પ્રથમ ઉમદા સત્ય: સાચી વેદના

જીવનની મૂળભૂત હકીકત એ છે કે દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે, અને કોઈ નાખુશ થવા માંગતું નથી. આપણા પોતાના અનુભવ પરથી તે જોવાનું સરળ છે કે કેવી રીતે કોઈને સમસ્યાઓ અને વેદના જોઈતું નથી. આ હોવા છતાં, દરેક પ્રકારની સમસ્યાઓ આપણા જીવનભર ઉદ્ભવતી રહે છે. વાસ્તવમાં, આપણે તેમને ટાળવાનો ગમે તેટલો પ્રયાસ કરીએ તો પણ તેઓ આવતા જ રહે છે. જ્યારે પણ આપણે રોજિંદા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ, ત્યારે આપણે સામાન્ય રીતે તેનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ. પરંતુ એક પછી એક, આવી રીતે સમસ્યાઓનો સામનો કરવો એ એક અનંત કાર્ય છે. જ્યારે બુદ્ધ પ્રબુદ્ધ થયા, ત્યારે તેઓ સમજી ગયા કે જીવન વિશે ઘણી હકીકતો છે જે દરેક માટે, દરેક જગ્યાએ સાચી છે. આને આપણે ચાર ઉમદા સત્ય કહીએ છીએ. બુદ્ધે જે પ્રથમ ઉમદા સત્યને સમજ્યું અને શીખવ્યું તે એ છે કે સાચી સમસ્યા, સાચી વેદના જેનો આપણે બધા સામનો કરીએ છીએ, તે એ છે કે ખરેખર આપણે પોતે સમસ્યાઓના ઉદ્ભવને કાયમી બનાવીએ છીએ. જો આપણે પોતા માટે વધુ સમસ્યાઓ ઊભી કરવાનું બંધ નહીં કરીએ, તો તે ક્યારેય આવવાનું બંધ થશે નહીં. પછી, પ્રથમ પગલું એ છે કે સાચી વેદના ખરેખર શું છે તે યોગ્ય રીતે ઓળખવાનું છે.

ખુશી અને નાખુશીના ઉતાર-ચઢાવ

અનેક પ્રકારની સમસ્યાઓ અને વેદનાઓ છે જેનો આપણે સામનો કરીએ છીએ. જીવન નિરાશાજનક અને તણાવપૂર્ણ હોઈ શકે છે. આપણે પોતા માટે ખુશ જીવન બનાવવા માટે સખત પ્રયાસ કરીએ છીએ, પરંતુ ઘણી વાર વસ્તુઓ આપણે આશા રાખી હતી તે રીતે થતી નથી. આપણી સાથે એવી વસ્તુઓ થાય છે જે આપણે ક્યારેય ઇચ્છતા ન હતા, જેમ કે આપણા સંબંધો ખરાબ થાય, લોકો આપણી સાથે ખરાબ વર્તન કરે, બીમાર પડવું, નોકરી ગુમાવવું વગેરે. આપણે આ ઘટનાને ટાળવાનો કેટલો પણ પ્રયત્ન કરીએ, તે ગમે તે રીતે આવે છે. ઘણીવાર, આપણે તેમના વિશે ઉદાસ થઈ જઈએ છીએ અથવા ફક્ત તે બધાને અવગણવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે સામાન્ય રીતે વસ્તુઓને વધુ ખરાબ બનાવે છે. આપણે માત્ર વધુ નાખુશ બનીએ છીએ.

જ્યારે આપણે થોડી ખુશીનો અનુભવ કરવામાં સફળ થઈએ છીએ, ત્યારે પણ તે ખુશીમાં સમસ્યા છે - તે ટકી શકતી નથી. તે આપણને ક્યારેય સંતુષ્ટ કરતું નથી અને આપણે હજી વધુ ઈચ્છીએ છીએ. વાસ્તવમાં, આપણે આ "વધુ" નો પીછો કરવામાં ઘણો સમય અને શક્તિ ખર્ચીએ છીએ. જ્યારે આપણે સોશિયલ મીડિયા પર સેલ્ફી નાખીએ છીએ ત્યારે જરા આપણા વલણ વિશે વિચારો. દરેક વખતે જ્યારે આપણને  "પસંદ" મળે છે તેના સહેજ ડોપામાઇનની ખુશી સાથે ત્યારે તે કેટલો સમય ચાલે છે? આપણને વધુ "પસંદ" મળી છે કે નહીં તે જોવા માટે આપણે કેટલી વારમાં તપાસ કરીએ છે? અને જ્યારે ઘણા બધા ન હોય ત્યારે આપણે કેટલું ખરાબ લાગે છે? તે વેદના છે, નહીં?

આપણે શરીર અને મનને કાયમી બનાવીએ છીએ જેની સાથે આપણે ઉતાર-ચઢાવનો અનુભવ કરીએ છીએ

તેથી, જીવન દરેક સમયે ઉપર અને નીચે જાય છે - કેટલીકવાર આપણે ખુશ હોઈએ છીએ અને સારું લાગે છે, ક્યારેક આપણે ઉદાસ અને નાખુશ હોઈએ છીએ. ઘણીવાર, આપણે ફક્ત કહીએ છીએ, "તે જીવન છે," અને પરિસ્થિતિમાં વધુ ઊંડાણપૂર્વક જોતા નથી. પરંતુ શું આપણે આપણું જીવન ખરેખર એવું જ ઇચ્છીએ છીએ - ક્યારેય જાણતા નથી કે આગામી ક્ષણમાં આપણે કેવું અનુભવીશું? સદનસીબે, બુદ્ધે વધુ ઊંડાણપૂર્વક જોયું અને આ બધાની અંતર્ગત સાચી સમસ્યા શોધી કાઢી. સાચી સમસ્યા, સાચી વેદના એ આપણા શરીર અને મનના પ્રકારો છે. આપણી પાસે જે શરીર અને મન છે તે આધાર છે જેનાથી આપણે આ ઉતાર-ચઢાવનો અનુભવ કરીએ છીએ, જેને તેઓ ચુંબકની જેમ આકર્ષિત કરે છે. જો આપણે વધુ ઊંડાણમાં જોઈએ તો, સાચી સમસ્યા એ છે કે, આવા શરીર અને મન હોવાને કારણે, આપણે આમાંના વધુ ઉતાર-ચઢાવને હમણાં અને આવતા અઠવાડિયા માટે જ નહીં, પરંતુ જ્યાં સુધી આપણે મૃત્યુ ન પામીએ ત્યાં સુધી તેને સર્જન કરીએ છીએ અને તેને કાયમી રાખીએ છીએ. એટલું જ નહીં, પરંતુ બુદ્ધે કહ્યું કે આપણે આપણી પોતાની સમસ્યાઓને માત્ર આ જીવનકાળમાં જ નહીં, પણ, પુનર્જન્મની દ્રષ્ટિએ, ભવિષ્યના જીવનકાળમાં પણ કાયમ રાખીએ છીએ. જો આપણે હજી સુધી પુનર્જન્મના અસ્તિત્વને સમજી શકતા નથી અને સ્વીકારતા નથી, તો પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણે ભવિષ્યની પેઢીઓ માટે પણ આ સમસ્યાઓને કેવી રીતે કાયમી બનાવીએ છીએ. વર્તમાન આબોહવા કટોકટી સાથે તે સ્પષ્ટરીએ જોઈ શકીએ છે કે કેવી રીતે આપણી ક્રિયાઓ સમસ્યાઓને કાયમી બનાવે છે જે ગ્રહ પર આપણા અસ્તિત્વની પછી પણ લાંબા સમય સુધી રહે છે.

તો, આપણા શરીર અને મનની વાસ્તવિક સમસ્યા શું છે? સમસ્યા એ છે કે તેઓ મર્યાદિત છે. આપણું શરીર મર્યાદિત છે કારણ કે તેઓ બીમાર પડે છે અને વૃદ્ધ થાય છે તેમ અધોગતિ પામે છે. દૂધની બાટલીની જેમ, તે બગડી જાય છે; પરંતુ, દૂધ કરતાં પણ ખરાબ, તે ક્યારે બગડશે એની કોઈ સ્પષ્ટ તારીખ નથી. આપણા શરીરની અંતિમ તારીખ વિશે આપણને કોઈ ખ્યાલ નથી. જ્યારે શરીર ચાલે છે, ત્યારે વિચારો કે આપણે તેની કાળજી લેવા માટે કેટલો સમય પસાર કરવો પડે છે. આપણે તેને સાફ કરવું, તેને વસ્ત્ર આપવું, તેને ખવડાવવું, તેને શૌચાલયમાં લઈ જવું, તેને કસરત, આરામ અને ઊંઘ આપવી અને જ્યારે તે ઘાયલ થાય કે બીમાર પડે ત્યારે તેની સંભાળ કરવી પડે છે. આ બધું કેટલું મજાનું છે? જેમ કે એક મહાન ભારતીય બૌદ્ધ ગુરુએ સરસ રીતે કહ્યું હતું, આપણે બધા આપણા શરીરના ગુલામ છીએ.

આપણું મન, આપણી ભાવનાઓ અને લાગણીઓ સાથે પણ સીમિત છે. આપણે આપણા મનને શિક્ષિત અને પ્રશિક્ષિત કરવાની જરૂર છે અને તેમ છતાં, ઘણી બધી વસ્તુઓ છે જે આપણે સમજી શકતા નથી. આપણે કોઈ પણ વસ્તુનું સંપૂર્ણ ચિત્ર જોઈ શકતા નથી - ઉદાહરણ તરીકે, ગ્લોબલ વોર્મિંગ, કૃત્રિમ બુદ્ધિમત્તા, રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી વાતાવરણ અને તેથી વધુના પરિણામો, આપણા રોજિંદા જીવનમાં શું થઈ રહ્યું છે તેની વાત તો રહેવા દો. અને તેનાથી પણ ખરાબ, આપણું મગજ, આપણા શરીરની જેમ, વૃદ્ધાવસ્થા સાથે અધોગતિ પામે છે - આપણી ટૂંકા ગાળાની યાદશક્તિ જાય છે, આપણું મન વધુ ધીમેથી કામ કરે છે, અને આપણે સરળતાથી મૂંઝવણમાં પડી જઈએ છીએ.

આ બધાની ઉપરાંત, આપણી લાગણીઓને આસાનીથી ઠેસ પહોંચે છે અને આપણી લાગણીઓ બેકાબૂ થઈ જાય છે, જે આપણને સ્પષ્ટ રીતે વિચારતા પણ અટકાવે છે. પરંતુ આ બધા સાથે સાચી સમસ્યા એ છે કે આપણું મર્યાદિત શરીર, મન, ભાવનાઓ અને લાગણીઓ પોતાને કાયમી બનાવે છે; તેથી તેઓ ફક્ત પોતાના જેવું વધુ લાવે છે.

આપણા મર્યાદિત શરીરો દ્વારા ઉદાહરિત સાચી વેદનાના ચાર પાસાઓ

બુદ્ધે આપણા મર્યાદિત શરીરના ચાર પાસાઓ સાથે સાચી વેદનાનું ઉદાહરણ આપ્યું.

  • પ્રથમ, તેઓ નશ્વર છે. કેટલીકવાર આપણી તબિયત સારી હોય છે અને આપણને સારું લાગે છે, પરંતુ સહેજ પણ વસ્તુ આપણા શરીરને સંતુલનથી બહાર ફેંકી શકે છે, અને આપણે બીમાર થઈએ છીએ અને ખરાબ અનુભવીએ છીએ. જરા જુઓ કે આપણું શરીર કેટલું નાજુક છે - સહેજ પણ વસ્તુ તેમની ઈજા અને પીડાનું કારણ બની શકે છે. આ બધાને અંતર્ગત એ છે કે દરેક ક્ષણ આપણને આપણા મૃત્યુની નજીક ખેંચે છે. આપણે કલ્પના કરીએ છીએ કે આપણે આપણા શરીરને કાયમ માટે સ્વસ્થ અને મજબૂત રાખી શકીએ છીએ, અને જ્યારે આપણે વૃદ્ધ થશું, ત્યારે પણ આપણે તે જ ખાઈ શકીશું અને તે જ વસ્તુઓ કરી શકીશું જે આપણે યુવાનીમાં કરતા હતા. પણ આપણે આપણી જાતને છેતરીએ છીએ; યુવાન રહેવા માટેનો આપણો ક્યારેય ન સમાપ્ત થતો સંઘર્ષ ફક્ત આપણા ચિંતા અને તણાવનું કારણ બને છે.
  • બીજું, આપણું શરીર પોતે જ સમસ્યારૂપ છે. આપણે વિચારી શકીએ કે જો આપણે પરફ્યુમ અને શણગાર કરીએ અથવા વધુ સ્નાયુઓ વિકસાવીને આપણા શરીરને આકર્ષક બનાવીશું, તો આપણે વધુ ખુશ રહીશું. પરંતુ ભલે આપણે આપણી જાતને ગમે તેટલો સુંદર દેખાવાનો પ્રયત્ન કરીએ, આપણે હજી પણ ચિંતિત રહીએ છીએ કે આપણે જોઈએ તેટલું સારા દેખાતા નથી અથવા આપણે આપણા સારા દેખાવને ગુમાવવાનું શરૂ કરી રહ્યા છીએ. ભલે આપણે ગમે તેટલો શણગાર કે સ્નાયુઓ પહેરીએ, અથવા આપણે કેટલો સ્વસ્થ આહાર અપનાવીએ, આપણા શરીરની સમસ્યા એ છે કે આપણે હજુ પણ બીમાર પડશું, આપણે હજુ પણ વૃદ્ધ થશુ, અને આપણને અકસ્માત થઈ શકે છે અને ઈજા થઈ શકે છે.
  • ત્રીજું, આપણા શરીરમાંથી દુર્ગંધ આવે છે જો આપણે તેને ધોઈએ નહીં, જો આપણે દાંત સાફ ન કરીએ તો આપણા શ્વાસમાંથી વાસ આવે છે, અને પેશાબ અને મળમાંથી આપણે દુર્ગંધનું ઉત્સર્જન કરીએ છીએ. જો આપણે થોડી વાર ચાવેલું ખાવાનું થૂંકી નાખીએ અને કોઈને આપીએ, તો કોણ તેને સ્વચ્છ અને ખાવા યોગ્ય ગણશે? સમસ્યા, અહીં, એ છે કે આપણે સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં રહેલા "હું" તરીકે ઓળખાતી સંસ્થાઓ નથી કે જે પોતાને આપણા શરીરથી અલગ કરી શકે અને "સુંદર શરીર" ની કાલ્પનિક દુનિયામાં જીવી શકે. તેમની ખામીઓ હોવા છતાં, આપણે આ શરીરો સાથે અટવાયેલા છીએ, અને આપણે વેદના દૂર કરવા અને અન્યને મદદ કરવાના આપણા પ્રયત્નોમાં તેમની કાળજી લેવાની અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે.
  • ચોથું, આપણા શરીરને દેખવા સિવાય અન્ય લોકો આપણને વાસ્તવિક જીવનમાં દેખી શકતા નથી. અન્ય લોકો અમને વિડિયો ગેમમાં જોઈ શકે તે માટે આપણે ઑનલાઇન અવતાર બનાવી શકીએ છીએ, પરંતુ તેમ છતાં જ્યારે કોઈ આપણને "વાસ્તવિક દુનિયા" માં મળે છે, ત્યારે તેઓ આપણા શરીરને જેમ છે તેમ જુએ છે. જો આપણે આપણા મનમાં કલ્પના કરીએ કે, જ્યારે આપણે ૬૦ વર્ષના છીએ, કે આપણે ૨૦ વર્ષના હતા તેવા દેખાઈએ છીએ, તેમ છતાં અન્ય લોકો જ્યારે આપણી તરફ જુએ છે ત્યારે ૬૦ વર્ષનું શરીર જોશે. જો આપણે તે સમજી શકતા નથી અને સ્વીકારતા નથી, તો આપણે ફક્ત આપણી જાતને છેતરીએ છીએ અને વય-અયોગ્ય રીતે કાર્ય કરીને સમસ્યાઓ ઊભી કરી શકીએ છીએ.

સારાંશ

આપણું મર્યાદિત શરીર સાચા વેદનાના ઉદાહરણો છે કારણ કે તે નશ્વર છે, સમસ્યારૂપ છે, આપણે તેનાથી અલગ થઈ શકતા નથી, અને તે એ છે જે અન્ય લોકો દેખે છે જયારે તે આપણને જુએ છે, પછી ભલે તે આપણને ગમે કે ન ગમે. આ પ્રકારનું શરીર હોવું એ એક પર્યાપ્ત સમસ્યા છે, પરંતુ બુદ્ધે કહ્યું છે કે સાચી વેદના જે આપણે ઓળખવાની જરૂર છે તે એ છે કે આપણે જીવનકાળથી જીવનકાળ આવા શરીરને કાયમી રાખીએ છીએ જેના આધારે આપણે નાખુશી અને અસંતોષકારક આનંદ અને ખુશીનો અનંત લાગતું પુનરાવર્તિત ચક્રનો અનુભવ કરીએ છીએ. શું આ છે જે તમે ખરેખર ઇચ્છો છો?

Top