બૌદ્ધ ધર્મના ભણતરનો શું મુદ્દો છે?

જ્યારે આપણે બૌદ્ધ સંદર્ભમાં ધ્યાન વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે કંઈક ચોક્કસ વિશે વાત કરી રહ્યા છીએ. આજકાલ, આપણે ઘણી વાર તમામ પ્રકારના સ્થળોએ "ધ્યાન" શબ્દ સાંભળીએ છીએ, કારણ કે તે ખૂબ સારી પ્રતિષ્ઠા ધરાવે છે અને ઘણા લોકો તેને આરામ માટે સહાયક તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને તેથી વધુ. જો કે, જ્યારે વાસ્તવમાં ધ્યાનનું અભ્યાસ કરવાની વાત આવે છે, ત્યારે મોટા ભાગના લોકોને શું કરવું તેની કોઈ જ ખબર હોતી નથી. આ એક વિચાર છે કે આપણે શાંત બેસી રહેવાની જરૂર છે: પણ પછી શું? શું ફક્ત શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને દયાળુ વિચારો રાખવા કરતાં કંઈક વધુ છે?

સંસ્કૃતમાં ધ્યાન શબ્દનો અર્થ કંઈક વાસ્તવમાં વાસ્તવિકતા બનવાનો છે. તિબેટીયનોએ તેનો એક શબ્દ સાથે અનુવાદ કર્યો જેનો અર્થ થાય છે ચોક્કસ આદત કેળવવી. જ્યારે આપણે કોઈ આદત બનાવીએ છીએ, ત્યારે આપણે કંઈક આપણી જાતનો એક ભાગ બનાવીએ છીએ, અને આ જ આપણે ધ્યાન સાથે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે આપણી અંદર એવું પરિવર્તન લાવવા માંગીએ છીએ જે ફાયદાકારક હોય. આપણે સૌપ્રથમ જે પ્રશ્ન પૂછવો જોઈએ તે એ છે કે આપણે શા માટે બદલવા માંગીએ છીએ? સામાન્ય રીતે તે એટલા માટે હોય છે કારણ કે આપણે જે રીતે આપણું જીવન જીવીએ છીએ, અથવા આપણે જે રીતે અનુભવીએ છીએ, અથવા આપણે જે રીતે અન્ય લોકો અથવા આપણા કામ સાથે સંબંધ રાખીએ છીએ તેનાથી આપણે બિલકુલ ખુશ નથી. સૂચિ લાંબી છે, પરંતુ આપણામાંના મોટા ભાગના લોકોનો ઉદ્દેશ્ય આપણા જીવનમાં સુધારો કરવાનો છે.

સમસ્યાઓથી છટકી જવાને બદલે તેમનો સામનો કરવો

આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે: કે આપણે બદલવા અને સુધારવા માંગીએ છીએ. એવું નથી કે આપણે આપણા ધ્યાન દ્વારા કોઈ કાલ્પનિક ભૂમિમાં ભાગી જવા માંગીએ છીએ; ડ્રગ્સ અને દારૂ જેવી બીજી ઘણી પદ્ધતિઓ છે, તે કરવા આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે આખો દિવસ સંગીત સાંભળી શકીએ છીએ તેથી આપણે કંઈપણ વિશે વિચારવાની જરૂર નથી. ઘણીવાર, જ્યારે આપણે આવી વસ્તુઓના પ્રભાવ હેઠળ હોઈએ છીએ, ત્યારે આપણી સમસ્યાઓ એટલી મજબૂત અથવા વાસ્તવિક લાગતી નથી. પરંતુ સમસ્યાઓ હંમેશા પાછી આવે છે, કારણ કે આપણે ખરેખર તેનો સામનો કરવાનું શીખ્યા નથી. ઘણા લોકો ધ્યાનને ડ્રગની જેમ ઉપયોગ કરે છે, પરંતુ તે લાંબા સમય સુધી ચાલતી મદદ નથી. આપણે ઘંટડીઓ અને ડ્રમ્સ વગાડી શકીએ છીએ - થોડી બૌદ્ધ ડિઝનીલેન્ડની જેમ - પરંતુ તે ખરેખર આપણી અંદર કોઈ ફેરફારને ઉત્તેજિત કરશે નહીં: તે માત્ર એક પલાયન છે.

જો કે, જો આપણે બૌદ્ધ પરંપરામાં ઉદ્દેશ્ય મુજબ ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ, તો આપણે આપણી સમસ્યાઓથી ભાગવાનો પ્રયાસ કરતા નથી, પરંતુ તેનો સામનો કરવા અને તેનથી જીતવાનો પ્રયાસ કરીએ છીએ. તે વાસ્તવમાં ખૂબ જ હિંમતવાન છે અને તેના માટે ઘણા પ્રયત્નોની જરૂર છે, કારણ કે તે સરળ નથી. આપણે પણ તૈયાર રહેવાની જરૂર છે કે તે જરૂરી નથી કે તેમાં મજા આવશે. આપણે તેને શારીરિક તાલીમ સાથે સરખાવી શકીએ છીએ, જ્યાં તે અઘરું હોય છે અને આપણા સ્નાયુઓમાં દુખાવો થાય છે, પરંતુ આપણે મજબૂત અને સ્વસ્થ બનવા માટે આ મુશ્કેલી સહન કરવા તૈયાર છીએ.

જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે તે સમાન છે, સિવાય કે આપણે મન પર કામ કરીએ છીએ અને શરીર પર નહીં. બૌદ્ધ ધર્મના કેટલાક સ્વરૂપો છે જ્યાં તમારી પાસે શરીર પર કામ કરવા સાથે ધ્યાનનું સંયોજન છે, જેમ કે માર્શલ આર્ટ સાથે, પરંતુ તિબેટીયન પરંપરામાં નથી. શરીરને તાલીમ આપવામાં કંઈ ખોટું નથી, હકીકતમાં તે ખૂબ જ ઉપયોગી છે; જો કે, અહીં મુખ્ય ધ્યાન માત્ર આપણી આપણી લાગણીઓ અને હૃદય પર છે  જ નથી પરંતુ  આપણું મન છે. મહાન બૌદ્ધ ગુરુઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બૌદ્ધ અભ્યાસ શરૂ કરતી વખતે, સૌથી મૂળભૂત બાબત એ છે કે મનને કાબૂમાં રાખવું, કારણ કે આપણે જે રીતે કામ કરીએ છીએ, વર્તન કરીએ છીએ અને અન્ય લોકો સાથે વાતચીત કરીએ છીએ તે બધું આપણા મનની સ્થિતિ દ્વારા સંચાલિત થાય છે.

આપણી જાતને પ્રામાણિકપણે જોવું

આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં મુશ્કેલીઓ છે, અને આપણે જોઈએ છીએ કે આનો સ્ત્રોત આપણા પોતાના મનમાં કંઈક અસંતોષકારક છે. જો આપણે ખરેખર, પ્રામાણિકપણે આપણી જાતને તપાસીએ, તો આપણે શોધી કાઢીએ છીએ કે આપણામાં ક્રોધથી લઈને લોભ, સ્વાર્થ, ઈર્ષ્યા, આસક્તિ, અહંકાર, ભોળપણ જેવી ઘણી બધી ખલેલ પહુંચાડતી લાગણીઓ છે, અને આ સૂચિ આગળ વધે છે. જો આપણે વધુ ઊંડાણમાં જઈએ, તો આપણે જોઈએ છીએ કે જીવન શું છે તે વિશે થોડી અસુરક્ષા અને મૂંઝવણ છે. ઘણીવાર એવું લાગે છે કે આ ખલેલ પહુંચાડતી લાગણીઓ આપણા મનની સ્થિતિ પર પ્રભુત્વ ધરાવે છે અને આપણને અન્ય લોકો સાથે વર્તવા, બોલવા અને સંબંધ બાંધવા માટેનું કારણ બને છે જે આપણા માટે અને તેમના માટે સમસ્યાઓ ઊભી કરે છે. જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે પણ, આપણું મન ઘણીવાર અગવડતા અનુભવે છે, તમામ પ્રકારના ખલેલ પહોંચાડનારા વિચારો સાથે દોડે છે. સરળ શબ્દોમાં કહીએ તો આપણે ખરેખર ખુશ નથી.

ધ્યાનનો હેતુ આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવામાં મદદ કરવાનો છે. તે માત્ર અમુક ડ્રગ્સ લેવાના અર્થમાં નથી જેથી આપણે કંઈપણ વિશે વિચારી ન શકીએ. જો કેટલાક લોકો ધ્યાનને આ રીતે જુએ તો પણ તે ઉકેલ નથી. તેઓ વિચારે છે કે જો તમે ફક્ત બેસો, તમારી આંખો બંધ કરો અને બધું બંધ કરો, તો કોઈક રીતે તેમની બધી સમસ્યાઓ અદૃશ્ય થઈ જશે. આ કામ કરતું નથી. તેના બદલે, આપણે આપણી સમસ્યાઓ પર સક્રિયપણે હુમલો કરવાની જરૂર છે.

વાસ્તવિક દુશ્મન શોધવું

આપણે ઘણીવાર બૌદ્ધ સાહિત્યમાં ખૂબ જ મજબૂત ભાષા શોધીએ છીએ જે આપણી ખલેલ પહોંચાડતી લાગણીઓને આપણા વાસ્તવિક દુશ્મન તરીકે વર્ણવે છે. આ તેમને કોઈ પ્રકારનો રાક્ષસ બનાવતો નથી, જ્યાં આપણે ભયભીત અથવા પેરાનોઈડ બની જઈએ છીએ. તેના બદલે, આપણે ઓળખીએ છીએ કે આ તે છે જેના પર આપણે કામ કરવાનું છે. આપણી પાસે ખૂબ જ સુંદર બૌદ્ધ ગ્રંથો છે જે આ મુશ્કેલી સર્જનારાઓ સાથે વાત કરે છે, કહે છે, "બસ થઇ ગયું તમારું, તમે આ બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓનું કારણ છે. હવે તમારો સમય પૂરો થઈ ગયો છે.” તેથી આપણે આપણી બાંય ઉંચી કરીએ છીએ, અને આપણે બેસીએ છીએ અને આપણા વિચારો બદલવાનો પ્રયાસ કરીએ છીએ. ધ્યાન ખરેખર આ જ છે.

ધ્યાન, સરળ શબ્દોમાં કહીએ તો, એક એવી પદ્ધતિ છે જેના દ્વારા આપણે આપણી જાતને લાભકારી આદતો વિકસાવવા અને આપણી ખરાબ ટેવો બદલવાની તાલીમ આપીએ છીએ. આપણે જે રીતે વિચારીએ છીએ, જે રીતે આપણે અનુભવીએ છીએ અને જે રીતે આપણે વસ્તુઓ પ્રત્યે ભાવનાત્મક રીતે પ્રતિભાવ આપીએ છીએ તેની આ આદતો છે. આ માટે તાલીમ અને પુનરાવર્તનની જરૂર છે - તે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જેમ આપણે પોતાને રમતોમાં તાલીમ આપીએ છીએ, અથવા કોઈ સંગીતવાદ્યો વગાડીએ છીએ, અથવા નૃત્ય કરીએ છીએ, શરૂઆતમાં તે તદ્દન કૃત્રિમ લાગે છે. પરંતુ આપણે કોઈ વસ્તુથી પરિચિત થયા પછી, તે આપણા માટે ખૂબ જ સ્વાભાવિક બની જાય છે. આપણે આપણા મન અને લાગણીઓ અને ભાવનાઓ સાથે જે કરીએ છીએ તેની સાથે પણ આ જ વાત સાચી છે.

શું પરિવર્તન શક્ય છે?

હવે, એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. શું આપણે ખરેખર બદલી શકીએ? વાસ્તવમાં, આપણી જાતને બદલવા માટે કામ કરવા માટે, આપણે સૌ પ્રથમ ખાતરી કરવાની જરૂર છે કે તે ખરેખર શક્ય છે. આપણે ઘણીવાર એવા લોકોને જોતા હોઈએ છીએ જે કહે છે, “હું આ રીતે છું અને તે જ છે; હું તેને બદલવા માટે કંઈ કરી શકતો નથી તેથી મારે ફક્ત તેની સાથે જ જીવવું પડશે," અથવા "હું ગુસ્સેલ વ્યક્તિ છું, મારો સ્વભાવ ખરાબ છે અને હું આ રીતે છું." જો આપણે કોઈ વસ્તુ સાથે એટલી મજબૂત રીતે ઓળખીશું, તો સ્વાભાવિક રીતે તેને બદલવું મુશ્કેલ બનશે.

આપણે આપણી જાતને પ્રામાણિકપણે જોવાની જરૂર છે. શા માટે આપણે અમુક વસ્તુઓથી ઓળખીએ છીએ? જો આપણે ખરેખર ગુસ્સેલ વ્યક્તિ હોઈએ, તો શું આપણે હંમેશાં ગુસ્સે ન હોત? આપણે બીજાઓને દોષી ઠેરવવા પણ આવી શકીએ છીએ: હું ગુસ્સે છું કારણ કે મારી માતા અને પિતાએ આ અથવા તે કર્યું છે. આ ખરેખર મદદરૂપ નથી. જો આપણે ઊંડાણપૂર્વક જોઈએ, તો આપણે એ શોધવાનો પ્રયાસ કરી શકીએ છીએ કે લાગણીઓ ખરેખર ક્યાંથી આવે છે. ભલે આપણે આપણી જાતને દરરોજ કહીએ કે, "ગુસ્સો ન કરો, લોભી ન બનો, સ્વાર્થી ન બનો," ખરેખર રોકવું ખૂબ જ મુશ્કેલ છે, નહીં? તેથી આપણે એવી પદ્ધતિ શોધવી પડશે જે આપણને ભાવનાત્મક રીતે જે અનુભવીએ છે તેને બદલવામાં મદદ કરે.

આપણું વલણ દરેક વસ્તુને અસર કરે છે

બૌદ્ધ ધર્મ કહે છે કે આપણી ભાવનાત્મક સ્થિતિ જે અંતર્ગત છે તેને આપણે આપણું “વલણ” કહી શકીએ. આનો અર્થ એ છે કે આપણે વસ્તુઓને જે રીતે જોઈએ છીએ. ચાલો કલ્પના કરીએ કે આપણે આપણી નોકરી ગુમાવીએ છીએ. આપણે આને આપત્તિ તરીકે જોઈએ છીએ, અને પછી આપણે ગુસ્સે અને હતાશ થઈએ છીએ. શા માટે? કારણ કે તે સમયે આપણે વિચારીએ છીએ કે તે વિશ્વમાં બની શકે તેવી સૌથી ખરાબ વસ્તુ છે.

આપણે આપણી નોકરી ગુમાવી દીધી છે - તે એક હકીકત છે. આપણે તેને બદલી શકતા નથી. આપણે જે બદલી શકીએ છીએ તે એ છે કે તે નોકરી ગુમાવવા પર આપણે કઈ રીતે વિચારીએ છીએ, અને આ જ વલણનો અર્થ છે. તેથી આપણે તેને અલગ રીતે જોવાનો પ્રયાસ કરી શકીએ છીએ - હવે આપણે આપણા બાળકો સાથે વધુ સમય વિતાવી શકીએ છીએ અથવા વ્યવસાય બદલવા વિશે વિચારી શકીએ છીએ. ઠીક છે, તે આપણને આર્થિક રીતે મદદ કરી શકશે નહીં, પરંતુ ઓછામાં ઓછું આપણને તેના વિશે એટલું ખરાબ લાગતું નથી. તેથી આ તે છે જેના પર આપણે ધ્યાન માં ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ - આપણે વસ્તુઓના વિશે કેવી રીતે વિચારીએ છીએ, કારણ કે આ તે છે જે આપણી લાગણીને પ્રભાવિત કરે છે.

મારા સૌથી નજીકના મિત્રનું ગયા અઠવાડિયે અવસાન થયું. એ દુઃખદ છે. હું તેના વિશે ઉદાસી અનુભવું છું - તે સ્વસ્થ છે; તેમાં કંઈ ખોટું નથી. અલબત્ત, હું ખુશ નથી કે તે મરી ગયો! પરંતુ હું અહીં મારા મનની સ્થિતિ સાથે કેવી રીતે કામ કરી શકું? તેમના મૃત્યુના એક અઠવાડિયા પહેલા, મને લાગ્યું કે મારે તેમને કૉલ કરવો જોઈએ, પરંતુ મેં ક્યારેય તે કર્યું નહીં. તે સંપૂર્ણ રીતે ઠીક હતો, સ્નાન કરવા ગયો હતો, તેને હાર્ટ એટેક આવ્યો અને તે સ્નાનમાં જ મૃત્યુ પામી ગયો. તે સંપૂર્ણપણે અનપેક્ષિત અને ખૂબ જ અચાનક હતું. અલબત્ત, એક અઠવાડિયા અગાઉ જ્યારે મેં તેના વિશે વિચાર્યું ત્યારે મેં તેની સાથે વાત કરી ન હતી તેનો મને ખૂબ જ અફસોસ થઈ શકે છે, અથવા જો હું જાણતો હોત કે તે મરી જવાનો હતો તો હું તેને કહેવા માંગતો હતો તે બધી બાબતો વિશે વિચારીને હું મારી જાત પર ખૂબ ગુસ્સે થઈ શકું છું. એવું વિચારવાથી હું ઘણું વધુ ખરાબ અનુભવતો હોતે.

તેના બદલે, મને અમે સાથે વિતાવેલા બધા ખુશ સમય યાદ આવ્યા, અને અમે કેટલી અદ્ભુત વસ્તુઓમાં સહભાગી હતા - અમે 35 વર્ષથી મિત્રો હતા - અને આવા અદ્ભુત વ્યક્તિને ખૂબ નજીકથી ઓળખવાનો મને કેટલો વિશેષાધિકાર મળ્યો. હું જાણું છું તે કોઈપણ પશ્ચિમીમાંથી તે કદાચ સૌથી નિષ્ઠાવાન અને અધિકૃત ધર્મ સાધક હતા. હું તેમને મારી પોતાની અભ્યાસ સાથે વધુ મજબૂત રીતે આગળ વધવા માટે મારા માટે એક મહાન પ્રેરણા માનું છું. જેમ તે તેમની પત્નીની સંભાળ રાખતા હતા તેમ, હું જાણતો હતો કે જો તે જાણશે કે હું હવે તે કરી રહ્યો છું, અને હું તેમ કરી રહ્યો છું તો તે ખૂબ જ દિલાસો અનુભવત.

આ ધ્યાનનું પરિણામ છે. તમે અલૌકિક શક્તિઓ અથવા વિચિત્ર કંઈપણ મેળવતા નથી. તમે જે મેળવો છો તે એ છે કે જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરો છો, અને તમે તમારી જાતને નકારાત્મક, નાખુશ મનની સ્થિતિમાં જોશો, તો સૌ પ્રથમ તમને તે જાણવા માટે પૂરતી સમજ છે કે જો તમે આ રીતે ચાલુ રાખો છો, તો તે વસ્તુઓને વધુ ખરાબ કરશે. આપણે આ મુશ્કેલ પરિસ્થિતિઓને સમજવાની વધુ સારી રીતો સમજીએ છીએ, અને પૂરતી તાલીમ સાથે, આપણે વસ્તુઓને જોવાની રીતને સંપૂર્ણપણે બદલી શકીએ છીએ. આપણે હજી પણ ઉદાસી અનુભવી શકીએ છીએ, જેમ કે જ્યારે મેં મારો મિત્ર ગુમાવ્યો હતો, પરંતુ આપણે તે ઉદાસીને હળવી કરવા માટે ચોક્કસ સુખ ઉમેરતા વિચારોને સમાવિષ્ટ કરવામાં સક્ષમ છીએ.

આપણી પોતાની સંભવિતતા અંગે ખાતરી થવી

તેથી આપણે પૂછીએ છીએ, શું આપણે વસ્તુઓને જોવાની રીત બદલવામાં સક્ષમ થઇ શકીએ છીએ? અને જવાબ હા છે. જો તમે બાળકો તરીકે આપણને જે રસપ્રદ અને અદ્ભુત લાગતું હતું તે જુઓ, તો તેઓ હવે તેના બદલે મૂર્ખ, બેવકૂફ અને કંટાળાજનક લાગે છે. જેમ જેમ આપણે મોટા થયા છીએ તેમ-તેમ આપણો વલણ ઘણો બદલાઈ ગયો છે. એકવાર આપણને ખાતરી થઈ જાય કે આગળ બદલવું પણ શક્ય છે, પછી આપણે ખરેખર આવું કરવા માટે કેટલીક પદ્ધતિઓ શીખવી પડશે. આમાં ત્રણ પગલાં છે:

  • સાચી માહિતી મેળવવી - આપણે વધુ ફાયદાકારક આદત શું હશે તે વિશે શીખવાની જરૂર છે, જે સાંભળવા, વાંચવા અથવા તેના વિશે શીખવાથી આવે છે. આ પગલાનો અર્થ એ નથી કે આપણે તેને આવશ્યકપણે સમજીએ, પરંતુ આપણે ભેદભાવ કરી શકીએ કે તે બૌદ્ધ પદ્ધતિ છે.
  • તેના અર્થનું ચિંતન કરવું - આપણે જે માહિતી મેળવી છે તેને ધ્યાનમાં લેવાની, તેના વિશે વિચારવાની અને તેનું જુદા જુદા કોણથી વિશ્લેષણ કરવાની જરૂર છે, જેથી આપણે તેને સમજી શકીએ. આપણે એ અનુભૂતિ કરવી પડશે કે આપણે જે જોઈ રહ્યા છીએ તે સાચું છે, માત્ર કોઈ કચરો નહીં. આપણે એ ખાતરી કરવાની પણ જરૂર છે કે તે આપણા માટે ફાયદાકારક છે, અને આપણે તેને આપણા જીવનમાં સમાવી શકીશું.
  • ધ્યાન કરવું - હવે આપણે જે શીખ્યા અને સમજ્યા તેને વધુ ફાયદાકારક આદત બનાવવા માટે ધ્યાન કરવા માટે તૈયાર છીએ.

સાચી માહિતી અને ચિંતન

સાચી માહિતી મેળવવી એટલી સરળ નથી જેટલી આપણે વિચારીએ છીએ. એવા ઘણા લોકો છે જેઓ અધિકૃત બૌદ્ધ પદ્ધતિઓ શીખવવાનો દાવો કરે છે; પરંતુ માત્ર એટલા માટે કે કોઈ વ્યક્તિ પુસ્તક લખે છે અને તેને પ્રકાશિત કરે છે, તેનો અર્થ એ નથી કે પુસ્તકની સામગ્રી સાચી છે. અને માત્ર કારણ કે શિક્ષક ખૂબ જ લોકપ્રિય અથવા પ્રભાવશાળી હોઈ શકે છે, તેનો અર્થ એ નથી કે તેઓ જે શીખવે છે તે સાચું છે. હિટલર ખૂબ પ્રભાવશાળી અને ખૂબ જ લોકપ્રિય હતો, પરંતુ તેણે જે શીખવ્યું તે દેખીતી રીતે સાચું ન હતું.

તેથી, બૌદ્ધ ધર્મમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ. આપણને પ્રાણીઓથી શું અલગ પાડે છે? પ્રાણીને ઘણી વસ્તુઓ કરવાની તાલીમ આપી શકાય છે, પરંતુ આપણી પાસે જે છે તે બુદ્ધિ છે. આપણે શું મદદરૂપ છે અને શું નથી તે વચ્ચે ભેદભાવ કરવામાં સક્ષમ છીએ. જો આપણે શરૂઆતમાં કંઈક સમજી શકતા નથી, તો પણ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ વસ્તુઓને સમજવા માટે કરી શકીએ છીએ, જ્યારે આપણે ઉપદેશો સાંભળીએ અથવા વાંચીએ ત્યારે આપણે જે કરવાની જરૂર છે તે આ જ છે.

બુદ્ધે જે શીખવ્યું તે દરેક વસ્તુનો હેતુ અન્યને લાભ કરવાનો છે. પરંતુ આપણે હજુ પણ આપણી જાતે તપાસી શકીએ છીએ કે તેમણે જે શીખવ્યું તે ફાયદાકારક છે કે નહીં. આ માટે, આપણે લાંબા ગાળાની અસરોને પણ જોવાની જરૂર છે, કારણ કે ટૂંકા ગાળાની અસરો એટલી સુખદ ન હોઈ એવું બની શકે. તે કેટલીક તબીબી સારવાર જેવી છે, જેમાંથી પસાર થવું બિલકુલ સુખદ નથી, પરંતુ કેન્સર માટે કીમોથેરાપી જેવી રીતે લાંબા ગાળાના ફાયદા છે.

જો આપણે ઉપદેશને તપાસવા અને તેને આપણા જીવન અને આપણા પોતાના અનુભવ સાથે સાંકળવાનું ઉપરોક્ત કર્યું નથી, તો આપણે તેના પર ખરેખર ધ્યાન કેવી રીતે કરી શકીએ? આપણને કંઈક ની જરૂર છે કે જોઈએ છે, અને જો તે ખરેખર સારું છે કે નહીં તે વિચાર્યા વિના કંઈક ખરીદવા જેવું છે.

ઔપચારિક ધ્યાન

અલબત્ત, ઉપદેશો વિશે વિચારવાની પ્રક્રિયા ખૂબ જ ફાયદાકારક છે, અને કેટલાક લોકો તેને પહેલેથી જ ધ્યાનનું સ્વરૂપ કહે છે. પરંતુ જેને આપણે વધુ ઔપચારિક રીતે "ધ્યાન" કહી શકીએ તે એક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે મનની આ વધુ ફાયદાકારક સ્થિતિને આપણા જીવનની રીત, આપણા સામાન્ય જીવનમાં એકીકૃત કરીએ છીએ. આ પોતે જ બે પગલાઓનો સમાવેશ કરે છે:

  • અવલોકન ધ્યાન – આ પ્રથમ તબક્કાને ઘણીવાર "વિશ્લેષણાત્મક ધ્યાન" કહેવામાં આવે છે અને તે એ છે જ્યાં આપણે કંઈક પર સુધારેલા વલણ સાથે, અવલોકન થી સહાયક પરિબળોને વિગતવાર સમજીને ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
  • સ્થિર ધ્યાન – બીજો તબક્કો એ છે કે જ્યાં આપણે હવે બધી વિગતોને અવલોકન થી પારખી શકતા નથી, પરંતુ ફક્ત તેના પ્રત્યેના આપણા વલણ તરીકે આપણા વિશ્લેષણના મુખ્ય નિષ્કર્ષ સાથે આપણા પદાર્થ પર વધુ સંકુચિત રીતે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

ઘણા લોકો, ધ્યાન શરૂ કરતી વખતે, શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખે છે. આપણે આપણા મનને શાંત કરીએ છીએ, અને શ્વાસ અંદર અને બહાર થવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તે સાંભળવામાં સરળ લાગે છે પરંતુ વાસ્તવમાં તે કરવું અતિ મુશ્કેલ છે. જ્યારે આપણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે શું કરવાનો પ્રયાસ કરીએ છીએ? સૌ પ્રથમ, આપણે આપણા મગજમાં અવાજને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે આપણને તમામ પ્રકારની ખલેલ પહોંચાડતી લાગણીઓ અને ભાવનાઓ ભજવે છે. આ પાછળના સ્ટેટિકથી છુટકારો મેળવવા જેવું છે. પરંતુ તે જ સમયે, આપણે તેના વિશે સાંભળ્યું, ચિંતન કર્યું અને સમજ્યું છે તેની થોડી સમજ સાથે આપણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. અહીં અવલોકન અને સ્થિર ધ્યાન આવે છે. દાખલા તરીકે, આપણે શ્વાસને અસ્થાયીતાના ઉદાહરણ તરીકે ગણી શકીએ: તે દરેક સમયે બદલાતું રહે છે. અથવા આપણે એ હકીકતને જોઈ શકીએ છીએ કે શ્વાસથી કોઈ અલગ "હું" નથી - છેવટે, શ્વાસ કોણ લઈ રહ્યું છે? પરંતુ આવા વિશ્લેષણ નવા નિશાળીયા માટે થોડું વધુ જટિલ હોઈ શકે છે.

શરૂઆત કરવા માટે વધુ સારી જગ્યા એ છે, ફરીથી, આપણી જાતને જોવું. આપણે હંમેશા આપણા કામ, પરિવારો, સામાન્ય રીતે સમાજના ઘણા દબાણ હેઠળ હોઈએ છીએ - અને આ રીતે આપણું મન હંમેશા ચિંતાઓ અને મુશ્કેલીકારક વિચારો સાથે દોડે છે. આરામ કરવો મુશ્કેલ છે! તેથી આપણા માટે, તે જ ખૂબ ફાયદાકારક રહેશે કે ફક્ત વધુ આરામ કરવો અને વધુ સંતુલિત અનુભવવામાં સક્ષમ થવું. જો કે આ આખરે આપણી સમસ્યાઓને હલ કરતું નથી, તે એક રચનાત્મક પ્રથમ પગલું છે. આપણા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને, આપણે આપણા શરીરની વાસ્તવિકતાના સંપર્કમાં આવી શકીએ છીએ - "હું જીવિત છું!" શ્વાસ એ તેનો સારો સંકેત છે, કારણ કે તે મૃત્યુ પામે ત્યાં સુધી ચાલુ રહે છે. જીવન ગમે તેટલું મુશ્કેલ હોય, શ્વાસ હંમેશા ત્યાં જ હોય છે. જો આપણે તેના વિશે વધુ જાગૃત થઈ શકીએ, તો તે આપણને સમજવામાં મદદ કરે છે કે જીવન ચાલુ રહે છે; કે ગમે તે હોય, જીવન ચાલ્યા કરે છે. આ પણ મદદરૂપ છે, જેમ કે જ્યારે મારો મિત્ર મૃત્યુ પામ્યો, કારણ કે હું સમજું છું કે, સારું, જીવન ચાલ્યા કરે.

તો આપણી પાસે આ માહિતી છે, આપણે તેના વિશે વિચાર્યું છે અને તેને સમજી લીધું છે, અને ખાતરી થઈ છે કે તે અર્થપૂર્ણ છે. શું જીવન ચાલ્યા કરે તે જોવામાં સક્ષમ થવું, અને આપણા શરીર સાથે વધુ જોડાયેલા રહેવું અને આપણા ડરેલા અને હતાશ વિચારોમાં સંપૂર્ણ રીતે ખોવાઈ ન જવું ફાયદાકારક રહેશે? હા, તે ફાયદાકારક રહેશે. શું હું મારા શ્વાસ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા અને જાગૃત રહેવા સક્ષમ છું? હા, જો આપણે આપણી અન્ય પ્રવૃત્તિને માત્ર એક કે બે સેકન્ડ માટે અટકાવીએ તો પણ આપણે આપણા શ્વાસની નોંધ લઈ શકીએ છીએ: તે હંમેશા ત્યાં જ હોય છે. આમ, આપણી પાસે ખૂબ ઊંડી કે અત્યાધુનિક સમજણ હોવી જરૂરી નથી. અલબત્ત, તે જેટલું ઊંડું હશે, તેટલું સારું, પરંતુ શરૂઆત માટે તે પૂરતું છે.

ધ્યાનની  પ્રક્રિયા

આપણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સમજણ મેળવીએ જયારે આપણી પાસે બે માનસિક પરિબળો હોય છે, જે માનસિક સ્થિતિઓ છે જે આપણા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા જોડે હોયે છે:

  • કુલ તપાસ - કાચા સ્થર પર કંઈક નોંધવું
  • સૂક્ષ્મ અવલોકન - ખૂબ જ વિગતવાર સ્તરે કંઈક સમજવું.

આ બે માનસિક સ્થિતિઓ વચ્ચેના તફાવતનું વર્ણન કરવા માટે વપરાતું પરંપરાગત ઉદાહરણ રંગકામને જોવું છે. કુલ તપાસ સાથે, આપણે નોંધ કરીશું કે તે રંગકામ છે, કદાચ કેટલાક લોકોનું. આ જાણવામાં મન આ બોલતું હોય તેવું પણ નથી લાગતું, તે જોઈને જ જાણે છે. આ છે જેને આપણે સામાન્ય ભાષામાં "સમજણ" કહીશું. સૂક્ષ્મ અવલોકન સાથે, આપણે રંગકામને વધુ વિગતવાર જોઈશું અને સમજીશું કે ચોક્કસ લક્ષણો વાળું આ અથવા તે વ્યક્તિનું ચિત્ર છે.

શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે આપણે આ કરીએ છીએ. આપણે શોધીએ છીએ અને સમજીએ છીએ કે શ્વાસ એ એક એવી વસ્તુ છે જે હંમેશા ચાલુ રહે છે, અને આપણે તે અવલોકન કરીને જાણીએ છીએ કે તે નાકની અંદર અને બહાર જાય છે. ભલે ગમે તે થાય, જ્યાં સુધી હું જીવિત હોઉં ત્યાં સુધી તે ચાલુ રહેશે, તેથી તે અર્થમાં તે સ્થિર, સુરક્ષિત અને વિશ્વસનીય છે. તેથી જ આપણે તેને "અવલોકન ધ્યાન" કહીએ છીએ કારણ કે તે કંઈક એવું છે જેને આપણે સક્રિયપણે નોંધીએ છીએ. આપણે તેનું વિશ્લેષણ નથી કરી રહ્યા, પરંતુ માત્ર તેને ચોક્કસ દૃષ્ટિકોણથી ચોક્કસ રીતે જોઈ અને સમજીએ છીએ.

બીજું પગલું, સ્થિર ધ્યાન, એ છે કે જ્યાં આપણે આ રીતે સક્રિય રીતે અવલોકનની જરૂર નથી, આપણે ફક્ત તે જાણીએ છીએ. કોઈ વસ્તુને સક્રિય રીતે સમજવાની અને માત્ર તેને જાણવાની વચ્ચે આ તદ્દન અલગ મનની સ્થિતિ છે. આપણે ધ્યાન કરીએ છીએ, અને તેનું પરિણામ એ છે કે આપણે વધુ સંતુલિત છીએ અને વધુ સ્થિર અને સુરક્ષિત અનુભવીએ છીએ. આ ત્યારે થાય છે જો આપણે અભ્યાસ કરીએ - ફરીથી અને ફરીથી, અને પ્રાધાન્યરૂપે દરરોજ.

દૈનિક જીવનમાં આપણા અભ્યાસને લાગુ કરવી

મુખ્યત્વે, જ્યારે આપણે ખાસ કરીને ઉદાસતા અનુભવીએ છીએ ત્યારે આપણે આ અભ્યાસને યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત તે અઘરું છે, અને આપણે પહેલાં શારીરિક તાલીમની સામ્યતાનો ઉપયોગ કર્યો છે, પરંતુ આખરે સમજણ આપણામાં એટલી ઊંડી કોતરાઈ જાય છે કે આપણે તેને હંમેશા જાણીએ છીએ. આપણે હંમેશા જાણીએ છીએ કે જીવન ચાલ્યા કરે છે, અને ખૂબ જ ઊંડા સ્તરે, ગમે તે થાય, તેમાં કોઈ સમસ્યા નથી. આપણે આને એટલી ઊંડાણથી જાણીએ છીએ કે તે એક આદત બની જાય છે જે આપણી જીવનને જોવાની રીતને બદલે છે. આ ધ્યાનનું પરિણામ છે. જો આપણે તેને ભૂલી જઈએ, તો આપણે હંમેશા ફરીથી આપણા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને આપણી જાતને યાદ અપાવી અને પોતાને યાદ કરાવી શકીએ છીએ. આપણે જે કરીએ છીએ તે આપણા મનની સ્થિતિમાં વાસ્તવિક પરિવર્તન લાવવાનું છે, આપણે રોજિંદા જીવન સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ તેના સંદર્ભમાં. તે કોઈ કાલ્પનિક ક્ષેત્રમાં જઈને આપણી સમસ્યાઓમાંથી છટકી જવાનું નથી, પરંતુ તે એક સક્રિય પ્રક્રિયા છે જે આપણે આપણી માનસિક અને ભાવનાત્મક સ્થિતિઓને સુધારવા માટે સક્ષમ થવા માટે અનુસરીએ છીએ, અને છેવટે, આપણે આપણી જાતને જે પરિસ્થિતિઓમાં શોધીએ છીએ.

આપણે હમણાં જ જે જોયું છે તેને મનોવિજ્ઞાનની ખૂબ જ આધુનિક પદ્ધતિ તરીકે પણ જોઈ શકાય છે. આને આ રીતે જોવું ઠીક છે, પરંતુ આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે એવું ન વિચારીએ કે બૌદ્ધ ધર્મ ફક્ત આ જ છે - મનોવિજ્ઞાનનું બીજું સ્વરૂપ. બૌદ્ધ ધર્મ આના કરતાં ઘણું ઘણું વધારે છે. બૌદ્ધ ધર્મમાં આપણું લક્ષ્ય આના કરતાં ઘણું આગળ છે - જ્ઞાન પ્રાપ્ત કરવું, દરેકને મદદ કરવી - પરંતુ આપણે આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રથમ પગલામાંથી પસાર થવાની જરૂર છે.

સારાંશ

આખો દિવસ સંગીત સાંભળવાથી કે પોતાને સતત વ્યસ્ત રાખવાથી માંડીને, નશામાં કે દારૂ પીવાથી માંડીને બધું ભૂલી જવાનો પ્રયાસ કરવો અને આપણી સમસ્યાઓથી બચવું કેટલું સરળ છે. આ કામચલાઉ પગલાં ક્યારેય તેટલી મદદ કરતા નથી, અને સમસ્યા હંમેશા ફરીથી દેખાય છે. ધર્મ પર ખરેખર ચિંતન અને પછી મનન કરીને, આપણે આપણી જાતને, અન્યને અને આપણે જે અનુભવોમાંથી પસાર થઈએ છીએ તેને કેવી રીતે જોઈએ છે એને આપણે સંપૂર્ણ રીતે પરિવર્તન કરી શકીએ છીએ. જ્યારે આનાથી આપણી બધી સમસ્યાઓ તરત જ અદૃશ્ય થઈ જશે નહીં, તે આપણને તેનો સામનો કરવા સક્ષમ બનાવે છે તે માહિતી સાથે કે આપણે તેનો સામનો કરવા માટે પૂરતા મજબૂત છીએ.

Top