પરિચય
મનની તાલીમ અથવા વલણની તાલીમ, તિબેટી ભાષામાં લોજોંગ, એક ખૂબ જ વ્યાપક વિષય છે જે આપણે આપણા જીવનનો અનુભવ કેવી રીતે કરીએ છીએ અને આપણે જે અનુભવીએ છીએ તેના પ્રત્યેના આપણા વલણને કેવી રીતે બદલી શકીએ છીએ તેની સાથે વ્યવહાર કરે છે. આપણે બધા જાણીએ છીએ કે જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે અને સામાન્ય રીતે ખૂબ સરળ નથી. આપણી સાથે ઘણી બધી ઘટનાઓ બનતી રહે છે, અને આ કારણો અને પરિસ્થિતિઓના ખૂબ જ વ્યાપક વર્ણપટમાંથી ઉદ્ભવે છે.
એક સરળ ઉદાહરણ તરીકે, આજે સાંજે આપણે બધા અહીં ભેગા થયા છીએ તે દ્રષ્ટિએ વિચારો. તમને અહીં શું લાવે છે? આમાં એક આખું ભૌતિક પાસું છે, ટ્રાફિક અને પરિવહન, તમે શહેરમાં રહો છો તે હકીકત, અને પછી તમારી રુચિઓ, તમારા પરિવારમાં શું ચાલી રહ્યું છે, કામ અને સામાન્ય રીતે જીવનમાં શું ચાલી રહ્યું છે તે બધું. ઘણા બધા કારણો અને પરિસ્થિતિઓના પરિણામે, આપણે અહીં સાથે છીએ, દરેક વ્યક્તિ એક અલગ પૃષ્ઠભૂમિ અને અલગ અલગ કારણો અને પરિસ્થિતિઓમાંથી આવે છે.
હવે, જ્યારે આપણે અહીં બેઠા છીએ, ત્યારે તમે બધા અને હું અને એક અનુવાદક છીએ. એક વિડિઓ કેમેરા પણ છે જે આપણું રેકોર્ડિંગ કરે છે. તમે મને અને કેમેરાને જુઓ છો તેમાં શું તફાવત છે? આપણી જેમ, કેમેરા પણ વિવિધ કારણો અને પરિસ્થિતિઓને કારણે અહીં છે: કોઈએ તેને બનાવ્યું, કોઈ બીજાએ તેને ખરીદ્યું, અને કોઈ બીજા વ્યક્તિએ તેને સેટ કર્યો. કેમેરા અને આપણે બંને માહિતી ગ્રહણ કરીએ છીએ. જોકે, વાસ્તવિક તફાવત એ છે કે, આપણે જે માહિતી ગ્રહણ કરીએ છીએ તેના આધારે આપણે લાગણીઓ વિકસાવીએ છીએ, એટલે કે ખુશી કે નાખુશીનું અમુક સ્તર. કેમેરા અને કમ્પ્યુટર જે માહિતી ગ્રહણ કરે છે તેનો અનુભવ કરતા નથી.
ખુશી શું છે?
જીવનનો મૂળ સિદ્ધાંત એ લાગે છે કે આપણે બધા ખુશ રહેવા માંગીએ છીએ અને નાખુશ નથી થાવ માંગતા. આ આપણને વિચારવા માટે પ્રેરણા આપે છે કે, "સારું, ખરેખર ખુશી શું છે? આપણે ખરેખર શું ઇચ્છીએ છીએ?"
બૌદ્ધ દ્રષ્ટિકોણથી, ખુશી એ એવી અનુભૂતિ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે જેનો અનુભવ થાય ત્યારે, આપણે સ્વાભાવિક રીતે તેનાથી અલગ થવા માંગતા નથી; આપણને તે ગમે છે અને આપણે તે ચાલુ રહે તો સંતુષ્ટ છીએ.
આ એક માનસિક અનુભવ છે જે ભૌતિક સમજશક્તિ સાથે હોઈ શકે છે, જેમ કે કંઈક અથવા કોઈને જોવું, અથવા માનસિક સમજશક્તિ, જેમ કે કંઈક અથવા કોઈ વિશે વિચારવું. એવું નથી કે આપણે જે જોઈ રહ્યા છીએ અથવા જે વિચારી રહ્યા છીએ તે આપણને ગમે છે; તેના બદલે, આપણને તે જોતી વખતે કે વિચારતી વખતે કેવું લાગે છે તે ગમે છે. પરંતુ, ખુશી એ આનંદની શારીરિક સંવેદના જેવી નથી: તે એક માનસિક સ્થિતિ છે. તે વળગી રહેવાની ખલેલ પહોંચાડતી લાગણી જેવી પણ નથી, જેની સાથે આપણે ચોકલેટ, આપણી યુવાની અથવા તો ખુશી જેવા કોઈ વસ્તુના સારા ગુણોને અતિશયોક્તિ કરીએ છીએ, અને તેને છોડવા માંગતા નથી.
કોઈ વસ્તુ ઉદાહરણ તરીકે, ફિલ્મ જોતી વખતે આપણે જે ખુશી અનુભવીએ છીએ તેનું સ્તર, કદાચ ઓછું હોય, પરંતુ જો થોડીવાર પછી પણ આપણે તેને જોઈ રહ્યા હોઈએ અને દૂર જોવાનું મન ન થાય, તો આ સૂચવે છે કે આપણે સંતુષ્ટ છીએ અને આપણે જે અનુભવી રહ્યા છીએ તેનાથી અલગ થવા માંગતા નથી. આપણે કહી શકીએ છીએ કે, આપણે હજી પણ "તેને જોતા ખુશ છીએ". જો આપણે તેના વિશે નાખુશ હોઈએ - નાખુશીને એવી લાગણી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેનો અનુભવ થાય ત્યારે, આપણે સ્વાભાવિક રીતે તેનાથી અલગ થવા માંગીએ છીએ - તો આપણે સામાન્ય રીતે ફક્ત દૂર જોઈને આપણા અનુભવને બદલવાનો પ્રયાસ કરીશું. પછી, અલબત્ત, આપણી પાસે ક્યારેક તટસ્થ લાગણીઓ પણ હોય છે, જ્યાં આપણે ન તો અલગ થવા માંગીએ છીએ કે ન તો કોઈ વસ્તુથી અલગ નથી થવા માંગતા; આપણને ફરક પડતો નથી.
ઘણી વાર, જો આપણે "ખુશ" અને "નાખુશ" શબ્દો વિશે વિચારીએ છીએ, તો આપણે અતિશયોક્તિઓના સંદર્ભમાં વિચારીએ છીએ - કાં તો આપણા ચહેરા પર મોટું સ્મિત, અથવા ખરેખર ઉદાસી અને હતાશ. જોકે, ખુશી અને નાખુશીની લાગણીઓ એટલી નાટકીય હોવી જરૂરી નથી, કારણ કે આપણે આપણા જીવનના દરેક ક્ષણને કોઈને કોઈ સ્તરની ખુશી અથવા નાખુશી સાથે અનુભવીએ છીએ, અને મોટાભાગની ક્ષણો ખૂબ નાટકીય હોતી નથી.
જીવનના ઉતાર-ચઢાવ
દરેક ક્ષણે, આપણે બધી પ્રકારની ઘટનાઓનો અનુભવ કરીએ છીએ અને, આપણે અહીં છીએ એવી રીતે જ, તે લાખો કારણો અને પરિસ્થિતિઓના એક સાથે આવવાથી આવે છે. આપણે આપણી આસપાસ શું થઈ રહ્યું છે અથવા ફક્ત આપણા મનમાં શું થઈ રહ્યું છે તેની માહિતી મેળવીએ છીએ અને, જ્યારે આ થઈ રહ્યું છે, ત્યારે આપણે તેને ખુશી અને નાખુશીના વિવિધ સ્તરો સાથે અનુભવીએ છીએ. આપણે ઘણીવાર આ ઘટનાને આપણા મનોભાવના સંદર્ભમાં વર્ણવીએ છીએ - સારા મનોભાવ અથવા ખરાબ મનોભાવ.
જીવનનો સ્વભાવ એ છે કે તે હંમેશા ઉપર-નીચે થતું રહે છે, ખરું ને? અને આપણે જે મનોભાવમાં હોઈએ તે હંમેશા આપણે જે માહિતી લઈ રહ્યા છીએ, આપણી આસપાસ શું ચાલી રહ્યું છે અને આપણે પોતે શું કરી રહ્યા છીએ તેના અનુરૂપ નથી. ઉદાહરણ તરીકે, આપણે એવું કંઈક કરી રહ્યા હોઈ શકીએ છીએ જે આપણને સામાન્ય રીતે ગમે છે, પરંતુ આપણે ખરાબ મનોભાવમાં હોઈએ તો આપણે ખુશ નથી અને તેનો આનંદ માણી નથી શકતા. અથવા આપણે એવું કંઈક કરી રહ્યા હોઈ શકીએ છીએ જેમાં આપણને ખાસ મજા ન આવે, જેમ કે એક મુશ્કેલ શારીરિક કસરત, પરંતુ આપણે તે કરવામાં ખુશ છીએ, આપણે ચાલુ રાખવા માંગીએ છીએ. એ જોવું રસપ્રદ છે કે આપણો મનોભાવ હંમેશા આપણે ખરેખર શું કરી રહ્યા છીએ તેના અનુરૂપ નથી.
જેમ જેમ આપણે દરેક ક્ષણનો અનુભવ કરીએ છીએ, તેમ તેમ આપણે હંમેશા તેના પ્રત્યે એક ચોક્કસ વલણ રાખીએ છીએ. વલણ એ છે જેના વિશે આપણે હમણાં વાત કરી રહ્યા છીએ, તો તે શું છે? વલણ એટલે આપણે કોઈ વસ્તુને કેવી રીતે જોઈએ છીએ. આપણે ઘણા બધા પ્રકારના વલણ રાખી શકીએ છીએ, અને તે વલણના આધારે, તે આપણા મનોભાવને ખૂબ અસર કરે છે. સામાન્ય પરિસ્થિતિઓમાં, જીવનમાં આપણે જે ઉતાર-ચઢાવનો અનુભવ કરીએ છીએ તેને બદલવા માટે આપણે ખરેખર કંઈ વધારે કરી શકતા નથી. ભલે તમે કોઈ પ્રકારની દવા લો જેનથી તમને સારું લાગે, પણ લાંબા ગાળે હજુ પણ ઉતાર-ચઢાવ રહેશે, ખરું ને? જોકે, આપણે જે વસ્તુ સાથે કામ કરી શકીએ છીએ તે છે આપણો વલણ.
હવે, જ્યારે આપણે આપણા વલણને તાલીમ આપવાની વાત કરીએ છીએ, ત્યારે બે પાસાં છે. આમાંથી એક છે વસ્તુઓ પ્રત્યે વિનાશક વલણ નહીં રાખવાનો પ્રયાસ કરવો અથવા તેને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો. "વિનાશક" શબ્દ થોડો ભારે હોઈ શકે છે, તેથી આપણે "બિન-ઉત્પાદક" પણ કહી શકીએ છીએ. પરંતુ એક અર્થમાં તે સ્વ-વિનાશક છે, કારણ કે આ વલણ આપણને વધુ ખરાબ અનુભવ કરાવે છે. બીજું પાસું એ છે કે વસ્તુઓને વધુ ઉત્પાદક રીતે જોવા માટે પોતાને તાલીમ આપવી.
અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આપણે લોકો જેને સામાન્ય રીતે "સકારાત્મક વિચારસરણીની શક્તિ" કહે છે તેના વિશે વાત કરી રહ્યા નથી, જેનો અર્થ છે અતિ આશાવાદી બનવું: "બધું જ અદ્ભુત છે; બધું જ મહાન અને સંપૂર્ણ છે!" આ મદદ કરી શકે છે, પરંતુ તે થોડું નિષ્કપટ છે. આપણા વલણનો સામનો કરવા માટે ખરેખર અસરકારક પદ્ધતિ માટે, આપણે વધુ ઊંડાણપૂર્વક જોવાની જરૂર છે.
હું જે અનુભવી રહ્યો છું તેમાં કંઈ ખાસ નથી.
ચાલો પહેલા આપણી લાગણીઓ પ્રત્યેના આપણા વલણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, એટલે કે આપણે જે ખુશી કે નાખુશી અનુભવીએ છીએ તેના સ્તર વિશેના આપણા વલણ પર. આપણે આને મોટાભાગના લોકોની સમસ્યાના સંદર્ભમાં જોઈશું - જે તેઓ જે અનુભવી રહ્યા છે તેના મહત્વને અતિશયોક્તિપૂર્ણ બનાવવું.
આપણે પોતા વિશે એક મોટી વાત બનાવીએ છીએ - "હું" - અને આપણે જે અનુભવીએ છીએ તેના વિશે એક મોટી, મોટી વાત. આપણે બધું જ દ્વૈતવાદી રીતે અનુભવીએ છીએ. ઉદાહરણ તરીકે, આપણી પાસે એક બાજુ "હું" નો આ દૃષ્ટિકોણ છે અને બીજી બાજુ નાખુશી છે. આપણે આ નાખુશીથી ડરીએ છીએ અને શક્ય તેટલા તેનાથી પોતાને બચાવવા અને તેનાથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ જ્યારે આપણી પાસે આવું વલણ હોય છે ત્યારે આપણને ખરેખર કેવું લાગે છે. તે બધું વધુ ખરાબ કરે છે, ખરું ને?
એક ક્ષણ માટે વિચારો: જ્યારે તમારો મનોભાવ ખરાબ હોય અને તમે નાખુશ હોવ ત્યારે તમારું વલણ કેવું હોય છે? મારો મતલબ એ નથી કે જ્યારે તમે રડતા હોવ અને ખરેખર ઉદાસ હોવ, મારો મતલબ એ છે કે જ્યારે તમે બેઠા હોવ અને તમારું કામ કરતા હોવ અથવા ટેલિવિઝન કે બીજું કંઈ જોતા હોવ, અને તમને ફક્ત "ઉફ, મને ખરાબ લાગે છે" એવું લાગે છે. શું આપણે એવું વિચારીએ છીએ કે આપણે અહીં બેઠા હોઈએ અને એક મોટું કાળું વાદળ આપણી સામે આવે, તો આપણે આપણી ઢાલ ઉભી કરવા માંગીએ છીએ: "મને આ નથી જોઈતું!" શું તે તમારા અનુભવનો એક ભાગ છે? ઘણીવાર એવું લાગે છે કે ખરાબ મનોભાવ બસ આવે છે, અને આપણે ક્યારેય તે ઇચ્છતા નથી. અને જેટલું આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, કે તે કેટલું ભયાનક છે, તે વધુ ખરાબ થતું જાય છે. અહીં સમસ્યા એ છે કે આપણે શું ચાલી રહ્યું છે તેને અતિશયોક્તિ કરીએ છીએ, અને તેમાંથી બે વસ્તુઓ બનાવીએ છીએ - એક તરફ "હું", અને બીજી તરફ ખરાબ મનોભાવ.
હવે ખુશીનું શું? ફરીથી, આપણે તેને અનુભવવાની દ્વૈત રીત અપનાવીએ છીએ, એક તરફ "હું" અને બીજી તરફ ખુશી - અને પછી આપણે તેને ગુમાવવાનો ડર અનુભવીએ છીએ, તેથી આપણે તેને વળગી રહીએ છીએ અને પકડી રાખવાનો પ્રયાસ કરીએ છીએ. અસુરક્ષાની લાગણી હોય છે કારણ કે આપણે ડરીએ છીએ કે તે પસાર થશે, અને આપણે તેને ગુમાવી દઈશું; આપણે સારું અનુભવવાનું બંધ કરી દઈશું. ફક્ત આરામ કરીને ખુશ રહેવાનો આનંદ માણવો મુશ્કેલ છે, કારણ કે આ અસુરક્ષા ખરેખર તેનો નાશ કરે છે, ખરું ને? આ ઉપરાંત, "હું ખુશ રહેવાને લાયક નથી" અને તે બધું જેવી બધી પ્રકારની ગૂંચવણો હોઈ શકે છે.
જો તમે તેના વિશે વિચારવાનું શરૂ કરો છો, તો તે રમુજી છે કે આપણે ઘણીવાર પ્રાણી જેવા હોઈએ છીએ. જુઓ કે કૂતરો કેવી રીતે ખાય છે, માનવામાં આવે છે કે તે જે ખાઈ રહ્યો છે તેનો આનંદ માણી રહ્યો છે, પરંતુ તે હંમેશા આસપાસ પણ જોતો રહે છે, થોડું ચિંતાતુર છે કે કોઈ તેને લઈ જશે. શું તમને ક્યારેય આવી લાગણી થાય છે? આપણે ખુશ થઈએ છીએ પણ ડર લાગે છે કે કોઈ આવીને તમને શોધી કાઢશે અને તેને લઈ જશે. તે થોડું વિચિત્ર છે.
પછી તટસ્થ લાગણી છે, ફરીથી "હું" અને તટસ્થ લાગણીના દ્વૈત દૃષ્ટિકોણથી. આપણે તટસ્થ લાગણીને અતિશયોક્તિપૂર્ણ રીતે શૂન્યતામાં, બિલકુલ કોઈ ન લાગે એવામાં ફેરવીએ છીએ. આવું ઘણી વાર બને છે, જ્યાં આપણને એવું લાગે છે કે આપણે કંઈ જ અનુભવી રહ્યા નથી. તે આપણને એવું અનુભવ કરાવે છે કે આપણે ખરેખર જીવંત નથી. આ તટસ્થ લાગણી ખરેખર આપણને થોડી નાખુશ બનાવે છે. આપણને ખરેખર કંઈપણ નહીં અનુભવવાનું ગમતું નથી.
ખુશ, નાખુશ અને તટસ્થતાની દરેક શક્યતાઓ સાથે, આપણે જેટલું વધારે અતિશયોક્તિ કરીએ છીએ અને તેમને મોટી વસ્તુ બનાવીએ છીએ, તે ખરેખર આપણને વધુ નાખુશ બનાવે છે. આમ, આપણી લાગણીઓ પ્રત્યેનો આપણો વલણ આપણા અનુભવને પ્રભાવિત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે ખુશ અથવા નાખુશ અથવા તટસ્થ લાગણીને થોડી ખાસ વસ્તુ તરીકે જોવાનું વલણ રાખીએ છીએ, અને આપણે સામાન્ય રીતે તેને આપણાથી અલગ તરીકે જોઈએ છીએ.
કલ્પના કરો કે તમારી સામે ત્રણ વાનગીઓ છે. એક ભયંકર છે, એક સ્વાદિષ્ટ છે, અને એક ફક્ત બેસ્વાદ છે; આ નાખુશી, ખુશી અને તટસ્થતાની લાગણીઓ જેવી છે. જ્યારે આપણે આ અનુભવીએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણે તેમને આપણામાં સમાવી રહ્યા છીએ, આપણે તેમને "ખાઈ" રહ્યા છીએ. અને એક અર્થમાં, એવું લાગે છે કે આપણે ખોરાક ન ખાવાનું પસંદ કરી શકીએ છીએ, પરંતુ તમે ખરેખર તે કરી શકતા નથી, શું તમે કરી શકો છો, લાગણીઓ સાથે - "કાશ મને કોઈ લાગણીઓ ન હોત." પરંતુ પછી આપણે જીવંત પણ નહીં લાગે, તેથી તે અસંતોષકારક છે. આપણે ચકાસી શકીએ છીએ કે શું આપણી પાસે અહીં "હું" ની આ દ્વૈત વસ્તુ છે અને ત્યાં લાગણી, આપણાથી અલગ છે.
બસ કરી દો
આપણા વલણને તાલીમ કરતી વખતે આપણે સૌ પ્રથમ જે કરવાની જરૂર છે તે છે "કંઈ ખાસ નથી" નો અભિગમ રાખવો. તે કદાચ બહુ મહત્વનું નહી લાગે, પરંતુ વાસ્તવમાં તે ખૂબ જ ગહન છે. "હમણાં હું જે અનુભવી રહ્યો છું તેમાં કંઈ ખાસ નથી" - જીવન ઉપર-નીચે જાય છે, ક્યારેક આપણે સારા મનોભાવમાં હોઈએ છીએ, ક્યારેક ખરાબ મનોભાવમાં, અને ક્યારેક કંઈ ખાસ ચાલી રહ્યું નથી. તેમાં આશ્ચર્યજનક કંઈ નથી, અને આપણામાં કંઈ ખાસ નથી, જાણે કે આપણે ચોક્કસ રીતે અનુભવવું જોઈએ અને બીજી લાગણીઓ અનુભવવી જોઈએ નહીં. મુખ્ય વાત એ છે કે ભલે આપણે કેવું પણ લાગે આપણે ફક્ત આપણા જીવન સાથે આગળ વધીએ છીએ.
ઉદાહરણ તરીકે, જો તમારે તમારા બાળકોની સંભાળ કરવાની છે, તો કોઈ ફરક પડતો નથી કે તમે સારા મનોભાવમાં છો કે ખરાબ, તમારે તે કરવું પડશે. તમે તમારી ગાડી ચલાવો છો અને કામ પર જાઓ છો, પછી ભલે તમને સારું લાગે કે ખરાબ. આપણે જેટલું વધારે આપણી જાત પર અને આપણે કેવું અનુભવીએ છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરશું, તેટલા જ આપણે નાખુશ થશું. આનો અર્થ એ નથી કે આપણે કંઈપણ અનુભવવાનું બંધ કરી દઈએ છીએ, આ મુદ્દો નથી. આપણે શું અનુભવી રહ્યા છીએ તે અંગે જાગૃત રહેવું જોઈએ, પરંતુ તે જ સમયે તેને મોટી વસ્તુ ન બનાવી જોઈએ.
કેટલાક લોકો ખરેખર નાખુશ થવાથી ડરતા હોય છે, કારણ કે તેઓ વિચારે છે કે તે તેમને સંપૂર્ણપણે દબાવી દેશે. જેમ કે જ્યારે કોઈ મૃત્યુ પામે છે અથવા કંઈક ખરેખર ભયંકર બને છે, ત્યારે તમે તમારી જાતને નાખુશ થવાથી બચાવવા માંગો છો કારણ કે તે ખૂબ જ વધારે હશે. તે બેભાન રીતે હોઈ શકે છે; તે લાગણીને સભાનપણે અવરોધિત કરવાની જરૂર નથી. આપણે તેને એવી રીતે નકારી કાઢવા માંગીએ છીએ કે જાણે તે કંઈક બાહ્ય વસ્તુ છે જે અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ, એવા લોકો પણ છે જે વિચારે છે કે તેઓ ખુશ રહેવાને લાયક નથી. વસ્તુઓ સારી રીતે ચાલી રહી હશે પરંતુ તેઓ વિચારે છે કે તેમને ખુશ ન રહેવું જોઈએ કારણ કે તેઓ મૂળભૂત રીતે સારા નથી. પછી એવા લોકો પણ છે જેઓ તટસ્થતા અનુભવી શકતા જ નથી, તેમને હંમેશા મનોરંજિત રેહવું પડે છે, જેમ કે સતત સંગીત સાંભળવું. તેમને લાગે છે કે તે તેમનું મનોરંજન કરશે અને તેમને ખુશ કરશે, અને તેથી તેઓ મૌનની તટસ્થ લાગણીથી ડરે છે. આમ, એક અર્થમાં, આપણે ઘણીવાર લાગણીઓથી ડરીએ છીએ. શા માટે? ફક્ત એટલા માટે કે આપણે તેને મોટી વસ્તુ બનાવીએ છીએ, અને તેમના મહત્વને અતિશયોક્તિ કરીએ છીએ. પરંતુ લાગણીઓ જીવનનો એક સંપૂર્ણપણે સામાન્ય ભાગ છે; તે જ કુદરતી રીત છે જેનથી આપણે દરેક ક્ષણનો અનુભવ કરીએ છીએ. તે જ આપણને વિડિઓ કેમેરાથી અલગ બનાવે છે, તેથી કંઈ ખાસ નથી. તે સરળ લાગે છે, પરંતુ તે એટલું સરળ નથી.
આપણી બારી પરના જંગલી પક્ષીનું ઉદાહરણ
આપણને એક નાજુક સંતુલનની જરૂર છે. અલબત્ત, આપણે ખુશ રહેવાનું પસંદ કરીએ છીએ, પરંતુ તેની સાથે આપણે એવી લાગણી અનુભવી શકીએ છીએ કે આપણી પાસે જે પણ ખુશી છે તેનો નાશ ન કરવો જોઈએ, અને તેથી આપણે તેને વળગી રહીએ છીએ અને તેના વિશે અસુરક્ષિત અનુભવીએ છીએ. આપણા પોતાના અનુભવથી, આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે ખુશી છે તે ચોક્કસપણે જતી રહેશે. તે ટકતી નથી કારણ કે જીવનનો સ્વભાવ જ એ છે કે તે ઉપર-નીચે થતી રહે છે. જો આપણે આ જાણીએ, તો ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. તે જ્યાં સુધી ખુશી રહે છે ત્યાં સુધી આપણને તેનો આનંદ માણવા માટે મુક્ત કરે છે.
આ માટે હું એક સુંદર ઉદાહરણનો ક્યારેક ઉપયોગ કરું છું. કલ્પના કરો કે એક ખૂબ જ સુંદર જંગલી પક્ષી આપણી બારી પાસે આવે છે અને થોડા સમય માટે ત્યાં રહે છે. હવે, આપણે ફક્ત પક્ષીની સુંદરતાનો આનંદ માણી શકીએ છીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે તે જંગલી છે અને તે ઉડી જશે. જો આપણે તેને પકડીને પાંજરામાં મૂકવાનો પ્રયાસ કરીશું, તો તે પક્ષી ખૂબ જ નાખુશ થશે. તેને પકડવાની પ્રક્રિયામાં, પક્ષી ડરી જશે, ઉડી જવાનો પ્રયાસ કરશે અને ક્યારેય પાછું નહીં આવે. પરંતુ, જો આપણે તેના વિશે હળવા રહીએ અને પક્ષી ત્યાં હોય ત્યારે તેની સુંદરતાનો આનંદ માણીએ, તો કોઈ ડરશે નહીં કે નાખુશ નહીં થાય, અને તે કદાચ ફરીથી પાછો આવશે.
ખુશી ખરેખર આવી જ હોય છે, ખરું ને? આપણને ખરેખર ગમતા લોકો સાથે પણ આવું જ હોય છે. જ્યારે તેઓ મળવા આવે છે, ત્યારે તેઓ પોતાનો કોટ ઉતારે તે પહેલાં જ આપણે ઘણીવાર એવું વલણ રાખીએ છીએ કે "તમે વધુ સમય કેમ નથી રહેતા?". "તમે ફરી ક્યારે આવશો?" આ પ્રકારની વસ્તુ. આપણે આપણી ખુશીનો નાશ કરવાની આ એક લાક્ષણિક રીત છે.
કંઈ ખાસ નથી. બિલકુલ કંઈ ખાસ નથી. એક પક્ષી આપણી બારી પાસે આવે છે; એક મિત્ર આપણને મળવા આવે છે; આપણો મિત્ર ફોન કરે છે - કંઈ ખાસ નથી. બસ, તે હોય ત્યાં સુધી એનો આનંદ માણો, કારણ કે એનો અંત આવશે જ. તો તમે શું અપેક્ષા રાખો છો? હા, આપણે ખુશ રહેવા માંગીએ છીએ. જ્યારે આપણે નાખુશ હોઈએ છીએ, ત્યારે એને આપણે જે અનુભવી રહ્યા છીએ એવી રીતે સ્વીકારો. એમાં પણ કંઈ ખાસ કે આશ્ચર્યજનક નથી. એ નાખુશી પણ પસાર થઈ જશે. જ્યારે તમે એને દૂર ધકેલવાનો પ્રયાસ કરો છો, ત્યારે એ એને વધુ ખરાબ કરશે.
તેથી આપણે આપણી લાગણીઓનું વિશ્લેષણ કરી શકીએ છીએ અને ચકાસી શકીએ છીએ કે આપણે ખરેખર શેનાથી ડરીએ છીએ. શું મને નાખુશ થવાનો ડર છે? શું મને ખુશ થવાનો ડર છે કારણ કે હું તેને લાયક નથી? શું મને તટસ્થ થવાનો ડર છે કારણ કે પછી કંઈ જ નથી? આપણે શેનાથી ડરીએ છીએ?
મેં સંવેદનશીલતા તાલીમ નામની એક કસરત વિકસાવી છે, અને તેમાંથી એક કસરત લોકોને લાગણીઓના ડરને દૂર કરવામાં મદદ કરે છે. તે સરળ છે; તમે તમારા હાથને ગલીપચી કરો છો, પછી તેને ચપટી કરો, અને પછી તેને પકડી રાખો. એક સારી લાગણી છે, બીજી એટલી સરસ નથી, અને એક ફક્ત તટસ્થ છે. પરંતુ તેમાંના કોઈપણમાં કંઈ ખાસ નથી, ખરું ને? તે ફક્ત લાગણીઓ છે. તો શું? આ પ્રકારનું વલણ છે જે આપણે વિકસાવવાની જરૂર છે. હું સારા મનોભાવમાં નથી - તો શું? તે કંઈ ખાસ નથી. આપણે સ્વીકારીએ છીએ કે આપણે ખરાબ મનોભાવમાં છીએ અને જો તેને સુધારવા માટે કંઈક કરી શકીએ છીએ, તો શા માટે નહીં? જો એવું નથી, તો આપણે ફક્ત તેનો સામનો કરીએ છીએ. વાસ્તવમાં, તમારે ખરેખર તેનો સામનો કરવાની પણ જરૂર નથી, તમે ફક્ત આગળ વધી શકો છો અને તમે જે કરી રહ્યા છો તે કરવાનું ચાલુ રાખી શકો છો. જો આપણે ખરેખર તે લાગણીનો અનુભવ કરવાની રીત બદલવા માંગતા હોઈએ છીએ, તો આપણે તેના પ્રત્યેના આપણા વલણને બદલવાની અન્ય રીતો પર વિચાર કરવાની જરૂર છે.
આ, "કંઈ ખાસ નથી," એ પહેલું સ્તર છે. હું જે અનુભવું છું તેમાં ખાસ કંઈ નથી, અને એવો કોઈ "હું" નથી જે આ લાગણીઓથી અલગ હોય, અને જેને આપણે રક્ષણ આપવાની જરૂર હોય. ઉતાર-ચઢાવ આવે છે, જીવન આ રીતે જ ચાલે છે.
મારા વિશે કંઈ ખાસ નથી
"લાગણીમાં કંઈ ખાસ નથી" સાથે જોડાયેલું છે "મારા વિશે અને હું હવે જે અનુભવી રહ્યો છું તેમાં કંઈ ખાસ નથી." આ તે વિષયમાં આવે છે જેને આપણે બૌદ્ધ ધર્મમાં "સ્વ-વ્હાલ" કહીએ છીએ. આપણે બધું જ સ્વ-વ્હાલના સંદર્ભમાં અનુભવીએ છીએ. આનો ખરેખર અર્થ શું છે? તેનો અર્થ ફક્ત પોતાના વિશે જ સંપૂર્ણ ચિંતા છે. આપણે આપણી જાત પર અને હાલમાં આપણે શું અનુભવી રહ્યા છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, અને આપણે બીજા બધાને અવગણીએ છીએ: "તેઓ શું અનુભવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. હું નાખુશ છું."
ફરીથી, યુક્તિ એ છે કે આપણે એવું વિચારીએ કે આપણામાં અને આપણે શું વિચારી રહ્યા છીએ તેમાં કંઈ ખાસ નથી. "હું" ને વળગી રહેવાની દ્રષ્ટિએ આપણું મન જેટલું સંકુચિત હોય છે, આપણે ખરેખર એટલા જ નાખુશ થઈએ છીએ. તે એક સ્નાયુ જેવું છે જે ખૂબ જ કડક અને તંગ છે. આપણું મન આ જેવું છે - "હું, હું, હું" - પરંતુ જો આપણે આ ગ્રહ પરના સાત અબજ માણસો અને અસંખ્ય પ્રાણીઓ વિશે વિચારીએ, તો આપણે જે અનુભવીએ છીએ તે કંઈ ખાસ નથી. દરેક વ્યક્તિ હમણાં કંઈક અનુભવી રહ્યું છે. કેટલાક ખુશી અનુભવી રહ્યા છે, કેટલાક નાખુશી અને કેટલાક તટસ્થ (તેઓ ઊંઘી રહ્યા હોઈ શકે છે!), અને દરેક વ્યક્તિ સાથે, તે સતત બદલાતું રહે છે. આ રીતે જોતાં, મારામાં અને હું હમણાં શું અનુભવી રહ્યો છું એમાં શું ખાસ છે?
જેમ કે જ્યારે તમે ભયંકર ટ્રાફિક જામમાં હોવ છો. શું તમને લાગે છે કે તે ટ્રાફિક જામમાં બીજા બધા ખૂબ જ સરસ અને ખરેખર ખુશ સમય પસાર કરી રહ્યા છે? આપણે જેટલું વધુ વિચારીએ છીએ, "હું, હું, હું - હું અહીં છું અને હું ફસાઈ ગયો છું અને હું બહાર નીકળી શકતો નથી, કેટલું ભયાનક!" આપણે એટલા જ વધુ નાખુશ થઈએ છીએ, ખરું ને? જો તમે ટ્રાફિક જામમાં રહેલા દરેક વ્યક્તિ વિશે વિચારો છો, તો તે આપમેળે તમારું મન વધુ ખુલ્લું, વધુ હળવો બને છે.
મને યાદ છે કે આજે જ્યારે અમે અહીં આવી રહ્યા હતા, ત્યારે ટ્રાફિક બિલકુલ બિલકુલ હલતો ન હતો, અને એક બાજુની શેરી હતી જેમાં બધી ગાડી અમે જે રસ્તા પર હતા તે રસ્તા પર ટ્રાફિકની લાઇનમાં જોડાવા માંગતા હતા. આ ગાડી અમારી લેન પાર કરીને બીજી દિશામાં જતી લેનમાં જવા માંગતી હતી, જે પણ આગળ વધી નહોતી રહી, અને કોઈક રીતે અમારી દિશામાં આવતી વિવિધ લેનમાંથી પસાર થઈને બીજી બાજુ જવા માંગતી હતી. અલબત્ત, લોકોએ તેમને પસાર થવા દીધા નહીં, અને તમે વિચારો છો, "હે ભગવાન, તેઓ કેવી રીતે પસાર થશે?" તેઓ પોતાનો રસ્તો બનાવવાનું શરૂ કરે છે અને ગાડીના ટોચને અંદર ચોંટાડવાનું શરૂ કરે છે, વગેરે, અને તે ખરેખર ખૂબ જ રસપ્રદ બનવા લાગે છે. પછી અમારી સામેનો વ્યક્તિ, જ્યારે તે આગળ વધી શકતો હતો, ત્યારે પણ તે તેના ફોન પર વાત કરી રહ્યો હતો અને ધ્યાન આપી નહોતો રહ્યો. તેથી તે આગળ વધી નહોતો રહ્યો, અને પછી પાછળની ગાડી તેના વિશે ખૂબ જ ગુસ્સે થઈ રહી હતી.
આ બધું ચાલી રહ્યું હોય ત્યારે, અચાનક, તમે આ વિશે વિચારતા નથી: "બિચારો, હું આ ટ્રાફિકમાં ફસાઈ ગયો છું." તે એક આખું નાટક જેવું બની જાય છે જે તમે જોઈ રહ્યા છો. "તેઓ પોતાનો રસ્તો કેવી રીતે બનાવશે? તેઓ પોતાનો રસ્તો કેવી રીતે શોધશે?" એવું વિચારીને તમે ફક્ત તમારા વિશે જ વિચારતા નથી. તમે તમારો વલણ બદલ્યો છે. તમે "હું" માંથી મોટી વસ્તુ નથી બનાવી રહ્યા. અને જ્યારે આપણે "હું" માંથી આટલી મોટી વસ્તુ બનાવાનું બંધ કરીએ છીએ - "હું ખૂબ ખાસ છું. હું આ ટ્રાફિકમાં ખાસ છું" - ત્યારે પરિસ્થિતિનો અનુભવ કરવાની આખી રીત બદલાઈ જાય છે. તેના વિશે વિચારો.
સ્વ-વ્હાલની સમસ્યા
કુનુ લામા નામના એક મહાન તિબેટી શિક્ષકે એક કસરત સૂચવી જે ખૂબ જ મદદરૂપ છે. તેમણે કહ્યું કે એક બાજુ તમારી જાતને કલ્પના કરો અને બીજી બાજુ બીજા બધાને, અને તેને અલગથી જુઓ, એક નિરીક્ષક તરીકે. આ ચિત્રની એક બાજુ "હું" નાખુશ છે, પણ બીજી બાજુ બીજા બધા પણ નાખુશ છે. અથવા તમે ટ્રાફિકમાં ફસાયેલા છો અને આ બધા લોકો પણ. હવે, તે તટસ્થ નિરીક્ષક તરીકે, કોણ વધુ મહત્વનું છે? એક વ્યક્તિ, "હું", બધાથી આગળ વધવા માટે દબાણ કરી રહ્યું છે એ, કે ટ્રાફિકમાં ફસાયેલી આખી ભીડ? કૃપા કરીને તે પ્રયાસ કરો.
દેખીતી રીતે, એક વ્યક્તિ કરતાં મોટો સમૂહ વધુ મહત્વપૂર્ણ છે, ખરું ને? આનો અર્થ એ નથી કે આપણે કંઈ નથી. વાસ્તવમાં, જો આપણે દરેકની કાળજી રાખીએ છીએ અને તેની ચિંતા કરીએ છીએ, તો આપણે તે "બધા" માં સમાવિષ્ટ છીએ. તે ફક્ત એટલું જ છે કે આપણે બીજા બધા કરતા વધુ ખાસ નથી, ખાસ કરીને આપણી લાગણીઓની દ્રષ્ટિએ.
તો, સમસ્યા સ્વ-વ્હાલનો છે, આ સતત "હું, હું, હું. હું ખૂબ જ મહત્વપૂર્ણ છું." જ્યારે આપણે નાખુશ હોઈએ છીએ, એવું વિચારીએ છીએ કે આ વાદળ આપણા પર છવાયેલું છે અને એક "હું" તેનાથી અલગ છે, ત્યારે આ "મારું" સ્વ-મહત્વ છે. જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, ત્યારે પણ તે બધું "હું, હું, હું" છે. આપણે નથી ઇચ્છતા કે કોઈ મોટો કૂતરો આવીને આપણા હાડકાને લઈ જાય. પછી ક્યારેક આપણે છે, "હું, હું, હું. મને કંઈ લાગતું નથી. મારું મનોરંજન નથી થયી રહ્યું. મને મનોરંજનની જરૂર છે."
બીજાઓને વ્હાલ કરવા માટે ખૂલવું
આ સ્વ-વ્યાકુળતા, જે "હું" અને હું શું અનુભવું છું તેના પર મર્યાદિત રીતે કેન્દ્રિત છે, તે સમસ્યા છે. આપણે જે કરવાનું છે તે છે આ દ્રષ્ટિકોણ બદલવો, દરેકના સંદર્ભમાં વિચારવું અને દરેકના સંદર્ભમાં પ્રેરણા રાખવી: "હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ આ ટ્રાફિકમાંથી બહાર નીકળી શકે." જો તમે તેના વિશે વિચારો છો, તો આપણે એકલા ટ્રાફિકમાંથી કેવી રીતે બહાર નીકળી શકીએ? ટ્રાફિક દૂર થવો જોઈએ, અને તેમાં દરેકનો સમાવેશ થાય છે. જો તમારી ચિંતામાં દરેકનો આટલો મોટો વિસ્તાર હોય, તો આપણે વધુ હળવા રહીશું. આપણે ટ્રાફિકમાં ફસાઈ જવાથી એટલા ઉદાસ કે નિરાશ નથી થતા. અને જ્યારે આપણે આખરે તે ટ્રાફિકમાંથી બહાર નીકળીએ છીએ, ત્યારે ફક્ત એવું ન વિચારો કે, "અરે અદ્ભુત, હું બહાર નીકળી ગયો!" પરંતુ "આ અદ્ભુત છે, દરેક વ્યક્તિ જ્યાં જઈ રહી હતી ત્યાં પહોંચી ગયા." પછી આપણે તે ખુશીને એવી રીતે વળગી રહેતા નથી કે જાણે કોઈ આપણી પાસેથી હાડકું છીનવી લેશે.
આને જ આપણે કરુણા કહીએ છીએ, જેનો અર્થ છે બીજાના નાખુશી વિશે વિચારવું, જે રીતે આપણે પોતાના નાખુશીની કાળજી રાખીએ છીએ તે જ રીતે તેની કાળજી રાખવી, અને પછી દરેકને તે નાખુશીને દૂર કરવામાં મદદ કરવાની જવાબદારી લેવી - ભલે તે કંઈ ખાસ ન હોય. દુનિયામાં ચાલી રહેલી બધી ભયાનકતાઓ વિશે વિચારીને હતાશ થવાનો કોઈ અર્થ નથી. આ સ્વાભાવિક છે અને હંમેશા બને છે; પરંતુ તેમ છતાં, જો દરેક વ્યક્તિ ખુશ હોય તો તે વધુ સારું છે, ખરું ને?
જ્યારે તમે સ્વેચ્છાએ જવાબદારીની ભાવના લો છો, ત્યારે વિચાર કરો છો કે "હું દરેકની ચિંતા કરીશ અને ઈચ્છું છું કે દરેક વ્યક્તિ તેમના વેદનામાંથી મુક્ત થાય," ત્યારે આપણે હિંમત અને આત્મવિશ્વાસની પ્રચંડ ભાવના વિકસાવીએ છે. આ એવી વાત છે જેના વિશે પરમ પવિત્ર દલાઈ લામા ઘણી વાર વાત કરે છે. જો આપણે ફક્ત પોતાના અને પોતાના નાખુશી વિશે જ વિચારીએ, તો આપણે ખરેખર ખૂબ જ નબળા છીએ. પરંતુ બીજા બધા અને તેમના નાખુશી વિશે સ્વેચ્છાએ વિચારવા માટે ઘણી શક્તિની જરૂર પડે છે. તે બિલકુલ નબળાઈની નિશાની નથી, પરંતુ શક્તિની નિશાની છે જે અવિશ્વસનીય આત્મવિશ્વાસ વિકસાવે છે. આ સકારાત્મક વલણ આપમેળે ખુશીની લાગણી તરફ દોરી જાય છે. "અરે હું બિચારો છું, હું તો ટ્રાફિકમાં ફસાઈ ગયો છું" એવું કંઈ નથી. તેના બદલે, આપણે ટ્રાફિક જામમાં ફસાયેલા દરેક વ્યક્તિ વિશે વિચારીએ છીએ, ખરેખર ઈચ્છીએ છીએ કે તેઓ બધા તેમાંથી મુક્ત થાય. ટ્રાફિક જામમાં રહેલા દરેક વ્યક્તિ વિશે વિચારવું વધુ હિંમતવાન છે, અને પછી આપણને આપણા વિશે પણ વધુ સકારાત્મક લાગણી ઉદભવે છે. આપણે નબળા નથી કે ટ્રાફિકથી દબાયેલા નથી; આપણે મજબૂત છીએ.
જો આપણે ટ્રાફિકમાં ફસાયેલા બીજા લોકો વિશે વિચારીએ અને ફક્ત પોતાના વિશે જ નહીં, તો તે પરોક્ષ રીતે બીજાઓને પણ મદદ કરે છે. ઉદાહરણ તરીકે, આપણે આક્રમક નહીં બનીએ અને સતત હોર્ન નહીં વગાડીએ (જે સ્પષ્ટપણે અર્થહીન છે કારણ કે કોઈ એમ પણ આગળ વધી શકતું નથી). જ્યારે બાજુની શેરીમાંથી તે ગાડી ઘૂસીને આપણને કાપી નાખે છે, ત્યારે આપણે કોઈ અશ્લીલ ભાષા બોલવા માટે બારી ખોલીશું નહીં. પછી આપણે બંને શાંત રહીએ છીએ. પરંતુ, આપણે વધારે પ્રભાવ પાડી શકતા નથી.
આ એક સરળ ઉદાહરણ છે કે આપણે આપણા વલણને કેવી રીતે બદલી શકીએ છીએ, જીવનના કુદરતી ઉતાર-ચઢાવનો અનુભવ કરવાની ગુણવત્તા કેવી રીતે બદલી શકીએ છીએ. આપણે ખૂબ જ ખાસ છીએ અને આપણે જે અનુભવીએ છીએ તે ખૂબ જ ખાસ છે તે લાગણીને દૂર કરવા અને દરેક પરિસ્થિતિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે ફક્ત અભ્યાસ અને થોડી હિંમતની જરૂર છે.
ગુસ્સાનો સામનો કરવો
જો આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા હોઈએ અને કોઈ આપણને કાપી નાખે, તો આપણને બેકાબૂ ગુસ્સો આવી શકે છે. આપણું વલણ બદલવાનો બીજો રસ્તો એ છે કે આ પરિસ્થિતિના કારણો વિશે વિચારીએ, જેમ કે ડ્રાઇવરનું બાળક બીમાર હોઈ શકે છે અને તે હોસ્પિટલ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આપણને ખૂબ શાંત થવામાં મદદ કરી શકે છે.
પરંતુ વાત એ છે કે ગુસ્સાના આ શરૂઆતના ભડકા હજુ પણ હંમેશા ચાલુ રહે છે. ગુસ્સાની વૃત્તિઓ અને આદતોને દૂર કરવા માટે આ ખરેખર લાંબી પ્રક્રિયા છે. આ ઉદાહરણની જેમ, ઉતાવળમાં રહેલી વ્યક્તિ પાસે આવું કરવાનું સારું કારણ હશે તેવું વિચારીને, આપણું વલણ બદલવું એ ગુસ્સાનો સામનો કરવાનો એક કામચલાઉ રસ્તો છે. ગુસ્સાના મૂળને બહાર કાઢવા માટે આપણે ઘણું, ઘણું ઊંડાણમાં જવું પડશે, જે આપણે પોતાને અને અન્ય લોકોને કેવી રીતે સમજીએ છીએ તેની સાથે સંબંધિત છે.
આપણે જીવનમાં બનેલી એક નાની ઘટનાથી જ પોતાને અને બીજાઓને ઓળખી કાઢીએ છીએ. દાખલા તરીકે, આપણે ટ્રાફિકમાં રહેલી આ વ્યક્તિને એક ભયંકર વ્યક્તિ તરીકે જોઈએ છીએ જે મને કાપવાનો પ્રયાસ કરી રહ્યો છે, અને આપણે તે વ્યક્તિ વિશે ફક્ત એટલું જ વિચારીએ છીએ. તેથી આપણે તેમને તેમના જીવનમાં બનેલી એક જ ઘટનાથી ઓળખીએ છીએ, ખાસ કરીને જ્યારે તેમાં કોઈક રીતે આપણે પણ સામેલ હોઈએ છીએ. આપણે તેમને એક મજબૂત ઓળખ આપીએ છીએ, જેમ આપણે આપણા વિશે કરીએ છીએ. પછી આ મજબૂત "હું" છે જે ગુસ્સે છે.
આપણે આને એટલી હદે ઢીલું કરવાનો પ્રયાસ કરવો પડશે કે આપણે તેમને કે પોતાને કોઈ પણ વસ્તુ સાથે ન ઓળખીએ. પરંતુ આ એક ઊંડી અને લાંબી પ્રક્રિયા છે. કોઈના સ્થિર ચિત્ર વિશે વિચારો. તે એ વ્યક્તિની જીવનનો એક ક્ષણ છે, પરંતુ તેમના વિશે બધું જ નથી. તેથી આપણે પોતાને, આપણા જીવનને અને અન્ય લોકોને સ્થિર ચિત્રના સંદર્ભમાં જોવાનું બંધ કરવાની જરૂર છે. બધું જ હમેશા બદલાતું રહે છે. અને એકવાર આપણે વસ્તુઓ પ્રત્યેના આપણા ભ્રામક દૃષ્ટિકોણને ઢીલો કરી લઈએ, પછી આપણે તેની આદત પાડી લેવાની જરૂર છે, કારણ કે વૃત્તિ હંમેશા કડક થવાની હોય છે. આખરે ગુસ્સો, ઈર્ષ્યા કે જે કંઈ પણ હોય તેની કડકતા ફરીથી ન આવે તે સંપૂર્ણપણે શક્ય છે.
ખુશ રહેવામાં કંઈ ખોટું નથી
આપણી લાગણીઓ કે આપણી પોતાનું કંઈ ખાસ ન બનાવવું અને કોઈના પર, જેમાં આપણી જાતનો પણ સમાવેશ થાય છે, સ્થિર, મર્યાદિત ઓળખ ન પ્રક્ષેપિત કરવી આ તાલીમ આપણા જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો ખૂબ સરળ બને છે, અને તેથી જીવન એટલું સંઘર્ષપૂર્ણ નથી રહેતું. આપણે ભાવનાત્મક રીતે વધુ સંતુલિત અને ખુશ વ્યક્તિ બનીએ છીએ.
એક મોટું ધ્યેય એ છે કે આપણે બીજાઓ વિશે અને તેમની સાથે કેવી રીતે વર્તીએ છીએ એ વિચારીએ. જો આપણે પરિવારમાં રહીએ છીએ અને બાળકો હોય, મિત્રો અને સહકાર્યકરો હોય, જો આપણે હંમેશા ખરાબ મનોભાવમાં હોઈએ અને સતત "હું બિચારો છું" અને તેના જેવી બાબતો વિશે વિચારીએ, તો આપણે તેમને મદદ કરવા માટે ખૂબ જ નબળા સ્થિતિમાં હોઈએ છીએ, અને હકીકતમાં તે તેમને નાખુશ બનાવે છે. તેથી આપણે કોઈક રીતે આપણા મનોભાવનો વધુ ઉત્પાદક રીતે સામનો કરવા માંગીએ છીએ કારણ કે તે અન્ય લોકોને અસર કરશે, તે આપણા પરિવારને અસર કરશે વગેરે, અને આપણે તેમના વિશે ચિંતિત છીએ. તે પોતા પર કામ કરવાનું બીજું કારણ છે.
ખુશી મેળવવાની ઇચ્છા લગભગ એક જૈવિક બાબત છે અને ખુશ રહેવામાં કંઈ ખોટું નથી, અને આપણે ખુશી મેળવવાનો પ્રયાસ કરવાની જરૂર છે. પરંતુ જ્યારે આપણી પાસે તે હોય છે, ત્યારે આપણે તેના સ્વભાવને ઓળખવાની જરૂર છે, એટલે કે તે પસાર થશે, અને તેથી ત્યારે તેનો આનંદ માણો. આપણે તેના વિશે જેટલા વધુ હળવાશ અનુભવીશું, તેટલું જ વારંવાર આપણે ખુશ થઈશું. અને ક્યારેક આપણે નાખુશી અનુભવીશું, પણ તો શું? આપણે શું અપેક્ષા રાખીએ છીએ? કોઈ મોટી વાત નથી. કંઈ ખાસ નથી.
જ્યારે આપણે વિચારીએ છીએ કે જે ચાલી રહ્યું છે તેમાં કંઈ વધુ ખાસ નથી, તો તે પોતે જ ખુશ થવાનો એક વધુ આરામદાયક રસ્તો છે. મુદ્દો એ છે કે આપણે ચિંતિત નથી, આ સતત, ન્યુરોટિક ડ્રાઇવ નથી: "મારે હંમેશા ખુશ રહેવું છે, મારે હંમેશા મનોરંજિત રેહવું છે, હંમેશા બધું મારી રીતે થવું જોઈએ." આ પ્રકારનું વિચારવું ખરેખર અપ્રિય છે. યાદ રાખો કે આપણે શું કહ્યું હતું, ખુશ રહેવું એ જરૂરી નથી કે તમે જે કરી રહ્યા છો તેના અનુરૂપ હોય, તમે એક જ વસ્તુ કરી શકો છો અને જુદા જુદા દિવસોમાં ખુશ, નાખુશ અથવા તટસ્થ અનુભવી શકો છો. તે ફક્ત તમે કઇ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તેની બાબત છે.
હું એક ઉદાહરણ આપીશ. મને દંત ચિકિત્સક પાસે જવાનું ખૂબ ગમે છે, કારણ કે મારા દંત ચિકિત્સક ખૂબ સારા વ્યક્તિ છે, અને અમારી વચ્ચે ખૂબ જ મૈત્રીપૂર્ણ સંબંધો છે, હંમેશા મજાક કરીએ છે વગેરે. ત્યાં જવાનું સુખદ છે કારણ કે હું "મને ખરેખર ચિંતા છે કે તેને તે ડ્રિલ કરવું પડશે અથવા તે કરવું પડશે" પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી. ત્યાં કોઈ બેચેની નથી. હું ખુશીથી તેને જોઉં છું, "અરે સરસ, હું કાલે મારા મિત્રને મળીશ."
તમને લાગશે કે હું થોડો વિચિત્ર છું, પણ એકવાર મેં રૂટ કેનાલનું કામ કરાવ્યું, અને મને ખૂબ મજા આવી. તે રસપ્રદ હતું કારણ કે મારું મોઢું પહોળું ખુલ્લું હતું અને તેઓ વધુને વધુ સાધનો નાખતા રહ્યા, અને હું હસવા લાગ્યો કારણ કે હું કલ્પના પણ કરી શકતો ન હતો કે તેઓ કેટલા વધારે નાખી શકે છે. ધ્યાનમાં રાખો, હું નોવોકેઇન પર હતો, તેથી મને કંઈપણ પીડા અનુભવ નહોતી થતી!
મારો મતલબ છે કે નોવોકેઈનના ઈન્જેક્શનથી પીડા થાય છે, પણ તો શું? શું તમે તેને લેવાનું પસંદ કરશો નહીં અને રુટ કેનાલ દરમિયાન ૩૦ મિનિટ સુધી દુખાવો સહન કરશો અથવા ઈન્જેક્શન લેવા માટે થોડીક સેકન્ડનો દુખાવો સહન કરશો? તમને તે ઈન્જેક્શન મળવાથી ખુશી થશે, ભલે દુઃખાવો થાય , કારણ કે તે ફક્ત થોડા સમય માટે જ છે.
બધું આપણા વલણ પર આધાર રાખે છે. આ વલણ તાલીમ છે. તે કામ કરે છે અને આપણા જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. જો આપણને રૂટ કેનાલની જરૂર હોય, તો શું આપણે ત્રાસ સહન કરીશું કે તે એટલું ખરાબ ન થાય એવું કરશું? આપણે તેનો અનુભવ કરવો પડશે, એનો કોઈ વિકલ્પ નથી, તેથી આપણે તેને શક્ય તેટલો સારો અનુભવ બનાવી શકીએ છીએ. આ તેની પાછળનો સિદ્ધાંત છે.
સારાંશ
સવારે કોઈ પણ વ્યક્તિ સમસ્યાઓ કે વેદનાની ઇચ્છા કરીને ઉઠતું નથી; આપણે જે કંઈ કરીએ છીએ તેનો હેતુ આપણને વધુ ખુશ કરવાનો હોય છે. છતાં, આપણે આ પ્રપંચી ધ્યેય થી ક્યારેય વધુ નજીક આવતા નથી. પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરીને, અને આપણે કોણ છીએ, આપણે શું કરીએ છીએ અને આપણે શું અનુભવીએ છીએ તેનું મહત્વ વધારીને, આપણે કાં તો આપણી ખુશીનો આનંદ માણવામાં નિષ્ફળ થઈએ છીએ અથવા આપણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. બીજાઓ અને તેમની લાગણીઓને વધુ સમાવિષ્ટ કરવા માટે આપણા વલણને તાલીમ આપીને, આપણે જે ઉતાર-ચઢાવમાંથી પસાર થઈએ છીએ તેને વધુ હળવા અને ખુશ અનુભવ બનાવા માટેનો દરવાજો ખોલીએ છીએ.