શાક્યમુનિ બુદ્ધનું જીવન

21:06
પરંપરાના આધારે, બુદ્ધને એક સામાન્ય માણસ તરીકે જોઈ શકાય છે જેમણે પોતાના અસાધારણ પ્રયાસ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી, અથવા પહેલાથી જ જ્ઞાન પ્રાપ્ત થયેલા વ્યક્તિ તરીકે જોઈ શકાય છે જેમણે ૨,૫૦૦ વર્ષ પહેલાં જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ બતાવવા માટે પ્રવૃત્તિઓ ઉત્પ્ન્ન કરી હતી. અહીં, આપણે બુદ્ધના જીવન પર નજર નાખીએ છીએ, અને જોઈએ છીએ કે આપણે આપણા પોતાના આધ્યાત્મિક માર્ગ માટે કેવા પ્રકારની પ્રેરણા મેળવી શકીએ છીએ.

પરંપરાગત તારીખો અનુસાર, શાક્યમુનિ બુદ્ધ, જેને ગૌતમ બુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ મધ્ય ઉત્તર ભારતમાં ૫૬૬ થી ૪૮૫ બીસીઇ સુધી જીવ્યા હતા. વિવિધ બૌદ્ધ સ્ત્રોતોમાં તેમના જીવનના અસંખ્ય, વિવિધ અહેવાલો છે, જેમાં વધુ વિગતો સમય જતાં ધીમે ધીમે દેખાય છે. આમાંની ઘણી વિગતોની ચોકસાઈ નક્કી કરવી મુશ્કેલ છે, કારણ કે પ્રથમ બૌદ્ધ સાહિત્ય બુદ્ધના અવસાન પછી ત્રણ સદીઓ પછી જ લખાયું હતું. તેમ છતાં, ફક્ત એટલા માટે કે અમુક વિગતો લેખિત સ્વરૂપમાં અન્ય કરતાં પાછળથી ઉભરી આવી હતી, તે તેમની માન્યતાને અવગણવાનું પૂરતું કારણ નથી, કારણ કે ઘણી વિગતો મૌખિક સ્વરૂપમાં પસાર થયી હોય એવું શક્ય છે .

સામાન્ય રીતે, મહાન બૌદ્ધ ગુરુઓ, જેમાં ખુદ બુદ્ધનો પણ સમાવેશ થાય છે, તેમના પરંપરાગત જીવનચરિત્રો, ફક્ત ઐતિહાસિક નોંધ માટે નહીં, પરંતુ ઉપદેશાત્મક હેતુઓ માટે સંકલિત કરવામાં આવ્યા હતા. વધુ સ્પષ્ટ રીતે, જીવનચરિત્રો એવી રીતે રચવામાં આવ્યા હતા કે બૌદ્ધ અનુયાયીઓને મુક્તિ અને જ્ઞાન પ્રાપ્તિના આધ્યાત્મિક માર્ગને અનુસરવા માટે શીખવવામાં અને પ્રેરણા આપવામાં આવે. બુદ્ધના જીવનકથામાંથી લાભ મેળવવા માટે, આપણે તેને આ સંદર્ભમાં સમજવાની અને તેમાંથી શીખી શકાય તેવા પાઠનું વિશ્લેષણ કરવાની જરૂર છે.

બુદ્ધના જીવનના સ્ત્રોતો

બુદ્ધના જીવનના સૌથી પ્રાચીન સ્ત્રોતોમાં, થરવાદ શાસ્ત્રોમાં, મધ્યમ-લંબાઈના પ્રવચનોના સંગ્રહ (પાલી: મઝીમાં નિકાયા) માંથી ઘણા પાલી સુત્ત અને વિવિધ હિનયાન શાળાઓમાંથી, મઠના શિસ્તના નિયમોથી સંબંધિત ઘણા વિનય ગ્રંથોનો સમાવેશ થાય છે. જોકે, આ દરેક ગ્રંથો બુદ્ધના જીવનકથાના ફક્ત ટુકડાઓ છે.

પ્રથમ વિસ્તૃત વર્ણન બીજી સદી બીસીઇના અંતમાં બૌદ્ધ કાવ્યાત્મક કૃતિઓમાં દેખાયું, જેમ કે હિનયાનની મહાસાંહિક શાળાના મહાન વસ્તુ (સંસ્કૃત મહાવસ્તુ). આ પાઠ, જે ત્રણ ટોપલી જેવા સંગ્રહો (સંસ્કૃત ત્રિપિટક, થ્રી બાસ્કેટ્સ) ની બહાર હતા, તેમાં, ઉદાહરણ તરીકે, એ વિગત ઉમેરવામાં આવી હતી કે બુદ્ધનો જન્મ રાજવી પરિવારમાં રાજકુમાર તરીકે થયો હતો. આવી જ બીજી કાવ્યાત્મક કૃતિ હિનયાનની સર્વસ્તિવાદ શાળાના સાહિત્યમાં, વ્યાપક રમો સૂત્ર (સંસ્કૃત લલિતવિસ્તાર સૂત્ર) માં દેખાય છે. આ ગ્રંથના પહેલાના સંસ્કરણમાંથી પછીના મહાયાન સંસ્કરણોએ લઈને એને વિસ્તૃત કર્યું, ઉદાહરણ તરીકે, શાક્યમુનિ યુગો પહેલા જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા હતા અને રાજકુમાર સિદ્ધાર્થ તરીકે પ્રગટ થઈને, ફક્ત અન્ય લોકોને સૂચના આપવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવી રહ્યા હતા.

આખરે આમાંના કેટલાક જીવનચરિત્રોને ત્રણ ટોપલી જેવા સંગ્રહો માં સમાવવામાં આવ્યા હતા. સૌથી પ્રખ્યાત કવિ અશ્વઘોષ દ્વારા લખાયેલ બુદ્ધના કાર્યો (સંસ્કૃત બુદ્ધચરિત) છે, જે પહેલી સદીમાં લખાયેલ હતું. અન્ય આવૃત્તિઓ તંત્રોમાં પણ પાછળથી દેખાએ છે, જેમ કે ચક્રસંવર સાહિત્યમાં. ત્યાં, આપણને એવું વર્ણન મળે છે કે, શાક્યમુનિ તરીકે દેખાતા હતા એ વખતે તેમને દૂર-પ્રસરતા ભેદભાવપૂર્ણ જાગૃતિ (સંસ્કૃત પ્રજ્ઞાપરમિતાસૂત્ર, વિદ્વતાના સૂત્રોની પૂર્ણતા) પર સૂત્રો શીખવતા હતા, ત્યારે બુદ્ધ વારાફરતી વજ્રધાર તરીકે પ્રગટ થયા હતા અને તંત્ર શીખવતા હતા.

દરેક વૃતાંતમાંથી, આપણે કંઈક શીખી શકીએ છીએ અને પ્રેરણા મેળવી શકીએ છીએ. જોકે, ચાલો આપણે મુખ્યત્વે ઐતિહાસિક બુદ્ધનું ચિત્રણ કરતી આવૃત્તિઓ જોઈએ.

બુદ્ધનો જન્મ, પ્રારંભિક જીવન અને ત્યાગ

શરૂઆતના અહેવાલો અનુસાર, શાક્યમુનિનો જન્મ શાક્ય રાજ્યના એક કુલીન, શ્રીમંત યોદ્ધા પરિવારમાં થયો હતો, જેની રાજધાની હાલના ભારત અને નેપાળની સરહદ પર કપિલવસ્તુમાં હતી. શાક્યમુનિનો જન્મ રાજવી પરિવારમાં રાજકુમાર તરીકે થયો હોવાનો કોઈ ઉલ્લેખ નથી, તેમના રજવાડા જન્મ અને નામ સિદ્ધાર્થના અહેવાલો પછીથી જ દેખાય છે. તેમના પિતા શુદ્ધોદન હતા, પરંતુ તેમની માતા માયાદેવીનું નામ ફક્ત પછીના સંસ્કરણોમાં જ દેખાય છે, જેમ કે બુદ્ધના સ્વપ્નમાં સફેદ છ દાંતવાળા હાથીના પ્રવેશના ચમત્કારિક ગર્ભાધાનનું વર્ણન, અને ઋષિ અસિતાની ભવિષ્યવાણી કે તેઓ કાં તો એક મહાન રાજા અથવા મહાન ઋષિ બનશે. આ પછી, કપિલવસ્તુથી થોડા અંતરે લુમ્બિની વનરાજીમાં તેમની માતાની બાજુથી બુદ્ધના શુદ્ધ જન્મનું વર્ણન પણ દેખાયું, જ્યાં તેમણે પછી સાત પગલાં લીધાં અને કહ્યું, "હું આવી ગયો છું," તેમજ બાળજન્મ દરમિયાન તેમની માતાનું મૃત્યુ.

યુવાનીમાં, બુદ્ધે આનંદથી ભરેલું જીવન જીવ્યું. તેમણે યશોધરા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા, અને તેમને એક પુત્ર, રાહુલા થયો. ૨૯ વર્ષની ઉંમરે, બુદ્ધે પોતાના કૌટુંબિક જીવન અને રજવાડાના વારસાનો ત્યાગ કર્યો અને ભટકતા ભિક્ષુક આધ્યાત્મિક સાધક બન્યા.

બુદ્ધના ત્યાગને તેમના સમાજ અને સમયના સંદર્ભમાં જોવો મહત્વપૂર્ણ છે. જ્યારે બુદ્ધ આધ્યાત્મિક સાધક બનવા માટે ગયા, ત્યારે તેમણે તેમની પત્ની અને બાળકને કષ્ટ અને ગરીબીનું જીવન જીવવા માટે છોડી દીધા નહીં. ચોક્કસપણે તેમના સમૃદ્ધ, વિસ્તૃત પરિવાર દ્વારા તેમની સંભાળ લેવામાં આવી હોત. બુદ્ધ યોદ્ધા જાતિના પણ સભ્ય હતા, જેનો અર્થ એ થયો કે તેમને નિઃશંકપણે એક દિવસ યુદ્ધમાં જવા માટે પોતાનો પરિવાર છોડીને જવું પડશે, જેમ કે પુરુષની ફરજ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું.

બાહ્ય દુશ્મનો સામે અવિરતપણે લડી શકાય છે, પરંતુ વાસ્તવિક યુદ્ધ આપણા આંતરિક દુશ્મનો સામે છે, અને આ તે યુદ્ધ છે જે લડવા માટે બુદ્ધ ગયા હતા. આ હેતુ માટે બુદ્ધે પોતાના પરિવારને પાછળ છોડી દીધો તે સૂચવે છે કે આધ્યાત્મિક સાધકનું કર્તવ્ય છે કે તે પોતાનું આખું જીવન આ શોધમાં સમર્પિત કરે. જો, આપણા આધુનિક વિશ્વમાં, આપણે આપણા પરિવારોને સન્યાસી બનવા માટે છોડી દઈએ, તો આપણે ખાતરી કરવી પડશે કે તેમનો ધ્યાન સારી રીતે લેવામાં આવે. આનો અર્થ ફક્ત આપણા જીવનસાથીઓ અને બાળકો જ નહીં, પણ આપણા વૃદ્ધ માતાપિતાનો પણ છે. આપણે આપણા પરિવારોને છોડીએ કે ન છોડીએ, બૌદ્ધ તરીકે, બુદ્ધની જેમ, આનંદના વ્યસન પર કાબુ મેળવીને વેદના ઓછી કરવી એ આપણી ફરજ છે.

બુદ્ધ જન્મ, વૃદ્ધત્વ, માંદગી, મૃત્યુ, પુનર્જન્મ, ઉદાસી અને મૂંઝવણના સ્વરૂપની સમજણ દ્વારા વેદનાને દૂર કરવા માંગે છે. પછીની વાર્તાઓમાં, બુદ્ધને તેમના રથચાલક ચન્ના દ્વારા મહેલની બહાર મુસાફરી પર લઈ જવામાં આવે છે. શહેરમાં, બુદ્ધે બીમાર, વૃદ્ધ અને મૃત લોકો તેમજ એક તપસ્વી જોયા, જેમાં ચન્ના દરેકનું સમજૂતી આપતા હતા. આ રીતે, બુદ્ધ દરેક વ્યક્તિએ અનુભવેલા વેદનાને ઓળખવા લાગ્યા, અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો.

આ પ્રસંગ જ્યાં બુદ્ધને તેમના રથચાલક તરફથી આધ્યાત્મિક માર્ગ પર મદદ મળે છે, તે ભગવદ ગીતા માં તેમના રથચાલક કૃષ્ણ દ્વારા અર્જુનને તેમના સગાઓ સામે યુદ્ધ લડવાની યોદ્ધા તરીકેની ફરજ વિશે કહેવામાં આવેલા વર્ણનની સમાંતર છે. બૌદ્ધ અને હિન્દુ બંને કિસ્સાઓમાં, આપણે સત્ય શોધવાનો પ્રયાસ કરવા માટે આપણા આરામદાયક જીવનની દિવાલોથી આગળ વધવાનું ઊંડું મહત્વ જોઈ શકીએ છીએ. રથને મુક્તિ તરફ દોરી જતા મનના વાહન તરીકે જોઈ શકાય છે, અને રથચાલકના શબ્દો વાસ્તવિકતાની શોધનું પ્રેરક બળ છે.

બુદ્ધનો અભ્યાસ અને જ્ઞાનપ્રાપ્તિ

બ્રહ્મચારી, ભટકતા આધ્યાત્મિક સાધક તરીકે, બુદ્ધે બે શિક્ષકો પાસેથી માનસિક સ્થિરતા અને નિરાકાર આત્મસાત મેળવવા માટેની પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. તેઓ સંપૂર્ણ એકાગ્રતાની આ ઊંડા અવસ્થાઓનું ઉચ્ચતમ સ્તર પ્રાપ્ત કરવામાં સક્ષમ હતા, જેમાં તેમને હવે ગંભીર વેદના કે સામાન્ય દુન્યવી આનંદનો અનુભવ થતો નહોતો, પરંતુ તેઓ સંતુષ્ટ નહોતા. તેમણે જોયું કે આ અવસ્થાઓ આ દૂષિત લાગણીઓથી ફક્ત અસ્થાયી, કાયમી રાહત પૂરી પાડે છે; તેઓ ચોક્કસપણે તે ઊંડા, સાર્વત્રિક વેદનાને દૂર કરી શક્યા નહીં જેને તેઓ દૂર કરવા માંગતા હતા. પાંચ સાથીઓ સાથે, તેઓ પછી આત્યંતિક તપસ્યાનો અભ્યાસ કરે છે, પરંતુ આનાથી પણ અનિયંત્રિત રીતે પુનરાવર્તિત પુનર્જન્મ (સંસાર) સાથે સંકળાયેલી ઊંડી સમસ્યાઓ દૂર થઈ ન હતી. ફક્ત પછીના અહેવાલોમાં જ બુદ્ધે નૈરંજના નદીના કિનારે તેમના છ વર્ષના ઉપવાસ તોડ્યા હતા, જેમાં કન્યા સુજાતાએ તેમને દૂધના ભાતનો વાટકો આપ્યો હતો.

આપણા માટે, બુદ્ધનું ઉદાહરણ સૂચવે છે કે આપણે ફક્ત સંપૂર્ણપણે શાંત થવાથી અથવા ધ્યાન ના "નશામાં" સંતોષ માનવો જોઈએ નહીં, દવાઓ જેવા કૃત્રિમ માધ્યમોથી તો દૂર જ રેહવું. ઊંડા સમાધિમાં જવું, અથવા આત્યંતિક પ્રથાઓ દ્વારા પોતાને ત્રાસ લેવો અથવા સજા કરવી એ પણ કોઈ ઉકેલ નથી. આપણે મુક્તિ અને જ્ઞાન પ્રાપ્તિ માટે દરેક રીતે આગળ વધવું જોઈએ, અને આપણે ક્યારેય એવી આધ્યાત્મિક પદ્ધતિઓથી સંતુષ્ટ ન થવું જોઈએ જે આપણને આ લક્ષ્યો સુધી પહોંચાડવામાં નિષ્ફળ થાય.

બુદ્ધે તપસ્યાનો ત્યાગ કર્યા પછી, તેઓ ભયને દૂર કરવા માટે જંગલમાં એકલા ધ્યાન કરવા ગયા. બધા ભયના મૂળમાં અશક્ય અસ્તિત્વમાં રહેલા "હું" ને પકડવાનો અને આનંદ અને મનોરંજન માટે આપણી ફરજિયાત શોધ કરતાં પણ વધુ મજબૂત સ્વ-પ્રેમ કરવાનો વલણ છે. આમ, તીક્ષ્ણ શસ્ત્રોના ચક્ર માં ૧૦મી સદીના ભારતીય ગુરુ ધર્મરક્ષિતે ઝેરી છોડના જંગલોમાં ભટકતા મોરની છબીનો ઉપયોગ બોધિસત્વોનું પ્રતિનિધિત્વ કરવા માટે કર્યો હતો, જે ઇચ્છા, ક્રોધ અને ભોળપણની ઝેરી લાગણીઓનો પ્રતીક છે અને તેમને તેમના સ્વ-વ્હાલના વલણને દૂર કરવામાં અને અશક્ય "હું" ના પકડને દૂર કરવામાં મદદ કરે છે.

ઘણા ધ્યાન પછી, બુદ્ધને ૩૫ વર્ષની ઉંમરે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું. પછીના અહેવાલો મુજબ, તેમણે હાલના બોધગયામાં એક બોધિવૃક્ષ નીચે આ પ્રાપ્ત કર્યું હતું, ઈર્ષાળુ દેવ મારાના હુમલાઓનો સફળતાપૂર્વક સામનો કર્યા પછી, જેમણે તેમના ધ્યાનમાં ખલેલ પહોંચાડવા માટે વધુ ભયાનક અને મોહક દેખાવો રજૂ કરીને બુદ્ધના જ્ઞાન પ્રાપ્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

શરૂઆતના અહેવાલોમાં, બુદ્ધે ત્રણ પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરીને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું: પોતાના ભૂતકાળના બધા જન્મોનું, બીજા બધાના કર્મ અને પુનર્જન્મનું અને ચાર ઉમદા સત્યોનું સંપૂર્ણ જ્ઞાન. પછીના અહેવાલો સમજાવે છે કે, જ્ઞાન પ્રાપ્તિ સાથે, તેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી.

શિક્ષણ અને બૌદ્ધ મઠના સમુદાયની સ્થાપના

જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, બુદ્ધ બીજાઓને તે કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં અચકાતા હતા, કારણ કે તેમને લાગતું હતું કે કોઈ સમજી શકશે નહીં. જોકે, બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્મા અને દેવોના રાજા ઇન્દ્રે તેમને શિક્ષણ આપવા વિનંતી કરી. પોતાની વિનંતીમાં, બ્રહ્માએ બુદ્ધને કહ્યું કે જો તેઓ શિક્ષણ નહીં આપે તો દુનિયાને અનંત વેદના થશે, અને ઓછામાં ઓછા થોડા લોકો તેમના શબ્દો સમજી શકશે.

આ વિગત એક વ્યંગાત્મક તત્વ હોઈ શકે છે, જે બુદ્ધના ઉપદેશોની શ્રેષ્ઠતા દર્શાવે છે, જે તેમના સમયની પરંપરાગત ભારતીય આધ્યાત્મિક પરંપરાઓ દ્વારા આપવામાં આવતી પદ્ધતિઓ કરતાં વધુ હતી. જો સર્વોચ્ચ દેવતાઓ પણ સ્વીકારે છે કે વિશ્વને બુદ્ધના ઉપદેશોની જરૂર છે કારણ કે તેમની પાસે દરેકના વેદનાનો કાયમી અંત લાવવા માટે પદ્ધતિઓનો અભાવ છે, તો સામાન્ય લોકો માટે ઉપદેશોની કેટલી જરૂર છે તે શું કહેવાની જરૂર છે. વધુમાં, બૌદ્ધ કલ્પનામાં, બ્રહ્મા ઘમંડી અભિમાનનું પ્રતિનિધિત્વ કરે છે; તેમની ખોટી માન્યતા કે તેઓ સર્વશક્તિમાન સર્જક છે તે વિચારવામાં મૂંઝવણનું પ્રતીક છે કે આ અશક્ય રીતે અસ્તિત્વમાં "હું" અસ્તિત્વમાં છે, અને જીવનમાં દરેક વસ્તુને નિયંત્રિત કરી શકે છે. આવી માન્યતા અનિવાર્યપણે હતાશા અને વેદના લાવે છે. ફક્ત બુદ્ધના ઉપદેશો કે આપણે ખરેખર કેવી રીતે અસ્તિત્વમાં છીએ એ જ આ સાચા વેદના અને તેના સાચા કારણને ખરા અર્થમાં રોકવાનો માર્ગ પ્રદાન કરી શકે છે.

બ્રહ્મા અને ઇન્દ્રની વિનંતી સ્વીકારીને, બુદ્ધ સારનાથ ગયા અને હરણ ઉદ્યાનમાં તેમના પાંચ ભૂતપૂર્વ સાથીઓને ચાર ઉમદા સત્યો શીખવ્યા. બૌદ્ધ કલ્પનાઓમાં, હરણ નમ્રતાનું પ્રતિનિધિત્વ કરે છે અને આમ બુદ્ધ સુખવાદ અને સંન્યાસની ચરમસીમાઓને ટાળીને સૌમ્ય પદ્ધતિ શીખવે છે.

ટૂંક સમયમાં, નજીકના વારાણસીના ઘણા યુવાનો કડક બ્રહ્મચર્યનું પાલન કરીને બુદ્ધ સાથે જોડાયા. તેમના માતાપિતા સામાન્ય શિષ્ય બન્યા અને દાન દ્વારા જૂથને ટેકો આપવા લાગ્યા. કોઈ પણ સભ્ય પૂરતા પ્રમાણમાં તાલીમ પામેલા અને લાયક બનતા જ, તેમને બીજાઓને શીખવવા માટે મોકલવામાં આવતા. આ રીતે, બુદ્ધના ભિક્ષુક અનુયાયીઓનો સમૂહ ઝડપથી વધતો ગયો અને ટૂંક સમયમાં તેઓ સ્થાયી થયા અને વિવિધ સ્થળોએ વ્યક્તિગત "મઠ" સમુદાયોની રચના કરી.

બુદ્ધે વ્યવહારુ માર્ગદર્શિકા અનુસાર આ મઠ સમુદાયોનું આયોજન કર્યું હતું. સાધુઓ, જો આપણે આ શબ્દનો ઉપયોગ આ ખૂબ જ શરૂઆતના તબક્કામાં કરીએ,  તે ઉમેદવારોને સમુદાયોમાં જોડાવા માટે પરવાનગી આપી શકતા હતા, પરંતુ ધર્મનિરપેક્ષ અધિકારીઓ સાથે અથડામણ ટાળવા માટે તેમને ચોક્કસ પ્રતિબંધોનું પાલન કરવું પડતું હતું. આમ, આ સમયે, બુદ્ધે ગુનેગારો, લશ્કર જેવા શાહી સેવામાં રહેલા લોકો, ગુલામીમાંથી મુક્ત ન થયેલા ગુલામો અને રક્તપિત્ત જેવા ચેપી રોગો ધરાવતા લોકોને મઠ સમુદાયોમાં જોડાવાની મંજૂરી આપી ન હતી. વધુમાં, ૨૦ વર્ષથી ઓછી ઉંમરના કોઈને પણ પ્રવેશ આપી શકાતો નહોતા. બુદ્ધ મુશ્કેલી ટાળવા માંગતા હતા અને સમુદાયો અને ધર્મ ઉપદેશો માટે લોકોનો આદર સુનિશ્ચિત કરવા માંગતા હતા. આ દર્શાવે છે કે, બુદ્ધના અનુયાયીઓ તરીકે, આપણે સ્થાનિક રિવાજોનો આદર કરવાની અને આદરપૂર્વક કાર્ય કરવાની જરૂર છે, જેથી લોકો બૌદ્ધ ધર્મની સારી છાપ મેળવે અને બદલામાં તેનો આદર કરે.

ટૂંક સમયમાં, બુદ્ધ મઘદ પાછા ફર્યા, જે રાજ્યમાં બોધગયા આવેલું હતું. રાજા બિંબિસાર દ્વારા તેમને રાજધાની શહેર, રાજગૃહ - આધુનિક રાજગીર - માં આમંત્રણ આપવામાં આવ્યું, જે તેમના આશ્રયદાતા અને શિષ્ય બન્યા. ત્યાં, શરિપુત્ર અને મૌદ્ગલ્યાયન પણ બુદ્ધના વધતા જતા ક્રમમાં જોડાયા, અને તેમના નજીકના શિષ્યોમાંના કેટલાક બન્યા.

જ્ઞાન પ્રાપ્તિના એક વર્ષની અંદર, બુદ્ધ પોતાના ઘર કપિલવસ્તુ પાછા ફર્યા, જ્યાં તેમનો પુત્ર રાહુલ સંપ્રદાયમાં જોડાયો. બુદ્ધના સાવકા ભાઈ, સુંદર નંદ, ઘર છોડીને સંપ્રદાયમાં જોડાઈ ગયા હતા. બુદ્ધના પિતા, રાજા શુદ્ધોદન, ખૂબ જ દુઃખી હતા કે વંશાવળી કાપી નાખવામાં આવી છે અને તેથી તેમણે વિનંતી કરી કે ભવિષ્યમાં, પુત્રને સંન્યાસી સંપ્રદાયમાં જોડાવા માટે તેના માતાપિતાની સંમતિ લેવી જોઈએ. બુદ્ધ સંપૂર્ણપણે સંમત થયા. આ વાર્તાનો મુદ્દો એ નથી કે તેને બુદ્ધ તરફથી તેના પિતા પ્રત્યેની ક્રૂરતા તરીકે જોઈ શકાય, પરંતુ તે જોવાનો છે કે બૌદ્ધ ધર્મ પ્રત્યે, ખાસ કરીને આપણા પોતાના પરિવારોમાં, દુષ્ટ ઇચ્છા ન પેદા કરવાનું મહત્વ કેટલું છે.

બુદ્ધના પોતાના પરિવાર સાથેના પરિચય વિશે પાછળથી જાણવા મળે છે કે તેમણે તેત્રીસ દેવતાઓના સ્વર્ગમાં, અથવા કેટલાક સ્ત્રોતો અનુસાર, તુષિતા સ્વર્ગમાં, તેમની માતા, જેમનો પુનર્જન્મ ત્યાં થયો હતો, ને શીખવવા માટે બાહ્ય શક્તિઓનો ઉપયોગ કરીને યાત્રા કરી હતી. આ માતૃત્વની દયાની કદર અને ચૂકવણીનું મહત્વ દર્શાવે છે.

બૌદ્ધ મઠના ક્રમનો વિકાસ

બુદ્ધના સાધુઓના શરૂઆતના સમુદાયો નાના હતા, અને તેમાં ૨૦ થી વધુ પુરુષો નહોતા. દરેક સમુદાય સ્વાયત્ત હતો, જે સાધુઓના ભિક્ષા માંગવા માટે નિર્ધારિત સીમાઓનું પાલન કરતો હતો. દરેક સમુદાયના કાર્યો અને નિર્ણયો તેના સભ્યો વચ્ચે સર્વસંમતિથી મતદાન દ્વારા નક્કી કરવામાં આવતા હતા, જેથી કોઈ પણ મતભેદ ટાળી શકાય, અને કોઈ એક વ્યક્તિને એકમાત્ર સત્તા તરીકે નિયુક્ત કરવામાં ન આવે. બુદ્ધે તેમને ધર્મ ઉપદેશોને જ સત્તા તરીકે લેવા સૂચના આપી હતી. જો જરૂરી હોય તો મઠના શિસ્તમાં પણ ફેરફાર કરી શકાય છે, પરંતુ કોઈપણ ફેરફારો સમગ્ર સમુદાયની સર્વસંમતિ પર આધારિત હોવા જોઈએ.

રાજા બિંબિસારે સૂચવ્યું કે બુદ્ધ અન્ય ભિક્ષુક આધ્યાત્મિક જૂથો, જેમ કે જૈનો, જે ત્રૈમાસિક સભાઓ યોજતા હતા, તેમના કેટલાક રિવાજો અપનાવી શકે છે. આ રિવાજ મુજબ, આધ્યાત્મિક સમુદાયના સભ્યો ચંદ્રના દરેક ત્રૈમાસિક તબક્કાની શરૂઆતમાં ઉપદેશોની ચર્ચા કરવા માટે ભેગા થતા. બુદ્ધ સંમત થયા, દર્શાવ્યું કે તેઓ સમયના રિવાજોનું પાલન કરવા માટે સૂચનો માટે ખુલ્લા હતા, અને તેમણે તેમના આધ્યાત્મિક સમુદાયોના ઘણા પાસાઓ અને ઉપદેશોનું માળખું જૈન ધર્મ પર આધાર રાખીને રચના કરી. જૈન ધર્મના સ્થાપક મહાવીર, બુદ્ધથી લગભગ અડધી સદી પહેલા જીવ્યા હતા.

શરિપુત્રએ બુદ્ધને મઠના શિસ્તના નિયમો ઘડવા પણ કહ્યું. બુદ્ધે નક્કી કર્યું કે ચોક્કસ સમસ્યાઓ ઊભી થાય ત્યાં સુધી રાહ જોવી શ્રેષ્ઠ રહેશે, જ્યારે તેઓ સમાન ઘટનાના પુનરાવર્તનને ટાળવા માટે પ્રતિજ્ઞા કરી શકે. આ નીતિ કુદરતી રીતે વિનાશક ક્રિયાઓ, જે કરવી હાનિકારક હતી, અને નૈતિક રીતે તટસ્થ ક્રિયાઓ, જે ચોક્કસ પરિસ્થિતિઓમાં અને ચોક્કસ કારણોસર ચોક્કસ લોકો માટે પ્રતિબંધિત હતી, બંનેના સંદર્ભમાં અનુસરવામાં આવી હતી. આમ, શિસ્તના નિયમો (વિનય) વ્યવહારિક હતા અને તાત્કાલિક ઘડવામાં આવ્યા હતા, જેમાં બુદ્ધના મુખ્ય વિચારણા સમસ્યાઓ ટાળવા અને તેને અપરાધ ન બનાવવાનો હતો.

શિસ્તના નિયમોના આધારે, બુદ્ધે ત્યારબાદ ત્રૈમાસિક મઠ સભામાં પ્રતિજ્ઞાઓનું પાઠ કરવાની શરૂઆત કરી, જેમાં સાધુઓ ખુલ્લેઆમ કોઈપણ ઉલ્લંઘનનો સ્વીકાર કરતા. સૌથી ગંભીર ઉલ્લંઘન માટે સમુદાયમાંથી હકાલપટ્ટી કરવામાં આવતી, અન્યથા ફક્ત પરિવીક્ષાનો અપમાન. પાછળથી, આ સભાઓ બે મહિનામાં એક વાર યોજાવા લાગી.

ત્યારબાદ બુદ્ધે ત્રણ મહિનાની વરસાદી ઋતુની એકાંતની સ્થાપના કરી, જે દરમિયાન સાધુઓ એક જ જગ્યાએ રહેતા અને કોઈપણ મુસાફરી ટાળતા. તેનો ઉદ્દેશ્ય એ હતો કે રસ્તાઓ પાણીથી ભરાઈ જાય ત્યારે ખેતરોમાંથી પસાર થયીને સાધુઓ પાકને નુકસાન ન કરે. આનાથી નિશ્ચિત મઠોની સ્થાપના થઈ, જે વ્યવહારુ હતું. ફરીથી, આ વિકાસ સામાન્ય સમુદાયને નુકસાન ન થાય અને તેમનો આદર મળે તે માટે થયો.

બીજા વર્ષાઋતુના એકાંતથી શરૂ કરીને, બુદ્ધે કોશલ રાજ્યની રાજધાની શ્રાવસ્તીની બહાર જેતવન વનરાજીમાં ૨૫ ઉનાળા વિતાવ્યા. અહીં, વેપારી અનાથપિંડદે બુદ્ધ અને તેમના સાધુઓ માટે એક મઠ બનાવ્યો, અને રાજા પ્રસેનજિત સમુદાયના પ્રાયોજક બન્યા. જેતવનનો મઠ બુદ્ધના જીવનમાં ઘણી મહાન ઘટનાઓનું દ્રશ્ય હતું, જેમાં સૌથી પ્રખ્યાત કદાચ ચમત્કારિક શક્તિઓની સ્પર્ધામાં તે સમયના છ મુખ્ય બિન-બૌદ્ધ શાળાઓના નેતાઓનો પરાજય હતો.

જ્યારે આજકાલ આપણામાંથી કોઈ ચમત્કારિક કાર્યો કરી શકતું નથી, બુદ્ધ દ્વારા તેમના વિરોધીઓને હરાવવા માટે તર્કને બદલે તેનો ઉપયોગ સૂચવે છે કે જ્યારે અન્ય લોકોના મન તર્કથી બંધ હોય છે, ત્યારે તેમને આપણી સમજણની માન્યતા અંગે ખાતરી કરાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે આપણે ક્રિયાઓ અને વર્તન દ્વારા આપણી અનુભૂતિનું સ્તર દર્શાવીએ. આપણી પાસે અંગ્રેજીમાં આ પ્રકારની કહેવત પણ છે, "શબ્દો કરતાં કાર્યો મોટેથી બોલે છે."

બૌદ્ધ મઠના સાધ્વીઓના ક્રમની સ્થાપના

શિક્ષણ કારકિર્દીના પાછળથી, બુદ્ધે તેમના કાકી મહાપ્રજાપતિની વિનંતી પર વૈશાલીમાં સાધ્વીઓનો સમુદાય સ્થાપ્યો. શરૂઆતમાં તેઓ આવા ક્રમ શરૂ કરવામાં અનિચ્છા ધરાવતા હતા, પરંતુ પછી તેમણે નક્કી કર્યું કે જો તેઓ સાધુઓ કરતાં સાધ્વીઓ માટે વધુ પ્રતિજ્ઞાઓ નક્કી કરે તો તે શક્ય બનશે. આમ કરીને, બુદ્ધ એવું નહોતા કહેતા કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ અનુશાસનહીન છે અને તેથી વધુ પ્રતિજ્ઞાઓનું પાલન કરીને તેમને વધુ કાબૂમાં રાખવાની જરૂર છે. તેના બદલે, તેમને ડર હતો કે સ્ત્રી વ્યવસ્થા સ્થાપિત કરવાથી તેમના ઉપદેશોનો ખરાબ પ્રતિષ્ઠા લાવશે અને અકાળ અંત આવશે. સૌથી ઉપર, બુદ્ધ મોટા પાયે સમુદાયના અનાદરને ટાળવા માંગતા હતા, અને તેથી સાધ્વી સમુદાયને કોઈપણ અનૈતિક વર્તનની શંકાથી દૂર રહેવાની જરૂર હતી.

એકંદરે, જોકે, બુદ્ધ નિયમો ઘડવામાં અનિચ્છા ધરાવતા હતા અને જો બિનજરૂરી જણાય તો નાના નિયમો રદ કરવા તૈયાર હતા, એક નીતિ જે બે સત્યોની ગતિશીલતા દર્શાવે છે - સૌથી ઊંડું સત્ય, અને છતાં સ્થાનિક રિવાજો અનુસાર પરંપરાગત સત્યનો આદર. જોકે ઊંડાણપૂર્વકના સત્યમાં, સાધ્વીઓનો ક્રમ રાખવામાં કોઈ સમસ્યા નથી, તે સમયના સામાન્ય લોકો બૌદ્ધ ઉપદેશોને નીચું ન જુએ તે માટે, સાધ્વીઓ માટે શિસ્તના વધુ નિયમો હોવા જરૂરી હતા. ઊંડાણપૂર્વક સત્યમાં, સમાજ શું કહે છે કે વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ પરંપરાગત સત્યમાં બૌદ્ધ સમુદાય માટે જનતાનો આદર અને વિશ્વાસ મેળવવો મહત્વપૂર્ણ છે. આમ, આધુનિક સમયમાં અને સમાજોમાં જ્યાં બૌદ્ધ રિવાજો દ્વારા સાધ્વીઓ, સામાન્ય રીતે મહિલાઓ અથવા કોઈપણ લઘુમતી જૂથ પ્રત્યે કોઈ પૂર્વગ્રહ રાખવામાં આવે તો તે બૌદ્ધ ધર્મનો અનાદર લાવશે, ત્યાં બુદ્ધની ભાવના એ છે કે તેમને સમયના ધોરણો અનુસાર સુધારવામાં આવે.

છેવટે, સહિષ્ણુતા અને કરુણા બુદ્ધના ઉપદેશોના મુખ્ય મુદ્દાઓ રહ્યા છે. ઉદાહરણ તરીકે, બુદ્ધે નવા શિષ્યોને, જેમણે અગાઉ બીજા ધાર્મિક સમુદાયને ટેકો આપ્યો હતો, તેમને તે સમુદાયને ટેકો આપવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા. બૌદ્ધ ક્રમમાં, તેમણે સભ્યોને એકબીજાની સંભાળ રાખવાની સૂચના આપી, ઉદાહરણ તરીકે જો તેઓ બીમાર હોય, કારણ કે તેઓ બધા બૌદ્ધ પરિવારના સભ્યો હતા. આ બધા સામાન્ય બૌદ્ધો માટે પણ એક મહત્વપૂર્ણ ઉપદેશ છે.

બુદ્ધની ઉપદેશાત્મક પદ્ધતિ

બુદ્ધે મૌખિક સૂચનાઓ દ્વારા અને તેમના જીવંત ઉદાહરણ દ્વારા બીજાઓને શીખવ્યું. મૌખિક સૂચનાઓ માટે, તેમણે બે પદ્ધતિઓનો ઉપયોગ કર્યો, જે આધાર રાખતું હતું કે તે જૂથને કે વ્યક્તિગત શિક્ષણ આપે છે. જૂથો સામે, બુદ્ધ તેમના ઉપદેશોને પ્રવચનના રૂપમાં સમજાવતા, ઘણીવાર દરેક મુદ્દાને અલગ અલગ શબ્દોમાં પુનરાવર્તન કરતા જેથી શ્રોતાઓ તેને વધુ સારી રીતે સમજી શકે અને યાદ રાખી શકે. વ્યક્તિગત સૂચના આપતી વખતે, જે સામાન્ય રીતે તેમને અને તેમના સાધુઓને બપોરના ભોજન માટે આમંત્રણ આપનારા ઘરના ભોજન પછી આપવામાં આવતી હતી, બુદ્ધે એક અલગ અભિગમનો ઉપયોગ કર્યો. તેઓ ક્યારેય શ્રોતાના દૃષ્ટિકોણનો વિરોધ કે પડકાર નહોતા કરતા, પરંતુ તેમની દૃષ્ટિ અપનાવતા અને શ્રોતાને તેમના પોતાના વિચારો સ્પષ્ટ કરવામાં મદદ કરવા માટે પ્રશ્નો પૂછતા. આ રીતે, બુદ્ધે વ્યક્તિને તેમની દ્રષ્ટિ સુધારવા અને ધીમે ધીમે વાસ્તવિકતાની ઊંડી સમજ મેળવવા તરફ દોરી જતા. એક ઉદાહરણ એ છે કે જ્યારે બુદ્ધે બ્રાહ્મણ જાતિના એક ગૌરવશાળી સભ્યને એ સમજવા તરફ દોરી ગયા કે શ્રેષ્ઠતા તે જાતિમાંથી આવતી નથી જેમાં વ્યક્તિ જન્મે છે, પરંતુ વ્યક્તિના સારા ગુણોના વિકાસમાંથી આવે છે.

બીજું ઉદાહરણ બુદ્ધે એક શોકગ્રસ્ત માતાને આપેલી સૂચનાનું છે, જે તેના મૃત બાળકને પોતાની જોડે લાવી હતી અને બુદ્ધને બાળકને પાછું જીવંત કરવા વિનંતી કરી હતી. બુદ્ધે તેણીને કહ્યું હતું કે તે એક એવા ઘરમાંથી રાઈનો દાણો લાવે જ્યાં મૃત્યુ ક્યારેય આવ્યું ન હોય અને તે જોશે કે તે શું કરી શકે છે. તે સ્ત્રી ઘરે ઘરે ગઈ, પરંતુ દરેક ઘરમાં કોઈને કોઈનું મૃત્યુ પામવાનો અનુભવ કર્યો હતો. તેણીને ધીમે ધીમે સમજાયું કે, એક દિવસ, દરેક વ્યક્તિનું મૃત્યુ થશે, અને આ રીતે તે તેના બાળકનો વધુ શાંતિથી અગ્નિસંસ્કાર કરી શકી.

બુદ્ધની શિક્ષણ પદ્ધતિ આપણને બતાવે છે કે વ્યક્તિગત મુલાકાતોમાં લોકોને મદદ કરવા માટે, દલીલ ન કરવો એ શ્રેષ્ઠ છે. સૌથી અસરકારક રીત એ છે કે તેમને પોતાને વિચારવામાં મદદ કરવી. જોકે, લોકોના જૂથોને શિક્ષણ આપતી વખતે, વસ્તુઓને સીધી અને સ્પષ્ટ રીતે સમજાવવી વધુ સારી છે.

બુદ્ધ સામે કાવતરું અને ભાગલા

બુદ્ધના અવસાનના સાત વર્ષ પહેલાં, તેમના ઈર્ષાળુ પિતરાઈ ભાઈ દેવદત્તે બુદ્ધના ક્રમના વડા તરીકે લેવાનું કાવતરું ઘડ્યું. તેવી જ રીતે, રાજકુમાર અજાતશત્રુએ તેમના પિતા, રાજા બિમ્બીસારને મગધના શાસક તરીકે સ્થાન લેવા કાવતરું ઘડ્યું, અને તેથી બંનેએ સાથે મળીને કાવતરું રચ્યું. અજાતશત્રુએ બિમ્બીસારના જીવન પર હત્યાનો પ્રયાસ કર્યો અને પરિણામે, રાજાએ તેમના પુત્રના પક્ષમાં ગાદી છોડી દીધી. અજાતશત્રુની સફળતા જોઈને, દેવદત્તે તેમને બુદ્ધની હત્યા કરવા કહ્યું, પરંતુ તેમની હત્યાના બધા પ્રયાસો નિષ્ફળ ગયા.

ત્યારબાદ હતાશ થયેલા દેવદત્તે બુદ્ધ કરતા પણ "પવિત્ર" હોવાનો દાવો કરીને, શિસ્તના કડક નિયમોનો પ્રસ્તાવ મૂકીને સાધુઓને બુદ્ધથી દૂર કરવાનો પ્રયાસ કર્યો. ચોથી સદી સી.ઈ. સુધી થરાવાડ ગુરુ બુદ્ધઘોષ દ્વારા લખાયેલ શુદ્ધિકરણનો માર્ગ (પાલી: વિશુદ્ધિમાગ્ગા) અનુસાર, દેવદત્તના નવા પ્રસ્તાવોમાં શામેલ હતા:

  • ચીંથરાથી બનેલા ઝભ્ભા પહેરવા
  • માત્ર ત્રણ ઝભ્ભા પહેરવા
  • માત્ર ભિક્ષા માટે જવું અને ભોજનનું આમંત્રણ ક્યારેય સ્વીકારવું નહીં
  • ભિક્ષા માટે જતી વખતે કોઈ પણ ઘર છોડવું નહીં
  • ભિક્ષા માટે જેટલું ભેગું કર્યું હોય તેટલું એક સાથે બેસીને ખાવું
  • માત્ર પોતાના ભિક્ષાના વાસણમાંથી જ ખાવું
  • બીજો બધો ખોરાકનો ઇનકાર કરવો
  • માત્ર જંગલમાં રહેવું
  • ઝાડ નીચે રહેવું
  • ખુલ્લી હવામાં રહેવું, ઘરમાં નહીં
  • મોટાભાગે સ્મશાનભૂમિમાં રહેવું
  • એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ભટકતા રહેવા કરતા રહેવા માટે જે પણ જગ્યા મળે તેનાથી સંતુષ્ટ રહેવું
  • બેઠકની મુદ્રામાં ઊંઘવું, ક્યારેય આડા પડીને ઊંઘવું નહીં.

બુદ્ધે કહ્યું કે જો સાધુઓ શિસ્તના આ વધારાના નિયમોનું પાલન કરવા માંગતા હોય, તો તે બિલકુલ ઠીક છે, પરંતુ દરેકને તેમ કરવા માટે ફરજિયાત કરવું અશક્ય છે. ઘણા સાધુઓએ દેવદત્તને અનુસરવાનું પસંદ કર્યું અને તેથી બુદ્ધના સમુદાયને છોડીને પોતાનો ક્રમ બનાવ્યો.

થરવાદ શાળામાં, દેવદત્તે નિર્ધારિત કરેલા શિસ્તના વધારાના નિયમોને "નિરીક્ષણ પ્રથાની ૧૩ શાખાઓ" કહેવામાં આવે છે. આધુનિક થાઇલેન્ડમાં હજુ પણ જોવા મળતી વન સાધુ પરંપરા આ પ્રથામાંથી ઉદ્ભવેલી હોય તેવું લાગે છે. બુદ્ધના શિષ્ય મહાકશ્યપ આ કડક શિસ્તનું પાલન કરતા સૌથી પ્રખ્યાત સાધુ હતા, જેમાંથી મોટાભાગનું આજે હિન્દુ પરંપરામાં ભટકતા પવિત્ર પુરુષો, સાધુઓ દ્વારા પાલન કરવામાં આવે છે. તેમની પ્રથા બુદ્ધના સમયના ભટકતા ભિક્ષુક આધ્યાત્મિક સાધકોની પરંપરાનું ચાલુ હોવાનું લાગે છે.

મહાયાન શાળાઓમાં પણ જોવા મળતી પ્રથાની ૧૨ લાક્ષણિકતાઓની સમાન યાદી છે. આ યાદીમાં "ભિક્ષા માંગતી વખતે કોઈ ઘર ન છોડવું" ને બાકાત રાખવામાં આવ્યું છે અને તેના બદલે "કચરાપેટીમાં ફેંકી દેવાયેલા વસ્ત્રો પહેરવા" નો ઉમેરો કરવામાં આવ્યો છે, જ્યારે "ભિક્ષા માંગવી" અને "માત્ર પોતાના ભિક્ષાના વાટકામાંથી ખાવું" ને એક ગણવામાં આવે છે. આ શિસ્તનો મોટાભાગનો ભાગ પાછળથી મહાયાન બૌદ્ધ અને હિન્દુ ધર્મ બંનેમાં જોવા મળતા ખૂબ જ સિદ્ધ તાંત્રિક સાધકો, મહાસિદ્ધો ની ભારતીય પરંપરા દ્વારા અનુસરવામાં આવ્યો હતો.

સ્થાપિત બૌદ્ધ પરંપરાથી અલગ થઈને બીજો ક્રમ બનાવવો, અથવા આધુનિક સમયમાં કદાચ એક અલગ ધર્મ કેન્દ્ર બનાવવું, સમસ્યા નહોતી. આમ કરવાથી "મઠ સમુદાયમાં વિભાજન" થવાનું માનવામાં આવતું ન હતું, જે પાંચ ઘૃણાસ્પદ ગુનાઓમાંનો એક હતો. દેવદત્તે આવી વિભાજનની રચના કરી હતી, કારણ કે જે જૂથે અલગ થઈને તેમનું પાલન કર્યું હતું તે બુદ્ધના મઠ સમુદાય પ્રત્યે ભારે દુષ્ટ ઇચ્છા રાખતા હતા, અને તેમની આકરી ટીકા કરતો હતો. કેટલાક અહેવાલો અનુસાર, આ વિભાજનની ખરાબ ઇચ્છા ઘણી સદીઓ સુધી ચાલી હતી.

આ કાવતરાનો અહેવાલ દર્શાવે છે કે બુદ્ધ અત્યંત સહિષ્ણુ હતા, અને બિલકુલ કટ્ટરપંથી નહોતા. જો તેમના અનુયાયીઓ તેમના માટે નિર્ધારિત કરેલા કરતાં વધુ કડક શિસ્ત અપનાવવા માંગતા હતા, તો તે બરાબર હતું; અને જો તેમની પાસે આવી કોઈ ઇચ્છા ન હોય, તો તે પણ બરાબર હતું. બુદ્ધ જે શીખવે છે તેનું પાલન કરવું કોઈના માટે ક્યારેય ફરજિયાત નહોતું. જો કોઈ સાધુ કે સાધ્વી મઠનો ક્રમ છોડવા માંગતા હોય, તો તે પણ ઠીક હતું. જોકે, જે અત્યંત વિનાશક છે તે એ છે કે બૌદ્ધ સમુદાય, ખાસ કરીને મઠના સમુદાયને, બે કે તેથી વધુ જૂથોમાં વિભાજીત કરવું જે દુષ્ટ ઇચ્છા રાખે છે અને એકબીજાને બદનામ કરવાનો અને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. પછીથી કોઈ એક જૂથમાં જોડાવું અને તેના નફરત અભિયાનમાં ભાગ લેવો પણ ખૂબ જ નુકસાનકારક છે. જો કે, જો કોઈ એક જૂથ વિનાશક અથવા હાનિકારક કાર્યોમાં રોકાયેલું હોય, અથવા હાનિકારક શિસ્તનું પાલન કરે, તો કરુણા લોકોને તે જૂથમાં જોડાવાના જોખમો સામે ચેતવણી આપવાની માંગ કરે છે, પરંતુ તેનો હેતુ ક્યારેય ગુસ્સો, દ્વેષ અથવા બદલો લેવાની ઇચ્છા સાથે મિશ્રિત ન કરવી જોઈએ.

બુદ્ધનું અવસાન

મુક્તિ પ્રાપ્ત થયા પછી, બુદ્ધ સામાન્ય મૃત્યુનો અનિયંત્રિત અનુભવના આગળ હતા, તેમ છતાં, ૮૧ વર્ષની ઉંમરે, બુદ્ધે નક્કી કર્યું કે તેમના અનુયાયીઓને અસ્થાયીતા શીખવવી અને તેમનું શરીર છોડી દેવું ફાયદાકારક રહેશે. આમ કરતા પહેલા, તેમણે તેમના સેવક આનંદને તેમને વધુ સમય સુધી જીવવા અને શીખવવા માટે વિનંતી કરવાની તક આપી, પરંતુ આનંદને બુદ્ધે આપેલો સંકેત સમજાયો નહીં. આ બતાવે છે કે બુદ્ધ ફક્ત વિનંતી પર જ શીખવે છે, અને જો કોઈ પૂછતું નથી અથવા રસ ધરાવતું નથી, તો તે બીજે ક્યાંક જવા માટે નીકળી જાય છે, જ્યાં તે વધુ ફાયદો કરી શકે છે. શિક્ષક અને ઉપદેશોની હાજરી વિદ્યાર્થીઓ પર આધાર રાખે છે.

કુશીનગરમાં, ચુંડા નામના આશ્રયદાતાના ઘરે, બુદ્ધ અને તેમના સાધુઓને અર્પણ કરાયેલ ભોજન ખાધા પછી તેઓ મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુશય્યા પર, બુદ્ધે તેમના સાધુઓને કહ્યું કે જો તેમને કોઈ શંકા હોય કે અનુત્તરિત પ્રશ્નો હોય, તો તેમણે તેમના ધર્મ ઉપદેશો અને તેમના નૈતિક શિસ્ત પર આધાર રાખવો જોઈએ, જે હવે તેમના ગુરુ બનશે. બુદ્ધ સૂચવી રહ્યા હતા કે દરેક વ્યક્તિએ ઉપદેશોમાંથી જાતે જ વસ્તુઓ શોધી કાઢવી જોઈએ, કારણ કે બધા જવાબો આપવા માટે કોઈ સંપૂર્ણ સત્તા રહેશે નહીં. પછી, બુદ્ધનું અવસાન થયું.

ચુંડા સંપૂર્ણપણે વિચલિત થઈ ગયો હતો, તેને લાગ્યું કે તેણે બુદ્ધને ઝેર આપ્યું છે, પરંતુ આનંદે તેમને એમ કહીને દિલાસો આપ્યો કે બુદ્ધને તેમના મૃત્યુ પહેલાં અંતિમ ભોજન આપવાથી તેણે ખરેખર ખૂબ જ સકારાત્મક શક્તિ અથવા "ગુણ" એકઠી કરી હતી.

ત્યારબાદ બુદ્ધનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો, અને તેમની રાખને સ્તૂપ - અવશેષ સ્મારકો - માં મૂકવામાં આવી - ખાસ કરીને તે સ્થળોએ જે ચાર મુખ્ય બૌદ્ધ તીર્થસ્થાનો બનશે:

  • લુમ્બિની - જ્યાં બુદ્ધનો જન્મ થયો હતો
  • બોધગયા - જ્યાં બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું
  • સરનાથ - જ્યાં તેમણે ધર્મનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો
  • કુશીનગર - જ્યાં તેમનું અવસાન થયું.

સારાંશ

વિવિધ બૌદ્ધ પરંપરાઓ બુદ્ધના જીવનના વિવિધ વર્ણનો શીખવે છે. તેમના તફાવતો દર્શાવે છે કે દરેક પરંપરા બુદ્ધની કલ્પના કેવી રીતે કરે છે અને તેમના ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ છીએ.

  • હિનયાન સંસ્કરણો - આ ફક્ત ઐતિહાસિક બુદ્ધ વિશે જ વાત કરે છે. બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાના પર કેવી રીતે તીવ્રતાથી કાર્ય કર્યું તે બતાવીને, આપણે સમજીએ છીએ કે સામાન્ય લોકો તરીકે આપણે પણ તે જ કરી શકીએ છીએ, અને આપણે પોતે પણ પ્રયત્ન કરવાનું શીખીએ છીએ.
  • સામાન્ય મહાયાન સંસ્કરણો - બુદ્ધે ઘણા યુગો પહેલા જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. ૧૨ જ્ઞાનપ્રાપ્ત કાર્યો સાથે જીવન પ્રગટ કરીને, તે આપણને શીખવે છે કે જ્ઞાનપ્રાપ્તિમાં બધાના હિત માટે કાયમ માટે કાર્ય કરવો જરૂરી છે.
  • અનુત્તરયોગ તંત્રના વર્ણનો - બુદ્ધ એક સાથે શાક્યમુનિ દ્વારા દૂરગામી ભેદભાવપૂર્ણ જાગૃતિ (પ્રજ્ઞાપરમિતા સૂત્રો) પરના સૂત્રો શીખવવામાં અને વજ્રધાર તરીકે તંત્ર શીખવવા માટે પ્રગટ થયા. આ સૂચવે છે કે તંત્ર પ્રથા સંપૂર્ણપણે શૂન્યતા (ખાલીપણું) ના મધ્યમકા ઉપદેશો પર આધારિત છે.

આમ, આપણે બુદ્ધના જીવનના દરેક સંસ્કરણમાંથી ઘણી ઉપયોગી બાબતો શીખી શકીએ છીએ અને ઘણા વિવિધ સ્તરો પર પ્રેરણા મેળવી શકીએ છીએ.

Top