જો આપણે બુદ્ધના ઉપદેશોને વ્યવહારમાં લાગુ કરવા માંગતા હોઈએ તો ધ્યાન એ સ્પષ્ટપણે એક મહત્વપૂર્ણ વિષય છે. જોકે, ધ્યાન એ ખાસ કરીને બૌધ્ધ નથી. આપણે બધી ભારતીય પરંપરાઓમાં, તેમજ ભારતની બહાર બિન-બૌદ્ધ પ્રણાલીઓમાં ધ્યાન શોધીએ છીએ.
સંસ્કૃતમાં ધ્યાન માટેનો શબ્દ "ભાવના" છે. ભાવના "ભુ" ક્રિયાપદ પરથી આવ્યો છે, જેનો અર્થ "બનવું" અથવા "કોઈ વસ્તુને બીજી વસ્તુમાં રૂપાંતરિત કરવી" થાય છે. ભાવના, તો પછી, એક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે મનની રચનાત્મક સ્થિતિ કેવી રીતે વિકસાવવી તે વિશે શિક્ષણ લઈએ છીએ અને, અલંકારિક રીતે, આપણે તે સ્થિતિ "બનીએ" છે. બીજા શબ્દોમાં કહીએ તો, ધ્યાનની પ્રક્રિયા દ્વારા, આપણે આપણા મનને એક ખાસ લાભદાયી સ્થિતિમાં લાવીએ છીએ.
ભાવના શબ્દ સંસ્કૃત મૂળ "ભુ" પરથી આવ્યો હોવાથી, જેનો અર્થ "બનવું" થાય છે, તેથી ભાવનાનો અર્થ પરિવર્તન થાય છે. ઉદાહરણ તરીકે, જો આપણે પ્રેમ પર ધ્યાન કરીએ છીએ, તો આપણે ખરેખર આપણી જાતને એવા વ્યક્તિમાં રૂપાંતરિત કરીએ છીએ જેના હૃદયમાં પ્રેમ હોય. જ્યારે આ શબ્દનો સંસ્કૃતમાંથી તિબેટી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો, ત્યારે તેનો અર્થ "આદત બનાવવી" એવો થયો. આ તિબેટી શબ્દ "ગોમ" છે. ગોમ નો અર્થ થાય છે પોતાને એવી વસ્તુમાં ટેવ પાડવી જે સકારાત્મક હોય - નકારાત્મક કે તટસ્થ વસ્તુમાં નહીં - અને તેના દ્વારા સકારાત્મક, રચનાત્મક આદત બનાવવી.
તિબેટી શબ્દ, તો પછી, સંસ્કૃત શબ્દના અર્થ અથવા સૂચિતાર્થમાં ઘણો સમાન છે. બંને શબ્દોનો અર્થ એ છે કે આપણા ધ્યેય જેવા બનવા માટે - ઉદાહરણ તરીકે, આપણા હૃદયમાં પ્રેમ ધરાવતી વ્યક્તિ - આપણે પ્રેમને એક ફાયદાકારક આદત તરીકે વિકસાવવાની જરૂર છે. આ ફાયદાકારક આદત વિકસાવવા માટે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તે ધ્યાન છે.
ઉપદેશ સાંભળવા
બુદ્ધના સમય પહેલાના મુખ્ય ભારતીય દાર્શનિક ગ્રંથો ઉપનિષદો હતા, અને આ ગ્રંથોમાં પહેલાથી જ ધ્યાનના સંદર્ભો હતા. ઉપનિષદો માં, ધ્યાનની ચર્ચા ત્રણ-પગલાની પ્રક્રિયાના સંદર્ભમાં કરવામાં આવી છે: સાંભળવું, વિચારવું અને ધ્યાન કરવું. બુદ્ધે આ ત્રણ-પગલાની પ્રક્રિયાની શોધ કરી ન હતી; તે તેમના સમયમાં પહેલાથી જ પ્રચલિત હતી. તેથી જો આપણે કોઈ વસ્તુને સકારાત્મક આદત બનાવવા માંગતા હોય, તો સ્વાભાવિક રીતે આપણે પહેલા તેના વિશે સાંભળવાની જરૂર છે; પછી આપણે તેના પર વિચાર કરીને તેને સમજવાની જરૂર છે; અને અંતે, આપણે તેને આપણામાં એકીકૃત કરવાની જરૂર છે.
જો આપણે ધર્મ વિશે કંઈ જાણતા હોઈએ, તો આપણે સૌ પ્રથમ બૌદ્ધ ધર્મ વિશે મૂળભૂત માહિતી મેળવવાની જરૂર છે અને આપણે ખાતરી કરવાની જરૂર છે કે આ માહિતી સાચી છે. ફક્ત સાચી મૂળભૂત માહિતી જ સાચા ધર્મ ઉપદેશોમાં રસ લેવા માટે વિશ્વસનીય પાયો બની શકે છે. જોકે, બુદ્ધના સમયમાં, દાર્શનિક ઉપદેશો ક્યારેય લખવામાં આવ્યા ન હતા. તેમને લેખિત ગ્રંથોમાં સંકલિત કરવાનું સદીઓ પછી શરૂ થયું. આ જ કારણ છે કે ત્રણ-પગલાની પ્રક્રિયા શિક્ષણને "સાંભળવાની" જરૂરિયાતથી શરૂ થાય છે - બીજા શબ્દોમાં કહીએ તો, મોટેથી આપવામાં આવતા શિક્ષણને સાંભળવું.
આજે, તમે પુસ્તકોમાં અથવા ઇન્ટરનેટ પર વાંચન ને પહેલા પગલામાં ચોક્કસ પ્રકારની પ્રથાઓ અથવા માનસિક સ્થિતિઓ વિશે પણ શામેલ કરી શકો છો જે તમે વિકસાવવા માંગો છો. જોકે, આ મુદ્દો ચર્ચાસ્પદ છે, કારણ કે જ્યારે આપણે કોઈ શિક્ષક પાસેથી સીધું શિક્ષણ સાંભળીએ છીએ, ત્યારે શિક્ષક ખરેખર આપણી સમક્ષ હાજર હોવાથી એક ખાસ વાતાવરણ સર્જાય છે. જ્યારે આપણે કોઈ જીવંત શિક્ષણ સાંભળીએ છીએ, ત્યારે આપણે શિક્ષકથી એવી રીતે પ્રેરિત થઈ શકીએ છીએ જે આપણે કોઈ પુસ્તક વાંચીને પ્રેરિત ન થઈ શકીએ. ભલે સ્પષ્ટપણે કોઈએ પુસ્તક લખી છે, તો પણ આવું છે. આપણે શોધીએ છીએ કે આ આપણા રોજિંદા જીવનમાં પણ સાચી છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે લાઈવ કોન્સર્ટમાં જાઓ છો, ત્યારે અનુભવ ઘરે સીડી સાંભળવા કરતાં ઘણો વધુ શક્તિશાળી અને પ્રેરણાદાયક હોય છે. તે એકદમ અલગ અનુભવ છે.
જ્યારે આપણે ઉપદેશો સાંભળીએ છીએ, ત્યારે સૌથી મદદરૂપ સૂચનાઓમાંની એક એ છે કે "માટીના ફૂલદાની જેવા ત્રણ દોષો" દૂર કરવા.
- સૌ પ્રથમ, આપણે ઊંધી ફૂલદાની જેવા બનવાની ભૂલ ટાળવાની જરૂર છે, જેમાં કંઈ જ જતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, જો આપણા મન બંધ હશે, તો દેખીતી રીતે આપણે જે સાંભળીએ છીએ તેમાંથી કંઈ શીખી શકીશું નહીં.
- પછી, આપણે તળિયે છિદ્રવાળા ફૂલદાની જેવા બનવાની ભૂલ પણ ટાળવાની જરૂર છે. તે કિસ્સામાં, જે કંઈ પણ રેડવામાં આવે છે તે છિદ્રમાંથી સીધું બહાર જાય છે. અંગ્રેજીમાં, અભિવ્યક્તિ એ છે કે "એક કાનમાં જાય છે અને બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે." આપણે તેનાથી બચવાની જરૂર છે.
- છેલ્લે, આપણે ગંદા ફૂલદાની જેવા બનવાની ભૂલ ટાળવાની જરૂર છે. જ્યારે તમે ગંદા ફૂલદાની માં સ્વચ્છ પાણી રેડો છો, ત્યારે પાણી પણ ગંદુ થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે આપણી પાસે ઘણી પૂર્વધારણાઓ હોય છે, ત્યારે આ પૂર્વધારણાઓ નવી સામગ્રી વિશેની આપણી સમજને દૂષિત કરે છે. વ્યક્તિ શું કહે છે તે સાંભળવાને બદલે, આપણે હંમેશા નવી સામગ્રીને આપણા પોતાના વિચારોના પ્રક્ષેપણો સાથે ભેળવીએ છીએ.
આ ભૂલો ટાળવા માટે, એકવાર આપણે ચોક્કસ ઉપદેશો સાંભળી લીધા પછી, તેમને લખી લેવા અથવા કોઈક રીતે રેકોર્ડ કરવા ખૂબ જ મદદરૂપ થાય છે, જેથી આપણે ઉલ્લેખિત મુદ્દાઓને યોગ્ય રીતે યાદ રાખી શકીએ. જો આપણી પાસે સંપૂર્ણ યાદશક્તિ ન હોય તો આ ખૂબ જ મદદરૂપ થાય છે - જે આપણામાંથી મોટાભાગના લોકો પાસે નથી. આપણે જે સાંભળ્યું છે તે લખવા માટે જેટલો લાંબો સમય રાહ જોઈશું, તેટલી જ આપણી પૂર્વધારણાઓ આપણી યાદોને દૂષિત કરશે. અને જ્યારે આપણે તેમને લખીએ છીએ અથવા રેકોર્ડ કરીએ છીએ, ત્યારે પણ આપણે તેમને વારંવાર સાંભળવાની જરૂર છે. ફક્ત ઉપદેશોને આપણા અલમારી માં પુસ્તકમાં નોંધવાથી અથવા આપણા કમ્પ્યુટરમાં અથવા આપણા આઇપોડમાં ફાઇલ તરીકે રાખવું એ ચોક્કસપણે પૂરતું નથી!
શાક્ય ગુરુ સોનમ ત્સેમોએ કહ્યું છે કે ધર્મના આચરણમાં પ્રવેશવા માટે:
- આપણે સૌ પ્રથમ સ્વીકારવાની જરૂર છે કે આપણને સમસ્યાઓ છે અને આપણને વેદના થઈ રહી છે.
- ત્યારબાદ આપણને આપણી વેદનાની પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની ઇચ્છા હોવી જોઈએ.
- છેલ્લે, વેડ઼બમાંથી બહાર નીકળવાના માર્ગ તરીકે આપણે ધર્મમાં રસ લેવાની જરૂર છે.
જ્યારે આપણે નવા હોઈએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે ખુલ્લા મન રાખવાની અને આપણે જે શીખીએ છીએ તે યાદ રાખવાનો પ્રયાસ કરવાની જરૂર છે; પરંતુ સૌથી અગત્યનું, આપણે જે સાંભળીએ છીએ તેનું મૂલ્યાંકન કરવા માટે રસ અને ઇરાદા સાથે ધર્મ શિક્ષણ સાંભળવાની જરૂર છે. આપણે તેનું મૂલ્યાંકન એ નક્કી કરવા માટે કરીએ છીએ કે આપણે જે શિક્ષણ સાંભળીએ છીએ તે કંઈક એવું છે જે અગર આપણે તેને વ્યવહારમાં મૂકીએ તો આપણને તે વ્યક્તિગત રીતે સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે કે નહીં. આપણે બૌદ્ધ ઉપદેશો વિશે શાળામાં પરીક્ષા પાસ કરવા અથવા આપણા જ્ઞાનથી બીજાઓને પ્રભાવિત કરવા માટે શીખી રહ્યા નથી. આપણે ઉપદેશો સાંભળી રહ્યા છીએ તે જોવા માટે કે શું આપણે તેમાં કંઈક એવું શોધી શકીએ છીએ જે આપણા જીવનમાં વ્યક્તિગત રીતે સંબંધિત અને મદદરૂપ થશે.
ઉપદેશો સાંભળતી વખતે, આપણી જાતને અને પરિસ્થિતિના વિશે વિચારવાની વિવિધ રીતો છે. "ત્રણ ઓળખ" તરીકે ઓળખાતી પદ્ધતિમાં, આપણે પોતાને એક બીમાર વ્યક્તિ, શિક્ષકને ડૉક્ટર અને ઉપદેશોને દવા તરીકે માનીએ છીએ જે આપણને વિવિધ બીમારીઓ અથવા સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે - જ્યાં બીમારીઓ આપણી ખલેલ પહોંચાડતી લાગણીઓ છે.
જેમ જેમ આપણે આપણા અભ્યાસમાં વધુ અદ્યતન થઈએ છીએ, તેમ તેમ શિક્ષક પ્રત્યે આપણને કેવા વલણની જરૂર છે તે અંગે ઘણી વધુ સૂચનાઓ મળે છે, જેમ કે શિક્ષકને બુદ્ધ તરીકે જોવું, વગેરે; પરંતુ તે સૂચનાઓ નવા નિશાળીયા માટે નથી.
આપણે જે સાંભળ્યું છે તેના વિશે વિચારવું
બીજું પગલું એ છે કે આપણે જે સાંભળ્યું છે તેના પર વિચાર કરવું. આપણે કોઈ શિક્ષણને સમજવા માટે તેના વિશે વિચારીએ છીએ. જ્યારે આપણે શિક્ષણનો અર્થ યોગ્ય રીતે સમજીએ છીએ ત્યારે આપણે આ વિચાર પ્રક્રિયાના અંતિમ બિંદુ પર પહોંચીએ છીએ. કોઈ શિક્ષણને યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે તેને ફક્ત યોગ્ય રીતે સમજવાની જ જરૂર નથી, પણ આપણે એ પણ ખાતરી કરવાની જરૂર છે કે શિક્ષણ માન્ય છે અને તે એવી વસ્તુ છે જેને આપણે આપણામાં અપનાવવાની જરૂર છે કારણ કે તે આપણને ચોક્કસ સમસ્યાઓથી દૂર કરવામાં મદદ કરશે. આપણે એ પણ ખાતરી કરવાની જરૂર છે કે શિક્ષણ જે ચર્ચા કરી રહ્યું છે તે ખરેખર પ્રાપ્ત કરવું આપણા માટે શક્ય છે. જો આપણે માનીએ કે તે અશક્ય છે - કે આપણે ક્યારેય આપણા ગુસ્સા પર કાબુ મેળવી શકીશું નહીં, ઉદાહરણ તરીકે - તો પછી ગુસ્સા પર કાબુ મેળવવા માટે બનાવાયેલ અભ્યાસને અનુસરવાનો શું અર્થ છે? આપણે ખાતરી કરવાની જરૂર છે કે અભ્યાસ નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કાર્ય કરશે.
જ્યારે આપણે કોઈ શિક્ષણ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે તેના વિશે ઘણા દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ. ઉદાહરણ તરીકે, જો આપણે બધા પ્રત્યે સમાન પ્રેમ વિકસાવવા માટે ધ્યાન વિશે વાત કરીએ, તો આપણે તે પ્રકારનો પ્રેમ વિકસાવવા માટે કયા વિવિધ પગલાં લેવાની જરૂર છે તે જાણવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, દરેક માટે સમાન પ્રેમ શેના પર આધારિત છે? તે દરેકને સમાન રીતે જોવા પર, દરેક વ્યક્તિએ આપણા પ્રત્યે દયાળુ વર્તન કર્યું છે તે જોવા પર આધાર રાખે છે, વગેરે. તેથી આપણા મનમાં સાર્વત્રિક પ્રેમ વિકસાવવા માટે, આપણે જાણવાની જરૂર છે કે પ્રેમ શેના પર આધારિત છે, અને આપણામાં પ્રેમ વધારવા માટે આપણે અગાઉથી કઈ આંતરદૃષ્ટિ અને મનની સ્થિતિઓ વિકસાવવાની જરૂર છે.
વધુમાં, આપણે એ જાણવાની જરૂર છે કે પ્રેમ કયા વિરોધી પરિબળોનો ઉકેલ લાવશે. ખાસ કરીને, આપણે ખાતરી કરવાની જરૂર છે કે વિરોધી પરિબળો ગુસ્સો અને નફરત છે; અને આપણે ખાતરી હોવાની જરૂર છે કે પ્રેમ ખરેખર તે પરિબળો પર કાબુ મેળવી શકે છે અને આપણને તેમાંથી મુક્ત કરી શકે છે. આપણે એ પણ સમજવાની જરૂર છે કે પ્રેમ તેમને કેવી રીતે દૂર કરશે.
વધુમાં, આપણે એ સમજવાની જરૂર છે કે પ્રેમ વિકસાવવાનો હેતુ શું છે, અને એકવાર આપણે તેને વિકસાવીએ પછી આપણે તેનું શું કરીશું, જેનો અર્થ પ્રેમ વિકસાવવાના ફાયદાઓ જાણવાનો છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ઘણા ગ્રંથો જોઈએ છીએ જે બોધિચિત્ત ધ્યેય વિકસાવવા માટેની સૂચનાઓ આપે છે - બધા મર્યાદિત જીવોના લાભ માટે આપણા પોતાના, વ્યક્તિગત ભવિષ્યના જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય - ત્યારે તે સામાન્ય રીતે બોધિચિત્ત ધ્યેય રાખવાના ફાયદાઓનું વર્ણન કરવાથી શરૂ થાય છે. આ રીતે શરૂ થતા ગ્રંથોનો હેતુ એ છે કે આપણે ખાતરી કરીએ કે જીવનમાં આવું લક્ષ્ય રાખવું એ એવી વસ્તુ છે જે આપણે વિકસાવવા માંગીએ છીએ.
છેલ્લે, આપણે ઉપદેશોના તર્ક પ્રત્યે ખાતરી કરવાની જરૂર છે. તે તાર્કિક હોવા જોઈએ, તે વાજબી હોવા જોઈએ, અને તે ઉપદેશોના તબક્કાઓ અને વાસ્તવિક વિગતોના સંદર્ભમાં અર્થપૂર્ણ હોવા જોઈએ.
તો ઘણી બધી બાબતો છે જેના વિશે આપણે વિચારવાની જરૂર છે. ધ્યાનની અભ્યાસમાં કૂદી પડવું એ સમજ્યા વિના કે આપણે પહેલા શું વિકસાવવાની જરૂર છે, અને તે આપણને આ અથવા તે સમસ્યારૂપ મનની સ્થિતિમાંથી કેવી રીતે મુક્તિ આપશે, અને આપણે કયા વિરોધી પરિબળો પર ધ્યાન આપવાની જરૂર છે, વગેરે... તે મૂર્ખામીભર્યું હશે. તેનું ઉદાહરણ એ છે કે: "સાંભળવું એ તમારા મોંમાં ખોરાક નાખવા જેવું છે; અને તેના વિશે વિચારવું એ તેને ચાવવા જેવું છે." જો આપણે ચાવ્યા વિના ગળી જવાનો પ્રયાસ કરીશું, તો આપણે ગૂંગળાવીશું. તેવી જ રીતે, જો આપણે ઉપદેશો વિશે વિચાર્યા વિના ધ્યાન કરવાનો પ્રયાસ કરીશું, તો આપણને મુશ્કેલી થશે.
આપણે વિચાર પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરીએ છીએ? વિચારવાનો તબક્કો કાં તો મેં ઉલ્લેખ કરેલા વિવિધ મુદ્દાઓ વિશે વિચારવાનો કોઈ મુક્ત સ્વરૂપનો પ્રકાર હોઈ શકે છે, અથવા એકવાર આપણે તે કરી લીધા પછી, તે વધુ ઔપચારિક પ્રક્રિયા હોઈ શકે છે.
ઔપચારિક વિચાર પ્રક્રિયા
ઔપચારિક વિચાર પ્રક્રિયાનો અર્થ તર્કની એક રેખાને અનુસરવી છે. જ્યારે આપણે મનની ચોક્કસ સ્થિતિ વિકસાવવા માંગીએ છીએ, ત્યારે આપણે તેના સુધી પહોંચવા માટે તૈયારી કરવી જરૂર છે. આપણે તેના સુધી પહુંચવા માટે તબક્કાઓ અથવા પગલાંઓમાંથી પસાર થવું જરૂરી છે, અને ઘણીવાર તે પગલાંઓમાં તર્કની રેખાઓ સાથે કામ કરવાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, શિક્ષણમાં તર્કની એક રેખા શામેલ હોઈ શકે છે જે અસ્થાયીતાની સમજણ સુધી પોંહચાવે છે (કે કારણો અને પરિસ્થિતિઓથી પ્રભાવિત વસ્તુઓ ક્ષણે ક્ષણે બદલાય છે અને તેનું અંત આવે છે); અથવા તેમાં તર્કની એક રેખા શામેલ હોઈ શકે છે જે શૂન્યતાની સમજણ સુધી પહોંચે છે (કે કોઈ વસ્તુ અશક્ય રીતે અસ્તિત્વ માં નથી). તર્ક રેખાઓના તર્ક વિશે વિચારવાથી અને તેના પર કામ કરવાથી, આપણે ખાતરી કરીએ છીએ કે માત્ર અસ્થાયીતા અને શૂન્યતા માન્ય નથી, પણ તર્ક રેખાઓ માન્ય રીતે સાબિત કરે છે કે અસ્થાયીતા અને શૂન્યતા સાચી છે. એટલું જ નહીં, પરંતુ આપણે એ પણ ખાતરી મેળવીએ છીએ કે તર્ક રેખાઓના તર્કમાંથી પસાર થઈને, આપણે અસ્થાયીતા અને શૂન્યતાની સાચી અને નિર્ણાયક સમજણ ઉત્પન્ન કરી શકીએ છીએ. યાદ રાખો: ખાતરી મેળવી એ વિચાર પ્રક્રિયાનો એક ભાગ છે.
વૈકલ્પિક રીતે, આપણે મનની ચોક્કસ સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ, તર્ક દ્વારા કરવું જરૂરી નથી, પરંતુ તબક્કાઓ થી. ઉદાહરણ તરીકે, જો આપણે બોધિચિત્ત ધ્યેય વિકસાવવા માંગતા હોઈએ, તો આપણે સમતા વિકસાવવી, અને પછી દરેકને પાછલા કોઈ જન્મમાં આપણી માતા તરીકે જોવું, માતૃત્વના પ્રેમની દયાને યાદ કરવી, તેના માટે કૃતજ્ઞતા વિકસાવવી, વગેરે જેવા તબક્કાઓમાંથી પસાર થવું પડશે. આપણે તબક્કાઓમાંથી પસાર થઈને કામ કરીએ છીએ જેથી આપણને ખાતરી થાય કે આ પગલાં લઈને, આપણે બોધિચિત્ત ધ્યેય વિકસાવવાના લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. આ હજુ પણ વિચાર પ્રક્રિયાનો એક ભાગ છે.
આ વિચાર પ્રક્રિયામાં, આપણે મનની જે સ્થિતિ કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે ખરેખર શું છે તે પણ સારી રીતે સમજવાની જરૂર છે. કેટલાક ધ્યાનનો હેતુ આપણને કોઈ ચોક્કસ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવાનો છે, ઉદાહરણ તરીકે, કલ્પનાશીલ બુદ્ધ પર. કલ્પનાશીલ બુદ્ધ પર ધ્યાન કરવા માટે, આપણે એ સમજવાની જરૂર છે કે આ ધ્યાનનો ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રકાર છે અને તેનો હેતુ કોઈ ચોક્કસ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, એટલે કે એક નાનો, ત્રિ-પરિમાણીય, જીવંત બુદ્ધ જે પ્રકાશથી બનેલો છે જેને આપણે આપણી સામે આંખના સ્તરે કલ્પના કરીએ છીએ.
બીજી બાજુ, વિવિધ ધ્યાન છે જેનો હેતુ મનની ચોક્કસ સ્થિતિ વિકસાવવા માટે છે, ઉદાહરણ તરીકે, પ્રેમ. પ્રેમ એ કોઈ વસ્તુ નથી જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ; બલ્કે તે મનની સ્થિતિ છે, એક પ્રકારનો માનસિક વલણ છે જે આપણે વિકસાવીએ છીએ. તેથી આપણે જાણવાની જરૂર છે કે આપણે કયા પ્રકારના ધ્યાન સાથે કામ કરી રહ્યા છીએ: શું આપણે કોઈ ચોક્કસ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણે કોઈ ચોક્કસ મનની સ્થિતિ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? આપણે શું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ?
બંને કિસ્સાઓમાં, ત્સોંગખાપાએ ખૂબ જ ભારપૂર્વક જણાવ્યું છે કે આપણે બે બાબતો જાણવાની જરૂર છે:
- સૌપ્રથમ, આપણે એ સ્પષ્ટ હોવું જોઈએ કે આપણા મનમાં કઈ વસ્તુ દેખાવી જોઈએ. આપણે કલ્પનાશીલ બુદ્ધ પર ધ્યાન વિશે વાત કરી રહ્યા છીએ કે પ્રેમ પર ધ્યાન વિશે, આપણા ધ્યાનમાં કઈ વસ્તુ દેખાય છે?
- બીજું, આપણે એ જાણવાની જરૂર છે કે મન તે વસ્તુને કેવી રીતે પકડી રાખે છે, તે તેને કેવી રીતે ઓળખે છે.
જો આપણે આ બે મુદ્દાઓ વિશે સંપૂર્ણપણે સ્પષ્ટ ન હોઈએ, તો આપણે જે માનસિક સ્થિતિ વિકસાવવા માંગીએ છીએ તે કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ?
ઉદાહરણ તરીકે, કરુણા: કરુણાનો હેતુ શું છે? દેખાતી વસ્તુ શું છે? કરુણા પર ધ્યાન કરતી વખતે આપણા મનમાં જે વસ્તુ દેખાય છે તે સંવેદનશીલ જીવો છે, વિવિધ મર્યાદિત જીવો જેમને વેદના થાય છે. આપણું મન તેમના પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમના વિશે એક ચોક્કસ પાસાને અલગ પાડે છે, એટલે કે તેમના વેદના અને તેમના વેદનાના કારણો. મન તે વસ્તુઓને કેવી રીતે પકડી રાખે છે? મન આ વસ્તુઓને પકડી રાખે છે, આ જીવો તેમના વેદના અને તેના કારણોથી અલગ થવાની તીવ્ર ઇચ્છા સાથે, અને આને આપણા વિશે લાવવાનો પ્રયાસ કરવાના ઇરાદા સાથે. આ રીતે, આપણે જે સૂચનાઓ સાંભળી છે અથવા વાંચી છે તેના વિશે વિચાર કરીને, આપણે એ મનની સ્થિતિને ખૂબ જ સ્પષ્ટ રીતે ઉલ્લેખિત કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ જે આપણે ઉત્પન્ન કરવા માંગીએ છીએ.
જો આપણે બોધિચિત્ત પર ધ્યાન કરવાની યોજના બનાવીએ છીએ, તો આપણે વિચારવાની જરૂર છે કે આવા ધ્યાનમાં આપણું મન શું કરે છે. મોટાભાગના લોકો બોધિચિત્તને કરુણા સાથે મૂંઝવણમાં મૂકે છે; તેમ છતાં, બોધિચિત્ત અને કરુણા એક જ નથી. બોધિચિત્ત એ મનની એક એવી સ્થિતિ છે જેનો આધાર કરુણા છે; પરંતુ બોધિચિત્ત ફક્ત બીજાઓને બધા વેદના અને તેના કારણોથી મુક્ત કરવા માંગવા કરતાં ઘણું આગળ વધે છે. તે ફક્ત બધા મર્યાદિત જીવોના જ્ઞાન પ્રાપ્તિની ઇચ્છા અને આ કરવાની જવાબદારી સ્વીકારવાથી આગળ વધે છે. પરંતુ આ શુભેચ્છાઓ અને લાગણીઓ એ સકારાત્મક લાગણીઓ છે જેના પર બોધિચિત્ત આધાર રાખે છે અને તેમાંથી વિકાસ થાય છે. આપણે પહેલા પ્રેમ અને કરુણાનો પાયો બનાવવાની જરૂર છે.
જ્યારે આપણે ખરેખર આપણા ગાદલા પર બેસીને બોધિચિત્ત પર ધ્યાન કરીએ છીએ ત્યારે આપણે શેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ? આપણે આપણા પોતાના વ્યક્તિગત જ્ઞાન પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જે હજુ સુધી થયું નથી, પરંતુ જે આપણા બુદ્ધ-પ્રકૃતિ પરિબળોના આધારે અને તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે જે મહેનત કરવાની જરૂર છે તેના આધારે થઈ શકે છે. આપણા બુદ્ધ-પ્રકૃતિ પરિબળો એ મૂળભૂત ગુણો અને લક્ષણો છે જે આપણા બધામાં છે જે આપણને બુદ્ધ બનવા માટે સક્ષમ બનાવશે, જેમ કે આપણા મનનો શુદ્ધ સ્વભાવ. આપણે બુદ્ધ શાક્યમુનિના જ્ઞાન પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી. આપણે સામાન્ય રીતે અમૂર્ત જ્ઞાન પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી રહ્યા; પરંતુ આપણે આપણા પોતાના વ્યક્તિગત જ્ઞાન પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, આપણા હજુ સુધી ન થયેલા જ્ઞાન પ્રાપ્તિ પર.
આપણે આપણા હજુ સુધી ન થયેલા જ્ઞાન પ્રાપ્તિ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ? તે ખુબ સરળ નથી. સૌ પ્રથમ, આપણે એ સમજવાની જરૂર છે કે તેનો અર્થ શું છે, તે કયા પ્રકારની ઘટના છે - એક હજુ સુધી ન થયેલી ઘટના અથવા વસ્તુ. ઉદાહરણ તરીકે, આપણે વિચારવાની જરૂર છે: શું હજુ સુધી ન થયેલી વસ્તુ ની અંકુર બીજમાં પહેલાથી જ અસ્તિત્વમાં છે જે ફક્ત બહાર આવવાની રાહ જોઈ રહ્યું છે? અથવા શું ન બનનાર અંકુર બીજના સમયે સંપૂર્ણપણે અસ્તિત્વમાં નથી?
સ્વાભાવિક રીતે, જ્યારે આપણે હજુ સુધી ન થયેલા જ્ઞાન પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે શેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે શૂન્યતાની સમજ અહીં જરૂરી છે. આપણું હજુ સુધી ન થયેલા જ્ઞાન પ્રાપ્તિ ક્યાંક બહાર બેઠેલું નથી, જેમ કે આપણે જે દોડ તરફ આગળ વધી રહ્યા છીએ તેની અંતિમ રેખા. કે તે આપણા મનમાં કે આપણા બુદ્ધ-સ્વભાવોમાં ક્યાંક બેઠેલું નથી, જે બહાર આવવાની રાહ જોઈ રહ્યું છે. તે એવી કોઈ શોધી શકાય તેવી વસ્તુ નથી. બીજી બાજુ, આપણે એવી કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી જે બિલકુલ અસ્તિત્વમાં નથી; આપણે કોઈ વસ્તુ નથી એના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી. તેના બદલે, આપણે એ સમજવાની જરૂર છે કે આપણું હજી સુધી ન થયેલું જ્ઞાન એવી વસ્તુ છે જે આપણા બુદ્ધ-પ્રકૃતિ પરિબળોના આધારે આપણા માનસિક સાતત્ય પર માન્ય રીતે આરોપિત થઈ શકે છે. આપણે એ પણ જાણવાની જરૂર છે કે કોઈ વસ્તુ યોગ્ય રીતે આરોપિત થઈ શકે તેનો અર્થ શું છે.
હજુ સુધી ન થયેલા જ્ઞાન પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, આપણે આપણા મનમાં ઉદ્ભવતા જ્ઞાન પ્રાપ્તિના કોઈ પ્રકારના માનસિક પ્રતિનિધિત્વ દ્વારા તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, આપણે "જ્ઞાન પ્રાપ્તિ" શબ્દના અવાજની કલ્પના કરી શકીએ છીએ અથવા આપણે આપણી સામે બુદ્ધની કલ્પના કરી શકીએ છીએ. તંત્રમાં, આપણે પોતાને બુદ્ધ-આકૃતિના રૂપમાં કલ્પના કરી શકીએ છીએ. આ દરેક ઉદાહરણ સાથે, આપણે આપણા મનમાં ઉદ્ભવતા માનસિક અવાજ અથવા માનસિક ચિત્રને આપણા હજુ સુધી ન થયેલા જ્ઞાન પ્રાપ્તિના પ્રતિનિધિત્વ તરીકે ધ્યાનમાં લેવાની જરૂર છે.
આગળ, આપણું મન આ માનસિક વસ્તુ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે જે ઉત્પ્ન્ન થાય છે? આપણે આપણા હજુ સુધી ન થયેલા જ્ઞાન પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેમ કે આપણા મનમાં દેખાતા માનસિક વસ્તુ દ્વારા દર્શાવવામાં આવે છે, બે ઇરાદાઓ સાથે. પહેલો ઇરાદો છે: "હું જ્ઞાન પ્રાપ્તિ મેળવીશ." હવે, જ્ઞાન પ્રાપ્તિ મેળવાનો આ હેતુ ઘણી અન્ય બાબતો પર આધાર રાખે છે જેના વિશે આપણે વિચારવાની અને સમજવાની જરૂર છે. જ્ઞાન પ્રાપ્તિ મેળવા માટે આપણે શું કરવાની જરૂર છે તે વાસ્તવિક રીતે જાણવાની જરૂર છે. આપણું વલણ ફક્ત આકસ્મિક રીતે એવું ન હોઈ શકે: "અરે, હું આ મેળવીશ." આપણે તે કેવી રીતે મેળવશું તે જાણવાની જરૂર છે, અને ખાતરી હોવી જોઈએ કે આપણે તે મેળવી શકીએ છીએ. જ્ઞાન પ્રાપ્તિની સ્થિતિ મેળવવા માટે આપણી પાસે એક માન્ય હેતુ હોવો જરૂરી છે; નહીં તો, તે મેળવવું એ ફક્ત એક સરસ સ્વપ્ન છે. અને અલબત્ત, આપણે જ્ઞાન પ્રાપ્તિ શું છે તે યોગ્ય રીતે સમજવાની જરૂર છે, જે સમજવું પણ ખૂબ જ સરળ નથી. પ્રક્રિયાના આ બીજા પગલા દ્વારા આપણે આ બધી સમજ મેળવીએ છીએ: વિચારવું.
આ માનસિક પ્રતિનિધિત્વ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે આપણો બીજો હેતુ એ છે કે તે જ્ઞાન પ્રાપ્તિ સાથે, આપણે શક્ય તેટલું અન્ય લોકોનો લાભ કરીશું. છેવટે, જ્ઞાન પ્રાપ્તિનો અર્થ સર્વશક્તિમાન દેવ બનવું નથી. અને દરેકને લાભ પહોંચાડવા માટે સક્ષમ બનવું એ, અલબત્ત, બોધિચિત્ત જેના પર આધાર રાખે છે તે પાયો નાખવા માટે અગાઉથી પગલાં લેવા પર આધારિત છે, એટલે કે પ્રેમ અને કરુણા. આપણે બીજાઓને જ્ઞાન પ્રાપ્તિ તરફ લઈ જવાની જવાબદારી લઈએ છીએ કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે તેઓ બધા વેદનાઓથી મુક્ત રહે અને સંપૂર્ણ ખુશીથી સંપન્ન થાય.
આ વિચારવાનું પગલું ખરેખર ખૂબ લાંબુ છે, અને તેના માટે ઘણી મહેનતની જરૂર પડે છે. પરંતુ આ પગલાના અંતે, આપણે સમજીએ છીએ અને જાણીએ છીએ, ચોક્કસ અને સંપૂર્ણ ખાતરી સાથે, આપણે કઈ મનની સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તે મનની સ્થિતિ તરફ કેવી રીતે વધવું. આપણને સંપૂર્ણ અને માન્ય ખાતરી પણ છે કે આપણે તે મનની સ્થિતિ ઉત્પન્ન કરવા સક્ષમ છીએ અને તે ઉત્પન્ન કરવી અત્યંત ફાયદાકારક રહેશે.
ભલે વિચારવાની આ પ્રક્રિયા ધ્યાન જેવી લાગે, પણ પરંપરાગત વ્યાખ્યા મુજબ તે ધ્યાન નથી. પશ્ચિમી લોકો જે આ પરિભાષાનો ખૂબ જ સ્પષ્ટ રીતે ઉપયોગ નથી કરી રહ્યા તેઓ આ વિચાર પ્રક્રિયાને "ધ્યાન" કહી શકે છે, પરંતુ તે સાચું નથી. આપણે વિચાર અને ધ્યાન વચ્ચેના તફાવતો વિશે સ્પષ્ટ રહેવાની જરૂર છે.
આ વિચાર પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી પ્રવૃત્તિ છે, અને ઉપદેશો વિશે વિચારવું એ એવી વસ્તુ છે જે આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ. હકીકતમાં, જ્યારે આપણે આપણા રોજિંદા જીવનમાં અન્ય પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોઈએ છીએ ત્યારે આ કરવું ખૂબ જ મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ટ્રાફિકમાં ફસાઈ જઈએ છીએ, ત્યારે આપણે વિચારી શકીએ છીએ કે મનની કોઈ ચોક્કસ સ્થિતિ, જેમ કે પ્રેમ, આ પરિસ્થિતિમાં કેવી રીતે લાગુ પડશે. તે કેવી રીતે સુસંગત રહેશે? તેના ફાયદા શું હશે? વગેરે. આ એવા મુદ્દાઓ છે જેના વિશે આપણે આપણા દિવસ દરમિયાન વિચારી શકીએ છીએ.
ધ્યાન
હવે આપણે આપણી ત્રણ-પગલાની પ્રક્રિયાના ત્રીજા તબક્કા પર આવીએ છીએ: ધ્યાન પોતે. ધ્યાન એ ખોરાક ચાવ્યા પછી તેને પચાવવા જેવું જ છે. ધ્યાનનો હેતુ મનની ચોક્કસ હકારાત્મક સ્થિતિને આદત બનાવવાનો છે, જ્યારે આપણે તે સ્થિતિ વિશે વિચારીએ અને સમજીએ અને ખાતરી કરીએ કે આપણે તે સ્થિતિ ઉત્પન્ન કરી શકીએ છીએ ત્યારે ખરેખર તે સ્થિતિ બનવું.
ધ્યાન મુખ્યત્વે બે તબક્કાની પ્રક્રિયા છે. એક પગલું એ છે જેનો હું અનુવાદ " વિવેકબુદ્ધિ ધ્યાન" તરીકે કરું છું. તેનો અનુવાદ સામાન્ય રીતે "વિશ્લેષણાત્મક ધ્યાન" તરીકે થાય છે, પરંતુ તેને "વિશ્લેષણાત્મક" કહેવાથી તે વિચારશીલ પગલા સાથે મૂંઝવણમાં મુકાય છે. મને લાગે છે કે " વિવેકબુદ્ધિ" શબ્દનો વધુ સચોટ અનુવાદ છે. આ સંદર્ભમાં, " વિવેકબુદ્ધિ" નો અર્થ થાય છે કોઈ વસ્તુને ખૂબ કાળજીપૂર્વક તપાસવી અને તેને ચોક્કસ રીતે સમજવી. ધ્યાનનું બીજું પાસું છે સ્થિર ધ્યાન, જેમાં આપણે ખરેખર મનની તે સ્થિતિ પર સ્થિર થઈએ છીએ અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણે આ બીજા તબક્કાને " સ્થિર ધ્યાન " કહી શકીએ છીએ.
આપણે પહેલું પગલું, વિવેકબુદ્ધિ ધ્યાન ને કેવી રીતે સિદ્ધ કરી શકીએ? વિચાર પ્રક્રિયા દરમિયાન આપણે તર્કની રેખામાંથી પસાર થયા હતા અથવા આપણે ચોક્કસ મનની સ્થિતિ બનાવવા માટેના તબક્કાઓ અને પગલાંઓમાંથી પસાર થયા હતા. આપણે તે માનસિક સ્થિતિ શું છે તે સમજવાના હેતુથી કર્યું હતું જે આપણે વિકસાવવા માંગીએ છીએ અને તે કેવી રીતે વિકસાવી શકીએ તેની સમજ મેળવવા માટે પણ. હવે, વિવેકબુદ્ધિ ધ્યાન સાથે, આપણે ફરી એકવાર તર્કની રેખામાંથી પસાર થઈએ છીએ અથવા ચોક્કસ મનની સ્થિતિ ઉત્પન્ન કરવા માટેના પગલાંઓમાંથી પસાર થઈએ છીએ. પરંતુ હવે આપણે આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છીએ જેથી ખરેખર તે મનની સ્થિતિ ઉત્પન્ન થાય અને તેને આપણી અંદર તાજી રીતે સ્થાપિત કરી શકાય. ઉદાહરણ તરીકે, દરેક માટે કરુણા ઉત્પન્ન કરવા માટે, આપણે આ તર્કનું પાલન કરીએ છીએ: "દરેક વ્યક્તિ મારી માતા રહી છે, દરેક વ્યક્તિ મારા પ્રત્યે દયાળુ રહી છે...," વગેરે , જેથી આપણે ખરેખર મનની ઇચ્છિત સ્થિતિ સુધી પોંહચવા માટે કામ કરી શકીએ અને તેને ખરેખર અનુભવી શકીએ.
એકવાર આપણે આ તબક્કાવાર પ્રક્રિયામાં, મનની એવી સ્થિતિ સુધી પહોંચી જઈએ કે જેમાં આપણે પોતાને ટેવાયેલા બનાવવા માંગીએ છીએ, પછી આપણે સક્રિયપણે ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુને તે રીતે પારખીએ છીએ અથવા સમજીએ છીએ. ઉદાહરણ તરીકે, જો આપણે કરુણા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, તો આપણે બધા મર્યાદિત જીવો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને ખાસ કરીને, આ વિગત પર જે આપણે તેમના વિશે અલગ પાડીએ છીએ: તેમની સમસ્યાઓ અને વેદનાઓ. આપણે પારખીએ છીએ કે તેમને વેદના થાય છે અને આપણી ઈચ્છા છે કે તેઓ તે વેદનામાંથી મુક્ત થાય અને તેમને તેમાંથી મુક્ત કરવામાં મદદ કરવાનો ઈરાદો રાખીએ છીએ. આપણે ખરેખર આપણા મનમાં સંવેદનશીલ જીવોને જોઈ રહ્યા છીએ, આપણે તેમને આપણા મનમાં આ રીતે જોઈ રહ્યા છીએ; અથવા વાસ્તવિક જીવનમાં પણ જ્યારે આપણે ખરેખર લોકોને જોઈએ છીએ ત્યારે તે હોઈ શકે છે. કરુણા બીજાઓ અને તેમના વેદના પર કેન્દ્રિત છે, અને તે ઈચ્છા સાથે છે કે તેઓ તેમાંથી મુક્ત થાય.
આપણે થોડા સમય માટે તે વિવેકબુદ્ધિ સાથે સક્રિય પ્રક્રિયામાં રહીએ છીએ. ત્યારબાદ, સ્થિર ધ્યાન એટલે મૂળભૂત રીતે આપણે જે સમજ્યું છે તેને અંદર ડૂબવા દેવાનું, આ વિષય અથવા માનસિક સ્થિતિ પર સંપૂર્ણ એકાગ્રતા સાથે. સ્વાભાવિક રીતે, જ્યારે આપણે વિવેકબુદ્ધિ ધ્યાનનો તબક્કો કરી રહ્યા હોઈએ છીએ ત્યારે પણ આપણે એકાગ્રતા રાખવાની જરૂર છે; પરંતુ આ સ્થિરીકરણ તબક્કામાં આપણે લાગણીને આપણા હૃદયમાં ઊંડે સુધી ડૂબવા દઈએ છીએ: આપણે કરુણાની તીવ્ર લાગણી અનુભવી રહ્યા છીએ.
આપણે આ બે તબક્કાઓ, વિવેકબુદ્ધિ અને સ્થિરીકરણ, ને આગળ પાછળ બદલીએ છીએ, અને અંતે આપણે તેમને જોડી શકીએ છીએ. ધ્યાનના વિવેકબુદ્ધિ અને સ્થિરીકરણ તબક્કાઓનું સંયોજન કરવું ખૂબ જ મુશ્કેલ છે. આપણે તેમને કયા તબક્કાઓમાંથી જોડીએ છીએ તેની ચર્ચા ખૂબ જ જટિલ છે. જો તમે કેટલીક વિગતો જાણવા માંગતા હો, તો તમે મારી વેબસાઇટ પર તેના વિશે વધુ વાંચી શકો છો.
ઉપરાંત, જ્યારે આપણે ખૂબ જ અદ્યતન બનીએ છીએ, ત્યારે આપણે "શ્રમયુક્ત ધ્યાન" કહેવાતી વસ્તુ કરવાની જરૂર નથી. શ્રમયુક્ત ધ્યાન એ છે જેમાં વિવેકબુદ્ધિ ધ્યાન પ્રક્રિયામાં તબક્કાઓમાંથી પસાર થવું અને મનની સ્થિતિ સુધી પોંહચવાનો સમાવેશ થાય છે. અદ્યતન સ્તરે, આપણે શ્રમ વગરનું ધ્યાન કરી શકીએ છીએ. આપણે પગલાંઓ અથવા તર્કની રેખા દ્વારા તેને નિર્માણ કર્યા વિના તરત જ ઇચ્છિત મનની સ્થિતિ ઉત્પન્ન કરી શકીએ છીએ. જોકે, આપણે હજી પણ મનની તે સ્થિતિનો ઉપયોગ આપણા ધ્યાનના ઉદ્દેશ્યને સમજવા માટે કરીએ છીએ જેમ આપણે આપણું શ્રમયુક્ત ધ્યાનમાં કરતા હતા.
ધ્યાનના પ્રકારો
આપણે ઘણીવાર બે પ્રકારના ધ્યાન વિશે સાંભળીએ છીએ. સંસ્કૃત શબ્દો "ક્ષમતા" અને "વિપશ્યના" અથવા તિબેટી ભાષામાં, "શિનય" અને "લહગટોંગ" છે. આ બે શબ્દો વાસ્તવમાં મનની બે સ્થિતિઓનો ઉલ્લેખ કરે છે જે આપણે ધ્યાનની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ક્ષમતા એ મનની એક સ્થિર અને સ્થાયી સ્થિતિ છે. તે એ અર્થમાં સ્થાયી છે કે, તેની સાથે, આપણે માનસિક નીરસતા અને મનની ઉડાન અથવા માનસિક ઉત્તેજનાના તમામ સ્તરોને શાંત કર્યા છે (એક મન જે કોઈ અન્ય આકર્ષક વસ્તુ તરફ ઉડે છે). ક્ષમતા એ અર્થમાં પણ સ્થાયી છે કે તેનું ધ્યાન કોઈ વસ્તુ પર નિશ્ચિતપણે સ્થિર છે. તો, ભાર પછી, ધ્યાનને સ્થિર કરવા પર છે.
આપણે શ્વાસ, દ્રશ્યમાન બુદ્ધ, વગેરે સહિત ઘણી બધી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સ્થિર અને સ્થાયી મનની સ્થિતિ વિકસાવી શકીએ છીએ. શક્યતાઓની લાંબી યાદી છે.
ક્ષમતા ધ્યાન સાથે પણ, આપણે સૂચનાઓ સાંભળવાની જરૂર છે, અને પછી ધ્યાનના તબક્કાઓ વિશે વિચારવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, જો આપણે બુદ્ધની કલ્પના કરી રહ્યા હોઈએ, તો આપણે પગલું દ્વારા પગલું દ્રશ્ય કેવી રીતે બનાવવું તે અંગે સૂચનાઓ સાંભળીશું. પછી આપણે પહેલું, બીજું, વગેરે શું કરવું તે વિશે વિચારીશું.
"વિપશ્યના" નો અર્થ મનની એક અપવાદરૂપે ગ્રહણશીલ સ્થિતિ છે. તે મનની એક એવી સ્થિતિ છે જે વસ્તુઓને ખૂબ જ અસાધારણ રીતે સમજવામાં સક્ષમ છે. તેથી, વિપશ્યના ધ્યાન, વિવેકબુદ્ધિ ધ્યાન પર ભાર મૂકે છે. જ્યારે આપણે વિપશ્યના ની સ્થિતિ પ્રાપ્ત કરવાની વાત કરીએ છીએ, ત્યારે તે અસાધારણ ગ્રહણશીલ મનની સ્થિતિ તરીકે પ્રાપ્ત કરી શકાય છે જે અસ્થાયીતા અથવા શૂન્યતાને પારખે છે, પરંતુ તે ફક્ત તે બેમાંથી એક નથી. તંત્રનો ઉચ્ચતમ વર્ગ, અનુત્તરયોગ તંત્રમાં, વિપશ્યના વિકસાવવાની એક પદ્ધતિ, આ અપવાદરૂપે ગ્રહણશીલ મનની સ્થિતિ, નાકની ટોચ પર એક નાના બિંદુ અથવા ટીપાને કલ્પના કરીને થાય છે. પછી, તે એક બિંદુની કલ્પના જાળવી રાખીને, તમે આગલી હરોળમાં બે બિંદુઓનું કલ્પના કરો છો, પછી ચાર, આઠ, સોળ, બત્રીસ, વગેરે. તમારે તે બધાને સંપૂર્ણ રીતે ક્રમમાં રાખવા જોઈએ, અને પછી કલ્પનાને તબક્કાવાર ઓગળી દેવું જોઈએ. આ પ્રકારની કલ્પના કરીને, તમે અત્યંત તીક્ષ્ણ, અપવાદરૂપે સમજદાર મનની સ્થિતિ વિકસાવો છો. જો તમે ખરેખર આ મનની સ્થિતિને ખૂબ જ ઉચ્ચ સ્તર સુધી વિકસાવવા માંગતા હો, તો અન્ય અભ્યાસો છે જેમાં તમે દરેક ટીપામાં, તમે જે દેવતા પ્રણાલીનો અભ્યાસ કરી રહ્યા છો તેના સમગ્ર મંડલાને, બધા દેવતાઓ અને તેમની બધી વિગતો સાથે કલ્પના કરો છો. જો તમે આ સિદ્ધ કરો, તો તમારી પાસે ખરેખર એક અપવાદરૂપે ગ્રહણશીલ મનની સ્થિતિ હશે!
આ બે પ્રકારના ધ્યાન, ક્ષમતા અને વિપશ્યના, બધી બૌદ્ધ પરંપરાઓમાં તેમજ ઘણી બધી ભારતીય બિન-બૌદ્ધ પ્રણાલીઓમાં છે. થરવાદ બૌદ્ધ પરંપરાઓમાં, તેમને પાલી શબ્દો "સમતા" અને "વિપાસના" દ્વારા ઓળખવામાં આવે છે. આપણે આ બંનેને ઝેનમાં પણ શોધીએ છીએ. ઉદાહરણ તરીકે, સોન બૌદ્ધ ધર્મમાં, જે ઝેનના કોરિયન સ્વરૂપ છે, ત્યાં એક કોઆન છે: "તે શું છે?" જ્યારે આપણે "તે શું છે?" પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે મુદ્દો એ નથી કે તેનો કોઈ જવાબ છે, ઉદાહરણ તરીકે: "આ ટેબલ છે; આ કાચ છે," વગેરે. તેના બદલે, આપણે મનને "ગહન શંકા" ની સ્થિતિમાં વિકસાવવાનો પ્રયાસ કરીએ છીએ - હંમેશા "તે શું છે?" ની વાસ્તવિકતા પર પ્રશ્ન કરતા રહીએ છીએ. પછી આપણી મનની સ્થિતિ અપવાદરૂપે ગ્રહણશીલ બની જાય છે.
એક રમુજી વાર્તા છે જે દર્શાવે છે કે મોટાભાગના તિબેટીયન ગુરુઓએ ઝેન પરંપરાનો અભ્યાસ કર્યો નથી; તેઓ તેનાથી પરિચિત નથી. એક ઝેન ગુરુ અને કાલુ રિનપોચે વચ્ચે એક પ્રખ્યાત મુલાકાત થઈ હતી. ઝેન ગુરુએ એક સંતરું ઉપાડયું અને કાલુ રિનપોચેને પૂછ્યું, "આ શું છે?" કાલુ રિનપોચેએ તેમના અનુવાદક તરફ પ્રશ્નાર્થ નજરે જોયું અને પૂછ્યું, "વાત શું છે, શું તેમના દેશમાં સંતરા નથી?"
તો આપણી પાસે ક્ષમતા અને વિપશ્યના છે. ક્ષમતા એ ફક્ત સંપૂર્ણ એકાગ્રતા નથી, જે વિવિધ પ્રકારના ધ્યાન વગેરેનો ઉપયોગ કરીને નવ તબક્કાઓમાંથી પસાર થાય છે. પરંતુ ક્ષમતામાં, સંપૂર્ણ એકાગ્રતા ઉપરાંત, "મનની ઉત્તેજક સ્થિતિ" તરીકે ઓળખાય છે. "ફિટનેસની ભાવના" વાસ્તવમાં ટેકનિકલ શબ્દ છે. સંપૂર્ણ એકાગ્રતા ઉપરાંત, ફિટનેસની ભાવના પણ છે, જે એક ઉત્તેજક શારીરિક અને માનસિક સ્થિતિ છે. "ફિટનેસની ભાવના" એક સંપૂર્ણ તાલીમ પામેલા ખેલાડીની સ્થિતિ જેવી જ છે.
મારા શિક્ષક ત્સેન્ઝાબ સેરકોંગ રિનપોચેએ સમજાવ્યું હતું કે ક્ષમતા જેવી માનસિક સ્થિતિ હોવી એ એક જમ્બો જેટ જેવી છે: જો તમે તેને જમીન પર મુકો છો તો તે રહેશે, અને જો તમે તેને હવામાં ઉડવા મોકલો છો તો તે જતું રહેશે. એવી ભાવના આવે છે કે તમે ગમે તેટલા સમય માટે કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. શરીર થાકશે નહીં; મન થાકશે નહીં; તમે સંપૂર્ણપણે સ્વસ્થ અનુભવો છો; અને તે ઉત્સાહજનક છે. ક્ષમતા એ ખૂબ જ ઉત્સાહજનક, ઉત્થાનકારી, આનંદી મનની સ્થિતિ છે. પરંતુ તે ફિલ્મની જેમ શેરીમાં ગાતા અને નાચતા ઉલ્લાસથી દોડવા જેવી આનંદ નથી - એવું નથી. ક્ષમતા સાથે મન સંપૂર્ણપણે સજ્જ થાય છે, એક અત્યંત તાલીમ પામેલા ખેલાડીની જેમ.
એ સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે વિપશ્યના ની માનસિક સ્થિતિ એવી છે જે ક્ષમતા ની સ્થિતિ ઉપરાંત હોય છે. ક્ષમતા ની સંપૂર્ણ એકાગ્રતા અને તંદુરસ્તીની સ્થિતિ ઉપરાંત, વિપશ્યના તેના ઉપર બીજી તંદુરસ્તીની ભાવના ઉમેરે છે. આ મન કંઈપણ સમજવા અને પારખવા માટે યોગ્ય હોવાની ભાવના છે.
ધ્યાનનો બીજો એક પ્રકાર પણ છે જેને સામાન્ય રીતે "નજર ધ્યાન" કહેવામાં આવે છે. જ્યારે આપણે કોઈ ચોક્કસ ધ્યાન અભ્યાસ પર કામ કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણે સમયાંતરે સંપૂર્ણ બૌદ્ધ માર્ગની સમીક્ષા કરવાની જરૂર પડે છે. હેતુ એ છે કે આપણે પોતાને યાદ કરાવીએ કે આપણો ચોક્કસ ધ્યાન વિષય સમગ્ર ચિત્રમાં ક્યાં બંધબેસે છે, જેથી આપણે એક વિષય પર વધુ પડતો ભાર ન આપીએ અને બીજા વિષયને અવગણીએ નહીં અથવા છોડીએ નહીં. તેથી નજર ધ્યાન એટલે સમગ્ર માર્ગની સમીક્ષા કરવી; તે એક પ્રકારની સમીક્ષા છે.
ઘણા વર્ષો પહેલા, હું ડૉ. તેનઝિન ચોએડ્રાક સાથે મોસ્કો આવ્યો હતો, જે પરમ પવિત્ર દલાઈ લામાના અંગત ચિકિત્સક હતા. અમે ચેર્નોબિલ રેડિયેશન પીડિતોને મદદ કરવા માટે તિબેટીયન દવાનો ઉપયોગ કરવાના યોજના પર કામ કરી રહ્યા હતા. અમે ખૂબ જ સરસ હોટલોમાં રોકાયા હતા અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ દ્વારા ઔપચારિક રીતે અમારું અનુરક્ષણ કરવામાં આવતું હતું. ઘણી વાર અમને પ્રખ્યાત રશિયન સાત-કોર્સ ભોજન સમારંભોમાં લઈ જવામાં આવતા હતા. હવે, ડૉ. તેનઝિન ચોએડ્રાક તિબેટ છોડીને ભારત આવી શક્યા તે પહેલાં તેમણે વીસ વર્ષ ચીની કોન્સન્ટ્રેશન કેમ્પના વિતાવ્યા હતા. અને તેથી સાત-કોર્સ ભોજન સમારંભનો પહેલો કોર્સ પીરસવામાં આવતો હતો, અને અમે તેમને અગાઉથી કેટલી ચેતવણી આપી હતી તે છતાં, તેઓ પ્રથમ કોર્સમાંથી શક્ય તેટલું ખાતા. એવું લાગતું હતું કે આવતા અઠવાડિયા માટે તેમને આ એકમાત્ર ખોરાક મળશે. પછી તે એટલા ભરાઈ જતા કે તે પછીના છ કોર્સમાંથી કોઈ પણ ખાઈ શકતા નહોતા. આ એવી પરિસ્થિતિનું ઉદાહરણ છે જેને આપણે નજર ધ્યાન કરીને ટાળવા માંગીએ છીએ. આપણે સાત કોર્સના આખા મેનુની સમીક્ષા કરવા અને તેને ધ્યાનમાં રાખવા માંગીએ છીએ, જેથી આપણે "વધુ પડતું" ન ખાઈએ અને એક વિષય પર વધુ પડતું ધ્યાન ન કરીએ. તે પહેલા કોર્સમાં પેટ ભરીને ખાવા જેવું અને બાકીનું ભોજન ચૂકી જવા જેવું હશે.
હવે, હું ધ્યાનના પ્રકારનું વર્ણન કરી રહ્યો હતો જેમાં આપણે ચોક્કસ મનની સ્થિતિ સુધી પહોંચવા આગળ વધીએ છીએ, પરંતુ બૌદ્ધ ધર્મમાં આ એકમાત્ર પ્રકારનું ધ્યાન નથી. કેટલીક ધ્યાન પદ્ધતિઓમાં, ઉદાહરણ તરીકે, મનની પ્રકૃતિ પરના કાગ્યુ ધ્યાન અથવા અમુક ઝેન પ્રથાઓમાં એક અલગ અભિગમ છે. મનની સ્થિતિ સુધી પહોંચવા આગળ વધવા ની બદલે, આપણે મનની સ્થિતિ સુધી શાંત થયીને પોહંચીએ છીએ જેથી શોધી શકાય કે આપણા મનમાં પ્રેમ અથવા મનની સ્પષ્ટતા જેવા કેટલાક જન્મજાત ગુણો છે, અને તેમના સુધી પોંહચી શકીએ. પરંતુ જ્યારે આપણે આ પ્રકારનું ધ્યાન કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે પણ આપણે પહેલા સૂચનાઓ સાંભળી હોવી જોઈએ અને પછી તેમને સમજી ન લઈએ ત્યાં સુધી તેમના વિશે વિચારવું જોઈએ. આપણે એ પણ જાણવાની જરૂર છે કે આપણે જે મનની સ્થિતિને શાંત કરી રહ્યા છીએ તે કયા આધારે છે, આપણે શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ, આપણે પહેલા શું કરવાની જરૂર છે, બીજું, વગેરે. "શાંત કરવા" પ્રકારના ધ્યાનનું માળખું "આગળ વધવા" પ્રકારના ધ્યાન જેવું જ છે.
ધ્યાન માટે સૌથી અનુકૂળ વાતાવરણ
ધ્યાન સત્ર કેવી રીતે ગોઠવવું, ધ્યાન માટે જગ્યા કેવી રીતે ગોઠવવી, જમીન સાફ કરવું અને ઓરડાને કેવી રીતે સાફ કરવો, અને પ્રણામ કરવું, પ્રદાન કરવું વગેરે અંગે વ્યાપક સૂચનાઓ છે - આ બધા ધ્યાન માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને જો કે ધ્યાન માટે અનુકૂળ પરિસ્થિતિઓ અને યોગ્ય વાતાવરણ હોવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને યોગ્ય બેઠક અને શાંત, સ્વચ્છ વાતાવરણ; તેમ છતાં, આપણી આસપાસ કોઈ વિસ્તૃત દ્રશ્ય ઉભી કરવી જરૂરી નથી. યોગ્ય સોનાના સાધનો, ધૂપ, પૃષ્ઠભૂમિમાં નવા યુગનું સંગીત, અને આ બધી વસ્તુઓ લેવા માટે આપણને ઘણા પૈસા ખર્ચવાની જરૂર નથી. મિલારેપા પાસે ચોક્કસપણે આ બધું નહોતું અને તે પોતાની ધ્યાન અભ્યાસમાં ખૂબ સફળ રહ્યા! આપણે આપણા ધ્યાન સ્થાનને શક્ય તેટલું સરસ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ ફક્ત દેખાવ માટે વસ્તુઓને વધુ પડતી અને વિસ્તૃત કર્યા વિના.
ઉપરાંત, આપણે ગમે ત્યાં ધ્યાન કરી શકીએ છીએ. જો આપણે લાંબી ટ્રેન મુસાફરી પર જઈએ છીએ, તો આપણે એવું નથી કહેતા કે, "હું ટ્રેનમાં ધ્યાન કરી શકતો નથી કારણ કે મારી પાસે પાણીના વાટકા નથી અને હું કોઈ ધૂપ પ્રગટાવી શકતો નથી, હું પ્રણામ કરી શકતો નથી," વગેરે. એકવાર આપણે થોડું નિપુણ બની જઈએ તો આપણે ખરેખર ગમે ત્યાં ધ્યાન કરી શકીએ છીએ - ટ્રેનમાં, ગમે ત્યાં, કતારમાં ઉભા રહીને. આપણા રોજિંદા જીવનમાં પણ, ઔપચારિક ધ્યાન સત્રો વચ્ચે આપણે બીજાઓ સાથે પ્રેમ અને કરુણાથી વર્તવાનું યાદ રાખવાનો પ્રયાસ કરી શકીએ છીએ - તે ધ્યાન છે ખરું ને?
યાદ રાખો, ધ્યાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉપદેશોને એકીકૃત કરવાનો છે - તેમને આપણા જીવનનો ભાગ બનાવવાનો જેથી આપણે તેમને રોજિંદા જીવનમાં લાગુ કરી શકીએ. પરંતુ જ્યારે ધ્યાન આપણા રોજિંદા જીવનથી સંપૂર્ણપણે અલગ થઈ જાય છે, ત્યારે તે ફક્ત એક શોખ બની જાય છે. ખાસ કરીને જ્યારે આપણું ધ્યાન વિચિત્ર તાંત્રિક દ્રશ્યોનો સમાવેશ કરે છે, ત્યારે તે સરળતાથી ડિઝનીલેન્ડની સફર જેવું બની શકે છે, કોઈ કાલ્પનિક ભૂમિની યાત્રા જેવો જેનો આપણા રોજિંદા જીવન સાથે કોઈ સંબંધ નથી. જો આપણે તે માર્ગ પર જઈએ, તો આપણે માનસિક રીતે અસ્થિર બની જઈએ છીએ અને ધ્યાનનો આપણા રોજિંદા જીવન પર ખૂબ જ ઓછો પ્રભાવ પડે છે. યાદ રાખો, ધ્યાનનો મુખ્ય ઉદ્દેશ્ય તેને જીવનમાં લાગુ કરવાનો છે.
અને આપણે ગમે ત્યાં હોઈએ, ધ્યાન કરતી વખતે આપણે સૌ પ્રથમ પ્રેરણા નિર્ધારિત કરવાની, પ્રેરણાને પુષ્ટિ આપવાની અને એકાગ્રતાથી ધ્યાન કરવાનો ઇરાદો રાખવાની જરૂર છે. જો આપણું મન ભટકતું રહે છે, તો આપણે તેને પાછું લાવીશું. જો આપણને ઊંઘ આવે, તો આપણે પોતાને જગાડીએ છીએ. અને અંતે, આપણી પાસે સકારાત્મક શક્તિનું સમર્પણ છે. જો આપણે ધ્યાન દ્વારા ઉત્પન્ન થયેલી સકારાત્મક ઉર્જાને સમર્પિત ન કરીએ, તો ધ્યાનમાં આપણા પ્રયત્નો ફક્ત આપણી સાંસારિક પરિસ્થિતિઓને સુધારે છે. આપણે સકારાત્મક ઉર્જાને જ્ઞાન પ્રાપ્તિ માટે, દરેકના લાભ માટે સમર્પિત કરવા માંગીએ છીએ.
વ્યક્તિગત વિરુદ્ધ જૂથ ધ્યાન
કેટલાક લોકો વ્યક્તિગત રીતે ધ્યાન કરે છે. હકીકતમાં, તિબેટીઓ મોટે ભાગે વ્યક્તિગત ધ્યાન કરે છે; તેઓ ખરેખર સમૂહ ધ્યાન કરતા નથી, જોકે મઠોમાં સાધુઓ અને સાધ્વીઓ પ્રાર્થના અને ધાર્મિક ગ્રંથો એકસાથે સમૂહમાં વાંચે છે. જોકે, પશ્ચિમમાં, આપણે સમૂહ ધ્યાનનો રિવાજ વિકસાવ્યો છે. મોટાભાગના લોકો માટે, સમૂહ ધ્યાનનો સૌથી મોટો ફાયદો શિસ્ત છે. જો આપણે એકલા હોઈએ, તો આપણી પાસે ફક્ત બેસીને ધ્યાન કરવાની શિસ્ત નથી. આપણે આપણા સત્રો સમાપ્ત કરવાનો ઇરાદો હોય તેના ઘણા સમય પહેલા ઉઠી જઈએ છીએ; જ્યારે આપણી આસપાસ બીજા લોકો હોય, તો આપણી પાસે વધુ શિસ્ત હોય છે. આપણે ઘણું ઓછું સળવળાટ કરીએ છીએ, કારણ કે આપણે બીજાઓની સામે આવું કરવામાં શરમ અનુભવીએ છીએ.
કેટલાક લોકોને સમૂહ ધ્યાન એકદમ ભયાનક લાગે છે, કારણ કે તેઓ બીજા લોકોથી વિચલિત થઈ જાય છે. ખાસ કરીને જ્યારે કોઈ ખાંસી રહ્યું હોય અથવા સળવળાટ કરી રહ્યું હોય, ત્યારે તેઓ તેને તેમના ધ્યાન માટે ખરાબ માને છે, અને તેથી તેઓ એકલા ધ્યાન કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને જો સમૂહ એકસાથે મોટેથી કંઈક પાઠ કરી રહ્યું હોય, અને કેટલાક લોકો તેને સામાન્ય રીતે કરતા વધુ ધીમેથી પાઠ કરી રહ્યા હોય, તો આપણે અતિશય કંટાળો અને ગુસ્સો અનુભવીએ છીએ. અને બીજી બાજુ, જો તે ખૂબ ઝડપથી ચાલી રહ્યું હોય તો આપણે ગુસ્સે પણ થઈએ છીએ.
આપણે પોતે જ નક્કી કરવાની જરૂર છે કે આપણા માટે કયું સારું છે - વ્યક્તિગત કે સમૂહ ધ્યાન. જોકે, નાના સમૂહ ધ્યાન કરતી વખતે મેં એક રસપ્રદ બાબત જોઈ છે, જેનો અર્થ છે એક કે બે અન્ય લોકો સાથે ધ્યાન કરવું. જ્યારે તમારો બીજોનો જોડે ખાસ નજીકના સંબંધો અને જોડાણ હોય ત્યારે ધ્યાન ખૂબ જ સફળ થઈ શકે છે, જેથી તમે તેમની સાથે ખૂબ જ સુમેળ અનુભવો. એવું લાગે છે કે તમારી શક્તિઓ એકબીજાને મજબૂત બનાવે છે. તેમની સાથે ધ્યાન કરવાની પરિસ્થિતિ તમને ઘણી વધુ ઊર્જા અને ઘણી વધુ સ્પષ્ટતા આપે છે. પરંતુ જ્યારે નાના સમૂહમાં ધ્યાન કરી રહેલા વ્યક્તિગત લોકોની શક્તિઓ એકબીજા સાથે અથડાય છે, ત્યારે અસર બરાબર વિપરીત હોય છે: તે હેરાન કરે છે અને તમારા મનને ખૂબ જ નીરસ બનાવે છે. તેથી તમારે તપાસવાની જરૂર છે કે તમે કોની સાથે ધ્યાન કરી રહ્યા છો, જો તમે અન્ય લોકો સાથે ધ્યાન કરવાના હોવ તો.
દ્રઢતાનું મહત્વ
છેલ્લી સલાહ સૌથી મહત્વપૂર્ણ પૈકીની એક છે, અને તે એ છે કે સંસારનો સ્વભાવ એ છે કે તે ઉપર અને નીચે જાય છે. તેથી આપણું ધ્યાન પણ સ્વાભાવિક રીતે ઉપર અને નીચે જતું રહે છે. તે ક્યારેય એક રેખીય પ્રક્રિયા નથી હોતી કે દરેક દિવસ વધુ સારો અને સારો થતો જાય. કેટલાક દિવસે આપણું ધ્યાન સારું ચાલશે, અને કેટલાક દિવસે તે સારું નહીં ચાલે. કેટલાક દિવસે આપણે ધ્યાન કરવા માંગીએ છીએ, અન્ય દિવસે આપણને ધ્યાન કરવાનું બિલકુલ મન થતું નથી. આ સંપૂર્ણપણે સામાન્ય અને સ્વાભાવિક છે - તે સંસારનો સ્વભાવ છે. મુદ્દો એ છે કે તમને ગમે તે લાગે, તમારે ફક્ત દ્રઢ રહેવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ. જો તમને વિચાર આવે કે: "મને ધ્યાન કરવાનું મન નથી થતું" - તો શું? ગમે તે હોય, ધ્યાન કરો. સાતત્ય જાળવી રાખો; તે દરરોજ કરો, ભલે તે ફક્ત બે કે ત્રણ મિનિટ માટે જ હોય. તે સાતત્ય આપણને માર્ગ પર સ્થિરતા લાવવાના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉપરાંત, ધ્યાન સત્રો ખૂબ લાંબા ન કરો, ખાસ કરીને શરૂઆતમાં. ત્રણ થી પાંચ મિનિટ બસ છે. નહિંતર, તમે વિચારતા રેહશો કે, "તે ક્યારે પૂરું થશે એની હું રાહ જોઈ શકતો નથી," અને પછી તમે પાછા તમારા ધ્યાન પર જવા માંગતા નથી. જો તમે ધ્યાન ત્યારે સમાપ્ત કરો છો જ્યારે તમે હજી પણ ચાલુ રાખવા માંગતા હો, તો તમે ખુશી થી પાછા જશો. એવું છે કે જો તમે કોઈની સાથે છો અને તમે છૂટા પડી જાઓ છો જ્યારે તમને હજી પણ તે વ્યક્તિ સાથે વધુ સમય વિતાવવા માંગતા હતા, તો તમે તેમને ખૂબ જ જલ્દી ફરીથી જોવાનું પસંદ કરશો. પરંતુ જો તેઓ એટલા લાંબા સમય સુધી રોકાય છે કે તમે ખરેખર તેમનાથી કંટાળી જાઓ છો અને તમે ઈચ્છો છો કે તેઓ દૂર જાય, તો તમે તેમને ફરીથી જોવા માટે ખૂબ ખુશ નથી.
અને છેલ્લે, ધ્યાનનો સમય ધીમે ધીમે વધારવો મહત્વપૂર્ણ છે. લવચીક બનો - લવચીક બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ મેં કહ્યું: એક દિવસ માટે પણ ધ્યાન ચૂકશો નહીં. જો તમે દરરોજ ધ્યાન કરો છો તો તમને સ્થિરતા, વિશ્વસનીયતા અને આત્મવિશ્વાસ મળે છે. પરંતુ લવચીક બનો: ક્યારેક તમે જે સંપૂર્ણ ધ્યાન કરવા માંગો છો તે કરી શકો છો, અને અન્ય સમયે જ્યારે તમારી પાસે સમય ન હોય, ત્યારે ટૂંકું સંસ્કરણ કરો. પરંતુ ઓછામાં ઓછું દરરોજ કંઈક કરો. કટ્ટરપંથી ન બનો; તમારી જાતને વધુ પડતી દબાણ ન કરો. મારો પ્રિય ઝેન કોઆન છે: "મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. આરામ કરો!"