વિનાશક વર્તનની વ્યાખ્યા
નૈતિકતાની દરેક પ્રણાલીમાં શું સ્વીકાર્ય છે અને શું નથી તેના વિવિધ વિચારોના આધારે વર્તનના વિનાશક પ્રકારોની તેની પોતાની સૂચિ છે. ધાર્મિક અને નાગરિક પ્રણાલીઓ સ્વર્ગીય સત્તા, રાજ્યના વડા અથવા અમુક પ્રકારની ધારાસભામાંથી આવતા કાયદાઓ પર આધારિત છે. જ્યારે આપણે આજ્ઞાભંગ કરીએ છીએ, ત્યારે આપણે દોષિત છીએ અને સજા કરવાની જરૂર છે; જ્યારે આપણે આજ્ઞાકારી હોઈએ છીએ, ત્યારે આપણને સ્વર્ગમાં અથવા આ જીવનમાં સુરક્ષિત અને સુમેળભર્યા સમાજ સાથે પુરસ્કાર આપવામાં આવે છે. માનવતાવાદી પ્રણાલીઓ અન્યને નુકસાન ન પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ આ પણ સમસ્યારૂપ છે: શું આપણે હંમેશા નક્કી કરી શકીએ છીએ કે અન્ય કોઈ માટે ખરેખર શું હાનિકારક અથવા મદદરૂપ છે? દાખલા તરીકે, કોઈના પર બૂમો પાડવાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે, અથવા તે તેમને કોઈ ભય ટાળવામાં મદદ કરી શકે છે.
બૌદ્ધ નીતિશાસ્ત્ર સ્વ-વિનાશક વર્તનથી દૂર રહેવા પર ભાર મૂકે છે - ખાસ કરીને એવી રીતે વર્તવું જે લાંબા ગાળે આપણને નુકસાન પહોંચાડે. જો આપણે તે ડ્રાઈવર પર બૂમો પાડીએ કે જે આપણને રસ્તા પરથી પસાર કરવાનો પ્રયાસ કરે છે, તો તે આપણને એક ક્ષણ માટે સારું લાગી શકે છે, પરંતુ તે આપણા મનને અશાંત બનાવે છે અને આપણી શક્તિઓને હચમચાવી નાખે છે, જેના કારણે આપણે માનસિક શાંતિ ગુમાવીએ છીએ. જ્યારે આપણે ચીસો પાડવાની આદત બનાવીએ છીએ, ત્યારે આપણે નારાજ થયા વિના કોઈપણ અસુવિધા સહન કરવામાં અસમર્થ થઈએ છીએ; આ ફક્ત અન્ય લોકો સાથેના આપણા સંબંધોને જ નહીં, પણ આપણા પોતાના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.
જ્યારે, બીજી તરફ, આપણું વર્તન અન્યો પ્રત્યેની સાચી ચિંતા, પ્રેમ, કરુણા અને સમજણથી પ્રેરિત હોય, ત્યારે આપણે સ્વાભાવિક રીતે બૂમો પાડવાનું ટાળીએ છીએ, ભલે આપણને આપમેળે આમ કરવાનું મન થાય - આપણે માયાળુ થઈને તે ડ્રાઈવરને પસાર થવા દઈએ છીએ. પરિણામ એ છે કે ડ્રાઇવર ખુશ થાય છે, અને આપણને પણ ફાયદો થાય છે: આપણે મૂળભૂત રીતે ખુશ મનની સ્થિતિ સાથે નિશ્ચલ અને શાંતિપૂર્ણ રહીએ છીએ. આપણે બૂમો પાડવાની અને નિરાશ થવાની આપણી ઇચ્છાને દબાવતા નથી. તેના બદલે, આપણે જોઈએ છીએ કે રસ્તા પરના દરેક જણ શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય પર પહોંચવા સમાન રીતે ઇચ્છે છે, અને તેથી આપણે આપણી ડ્રાઇવને દોડમાં ફેરવવાનો પ્રયાસ કરવું નકામું અને નિરર્થક છે તે સમજીએ છીએ.
બૌદ્ધ ધર્મ વિનાશક વર્તણૂકને ખલેલ પહોંચાડતી લાગણીઓ અને નકારાત્મક ટેવોના પ્રભાવ હેઠળ અનિવાર્યપણે કાર્ય કરવા તરીકે વ્યાખ્યાયિત કરે છે. શું હાનિકારક છે અને શું મદદરૂપ છે તે વચ્ચે આપણે યોગ્ય રીતે ભેદભાવ રાખતા નથી, કારણ કે આપણે ફક્ત જાણતા નથી કે શ્રેષ્ઠ શું છે અથવા કદાચ આપણે જાણીએ છીએ, પરંતુ આપણી પાસે સંપૂર્ણ રીતે કોઈ સ્વ-નિયંત્રણનો અભાવ છે. મુખ્ય ખલેલ પોંહચાડતી લાગણીઓ લોભ અને ગુસ્સો છે, ઉપરાંત જ્યારે તેઓ આ મુશ્કેલી પેદા કરતી લાગણીઓ દ્વારા પ્રેરિત હોય છે ત્યારે આપણી અભિનય, બોલવાની અને વિચારવાની રીતોના પરિણામો વિશે નિષ્કપટતા છે. ઉપરાંત, આપણી પાસે ઘણીવાર સ્વ-મૂલ્યની લાગણીનો અભાવ હોય છે, અને તેથી આપણે કેવું વર્તન કરીએ છીએ તેની બિલકુલ કાળજી લેતા નથી. આપણે કઈ પણ નું વલણ ધરાવીએ છે, જ્યાં આપણે કેવી રીતે પોશાક પહેરીએ છીએ, આપણા વાળ કેવા દેખાય છે અને આપણા મિત્રો કોણ છે તે જેવી કેટલીક ઉપલકિયું બાબતો સિવાય કંઈ મહત્વનું નથી. આપણું વર્તન આપણી આખી પેઢી પર, અથવા આપણા લિંગ, જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, અથવા આપણે જેની સાથે ઓળખીએ છીએ તે કોઈપણ જૂથ પર કેવી રીતે પ્રતિબિંબિત થાય છે તેની આપણે ચોક્કસપણે કાળજી લેતા નથી. આપણામાં આત્મગૌરવ અને આત્મસન્માનનો અભાવ છે.
દસ વિનાશક ક્રિયાઓની પરંપરાગત સૂચિ
ત્યાં ઘણી શારીરિક, મૌખિક અને માનસિક ક્રિયાઓ છે જે વિનાશક છે. બૌદ્ધ ધર્મ સૌથી હાનિકારક દસનું વર્ણન કરે છે. તેઓ હાનિકારક છે કારણ કે તેઓ લગભગ હંમેશા ખલેલ પહોંચાડતી લાગણીઓ, નિર્લજ્જતા, શરમનો અભાવ અને માત્ર કાળજી ન રાખવાથી ઉદ્ભવે છે. તેઓ ઊંડે જડેલી આદતોમાંથી આવે છે અને પરિણામે, આપણી નકારાત્મક વૃત્તિઓને મજબૂત બનાવે છે. લાંબા ગાળે, આપણી વિનાશક વર્તણૂક એક નાખુશ જીવનમાં પરિણમે છે જ્યાં આપણે આપણા માટે સમસ્યાઓ ઊભી કરવાનું ચાલુ રાખીએ છીએ.
ત્રણ પ્રકારના શારીરિક વર્તન છે જે વિનાશક છે:
- અન્ય નો જીવ લેવો - અન્ય વ્યક્તિથી લઈને સૌથી નાના જંતુ સુધી. પરિણામે, આપણને અપ્રિય લાગે તે કોઈ પણ વસ્તુ માટે આપણી પાસે સહનશીલતા નથી; આપણને ન ગમતી કોઈપણ વસ્તુ માટે આપણો તાત્કાલિક પ્રતિસાદ એ છે કે તેનો પ્રહાર કરવો અને તેનો નાશ કરવો; આપણે વારંવાર ઝઘડામાં પડીએ છીએ.
- આપણને જે આપવામાં આવ્યું નથી તે લઈ લેવું - ચોરી કરવી, આપણે ઉછીની લીધેલી વસ્તુ પાછી ન આપવી, કોઈની પરવાનગી વગર કોઈની વસ્તુનો ઉપયોગ કરવો વગેરે. પરિણામે, આપણે હંમેશા ગરીબ અને પીડિત અનુભવીએ છીએ; કોઈ આપણને કંઈપણ ઉધાર આપશે નહીં; અન્ય લોકો સાથેના આપણા સંબંધો મુખ્યત્વે પરસ્પર શોષણ પર આધારિત બને છે.
- અયોગ્ય જાતીય વર્તણૂકમાં સામેલ થવું - બળાત્કાર, વ્યભિચાર, નિષિદ્ધ સંભોગ, વગેરે. પરિણામે, આપણા જાતીય સંબંધો મોટાભાગે ટૂંકા ગાળાના હોય છે અને આપણે અને આપણા વારંવારના ભાગીદારો બંને એકબીજાને માત્ર વસ્તુની જેમ જોઈએ છીએ; આપણે એવી વસ્તુઓ તરફ આકર્ષિત થઈએ છીએ જે મૂળભૂત રીતે ગંદી હોય છે.
ચાર પ્રકારના મૌખિક વર્તન છે જે વિનાશક છે:
- જૂઠું બોલવું – જાણી જોઈને ખોટું બોલવું, અન્યને ગેરમાર્ગે દોરવું વગેરે. પરિણામે, આપણે જે કહીએ છીએ તેના પર કોઈ ક્યારેય વિશ્વાસ કરતું નથી અથવા ભરોસો કરતું નથી અને તેઓ જે કહે છે તેના પર પણ આપણને વિશ્વાસ નથી; આપણે વાસ્તવિકતા અને આપણી પોતાની બનાવટ વચ્ચેનો તફાવત કહી શકતા નથી.
- વિભાજનાત્મક રીતે બોલવું - અન્ય લોકો વિશે ખરાબ બોલવું જેથી તેઓ એકબીજાથી અલગ થઈ જાય અથવા તેમની દુશ્મનાવટ અથવા વિખવાદ વધુ ખરાબ થાય. પરિણામે, આપણી મિત્રતા ટકતી નથી કારણ કે આપણા મિત્રોને શંકા છે કે આપણે તેમની પીઠ પાછળ તેમના વિશે ખરાબ વાતો પણ કહીએ છીએ; આપણી પાસે કોઈ નજીકના મિત્રોનો અભાવ છે અને તેથી આપણે અલગ અને એકલતા અનુભવીએ છીએ.
- કઠોરતાથી બોલવું - એવી વાતો કરવી જે અન્યની લાગણીઓને ઠેસ પહોંચાડે. પરિણામે લોકો આપણને નાપસંદ કરે છે અને ટાળે છે; આપણી સાથે હોવા છતાં, અન્ય લોકો આરામ કરી શકતા નથી અને ઘણી વાર આપણને ખરાબ વસ્તુઓ કહે છે; આપણે વધુ અલગ અને એકલા થઈએ છીએ.
- અર્થહીન વાતો કરવી - અર્થહીન બકબક કરીને આપણો અને અન્ય લોકોનો સમય બગાડવો; જ્યારે અન્ય લોકો કંઈક સકારાત્મક કરી રહ્યા હોય ત્યારે તેઓને આપણી અર્થહીન વાતોથી વિક્ષેપ પાડવો. પરિણામે, કોઈ આપણને ગંભીરતાથી લેતું નથી; આપણે દર થોડીવારે આપણા મોબાઇલને તપાસ્યા વિના કોઈપણ કાર્ય પર આપણું ધ્યાન ટકાવી રાખવામાં અસમર્થ છીએ; આપણે કંઈ અર્થપૂર્ણ નથી કરતા.
વિચારવાની ત્રણ રીતો છે જે વિનાશક છે:
- લોભથી વિચારવું - ઈર્ષ્યાને કારણે, ઝનૂની રીતે વિચારવું અને આયોજન કરવું કે કેવી રીતે કોઈ વસ્તુ અથવા ગુણવત્તા અન્ય કોઈની પાસે છે અથવા, તેનાથી પણ વધુ સારી મેળવી, તેમનાથી આગળ વધવું. પરિણામે, આપણને ક્યારેય મનની શાંતિ કે આનંદની અનુભૂતિ થતી નથી, કારણ કે આપણે હંમેશા અન્યની સિદ્ધિઓ વિશે નકારાત્મક વિચારોથી પીડાતા હોઈએ છીએ.
- દ્વેષ સાથે વિચારવું - વિચારવું અને કાવતરું ઘડવું કે બીજાને કેવી રીતે નુકસાન પહોંચાડવું અથવા તેઓએ જે કહ્યું અથવા કર્યું છે તેના માટે તેમનાથી બદલો કેવી રીતે લેવો. પરિણામે, આપણે ક્યારેય સુરક્ષિત અનુભવતા નથી અથવા આરામ કરવા સક્ષમ નથી; આપણે સતત પેરાનોઈયા અને ડરમાં જીવીએ છીએ, ડર છે કે અન્ય લોકો પણ આપણી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે.
- દુશ્મનાવટ સાથે વિકૃત રીતે વિચારવું - જે સાચું અને યોગ્ય છે તેનાથી વિપરીત કંઈક હઠીલા વિચારવું જ નહીં, પણ જેઓ આપણી સાથે અસંમત છે તેમની સાથે આપણા મનમાં દલીલ કરવી અને તેમને આક્રમક રીતે નીચે મૂકવું. પરિણામે, આપણે વધુ બંધ મનના બનીએ છીએ, કોઈપણ મદદરૂપ સૂચનો અથવા સલાહ પ્રત્યે સંપૂર્ણપણે અસ્વીકાર્ય બનીએ છીએ; આપણું હૃદય પણ અન્ય લોકો માટે બંધ થઈ જાય છે, હંમેશા ફક્ત આપણા વિશે જ વિચારે છે અને આપણે હંમેશા સાચા છીએ; આપણે અજ્ઞાન અને મૂર્ખ રહીએ છીએ.
આપણી ધાર્મિક પૃષ્ઠભૂમિ અથવા માન્યતાને ધ્યાનમાં લીધા વિના, આ ૧૦ થી સંયમ એ દરેક વ્યક્તિ માટે યોગ્ય છે જે વધુ ખુશ જીવન જીવવા માંગે છે.
વિનાશક વર્તનની દસ વ્યાપક શ્રેણીઓ
દસ વિનાશક ક્રિયાઓ વર્તનની દસ વ્યાપક શ્રેણીઓ સૂચવે છે જેને આપણે ટાળવાની જરૂર છે. આપણે આપણા વર્તન અને તેના પરિણામો વિશે શક્ય તેટલું વ્યાપકપણે વિચારવાની જરૂર છે. અહીં વિચારવા માટેના કેટલાક ઉદાહરણો છે, પરંતુ મને ખાતરી છે કે આપણામાંના દરેક આ સૂચિને વિસ્તૃત કરી શકે છે.
- અન્ય નો જીવ લેવો - લોકોને મારવું અથવા કઠોરતાથી વ્યવહાર કરવો, જ્યારે વ્યક્તિને મદદની જરૂર હોય ત્યારે કોઈ શારીરિક કાર્ય કરવામાં મદદ કરવાની અવગણના કરવી, બીમાર અથવા વૃદ્ધ વ્યક્તિ સાથે ખૂબ ઝડપથી ચાલવું, અને કોઈપણ પ્રકારની શારીરિક નુકસાન પહોંચાડવી જેમાં સમાવેશ થાય છે પર્યાવરણને પ્રદૂષિત કરવું અને ધૂમ્રપાન ન કરનારાઓ, ખાસ કરીને બાળકો, ની નિકટતામાં ધૂમ્રપાન કરવું.
- આપણને જે આપવામાં આવ્યું નથી તે લઈ લેવું - ઇન્ટરનેટ પરથી ગેરકાયદેસર રીતે સામગ્રી ડાઉનલોડ કરવી, ચોરી કરવી, છેતરપિંડી કરવી, કરચોરી કરવી, અન્યની ગોપનીયતા પર આક્રમણ કરવું અને આપણા સાથી અથવા મિત્રની પ્લેટમાંથી પૂછ્યા વગર ચાખવું.
- અયોગ્ય જાતીય વર્તણૂકમાં સામેલ થવું - કોઈની જાતીય સતામણી કરવી, પ્રેમ કરતી વખતે આપણા જીવનસાથીની જરૂરિયાતોને અવગણવી અને ખૂબ ઓછો અથવા વધુ પડતો પ્રેમ દર્શાવવો
- જૂઠું બોલવું - કોઈની સાથેના આપણા સંબંધમાં આપણી સાચી લાગણીઓ અથવા આપણા ઇરાદાઓ વિશે કોઈને છેતરવું
- વિભાજનાત્મક રીતે બોલવું - કોઈ સકારાત્મક અથવા નૈતિક રીતે તટસ્થ એવી કોઈ બાબતની ટીકા કરવી કે જેની સાથે કોઈ સંકળાયેલું છે અથવા કરવાની યોજના બનાવી રહ્યું છે અને તેને તેમાં સામેલ થવાથી નિરુત્સાહ કરવું
- કઠોરતાથી બોલવું - લોકો પર ચીસો પાડવી, આક્રમક સ્વરમાં બોલવું, જ્યારે કોઈ વ્યક્તિ ભાવનાત્મક રીતે સંવેદનશીલ હોય ત્યારે તેમની સાથે અસંવેદનશીલ અને ટીકાપૂર્વક બોલવું, અને અયોગ્ય સંગતમાં અથવા અયોગ્ય સમયે અપમાનજનક અથવા કટાક્ષપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવો
- અર્થહીન વાતો કરવી - અન્ય લોકોના વિશ્વાસ સાથે દગો કરવો અને તેમના ઘનિષ્ઠ રહસ્યો અન્ય લોકો સમક્ષ જાહેર કરવા, અન્યને ક્ષુલ્લક બાબતો વિશે ટેક્સ્ટ અથવા મેસેજ મોકલવા, ખાસ કરીને મધ્યરાત્રિએ, સોશિયલ મીડિયા પર ફોટા અને આપણા રોજિંદા જીવનના તુચ્છ પાસાઓ વિશે ટિપ્પણીઓ પોસ્ટ કરવી, અન્ય લોકો જે બોલે છે તે પૂર્ણ કરવા દીધા વિના તેમને વિક્ષેપ પાડવો, અને ગંભીર વાતચીત દરમિયાન મૂર્ખ ટિપ્પણી કરવી અથવા મૂર્ખ વસ્તુઓ બોલવી
- લોભથી વિચારવું – ઈચ્છવું કે આપણે જેની સાથે રેસ્ટોરન્ટમાં જમીએ છીએ તે વ્યક્તિ જે ઓર્ડર આપ્યો હોય એ ચાખવા આપે, અને જ્યારે અન્ય લોકો વિતાવ્યા હોય તેવા રોમાંચક, અદ્ભુત સમય વિશે સોશિયલ મીડિયા પર ફોટા જોતા અથવા પોસ્ટ્સ વાંચતા, આપણા માટે દિલગીર થઈએ અને ઈર્ષ્યા સાથે વિચારીએ છીએ કે આપણે ઇચ્છીએ છે કે આપણે લોકપ્રિય અને ખુશ થઈએ
- દ્વેષ સાથે વિચારવું - જ્યારે કોઈ વ્યક્તિ આપણને કંઈક ખરાબ અથવા ક્રૂર કહે છે અને આપણે શબ્દો માટે ખોવાઈ જઈએ છીએ, ત્યારે આપણા મગજમાં તે પછીથી વિચારવું કે આપણે શું કહેવું જોઈએ કે જે વ્યક્તિને નુકસાન પહોંચાડે.
- દુશ્મનાવટ સાથે વિકૃત રીતે વિચારવું - કોઈ વ્યક્તિ વિશે નકારાત્મક વિચારો, પ્રતિકૂળ વિચારો કે જે આપણને કંઈક કરવા માટે કહે છે અથવા મદદ કરવાનો પ્રયાસ કરે છે જે આપણને લાગે છે કે આપણે જાતે જ સંભાળી શકીએ છીએ, અને વિચારવું કે કોઈ વ્યક્તિ કેટલા મૂર્ખ છે જે કોઈ એવા ક્ષેત્રમાં પોતાને સુધારવાનો પ્રયાસ કરે છે જે હાનિકારક નથી, પરંતુ જેમાં આપણને રસ નથી અથવા આપણે તેને બિનમહત્વપૂર્ણ માન્યે છે.
પોતા તરફ વિનાશક રીતે કાર્ય કરવું
જે રીતે આપણે આપણી જાત પ્રત્યે વર્તીએ છીએ તે એટલું જ વિનાશક હોઈ શકે છે કે જ્યારે આપણું વર્તન અન્યને પ્રત્યે હોય છે. વધુ ખુશ જીવન જીવવા માટે, આપણે આ નકારાત્મક માળખાને ઓળખવાની અને તેને સુધારવા માટે કામ કરવાની જરૂર છે. ફરીથી, કાર્ય કરવાની દસ વિનાશક રીતો સૂચવે છે કે આપણે કયા પ્રકારનાં વર્તનને રોકવાની જરૂર છે.
- અન્ય નો જીવ લેવો - વધુ પડતું કામ કરીને, ખરાબ રીતે ખાવું, કસરત ન કરવી અથવા પૂરતી ઊંઘ ન લઈને શારીરિક રીતે પોતા સાથે દુર્વ્યવહાર કરવું
- આપણને જે આપવામાં આવ્યું નથી તે લઈ લેવું - ક્ષુલ્લક બાબતોમાં પૈસાનો બગાડ કરવો, અથવા જ્યારે આપણે પોષાય તેમ હોઈ તો પણ પોતાની જાત પર ખર્ચ કરતી વખતે કંજુસ અથવા સસ્તા બનવું.
- અયોગ્ય જાતીય વર્તણૂકમાં સામેલ થવું - જાતીય કૃત્યોમાં સામેલ થવું જે આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે અથવા પોર્નોગ્રાફીથી આપણા મનને પ્રદૂષિત કરી શકે છે
- જૂઠું બોલવું - આપણી લાગણીઓ અથવા પ્રેરણા વિશે આપણી જાતને છેતરવું
- વિભાજનાત્મક રીતે બોલવું - એવી અપ્રિય રીતે બોલવું, જેમ કે હંમેશાં ફરિયાદ કરવી, જેથી અન્યને આપણી સાથે રહેવું ખૂબ જ અપ્રિય લાગે, તેઓ આપણી સંગતિને ટાળે છે
- કઠોરતા થી બોલવું - મૌખિક રીતે આપણી જાતને અપમાનિત કરવું
- અર્થહીન વાતો કરવી – આપણી ખાનગી બાબતો, શંકાઓ અથવા ચિંતાઓ વિશે આડેધડ બોલવું, અથવા સોશિયલ મીડિયા પર જોવામાં અવિરત કલાકો બગાડવો, વિચારહીન વિડિઓ ગેમ્સ રમવી અથવા ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવું
- લોભથી વિચારવું - સંપૂર્ણતાવાદી હોવાને કારણે પોતાને કેવી રીતે આગળ વધારવું તે વિશે વિચારવું
- દ્વેષ સાથે વિચારવું - દોષ સાથે વિચારવું કે આપણે કેટલા ભયાનક છીએ અને આપણે ખુશ રહેવાને લાયક નથી
- દુશ્મનાવટ સાથે વિકૃત રીતે વિચારવું - વિચારવું કે આપણે આપણી જાતને સુધારવા અથવા અન્યને મદદ કરવા પ્રયાસ કરવા માટે મૂર્ખ છીએ.
આપણા વિનાશક માળખાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો
જ્યારે આપણે ભૂતકાળમાં આપણે જે તમામ વિનાશક રીતે વર્તન કર્યું છે તે જોવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણા વિશે નકારાત્મક લાગણી ટાળવી મહત્વપૂર્ણ છે. અપરાધથી લકવાગ્રસ્ત થવાને બદલે, આપણે સ્વીકારવું જોઈએ કે આપણે જે કર્યું તે અજ્ઞાનતા અને આપણા વર્તનની અસરોથી નિષ્કપટ હતું: આપણે અનિવાર્યપણે આપણી ખલેલ પહોંચાડતી લાગણીઓ દ્વારા પ્રેરિત હતા, એટલા માટે નહીં કે આપણે સ્વાભાવિક રીતે ખરાબ છીએ. આપણે જે કર્યું તેના માટે આપણને પસ્તાવો થાય છે, ઈચ્છીએ છીએ કે તે ન થયું હોત, પરંતુ આપણે ભૂતકાળને બદલી શકતા નથી. જે પસાર થઈ ગયું તે ભૂતકાળ છે - પરંતુ હવે આપણે આવા વર્તનનું પુનરાવર્તન ન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો સંકલ્પ કરી શકીએ છીએ. પછી આપણે સકારાત્મક દિશાને પુનઃપુષ્ટિ કરીએ છીએ જે આપણે આપણા જીવનમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અને પ્રેમ અને કરુણાના આધારે રચનાત્મક કાર્યોમાં શક્ય તેટલા વધુ સામેલ થવાના પ્રયાસો કરીએ છીએ. આ પ્રતિસંતુલન કરવા માટે વધુ સકારાત્મક ટેવો બનાવે છે અને છેવટે નકારાત્મક ટેવો ના આકર્ષક બળ કરતાં વધી જાય છે.
પછી આપણે જે લોકો અને ઘટનાઓનો સામનો કરીએ છીએ તેના પ્રત્યેનો આપણો પ્રતિભાવ ધીમો પાડવાનું શરૂ કરીએ છીએ, જેથી જ્યારે આપણને આદતથી વિનાશક કૃત્ય કરવાનું મન થાય અને જ્યારે આપણે ખરેખર કાર્ય કરીએ ત્યારે વચ્ચેની ખાલી જગ્યાને પકડી શકીએ. આપણે તે ક્ષણનો ઉપયોગ એ નક્કી કરવા માટે કરીએ છીએ કે શું મદદરૂપ થશે, અને શું નુકસાનકારક છે, આપણને કંઈક વિનાશક કરવાનું, કહેવા અથવા વિચારવાથી દૂર રહેવામાં મદદ કરે છે. જેમ કે મહાન ભારતીય બૌદ્ધ ગુરુ શાંતિદેવે ભલામણ કરી હતી, "લાકડાના ટુકડાની જેમ રહો." આપણે આમ કરી શકીએ છીએ, પરંતુ સમજણ, પ્રેમ, કરુણા અને આપણા માટે અને અન્ય બંને માટે આદર સાથે. એવું નથી કે આપણે કોઈ પણ વસ્તુને દબાવી રહ્યા છીએ, જે આપણને માત્ર બેચેન અને તંગ બનાવે છે. સમજદાર અને દયાળુ મન સાથે, આપણે નકારાત્મક ઊર્જાને દૂર કરીએ છીએ જે આપણને કંઈક કરવા અથવા કહેવા માટે પ્રેરિત કરે છે જેનો આપણને પાછળથી પસ્તાવો થાય છે. પછી આપણે હકારાત્મક લાગણીઓ અને સમજણના આધારે રચનાત્મક રીતે વર્તવા માટે સ્વતંત્ર બનીએ છીએ.
સારાંશ
જ્યારે આપણે વિનાશક વર્તણૂકથી દૂર રહીએ છીએ, ત્યારે તે ફક્ત અન્યને જ ફાયદો કરતું નથી, પરંતુ તે આખરે આપણા પોતાના સ્વ-હિત માટે છે. જ્યારે આપણે જોઈએ છીએ કે તે આપણું પોતાનું વર્તન છે જે આપણા પોતાના દુઃખનું કારણ છે, ત્યારે આપણે સ્વાભાવિક રીતે - વાસ્તવમાં, આપણે વિનાશક અને નકારાત્મક ટેવો અને કાર્યોને ટાળવામાં આનંદ કરીશું. જ્યારે આપણે આ આદતોને મજબૂત કરવાનું બંધ કરીએ છીએ, ત્યારે અન્ય લોકો સાથેના આપણા સંબંધો સુધરે છે અને વધુ વાસ્તવિક બને છે, જ્યારે આપણે આપણી જાત સાથે વધુ શાંતિ અનુભવીએ છીએ. જો આપણે ખરેખર મનની શાંતિ ઈચ્છતા હોઈએ, તો આપણે કાર્ય કરવાની, બોલવાની અને વિચારવાની વિનાશક રીતોથી પોતાને મુક્ત કરવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે. આમ કરવાથી આપણા જીવનની ગુણવત્તામાં ઘણો સુધારો થશે.