે: આપણે ચોક્કસપણે આ કરશું.

બોધચિત્ત: બધાના લાભ માટે જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ

આ ક્રમમાં અંતિમ તબક્કો જેને આપણે "બોધચિત્ત" કહીએ છીએ તેનો વિકાસ કરવો, જેનો આધાર પ્રેમ, કરુણા અને અપવાદરૂપ સંકલ્પ છે. આપણને અનુભૂતિ છે કે જો આપણે પોતે બુદ્ધની સ્થિતિ પ્રાપ્ત કરીએ તો જ આપણે દરેકને શ્રેષ્ઠ મદદ કરી શકીએ છીએ. પરંતુ, આ મહત્વાકાંક્ષા વાસ્તવિક બનવા માટે, આપણે સમજવું જરૂરી છે કે બુદ્ધ શું છે, બુદ્ધ કઈ રીતે અન્ય લોકોને મદદ કરી શકે છે અને કેવી રીતે કરી શકતા નથી. યાદ રાખો, બુદ્ધ એ સર્વશક્તિમાન ભગવાન નથી કે જે ચપટી વગાડીને દરેકના વેદનાને દૂર કરી શકે. બુદ્ધ ચોક્કસપણે અન્ય લોકોને માર્ગ બતાવી શકે છે અને તેમને પ્રેરણા આપી શકે છે, પરંતુ આપણે બધું કામ જાતે જ કરવાના છે. બીજું કોઈ આપણા માટે વાસ્તવિકતાને સમજી શકતું નથી; આપણે તેને જાતે સમજવું પડશે.

આમ, પ્રેમ અને કરુણા થી સંચાલિત, બોધિચિત્ત આપણા પોતાના ભાવિ જ્ઞાન પ્રાપ્તિ પર કેન્દ્રિત છે. તે આપણું પોતાનું જ્ઞાન પ્રાપ્તિ છે, બુદ્ધ શાક્યમુની અથવા સામાન્ય રીતે જ્ઞાન પ્રાપ્તિ નથી. આપણને  હજી જ્ઞાન પ્રાપ્ત થયું નથી, પરંતુ તે આપણા માનસિક સાતત્યના બુદ્ધ-પ્રકૃતિના પરિબળોના આધારે થયી શકે છે અને થશે. આ પરિબળોમાં તેની મૂળભૂત અસ્પષ્ટ પ્રકૃતિ અને તેની તમામ સંભાવનાઓ અને શક્યતાઓનો સમાવેશ થાય છે. આપણે આ હજી સુધી ન થયેલી જ્ઞાન પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તેને પ્રાપ્ત કરવાના હેતુથી જેથી આપણે શક્ય તેટલો અન્ય લોકોને લાભ આપી શકીએ. જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં, આપણે શક્ય તેટલું અન્ય લોકોને લાભ આપવાનો પણ ઇરાદો રાખીએ છીએ.

આ બોધિચિત્ત છે. તે અદ્ભુત રીતે વિશાળ સ્થિતિ અને મન છે, અને આપણે તેને ફક્ત પ્રેમ અને કરુણા પર ધ્યાન કરવું એવું સમજવાની ભૂલ ન કરવી જોઈએ. તે માત્ર એટલું જ નથી. પ્રેમ અને કરુણા એ આધાર છે, પણ બોધિચિત્ત એના કરતા ઘણું, ઘણું  વિશાલ છે.

છ દૂરોગામી વલણ (છ સંપૂર્ણતાઓ)

જેમ આપણે જોયું તેમ, અદ્યતન અવકાશમાં ઉદ્દેશ્ય બુદ્ધની સ્થિતિ પ્રાપ્ત કરવાનો છે, જેથી આપણે શક્ય તેટલી અન્ય લોકોને મદદ કરી શકીએ. આપણે પ્રેમ, કરુણા અને અપવાદરૂપ સંકલ્પ થી સંચાલિત છીએ. પરંતુ આપણે ખરેખર આ જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે સિદ્ધ કરી શકીએ? આ જેને "છ સંપૂર્ણતા" તરીકે ઓળખવામાં આવે છે, સંસ્કૃતમાં "છ પારમિતાસ" તરીકે ઓળખાતી, અથવા જેમ હું સામાન્ય રીતે અનુવાદ કરું છું તેમ "છ દૂરોગામી વલણ" ની પ્રસ્તુતિ પર લાવે છે. હું આ શબ્દને પસંદ કરું છું કારણ કે તેઓ ખૂબ જ દૂર જાય છે, આપણને બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ અવસ્થા સુધી લઈ જાય છે. કેટલાક લોકો માટે, "સંપૂર્ણતા" શબ્દનો ઉપયોગ કરવાથી એવું લાગે છે કે તેઓ સંપૂર્ણ હોવા જોઈએ અને તેમ છતાં તેઓ નથી, તેથી તેમને અપૂરતી લાગે છે. આ એ લાગણી નથી જે આ શબ્દ થી ઉત્પન્ન થવી જોઈએ.

ઉદારતા

આપણે જે સૌપ્રથમ વલણ વિકસાવવાની જરૂર છે તે ઉદારતા છે, જ્યાં આપણે બીજાઓને માત્ર ભૌતિક વસ્તુઓ જ નહીં પણ સલાહ, ઉપદેશો અને ભયથી મુક્તિ પણ આપીએ છીએ. ભલે આપણી પાસે આપવા માટે કંઈ વસ્તુ ન હોય, તોપણ આપણે જે જોઈએ તે પ્રદાન કરવાની ઈચ્છા રાખવાનું વલણ કેળવીએ છીએ. બીજી ભેટ જે આપણે પ્રદાન કરી શકીએ છીએ છે તે છે આપણે બીજાઓ સાથે કેવું વર્તન કરીએ છીએ. કારણ કે આપણે સમતા વિકસાવીશું, તેનો અર્થ એ છે કે અન્યોને આપણાથી ડરવા માટે કંઈ નથી. આપણે બીજાઓ પર ગુસ્સે થવાના નથી, તેમને વળગી રહેવાના નથી અથવા તેમની પાસેથી કંઈક મેળવવા માંગતા નથી. જ્યારે કોઈ આપણને ન ગમતું કંઈક કરે ત્યારે આપણે તેમને અવગણવાના અથવા નકારવાના નથી. વધુમાં, આપણે તેમને મદદ કરવાનો સાચા અને નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીશું. તે ખરેખર એક અવિશ્વસનીય ભેટ છે જે આપણે કોઈને આપી શકીએ છીએ, એક જબરદસ્ત ભેટ કે જે આપણે ઉદારતા સાથે વિકસાવીએ છીએ.

નૈતિક સ્વ-શિસ્ત

આપણે જે આગળનું દૂરગામી વલણ વિકસાવીએ છીએ તે નૈતિક સ્વ-શિસ્ત છે, જ્યાં આપણે વિનાશક રીતે નહીં, પરંતુ શક્ય તેટલું રચનાત્મક રીતે કાર્ય કરવા માટે કામ કરીએ છીએ. આપણી પાસે અભ્યાસ અને ધ્યાન કરવાની અને વાસ્તવમાં અન્યને મદદ કરવાની શિસ્ત છે. આપણે કોઈને મદદ કરતાં અચકાતા નથી કેમ કે આપણે ખુબ થાકેલા છીએ અને બીજાની ઉપેક્ષા કરતા નથી કારણ કે આપણને મદદ કરવાનું મન થતું નથી.

ધીરજ

ધીરજ એ ગુસ્સો કે ઉદાસ થયા વિના વેદના અને મુશ્કેલીઓ સહન કરવાની ક્ષમતા છે. પોતાની જાત પર કામ કરવું અને બીજાઓને મદદ કરવાનો પ્રયાસ કરવો એ સરળ નથી અને ઘણા લોકો માટે મદદ કરવી બિલકુલ સરળ નથી. તેમને મદદ કરતા આપણને સમય મુશ્કેલ લાગે છે અને આપણને ધીરજની જરૂર છે જેથી આપણે ગુસ્સે ન થઈએ. ધીરજ વિકસાવવા માટેની ઘણી પદ્ધતિઓ છે, અન્ય તમામ દૂરોગામી વલણની જેમ.

દ્રઢતા

આગળનું વલણ દ્રઢતા છે, જ્યાં આપણે હાર માનતા નથી, પછી ભલે તે ગમે તેટલું મુશ્કેલ હોય. આ અર્થમાં, આ દૂરોગામી વલણ પરાક્રમી હિંમત જેવું છે. આપણે ફક્ત હાર જ નથી માનતા, અને બીજાઓને મદદ કરવામાં પણ આનંદ લઈએ છીએ, અને મદદ કરવાની તક મળતાં ખરેખર ખુશ છીએ. આને કેવી રીતે વિકસાવવું તે અંગે ઘણી સૂચનાઓ છે, અને તેમાં ક્યારે આરામ કરવો અને વિરામ લેવો તે જાણવાનો સમાવેશ થાય છે. જો આપણે આપણી જાતને ખૂબ સખત દબાણ કરીએ છીએ, તો આપણે કોઈની મદદ કરી શકીશું નહીં. આના સંબંધમાં, બધી વિવિધ પ્રકારની આળસને દૂર કરવા માટે ઘણી પદ્ધતિઓ છે જે આપણને આપણી જાત પર કામ કરવાથી અને અન્યને મદદ કરવામાં રોકે છે.

માનસિક સ્થિરતા

આના પછી આપણી પાસે માનસિક સ્થિરતા વિકસાવવા માટેની પદ્ધતિઓ છે. આમાં માત્ર એકાગ્રતા જ નહીં, પણ ભાવનાત્મક સ્થિરતાનો પણ સમાવેશ થાય છે. આપણે જે ઈચ્છીએ છીએ તે મનની એક સ્થિર સ્થિતિ છે જે માનસિક ભટકવાના પ્રભાવ હેઠળ આવવાની નથી, આપણા માટે આકર્ષક વસ્તુઓ તરફ ઉડતી નથી, અને તે નિસ્તેજ અને નિંદ્રામાં આવતી નથી. આવું મન આપણે જે ઈચ્છીએ છીએ તેના પર કેન્દ્રિત રહે છે. દાખલા તરીકે, જ્યારે કોઈ આપણી સાથે વાત કરે છે, ત્યારે આપણું મન અન્ય બાબતો વિશે વિચારવામા ભટકતું નથી. આપણે એ અર્થમાં પણ સ્થિર છીએ કે આપણી પાસે પરેશાન કરતી લાગણીઓ નથી જે સ્થિરતાને ખલેલ પહોંચાડે છે; આપણને વ્યાકુલ નથી થતા. તેનો અર્થ એ છે કે આપણે વધુ પડતા સંવેદનશીલ કે અસંવેદનશીલ નથી, પરંતુ સંતુલિત અને સ્થિર છીએ.

ભેદભાવપૂર્ણ જાગૃતિ

આ ઘણીવાર "વિદ્વતા" તરીકે અનુવાદિત થાય છે અને સંસ્કૃતમાં તે પ્રજ્ઞાપરમિતા છે. આ અંતિમ વલણ વસ્તુઓ કેવી રીતે અસ્તિત્વમાં છે અને શું અશક્ય છે તે વચ્ચે ભેદભાવ કરવાની ક્ષમતાનો સંદર્ભ આપે છે. તે ખૂબ જ ચોક્કસ જાગૃતિ છે, અને તેથી "વિદ્વતા" શબ્દ થોડો અસ્પષ્ટ છે. આપણે ખાસ કરીને અશક્ય શું છે તે જાણવાની જાગૃતિ વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં શૂન્યતા (ખાલીપણું) ની સમજ શામેલ છે. આપણે ભેદભાવ કરીએ છીએ કે અમુક વસ્તુઓ હાસ્યાસ્પદ, અશક્ય છે અને કોઈ પણ વસ્તુનો સંદર્ભ આપતી નથી.

આપણે આ અભ્યાસ અને પદ્ધતિઓ સાથે છ દૂરોગામી વલણો, આપણું ધ્યેય, પ્રેરણા, સંકલ્પ અને બોધચિત્ત વિકસાવવા માટે કામ કરીએ છીએ. આ બધામાં પ્રેરણાના અદ્યતન અવકાશનો સમાવેશ થાય છે.

સારાંશ

પ્રારંભિક સ્તર પર નિર્માણ બાંધીને, મધ્યવર્તી અવકાશ સાથે આપણે સમજીએ છીએ કે જો આપણો પુનર્જન્મ વધુ સારી સ્થિતિમાં થાય, તો પણ આપણને વેદના થશે. આપણે હજી પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે, અને બીમાર થઈને મરી જશું, અને પછી તે બધું ફરીથી કરીશું. અને પાછું ફરીથી. આનાથી કંટાળીને, આપણે સમજીએ છીએ કે આ બધા અનિયંત્રિત પુનરાવર્તિત પુનર્જન્મ દરમિયાન, ખાસ કંઈ નથી, અને તેથી આઓબે આમાંથી મુક્તિ મેળવવાનું ધ્યેય રાખીએ છીએ.

જ્યારે આપણે અદ્યતન સ્તરે આગળ વધીએ છીએ, ત્યારે આપણે આપણી જાતને એકમાત્ર મહત્વપૂર્ણ વ્યક્તિ - બ્રહ્માંડના કેન્દ્ર તરીકે વિચારવાનું બંધ કરીએ છીએ. આપણને અનુભૂતિ થાય છે કે દરેક વ્યક્તિ ખુશી અને વેદનાને ટાળવા માટે ની ઈચ્છામાં આપણા જેવા જ છે. એટલું જ નહીં, આપણે જોઈએ છીએ કે તમામ જીવો, બંને અગાઉના અને આ જીવનમાં, આપણા પર અવિશ્વસનીય રીતે દયાળુ રહ્યા છે. તેમના વિના, આપણે ખાવા-પીવા, વાંચવા કે લખવા, દુકાનો પર જવા, મૂવીઝનો આનંદ માણવા અથવા કંઈપણ કરી શકતા નથી. આ દયાની અવગણના કરવી આપણા માટે શરમજનક છે તે જોઈને, આપણે તેમના પ્રત્યેની કરુણા અને પ્રેમથી પ્રેરાઈએ છીએ, બોધિચિત્તનો વિકાસ કરીએ છીએ, જેના દ્વારા આપણે ખરેખર અન્ય લોકોના શ્રેષ્ઠ લાભ માટે આપણું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગીએ છીએ.

Top