આપણે મોટા શહેરોમાં રહીએ, નાના શહેરોમાં રહીએ કે ગ્રામ્ય વિસ્તારમાં, આપણા બધાને આપણા આધુનિક વિશ્વમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મોટાભાગના લોકો તેમને "તણાવ" તરીકે સારાંશ આપશે. આપણે વધુને વધુ ઇચ્છીએ છીએ, જેમ જેમ વધુને વધુ તાત્કાલિક ઉપલબ્ધ થાય છે - માહિતી, મૂવીઝ, ટીવી સ્ટેશન, સંગીત, સોશિયલ મીડિયા ફીડ્સ, ઇન્સ્ટન્ટ મેસેજ, ઓનલાઈન વસ્તુઓ, અને ઘણું બધું. તે સપાટી પર આપણા જીવનને સુધારે છે તેવું લાગે છે, પરંતુ તે તેમને વધુ જટિલ અને તણાવપૂર્ણ બનાવે છે, ખાસ કરીને જ્યારે ઘણા બધા વિકલ્પો હોય છે. આપણે સમાચારમાં, અથવા ઇ-મેલ અથવા ઇન્સ્ટન્ટ મેસેજમાં કંઈક ચૂકવા માંગતા નથી. આપણને પાછળ છૂટી જવાનો ડર છે. ભલે આપણે ટીવી શો જેવી કોઈ વસ્તુ પસંદ કરીએ, પણ આપણને શંકા હોય છે કે કદાચ જોવા માટે કંઈક વધુ સારું છે જે આપણે ચૂકીએ છીએ.
આપણે સમાજ સાથે જોડાયેલા રહેવા માંગીએ છીએ, મિત્રોના જૂથ સાથે જોડાયેલા રહેવા માંગીએ છીએ; આપણે સોશિયલ મીડિયા પર જે પણ પોસ્ટ કરીએ છીએ તેના પર "લાઇક્સ" જોઈએ છે, જેથી આપણને લાગે કે આપણને સ્વીકારવામાં આવે છે. આપણે શાંત નથી રહેતા, અને આપણને મળેલી "લાઇક્સ" ની સંખ્યા અથવા ઇન્ટરનેટ પર વાંચેલી માહિતીથી આપણે ક્યારેય સંતુષ્ટ નથી થતા. જ્યારે આપણા ફોન પર સંદેશ મળે છે, અથવા આપણા ફેસબુક પેજને તપાસીએ છીએ કે આપણને વધુ લાઇક્સ મળ્યા છે કે નહીં, અથવા સમાચારના શોખીન તરીકે, કંઈક નવું થયું છે કે નહીં તે જોવા માટે સમાચાર પર ફરી એકવાર નજર કરીએ છીએ ત્યારે આપણે ઉત્સાહિત થઈએ છીએ. આપણે કંઈપણ ચૂકવા માંગતા નથી, પરંતુ તે ક્યારેય સંતોષકારક નથી અને આપણે વધુ ઇચ્છીએ છીએ.
બીજી બાજુ, આપણે આપણી આસપાસની પરિસ્થિતિથી અભિભૂત થઈએ છીએ અને તેથી આપણે સબવે પર અથવા ફરતી વખતે આપણા મોબાઇલ ઉપકરણો જોઈને અને સંગીત સાંભળીને છુટકારો મેળવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે આપણી આસપાસ જે છે તેની વાસ્તવિકતાને છુપાવીને આપણી ખાનગી વર્ચ્યુઅલ દુનિયામાં ભાગી જવાનો પ્રયાસ કરીએ છીએ. આપણને હંમેશા મનોરંજનની અનિવાર્ય જરૂરિયાત પણ લાગે છે. એક તરફ, આપણે નિશ્ચલ અને શાંતિ માટે ઝંખીએ છીએ, અને બીજી તરફ આપણને માહિતી, સંગીત વગેરેની ગેરહાજરીના શૂન્યાવકાશનો ડર રહે છે. આપણે બાહ્ય વિશ્વના તણાવથી મુક્ત રહેવા માટે કટિબદ્ધ છીએ, તેથી આપણે તેને છોડી દઈએ છીએ અને ઇન્ટરનેટની વર્ચ્યુઅલ દુનિયામાં જઈએ છીએ. પરંતુ ત્યાં પણ, આપણે સોશિયલ મીડિયા પર આપણા કહેવાતા "મિત્રો" ની સોબત અને મંજૂરી શોધીએ છીએ, અને આપણે ક્યારેય સુરક્ષિત અનુભવતા નથી. પરંતુ, શું આપણા મોબાઇલ ઉપકરણોમાં જવું એ ઉકેલ છે?
આપણે આ રીઢો દિનચર્યાઓમાં અટવાઈ જઈએ છીએ ત્યારે આપણે જે નાખુશી અનુભવીએ છીએ તેને ઓળખવાની અને તેના સ્ત્રોતોને ઓળખવાની જરૂર છે. પછી આપણે આ નાખુશીથી મુક્ત થવાનો નિર્ધાર કેળવવાની જરૂર છે, જે તેના સ્ત્રોતોથી મુક્ત થવાની પદ્ધતિઓ જાણીને અને તે કામ કરે છે તેવો વિશ્વાસ રાખીને કરવામાં આવે છે. પરંતુ આપણે ફક્ત કંઈ નહીં, ઝોમ્બી જેવું અનુભવવા માંગતા નથી; આપણે ખુશ રહેવા માંગીએ છીએ. ખુશી એ ફક્ત નાખુશીની ગેરહાજરી નથી; તે નાખુશીથી મુક્ત થવાની તટસ્થ, લાગણીહીન સ્થિતિ ઉપરાંત કંઈક છે.
નાખુશીનો સ્ત્રોત આપણું પોતાનું મન છે
બાહ્ય વસ્તુઓ અને પરિસ્થિતિઓ આપણે જે નાખુશી, વેદના અને તણાવ અનુભવીએ છીએ તેનું મૂળ નથી; નહીં તો જે કોઈ તેમનો સામનો કરશે તે દરેક વ્યક્તિ તેનો અનુભવ એ જ રીતે કરત.
આપણા નાખુશીનું મૂળ આપણું પોતાનું મન, તેના વલણ અને લાગણીઓ સાથે, અને આધુનિક જીવનની વાસ્તવિકતાઓને સંભાળવાની આપણી મૂંઝવણભરી રીતો છે.
આપણને આત્મ-વિનાશક વર્તનની મજબૂત ટેવો છે, જે અસુરક્ષા, આસક્તિ, અણગમો, ભય વગેરે જેવી ખલેલ પોહાચાડતી લાગણીઓ અને વલણોને કારણે આવે છે. તે આપણને એવી રીતે કાર્ય કરવા તરફ દોરી જાય છે જે ફક્ત વધુ તણાવ અને સમસ્યાઓ લાવે છે, જે, પ્રતિસાદ લૂપની જેમ, આપણી ખલેલ પોહાચાડતી લાગણીઓ અને વલણને વધુ મજબૂત બનાવે છે.
ખલેલ પહોંચાડતી લાગણીઓ અને વલણ અજાણતા પર આધારિત છે. કાં તો આપણે આપણા વર્તનની આપણા પર થતી અસર જાણતા નથી અને આપણે જે પરિસ્થિતિઓમાં છીએ તેના વિશે વાસ્તવિક નથી, અથવા આપણી પાસે તેમની ખોટી સમજ છે. ઉદાહરણ તરીકે, આપણે જાણતા નથી કે વધુ "લાઇક્સ" મેળવાથી આપણે વધુ સુરક્ષિત અનુભવ કરીશું નહીં; તેનાથી વિપરીત, આપણે વિચારીએ છીએ કે તે થશે. આ વધુ "લાઇક્સ" માટે ઝંખના, આપણી પાસે રહેલી રકમની સતત તપાસ કરવાની અસુરક્ષિતતા, અને ક્યારેય સંતુષ્ટ ન થવા અને મનની શાંતિ ન રાખવાની વેદના લાવે છે. અથવા આપણે નિષ્કપટતાથી વિચારીએ છીએ કે કમ્પ્યુટર ગેમની વર્ચ્યુઅલ દુનિયામાં ભાગી જવાથી જીવનમાં આપણે જે પણ સમસ્યાઓનો સામનો કરીએ છીએ તે દૂર થઈ જશે. આ બધી અજાણતા અને નિષ્કપટતા, અને તેમના દ્વારા ઉત્પન્ન થતી ખલેલ પહોંચાડતી લાગણીઓ, જેમ કે જોડાણ, આપણી નકારાત્મક ટેવો, સ્વ-વિનાશક વર્તન અને ખલેલ પહોંચાડતી મનની સ્થિતિઓને મજબૂત બનાવે છે.
આ સહલશણનો સામનો કરવા માટે, આપણે જે પરિસ્થિતિઓમાં છીએ તેના વિશે ભેદભાવપૂર્ણ જાગૃતિની જરૂર છે, ઉદાહરણ તરીકે, એક મુશ્કેલ નોકરી. આપણે તેનો સામનો કરવો પડશે, તે વાસ્તવિકતા છે; અને આપણે ફક્ત શક્ય તેટલું શ્રેષ્ઠ કરી શકીએ છીએ. આપણે આપણી પરિસ્થિતિની આ વાસ્તવિકતા અને આપણી મર્યાદાઓની વાસ્તવિકતાને સ્વીકારવાની જરૂર છે, અને એવું કહેવાનું બંધ કરવાની જરૂર છે કે પરિસ્થિતિ કોઈ ભયાનક રાક્ષસ છે અને આપણે પૂરતા સારા નથી કારણ કે આપણે વિચારીએ છીએ કે આપણે સંપૂર્ણ બનવાની જરૂર છે. પછી આપણે જે વાસ્તવિકતાનો સામનો કરીએ છીએ તેના વિશે સચેત રહેવા માટે એકાગ્રતાની જરૂર છે, તેને વધારે પડતું કે ઓછું આંક્યા વિના, અને જ્યારે આપણે હકીકતો પર આપણું ધ્યાન ગુમાવીએ છીએ ત્યારે તેને શોધવા માટે સતર્કતાની જરૂર છે. વધુમાં, સ્વ-વિનાશક ટેવોથી દૂર રહેવા માટે આપણને સ્વ-શિસ્તની જરૂર છે.
આપણે સ્વ-શિસ્તથી શરૂઆત કરીએ છીએ, અને નાની નાની બાબતોથી શરૂઆત કરીએ છીએ. જ્યારે આપણે તણાવ અનુભવીએ છીએ, ત્યારે આપણું કોર્ટિસોલનું સ્તર (તણાવ હોર્મોન) વધી જાય છે, તેથી આપણે થોડી રાહત શોધીએ છીએ, ઉદાહરણ તરીકે સિગરેટ પીવી અથવા સોશિયલ મીડિયા તપાસવી અથવા કોઈ રસપ્રદ વસ્તુ માટે ઇન્ટરનેટ પર જવું. આપણે એવી અપેક્ષાથી ઉત્સાહ અને ખુશી અનુભવીએ છીએ કે આનાથી આપણને સારું લાગશે, તેથી આપણું ડોપામાઇન સ્તર (ઇનામની અપેક્ષાનું હોર્મોન) વધી જાય છે. પરંતુ સિગારેટ પીધા પછી કે ઇન્ટરનેટ તપાસ્યા પછી, તે સંતુષ્ટિ નથી આપતું, તેથી આપણો તણાવ પાછો ફરે છે.
આપણે એવી ગેરસમજ માનવાના ગેરફાયદાનો ભેદભાવ કરવાની જરૂર છે કે સિગરેટ સમસ્યાનું નિરાકરણ લાવશે, અથવા "લાઇક્સ" સમસ્યાનું નિરાકરણ લાવશે, અથવા નવીનતમ સમાચાર વાંચવાથી સમસ્યાનું નિરાકરણ આવશે. પછી આપણે મુક્ત રહેવાનો નિશ્ચય વિકસાવી શકીએ છીએ. તેથી આપણે સિગરેટ છોડી દઈએ છીએ, અથવા આપણે ક્યારે આપણા ઇ-મેલ અને સંદેશાઓ તપાસીએ છીએ, અથવા આપણે કેટલી વાર સમાચાર અથવા સોશિયલ મીડિયા તપાસીએ છીએ તેનું નિયમન કરીએ છીએ. જ્યારે સિગરેટ પીવાની અથવા ઇન્ટરનેટ પર જવાની અનિવાર્ય આવેગ ઉદ્ભવે છે ત્યારે આપણે તે કરતા નથી; આપણે ટાળીએ છીએ.
જેમ શારીરિક સ્થૂળતા દૂર કરવા માટે આપણે ખોરાકનો પરેજી લેવો જરૂરી છે, તેવી જ રીતે માનસિક સ્થૂળતા દૂર કરવા માટે આપણે માહિતી પરેજી કરવી જરૂરી છે.
આપણે માહિતી, સંદેશાઓ, સંગીત વગેરેનો વપરાશ મર્યાદિત કરવાની જરૂર છે, જેમ આપણે ખોરાકનું સેવન મર્યાદિત કરીએ છીએ.
જૂની સ્વ-વિનાશક આદતોથી દૂર રહેવાથી, શરૂઆતમાં, આપણા શરીરમાં કોર્ટિસોલનું સ્તર વધશે અને તણાવપૂર્ણ બનશે, કારણ કે જૂની નકારાત્મક આદતો ખૂબ જ મજબૂત છે. તે સિગરેટ, ઇન્ટરનેટ અને મોબાઇલ અથવા સંગીતથી દૂર રહેવા જેવું છે. પરંતુ દૂર રહેવાનો તણાવ આખરે ઓછો થઈ જશે અને આપણે મનની શાંતિનો અનુભવ કરીશું. જો આપણે નકારાત્મક આદતોને સકારાત્મક આદતોથી બદલીએ - જેમ કે આપણે સમજવું કે આપણે બધી માનવતાનો ભાગ છીએ અને આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ અને તેથી આપણું કલ્યાણ બીજા બધા પર આધાર રાખે છે - તો આ અન્ય લોકો સાથે જોડાયેલા અને બંધાયેલા અનુભવવાની જરૂરિયાતને સંતોષશે, જે ઇન્ટરનેટ સોશિયલ નેટવર્કનો ભાગ હોવાથી ખરેખર થતું નથી. તેથી આપણું ઓક્સિટોસિન સ્તર (બંધન હોર્મોન) વધે છે અને આપણે વધુ ખુશી અને સુરક્ષાની ભાવના અનુભવીશું.
સ્વ-વિનાશક આદતોથી પોતાને મુક્ત કરવું
ટૂંકમાં, એકવાર આપણે મુક્ત થવાનો નિશ્ચય કેળવી લઈએ, પછી જૂની નકારાત્મક ટેવોથી મુક્ત થવા માટે, આપણે સ્વ-શિસ્ત, એકાગ્રતા અને ભેદભાવપૂર્ણ જાગૃતિ, જેને "ત્રણ તાલીમ" કહેવાય છે, તેમાં પોતાને તાલીમ આપવાની જરૂર છે. આ ત્રણેએ સાથે મળીને કામ કરવાની જરૂર છે, પરંતુ તેમને યોગ્ય રીતે વિકસાવવા માટે, આપણે તેમને અવરોધતા પરિબળોથી પોતાને મુક્ત કરવાની જરૂર છે:
- અફસોસ આપણા સ્વ-શિસ્તમાં અવરોધ ઉભો કરે છે. ઉદાહરણ તરીકે, આપણને અફસોસ થાય છે કે આપણે ઇન્ટરનેટ તપાસ્યું નથી અથવા સંદેશ અથવા ઇ-મેલનો તાત્કાલિક જવાબ આપ્યો નથી. એક મદદરૂપ વ્યૂહરચના એ છે કે આપણા કમ્પ્યુટર અથવા મોબાઇલ ઉપકરણ પર સૂચના એલાર્મ અથવા સૂચક બંધ કરો અને ફક્ત નિશ્ચિત સમયગાળા પર જ તપાસો, અને મહત્વપૂર્ણ મુદ્દાઓ વાંચતાની સાથે જ જવાબ આપો. આપણને સ્વ-શિસ્તની જરૂર છે જેથી આપણે ઓછા વ્યસ્ત હોઈએ અથવા દિવસના ચોક્કસ સમયે નિયમિતપણે સંદેશાઓના જવાબ આપવા માટે અલગ રાખીએ.
- ઊંઘ, માનસિક સુસ્તી અને અસ્થિરતા આપણી એકાગ્રતામાં અવરોધ ઉભો કરે છે. આમાંના કોઈપણ સાથે, આપણે એ હકીકત પ્રત્યે સચેતતા ગુમાવીએ છીએ કે આપણા સંદેશાઓ સતત તપાસવાનું ટાળવાથી જીવન ઓછું જટિલ બનશે.
- અનિર્ણાયક ડગમગતા આપણી ભેદભાવપૂર્ણ જાગૃતિને અવરોધે છે. આપણે ફક્ત નિશ્ચિત સમયે જ આપણા સંદેશાઓ તપાસવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગે વારંવાર ડગમગતા રહીએ છીએ. આવી શંકાઓ ઊભી થાય છે કારણ કે તપાસવાનું ટાળવું મુશ્કેલ અને તણાવપૂર્ણ છે. આ શંકાઓનો સામનો કરવા માટે, આપણે આપણી આદતો બદલવાના ફાયદાઓ યાદ કરવાની જરૂર છે.
આપણા જીવનને ખુશ બનાવવા માટે આપણે બીજી પણ વ્યૂહરચનાઓ અપનાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ભીડવાળા સબવે પર હોઈએ છીએ, ત્યારે આપણે જેટલું વધારે ફક્ત પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને પોતાને બચાવવા અને આપણા મોબાઇલ ફોનમાં ઘુસીએ છીએ, તેટલું જ આપણે બંધ અનુભવીએ છીએ. આમ આપણી ઉર્જા સંકોચાઈ જાય છે અને આપણે વધુ તંગ અનુભવીએ છીએ. આપણે હળવા થતા નથી, કારણ કે આપણને જોખમનો ડર લાગે છે. ભલે આપણે મોબાઇલ પર રમી રહેલા ગેમમાં અથવા આપણા આઇપોડ પર સાંભળી રહેલા જોરદાર સંગીતમાં ખૂબ જ ડૂબી જઈએ, આપણે આપણી આસપાસ દિવાલો ઉભી કરી દીધી છે અને પરેશાન થવા માંગતા નથી, તેથી આપણે સાવધ છીએ. બીજી બાજુ, જો આપણે સબવેમાં લોકોની આખી ભીડનો ભાગ બનીને પોતાને જોઈએ, અને આપણી જેમ જ પરિસ્થિતિમાં રહેલા દરેક વ્યક્તિ માટે ચિંતા અને કરુણા વિકસાવીએ, તો આપણા હૃદય અને મન ખુલ્લા રહેશે. આપણે ભય પ્રત્યે સતર્ક રહી શકીએ છીએ, પરંતુ ફક્ત પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાના ગભરાટ વિના - આપણે ઇચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ સુરક્ષિત રહે. આપણે સંગીત અથવા રમતમાં ડૂબીને બીજા બધાને બાકાત નથી કરતા અને પોતાને બીજા બધાથી અલગ કરવાનો પ્રયાસ કરતા નથી. આવી યુક્તિઓ ફક્ત આપણી એકલતામાં વધારો કરે છે. જો આપણે એવું અનુભવીએ કે આપણે આપણી આસપાસના દરેકના મોટા જૂથનો ભાગ છીએ, તો આપણે ટોળામાં રહેલા પ્રાણીની જેમ વધુ સુરક્ષિત અનુભવીએ છીએ. જોકે, આ વ્યૂહરચના અસરકારક રીતે લાગુ કરવા માટે, સ્વ-શિસ્ત, એકાગ્રતા અને ભેદભાવપૂર્ણ જાગૃતિ આ ત્રણમાં તાલીમની જરૂર છે.
બીજી એક વ્યૂહરચના આપણે અપનાવી શકીએ છીએ, જ્યારે કામ પરથી વિરામની જરૂર હોય, ત્યારે સર્ફિંગ કરવા અથવા મોબાઇલ તપાસવાના બદલે, ઊભા થઈને ઓરડામાં ચાલો. ઇન્ટરનેટ કે ફોનનો ઉપયોગ કરવાથી વધુ ઉત્તેજનાનો બદલે ઓછાનો સામનો કરો.
સારાંશ
જો, મુક્ત રહેવાના નિશ્ચય દ્વારા, આપણે ત્રણ તાલીમની આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સ્વ-વિનાશક આદતોથી થતા તણાવને ઓછો કરીશું, તો આપણે કામ, કુટુંબ, આર્થિક પરિસ્થિતિ વગેરેના દબાણનો સામનો કરવા માટે માનસિક રીતે શાંત રહીશું. માહિતીના વ્યસન અને ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, સંગીત વગેરેમાં ભાગી જવાથી આવતી આધુનિક જીવનની ગૂંચવણોનો સામનો કરવામાં આ ખાસ કરીને અસરકારક રહેશે. તેનો અર્થ એ નથી કે આપણે ઇન્ટરનેટ છોડી દેવાની અથવા આપણા મોબાઇલ ઉપકરણોને ફેંકી દેવાની જરૂર છે; પરંતુ આપણે તેનો ઉપયોગ ફાયદાકારક અને સ્વસ્થ રીતે કેવી રીતે કરવો તેની વધુ સારી ટેવો વિકસાવવાની જરૂર છે.