બોધિચિત્ત વિકસાવવા માટે આપણે બધા પાસે મૂળભૂત કાર્યકારી સામગ્રી છે
"બોધિચિત્ત" એ સંસ્કૃત શબ્દ છે. ભાષાંતર કરવું બહુ સરળ નથી. "ચિત્ત", જે બીજો શબ્દ છે, તેનો અર્થ "મન" થાય છે. પરંતુ જ્યારે આપણે બૌદ્ધ ધર્મમાં મન વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે મન અને હૃદય બંને વિશે વાત કરીએ છીએ. બૌદ્ધ ધર્મમાં આપણે આ બંને વચ્ચે કોઈ ફરક પાડતા નથી જેમ આપણે આપણી પશ્ચિમી વિચારસરણીમાં ફરક લાવવાનું વલણ રાખીએ છીએ. તેથી આપણે ફક્ત આપણી બુદ્ધિ - આપણા મનની તર્કસંગત બાજુ - ને એકાગ્રતા અને સમજણ વગેરે સાથે વિકસાવવાનું લક્ષ્ય રાખતા નથી, પરંતુ વધુમાં, આપણે આપણા હૃદયને વિકસાવવાની જરૂર છે, જેનો અર્થ આપણી સંપૂર્ણ ભાવનાત્મક બાજુ પણ છે, જેથી આપણે બધા બોધિચિત્તના પહેલા શબ્દ સુધી પહોંચી શકીએ: "બોધિ".
અને "બોધિ" એક એવો શબ્દ છે જે ઉચ્ચતમ વિકાસ અને શુદ્ધિકરણની સ્થિતિ દર્શાવે છે. તેથી શુદ્ધિકરણનો અર્થ એ છે કે આપણી પાસે રહેલા તમામ વિઘ્નો અને અવરોધો, માનસિક અવરોધો અને ભાવનાત્મક અવરોધો બંનેથી છુટકારો મેળવવો, અને તેનો અર્થ મૂંઝવણ, સમજણનો અભાવ, એકાગ્રતાનો અભાવ પણ ને દૂર કરવો પણ છે. અને તેનો અર્થ ભાવનાત્મક બાજુ પર શુદ્ધિકરણ પણ છે, આપણી ખલેલ પોંહચાડતી લાગણીઓથી છુટકારો મેળવવો. ખલેલ પોંહચાડતી લાગણીઓમાં ક્રોધ, લોભ, આસક્તિ, સ્વાર્થ, ઘમંડ, ઈર્ષ્યા, ભોળપણનો સમાવેશ થાય છે... એક વિશાળ, લાંબી યાદી છે; આપણે આગળ બોલતા જઈ શકીએ છીએ. આ આપણા જીવનમાં વાસ્તવિક મુશ્કેલી ઉભી કરનારાઓ છે. અને તેથી આપણે જે લક્ષ્ય રાખી રહ્યા છીએ તે છે, આપણા મન અને હૃદય સાથે, આ બધા મુશ્કેલી ઉભી કરનારાઓથી છુટકારો મેળવવાની સ્થિતિ.
આ શબ્દ "બોધિ" ના બીજા પાસાંનો અર્થ "વિકાસ" થાય છે. અને આનો અર્થ એ છે કે આપણા બધા પાસે મૂળભૂત કાર્યકારી સામગ્રી છે - આપણે બધા - આપણી અંદર: આપણા બધાનું શરીર છે. આપણી પાસે વાતચીત કરવાની ક્ષમતા છે. આપણા શરીર સાથે, આપણી પાસે કાર્ય કરવાની, વસ્તુઓ કરવાની ક્ષમતા છે. અને આપણા બધા પાસે મન (વસ્તુઓ સમજવાની ક્ષમતા) અને હૃદય (લાગણીઓ, અન્ય લોકો પ્રત્યે હૂંફ અનુભવવાની ક્ષમતા) અને બુદ્ધિ (શું મદદરૂપ છે અને શું નુકસાનકારક છે તે વચ્ચે તફાવત કરવાની ક્ષમતા) છે.
તો આપણી પાસે આ બધા પરિબળો છે, આ બધા સારા ગુણો છે, અને આપણે તેમની સાથે શું કરીએ છીએ તે આપણા પર નિર્ભર છે. આપણે તેનો ઉપયોગ આપણા વર્તન, બોલવાની રીત, વિચારવાની રીત દ્વારા પોતાને અને બીજાઓને સમસ્યાઓ ઉભી કરવા માટે કરી શકીએ છીએ. અથવા આપણે તેનો ઉપયોગ આપણા અને બીજાઓને લાભ અને વધુ ખુશી આપવા માટે કરી શકીએ છીએ. જો આપણે જે રીતે કાર્ય કરીએ છીએ, વાતચીત કરીએ છીએ અને વિચારીએ છીએ તે મૂંઝવણ અને ખલેલ પહોંચાડતી લાગણીઓના પ્રભાવ હેઠળ છે, તો અલબત્ત આ સમસ્યાઓ પેદા કરે છે. જ્યારે આપણે ગુસ્સાના પ્રભાવ હેઠળ કાર્ય કરીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર એવા કાર્યો કરીએ છીએ જેનો પાછળથી આપણને પસ્તાવો થાય છે, ખરું ને? જ્યારે આપણે સ્વાર્થી વર્તન કરીએ છીએ, ત્યારે ઘણીવાર તે મોટી સમસ્યાઓ પેદા કરે છે. કોઈને સ્વાર્થી વ્યક્તિ પસંદ નથી.
આ એક બાજુ છે. બીજી બાજુ એ છે કે જો આપણે સકારાત્મક ગુણો - જેમ કે પ્રેમ, કરુણા, બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ - પર આધારિત કાર્ય કરીએ, વાતચીત કરીએ અને વિચારીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે આ આપણને જીવનમાં વધુ ખુશી, વધુ સંતોષ લાવે છે: બીજાઓ આપણને પસંદ કરે છે; તે બીજાઓને વધુ સારો લાભ લાવે છે. ઉદાહરણ તરીકે, આપણે આપણા મિત્રો સાથેના સંબંધોમાં આ ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. જો આપણે હંમેશા તેમની ટીકા કરીએ છીએ અને તેમના પર ગુસ્સે થઈએ છીએ, તો કોઈને ખરેખર આપણી સાથે રહેવાનું પસંદ નથી. પરંતુ જો આપણે તેમના પ્રત્યે દયાળુ રહીએ છીએ અને તેમની સાથે સારો વ્યવહાર કરીએ છીએ, તો અલબત્ત તેઓ આપણી સંગતનો આનંદ માણે છે. આપણે આપણી પાલતુ બિલાડી અને કૂતરા સાથે જે રીતે વર્તે છે તેમાં પણ આ જોઈ શકીએ છીએ: તેઓ પણ હંમેશા બૂમો અને ઠપકો મળે એવું પસંદ નથી કરતા; તેઓ માંગે છે કે આપણે તેમના જોડે સારી રીતે વર્તીએ. તેથી આપણી પાસે રહેલી આ મૂળભૂત કાર્યકારી સામગ્રીનો વિકાસ થઈ શકે છે. આપણે તેમને વધુને વધુ સકારાત્મક રીતે વિકસાવી શકીએ છીએ.
તો બોધિચિત્ત એ આપણા મન અને હૃદયની એક સ્થિતિ છે - એક પરિસ્થિતિ, એક સ્થિતિ - જે બોધિની આ સ્થિતિને લક્ષ્યમાં રાખે છે. તે આ સ્થિતિને લક્ષ્યમાં રાખે છે જેમાં આ બધી ખામીઓ, આ બધી મુશ્કેલી ઉભી કરનારાઓ જે આપણી અંદર છે, તે કાયમ માટે સંપૂર્ણપણે દૂર થઈ જાય છે, અને આપણા બધા સકારાત્મક ગુણો શક્ય તેટલી સંપૂર્ણ સ્થિતિમાં વિકસિત થાય છે. આ એક બહુ અસાધારણ વસ્તુ છે - મન અને હૃદયની સ્થિતિ - મેળવી.
અને તે ખૂબ જ સકારાત્મક લાગણીઓ દ્વારા લાવવામાં આવે છે. આ લાગણીઓ શું છે? મૂળભૂત રીતે, આપણે આ સ્થિતિ ફક્ત એટલા માટે નથી ઇચ્છતા કારણ કે તે સૌથી ઉચ્ચ છે અને હું સૌથી ઉચ્ચ બનવા માંગુ છું. તે ફક્ત એટલા માટે નથી કારણ કે હું સૌથી વધુ ખુશ બનવા માંગુ છું અને આ સૌથી વધુ ખુશી છે જે હું બની શકું છું. પરંતુ આપણે બીજા બધા વિશે વિચારીએ છીએ, વિશ્વના બધા અસંખ્ય જીવો: મનુષ્યો, પ્રાણીઓ, ગમે તે. અને આપણે સમજીએ છીએ કે આપણે બધા એકસરખા છીએ એ અર્થમાં કે દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે, કોઈ પણ નાખુશ થવા માંગતું નથી. પ્રાણીઓ માટે પણ આ સાચું છે, ખરું ને? અને દરેક વ્યક્તિ પોતાના અને પોતાના પ્રિયજનો માટે ખુશી લાવવા માટે પોતાની રીતે પ્રયાસ કરે છે. પરંતુ, કમનસીબે, આપણામાંથી મોટાભાગના લોકો ખરેખર જાણતા નથી કે ખુશી શેનાથી આવશે. અને આપણે વિવિધ વસ્તુઓનો પ્રયાસ કરીએ છીએ, અને ઘણીવાર તે ખુશી કરતાં વધુ સમસ્યાઓ પેદા કરે છે. આપણે બીજા કોઈ માટે કંઈક સરસ ખરીદીએ છીએ - ભેટ - અને તેમને તે ગમતું નથી. તે, ખૂબ જ સરળ છે. દરેકને ખુશ કરવું મુશ્કેલ છે, ખરું ને? પરંતુ, કોઈ પણ સંજોગોમાં, આપણે પ્રયાસ કરવાની જરૂર છે.
બીજાઓને શ્રેષ્ઠ લાભ કરી શકાય તેવા હેતુથી જ્ઞાન પ્રાપ્તિનો ઉદ્દેશ
અલબત્ત, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણો ઇરાદો શું છે; આપણે બીજાઓને મદદ કરવા માંગીએ છીએ: જો દરેક વ્યક્તિને તેમની સમસ્યાઓ અને આ સમસ્યાઓના કારણોથી મુક્તિ મળે તો તે કેટલું અદ્ભુત હશે. કરુણાનો અર્થ એ જ છે. કરુણા એ ઈચ્છા છે કે બીજા લોકો તેમના વેદના અને વેદનાના કારણોથી મુક્ત થાય.
અને જો બધા ખુશ રહે અને બધા પાસે ખુશીના કારણો હોય તો તે કેટલું અદ્ભુત હશે. બૌદ્ધ ધર્મમાં પ્રેમની આ વ્યાખ્યા છે. પ્રેમ કંઈક પાછું મેળવવા પર આધારિત નથી, તેમના માટે - "જો તમે મને પ્રેમ કરો છો તો હું તમને પ્રેમ કરીશ." એવું નથી. તે બીજી વ્યક્તિ કેવી રીતે વર્તે છે તેના પર આધારિત નથી - "જો તમે સારા છોકરો કે સારી છોકરી છો તો હું તમને પ્રેમ કરીશ. જો તમે તોફાની છો, તો હું તમને હવે પ્રેમ કરતો નથી." બીજાઓ કેવું વર્તન કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તે મુદ્દો નથી. મુદ્દો એ છે કે જો બધા ખુશ રહી શકે તો તે ખૂબ સારું રહેશે. તો તે પ્રેમ છે.
અને જો હું દરેક માટે આ ખુશી લાવવા માટે કંઈક મહત્વપૂર્ણ કરી શકું અને તેમને તેમના નાખુશી અને સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકું તો કેટલું સારું થશે. હવે હું ખૂબ જ મર્યાદિત છું: મને મૂંઝવણ છે, મને ખલેલ પહોંચાડતી લાગણીઓ છે, હું ઘણીવાર આળસુ છું, અને નોકરી શોધવામાં, જીવનસાથી શોધવામાં સમસ્યાઓ છે... જીવનમાં આપણે બધા જે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. પરંતુ જો હું એવી સ્થિતિ પ્રાપ્ત કરી શકું જેમાં આ બધી ખામીઓ, આ બધી મુશ્કેલીઓ, મારામાં કાયમ માટે દૂર થઈ જાય, અને જો હું મારી સંપૂર્ણ ક્ષમતાઓ સુધી પહોંચી શકું, તો હું દરેકને મદદ કરવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં હોઈશ.
તો અહીં બોધિચિત્તનો હેતુ એ છે કે આપણે આપણી ભાવિ સ્થિતિ જેને આપણે "જ્ઞાન પ્રાપ્તિ" કહીએ છીએ, તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, અને તે સ્થિતિ સુધી પહોંચવા માટે આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનો ઇરાદો રાખીએ છીએ, આ જ્ઞાન પ્રાપ્તિ ની સ્થિતિ મેળવાના માર્ગ પર આપણે બધાને શક્ય તેટલા વધુ લાભદાયી બનવાના હેતુ જોડે, અને એકવાર આપણે તે શક્ય તેટલી સંપૂર્ણ અવસ્થા સુધી પ્રાપ્ત કરી લઈએ પછી પણ.
હવે, આપણામાંથી કોઈ પણ સર્વશક્તિમાન ભગવાન બની શકે નહીં; તે શક્ય નથી. જો તે શક્ય હોત, તો હવે કોઈને પણ વેદના ન હોત. પરંતુ આપણે ફક્ત આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરી શકીએ છીએ. પરંતુ બીજાઓ ગ્રહણશીલ અને મદદ માટે ખુલ્લા હોવા જોઈએ. અને ભલે આપણે બીજાઓને સ્પષ્ટ રીતે સમજાવી શકીએ, બીજાઓએ તે પોતે સમજવું પડશે; આપણે તેમના માટે તે સમજી શકતા નથી, ખરું ને? આપણે સારી સલાહ આપી શકીએ છીએ, પરંતુ બીજાઓએ તે લેવી પડશે.
તો આપણે જે લક્ષ્ય રાખી રહ્યા છીએ તે એ છે કે બીજાઓને મદદ કરવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં રહેવું, પરંતુ એ વાસ્તવિક વિચાર સાથે કે - અને સમજણ - કે તેમને ખરેખર મદદ મળે છે કે નહીં તે તેમના પ્રયત્નો પર નિર્ભર છે. પરંતુ જો આપણે એવી સ્થિતિમાં પહોંચીએ જ્યાં આપણી બધી મૂંઝવણ દૂર થઈ જાય, તો આપણને બીજાઓને મદદ કરવાનો સૌથી અસરકારક રસ્તો શું હશે તે સમજવાની શ્રેષ્ઠ શક્યતા રહેશે; આપણે સમજીશું કે કોઈ વ્યક્તિ હાલમાં જે સ્થિતિમાં છે તેમાં કયા પરિબળો સામેલ છે.
આપણે બધા ઘણી બધી બાબતોથી પ્રભાવિત થઈએ છીએ - આપણા પરિવારથી, આપણા મિત્રોથી, આપણે જે સમાજમાં રહીએ છીએ તેનાથી, અને આપણે જે સમયમાં રહીએ છીએ તેનાથી: ક્યારેક યુદ્ધો થાય છે, ક્યારેક આર્થિક મુશ્કેલીઓ હોય છે, ક્યારેક સમૃદ્ધિ હોય છે. આ બધું આપણને અસર કરે છે. બૌદ્ધ ધર્મ પાછલા જીવન, ભવિષ્યના જીવન વિશે વાત કરે છે. અને તે દૃષ્ટિકોણથી, આપણે બધા આપણા પાછલા જીવનથી પણ પ્રભાવિત થઈએ છીએ. તેથી જો આપણે ખરેખર કોઈને મદદ કરવા માંગતા હોઈએ, જો આપણે ખરેખર તેમને સારી સલાહ આપવા માંગતા હોઈએ, તો આપણે તેમને જાણવું જોઈએ, આપણે તેમને સમજવું જોઈએ - તેમના વર્તન, તેમના વર્તનની રીત, તેમની લાગણીને અસર કરતી બધી બાબતોને સમજવી જોઈએ - જેનો અર્થ છે કે ખરેખર તેમનામાં રસ લેવો, ધ્યાન આપવું અને તેઓ જે રીતે છે તેના પ્રત્યે સંવેદનશીલ રહેવું.
મને લાગે છે કે તમે ફક્ત એકબીજા સાથેના તમારા સંબંધોના સંદર્ભમાં આ વાત સરળતાથી સમજી શકો છો. જો તમે કોઈ મિત્ર સાથે છો અને તમને ખરેખર તેમનામાં રસ નથી, તમે ફક્ત પોતાના વિશે વાત કરી રહ્યા છો, તો વાસ્તવમાં તમે તેમના વિશે ખૂબ જ ઓછું જાણો છો. અને જો તમે તમારા મિત્ર પર ધ્યાન નથી આપી રહ્યા - ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈ બીજા સાથે છો, ત્યારે તમે તમારા સેલ ફોન પર અન્ય લોકોને સંદેશાઓ મોકલી રહ્યા છો, તો તમે તમારા મિત્ર પર પણ ધ્યાન નથી આપી રહ્યા - તમને ખ્યાલ પણ નથી આવતો કે કદાચ તેઓ તમારાથી થોડા અધીરા અને નાખુશ છે કારણ કે તમે તેમના પર ધ્યાન નથી આપી રહ્યા. તેથી જો આપણે ખરેખર કોઈને મદદ કરવા માંગતા હો, તો તમારે તેમના પર ધ્યાન આપવું પડશે, તમારે તેમનામાં રસ લેવો પડશે, શું ચાલી રહ્યું છે તે જોવું પડશે અને તે મુજબ પ્રતિક્રિયા આપવી પડશે, જેમ આપણે ઇચ્છીએ છીએ કે અન્ય લોકો આપણને ગંભીરતાથી લે અને આપણા પર ધ્યાન આપે.
આપણી અને અન્યની સમાનતાને સમજવી
જુઓ, આ બધું આપણી અને બીજાઓની સમાનતાને સમજવા પર આધારિત છે. દરેક વ્યક્તિને લાગણીઓ હોય છે, જેમ મને લાગણીઓ હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમને ગંભીરતાથી લેવામાં આવે, જેમ હું ઈચ્છું છું કે મને ગંભીરતાથી લેવામાં આવે. જો હું બીજાઓને અવગણું છું અથવા તેમની સાથે ખરાબ વર્તન કરું છું તો તેમને ખરાબ લાગે છે, જેમ મને ખરાબ લાગે છે જ્યારે લોકો મને અવગણે છે અથવા બેદરકાર હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે લોકો તેમને પસંદ કરે, જેમ હું ઇચ્છું છું કે લોકો મને પસંદ કરે. કોઈ નથી ઇચ્છતું કે તેમને નકારવામાં આવે અને અવગણવામાં આવે, જેમ મને તે ગમશે નહીં. અને આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ; આપણે બધા અહીં સાથે છીએ.
ક્યારેક આ વાત સમજાવવા માટે એક નાનું, રમુજી ઉદાહરણ આપવામાં આવે છે: કલ્પના કરો કે તમે લગભગ દસ અન્ય લોકો સાથે લિફ્ટમાં છો, અને લિફ્ટ ફસાઈ જાય છે. અને તમે ત્યાં અટવાઈ ગયા છો, આ લિફ્ટમાં આખો દિવસ આ અન્ય લોકો સાથે ફસાઈ ગયા છો. તમે બીજા બધા સાથે કેવી રીતે હળીમળીને રહેશો? જો તમે ફક્ત હું, હું, હું વિશે જ વિચારશો, અને આ નાની જગ્યામાં આ અન્ય લોકો વિશે વિચારશો નહીં, તો ઘણા સંઘર્ષ અને દલીલો થશે અને તે ખૂબ જ અપ્રિય સમય રહેશે. પરંતુ જો કોઈ રીતે તમને ખ્યાલ આવે કે: "આપણે બધા એક જ પરિસ્થિતિમાં સાથે ફસાયેલા છીએ અને આપણે એકબીજા પ્રત્યે વિચારશીલ રહેવું પડશે અને વિચારવું પડશે કે આપણે કેવી રીતે એકબીજાને સહકાર આપી શકીએ જેથી બચી શકીએ અને આ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકીએ," તો, જોકે લિફ્ટમાં ફસાઈ જવું ચોક્કસપણે સુખદ નથી, તેમ છતાં આપણે પરિસ્થિતિને નિયંત્રિત કરી શકીએ છીએ.
જો આપણે આ ઉદાહરણને વિસ્તૃત કરીએ: જો આપણે બધા આ ગ્રહ પર અટવાઈલા છીએ, જે ખૂબ મોટી લિફ્ટમાં ફસાઈ જવા જેવું છે, અને જો આપણે એકબીજાને સહકાર ન આપીએ, તો તે ખૂબ જ ખરાબ સમય હશે કારણ કે દરેક વ્યક્તિ એક જ પરિસ્થિતિમાં છે. અને આપણે એકબીજા સાથે જે રીતે વર્તીએ છીએ, પછી ભલે તે લિફ્ટમાં ફક્ત દસ લોકો હોય કે આ ગ્રહ પરના બધા, તે છતાં પણ તે બીજા બધાને અસર કરે છે. તેના કારણે, દરેક સાથે સહકાર આપવાનો પ્રયાસ કરવો તે યોગ્ય છે. અને ફક્ત "લિફ્ટમાં ફસાઈ જવાની આ ભયંકર પરિસ્થિતિમાંથી હું કેવી રીતે બહાર નીકળી શકું?" એ દ્રષ્ટિએ વિચારવાને બદલે, આપણે "આપણે બધા આ ભયંકર પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકીએ?" એ દ્રષ્ટિએ વિચારીએ છીએ, તો તે ફક્ત લિફ્ટ સાથે નહીં, જીવન સાથે પણ એવું જ છે.
હું ફક્ત મારી પોતાની સમસ્યાઓનો સામનો કરવા માટે કેવી રીતે વિચારી શકું (કારણ કે ખરેખર મારામાં કંઈ ખાસ નથી; હું ફક્ત લિફ્ટમાં ફસાયેલા લોકોમાંનો એક છું)? અને વાસ્તવમાં સમસ્યા ફક્ત મારી વ્યક્તિગત સમસ્યા નથી: સમસ્યા દરેકની સમસ્યા છે. યાદ રાખો, આપણે ગુસ્સો, સ્વાર્થ, લોભ, અજ્ઞાનતા... આ પ્રકારની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છીએ. આ દરેકની સમસ્યાઓ છે; કોઈ પણ વ્યક્તિ પોતે તેનો માલિક નથી.
આપણા મન અને હૃદયને વિસ્તૃત કરીને બધા જીવો, સમગ્ર જીવનનો સમાવેશ કરવો
આ જ કારણ છે કે જ્યારે આપણે બોધિચિત્ત વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે એક સાર્વત્રિક પ્રકારના મન અને હૃદય વિશે વાત કરીએ છીએ. આપણે દરેક વિશે વિચારીએ છીએ, કોઈને પણ પ્રિય માન્યાવિના, અને કોઈ પણ જીવોને છોડી દીધા વિના. તો આ એક વિશાળ, વિશાળ વલણ, મનની સ્થિતિ છે. જ્યારે આપણે આપણા મનને વિસ્તૃત કરવાની વાત કરીએ છીએ, ત્યારે આ સૌથી મોટી રીત છે જેમાં આપણે તેને વિસ્તૃત કરી શકીએ છીએ. આપણે દરેક વિશે વિચારીએ છીએ, અને ઉદાહરણ તરીકે, ફક્ત આ ગ્રહ પરના મનુષ્યો વિશે જ નહીં, પરંતુ ગ્રહ પરના બધા જીવન વિશે, બ્રહ્માંડમાંના બધા જીવન વિશે. જો આપણે, ઉદાહરણ તરીકે, પર્યાવરણના અધોગતિ વિશે વિચારીએ - જે ફક્ત પર્યાવરણમાં રહેતા લોકોને જ નહીં; તે ચોક્કસપણે બધા પ્રાણીઓના જીવનને પણ અસર કરે છે, ખરું ને?
તો આપણી પાસે આટલો વિશાળ અવકાશ છે કે આપણે કોની ચિંતા કરીએ છીએ. આપણી પાસે લાંબા ગાળાના ઉકેલો વિશે વિચારવાનો વિશાળ અવકાશ છે, ફક્ત એક ઝડપી ઉકેલ નહીં જે ફક્ત થોડા સમય માટે મદદ કરશે. અને જ્યારે આપણે આપણી પોતાની ક્ષમતાઓના સંદર્ભમાં વિચારીએ છીએ, ત્યારે આપણે આપણી ક્ષમતાના સાકાર કરવાના સૌથી મોટા અવકાશ વિશે વિચારીએ છીએ; તે ફક્ત થોડુંક નથી, પરંતુ વાસ્તવમાં શક્ય તેટલું વધારે હોય શકે તેટલું.
અને, જેમ મેં કહ્યું તેમ, તે આપણા માટે આદર પર આધારિત છે. આપણે સમજીએ છીએ કે આપણા બધા પાસે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કાર્યકારી સામગ્રી છે, અને બીજા બધા પાસે પણ છે. તેથી આપણે પોતાને ગંભીરતાથી લઈએ છીએ, આપણે બીજાઓને ગંભીરતાથી લઈએ છીએ, અને આપણે પોતાને અને બીજાઓને માન આપીએ છીએ - આપણે બધા મનુષ્ય છીએ, આપણે બધા ખુશ રહેવા માંગીએ છીએ, કોઈ પણ નાખુશ રહેવા માંગતું નથી. અને તે બધું આપણે શું કરીએ છીએ, આપણે આપણું જીવન કેવી રીતે જીવીએ છીએ તેના સંદર્ભમાં છે.
ધ્યાન દ્વારા ફાયદાકારક મનની સ્થિતિઓ અને ટેવોનો વિકાસ કરવો
બૌદ્ધ ધર્મ મનની આ સ્થિતિઓ વિકસાવવા માટે ઘણી બધી વિવિધ પદ્ધતિઓ પ્રદાન કરવામાં ખૂબ સમૃદ્ધ છે. તે ફક્ત "દરેકને પ્રેમ કરો" કહેતું નથી, અને તેનાથી આગળ કંઈ નથી. તે ખૂબ જ સરસ છે, ફક્ત એમ કહેવું કે આપણે દરેકને પ્રેમ કરવાની જરૂર છે, પરંતુ આપણે ખરેખર તે કેવી રીતે કરીએ? આ માટે આપણી પાસે ધ્યાન છે. અને ધ્યાનનો અર્થ એક ફાયદાકારક ટેવ કેળવવાનો છે. જેમ કે જો આપણે કોઈ રમત રમવા માંગીએ, અથવા આપણે કોઈ સંગીત વાદ્ય વગાડવા માંગીએ, તો આપણે અભ્યાસ કરવી પડશે. આપણે તે વારંવાર કરીએ છીએ જ્યાં સુધી આપણે તેમાં સારા ન થઈ જઈએ. અને અભ્યાસ સાથે આપણે શીખીએ છીએ, જેથી થોડા સમય પછી આપણે તેના વિશે વિચારવાની પણ જરૂર ન પડે; આપણે ફક્ત કોઈ રમત ખૂબ સારી રીતે રમી શકીએ છીએ અથવા ખૂબ જ સરળતાથી સંગીત વગાડી શકીએ છીએ.
તેવી જ રીતે, આપણે આપણા વલણને તાલીમ આપવાની બાબતમાં પણ એવું જ કરીએ છીએ. ધ્યાન સાથે પણ આપણે આ જ કરીએ છીએ. આપણે એક ચોક્કસ લાગણી, એક ચોક્કસ મનની સ્થિતિ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરીએ છીએ, તે માટે આપણે પોતાને તૈયાર કરીએ છીએ. જેમ કે જ્યારે તમે કોઈ રમત માટે તાલીમ લો છો: પહેલા તમારે કેટલીક વોર્મ-અપ કસરતો કરવી પડે છે, અને પછી તમે ખરેખર રમતનો અભ્યાસ કરી શકો છો. તેથી આપણે આપણી મનની સ્થિતિ સાથે કેટલીક વોર્મ-અપ કસરતો કરીએ છીએ.
મનની સકારાત્મક સ્થિતિ ઉત્પન્ન કરવા માટે, જો આપણા વિચારો બધા છવાયેલા હોય અથવા આપણી લાગણીઓ બધી જ મિશ્રિત હોય, તો આપણે સૌ પ્રથમ શાંત થવું પડશે, આપણા મન અને લાગણીઓને શાંત કરવી પડશે. આપણે સામાન્ય રીતે ફક્ત શાંતિથી આપણા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને આવું કરીએ છીએ. આપણો શ્વાસ હંમેશા ત્યાં હોય છે, અને જો આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તો તે આપણને શ્વાસની સ્થિર લયમાં શાંત થવામાં મદદ કરે છે, અને જો આપણા વિચારો "વાદળોમાં ઉપર" હોય તો તે આપણને આપણા શરીર સાથે જોડે છે. આ મૂળભૂત વોર્મ-અપ કસરત છે.
અને આપણે આપણી પ્રેરણાના સંદર્ભમાં વિચારીએ છીએ. હું ધ્યાન કેમ કરવા માંગુ છું? તે પણ વોર્મ-અપનો એક ભાગ છે. જેમ આપણે કોઈ રમતનો અભ્યાસ કરી રહ્યા હોઈએ અથવા સંગીત વગાડતા શીખી રહ્યા હોઈએ, તેમ ખરેખર સમજવું અને ફરીથી તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે: "હું આ કેમ કરી રહ્યો છું?" ભલે આપણે તે ફક્ત એટલા માટે કરી રહ્યા હોઈએ કે આપણે તેનો આનંદ માણીએ છીએ અને તે મનોરંજક છે, આપણે પોતાને તે યાદ કરાવવાની જરૂર છે કારણ કે, દેખીતી રીતે, તાલીમ માં ખૂબ જ મહેનત લાગે છે. તેથી આપણે પુનઃપુષ્ટિ કરીએ છીએ કે હું ધ્યાન દ્વારા સકારાત્મક આદત કેમ બનાવવા માંગુ છું. અને કારણ એ છે કે તે મને જીવનની સમસ્યાઓનો વધુ સારી રીતે સામનો કરવામાં મદદ કરશે - જો, ઉદાહરણ તરીકે, હું આટલી સરળતાથી ગુસ્સે ના થઉં. અને જો હું હંમેશા ગુસ્સે રહું, તો હું કદાચ બીજા કોઈને મદદ કરી શકતો નથી. જો હું ભાવનાત્મક રીતે અસ્વસ્થ રહીશ, તો હું કોઈને મદદ કરી શકતો નથી.
તો આપણે આ બધી વોર્મ-અપ કસરતો કરીએ છીએ. અને પછી વાસ્તવિક ધ્યાન: આપણે મનની ઇચ્છિત સ્થિતિ ઉત્પન્ન કરવા માટે કોઈ પ્રકારની વિચારસરણીનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે આપણે આ કરીએ છીએ ત્યારે તેને આપણા અંગત જીવન સાથે જોડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે ફક્ત અમૂર્ત સિદ્ધાંત વિશે વિચારી રહ્યા નથી: આપણે એવા પગલાં વિશે વિચારી રહ્યા છીએ જે હું મારા પોતાના જીવનમાં લઈ શકું જે મને મદદ કરશે.
એક ઉદાહરણ
ધારો કે આપણા કોઈ મિત્રએ આપણી સાથે ખૂબ જ અપ્રિય વર્તન કર્યું છે - તેમણે કંઈક ક્રૂર કહ્યું, અથવા તેમણે આપણને ફોન કર્યો નહીં, તેઓએ આપણી અવગણના કરી, અથવા લોકોએ આપણી મજાક ઉડાવી. આ ભયંકર ઘટનાઓ છે જે દરેક સાથે થાય છે. અને આપણે તેનો જવાબ ખરેખર ભયંકર અનુભવીને અને આ લોકોથી ખૂબ જ નારાજ થઈને કરીએ છીએ, ખાસ કરીને જો આપણે માનતા હોઈએ કે તેઓ આપણા મિત્ર છે.
શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી જ્યારે આપણું મન થોડું શાંત થાય છે, ત્યારે આપણે ધ્યાનમાં તેની તપાસ કરીએ છીએ. અને આપણે પુનઃપુષ્ટિ કરીએ છીએ કે આપણા મિત્રો, આપણા સહપાઠીઓ - તેઓ મારા જેવા જ લોકો છે: તેઓ ખુશ રહેવા માંગે છે અને નાખુશ થવા માંગતા નથી. અને કંઈક તો તેમને ખરેખર પરેશાન કરતું હશે જેના કારણે તેઓ મારી સાથે અપ્રિય વર્તન કર્યું, અથવા તેઓ મારા વિશે મૂંઝવણમાં હતા - તેઓ ખરેખર મારા સારા ગુણોની કદર કરતા નથી - તેથી તેઓ મારી મજાક ઉડાવી. તેમના પર ગુસ્સે થવું, હતાશ થવું - તેનાથી કોઈ ફાયદો થવાનો નથી. તેના બદલે, હું ઈચ્છું છું કે તેઓ જે કંઈપણ તેમને પરેશાન કરી રહ્યું છે તેનાથી મુક્ત થાય, જેથી તેઓ મારી સાથે સારી રીતે વર્તે, કારણ કે પછી આપણે બધા ખુશ રહીશું, હું અને તેઓ.
તેથી તેમના પ્રત્યે ગુસ્સો કરવાને બદલે, આપણે પ્રેમ અને કરુણા અનુભવીએ છીએ: "જો તેઓ તેમને પરેશાન કરતી કોઈપણ વસ્તુથી મુક્ત થાય તો તે ખૂબ સારું થશે. તેઓ ખુશ રહે. જો તેઓ ખુશ હોત, તો તેઓ ખૂબ જ અપ્રિય રીતે વર્તત નહીં." આ રીતે આપણે ગુસ્સાને બદલે તેમના પ્રત્યે પ્રેમ અનુભવવા માટે પોતાને તૈયાર કરીએ છીએ. તે આપણને તેમની પરિસ્થિતિ પ્રત્યે વધુ ધીરજ રાખવામાં મદદ કરે છે. અને જો આપણે વધુ શાંત, પ્રેમાળ અને ક્ષમાશીલ રીતે વર્તીએ, તો આ તેમને પણ શાંત થવામાં મદદ કરે છે, અને પરિસ્થિતિને સંભાળવી ઘણી સરળ બને છે.
બીજાઓ આપણા પર ફેંકતા કચરાને વ્યક્તિગત રીતે ન લેવો
બુદ્ધે એક વાર એક શિષ્યને પૂછ્યું, "જો કોઈ તમને કંઈક આપવાનો પ્રયાસ કરે છે અને તમે તેને સ્વીકારતા નથી, તો તે કોનું છે?" સ્વાભાવિક છે કે, જો તમે તેને સ્વીકારતા નથી, તો એ તે વ્યક્તિનું છે જે તમને તે આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી જો કોઈ તમને ખરાબ સ્પંદનો, નકારાત્મક લાગણીઓ, વગેરે, ટીકા, વગેરે આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો તેને સ્વીકારવું અને તેને વ્યક્તિગત રીતે ન લેવું મહત્વપૂર્ણ છે - બીજા શબ્દોમાં કહીએ તો, તેને એવી વસ્તુ તરીકે જોવું જે ખરેખર બીજી વ્યક્તિને પરેશાન કરે છે. અલબત્ત, જો કોઈ આપણી ટીકા કરે છે, તો આપણી જાતને તપાસવી મદદરૂપ થઈ શકે છે કે કદાચ તેઓ એવી કોઈ વસ્તુ તરફ ઈશારો કરી રહ્યા છે જેના પર મારે કામ કરવાની જરૂર છે. તેથી આપણે તેને અવગણતા નથી, પરંતુ એ મહત્વનું છે કે કોઈ એવી રમતમાં પકડનારની જેમ ન ફરવું જ્યાં આપણે હંમેશા કોઈ આપણા પર ફેંકેલા કોઈપણ કચરાના ગોળા અને ખરાબ વિચારોને પકડવા માટે તૈયાર રહીએ છીએ.
ક્યારેક આપણે એવું વર્તન કરીએ છીએ, ખરું ને, કે લોકો આપણા પર જે પણ કચરો ફેંકે છે - ખરાબ શબ્દો, ગંદી નજરો, ગમે તે હોય - તેને પકડવા માટે આપણે ઉત્સુક હોઈએ છીએ. જોકે તે કરવું સહેલું નથી, આપણે આપણી સાથે બનેલી આ બધી બાબતોને મારા અસ્વીકાર તરીકે નહીં, પરંતુ આ બીજી વ્યક્તિની સમસ્યા તરીકે લેવાનો પ્રયાસ કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે આ બીજી વ્યક્તિને જે રીતે ભયાનક ગણીએ છીએ તે રીતે જોવાને બદલે, આપણે તેમને આ રીતે જોઈએ છીએ: "અરે, કંઈક તેમને પરેશાન કરી રહ્યું છે. તેમની સાથે કંઈક ખરાબ છે."
તે એવું છે કે જયારે આપણે બે કે ત્રણ વર્ષના બાળકની સંભાળ કરી રહ્યા હોય, અને બાળક ખૂબ થાકેલું હોય અને સૂવા માંગતું નથી. અને આપણે કહીએ છીએ, "સારું, સૂવાનો સમય થઈ ગયો છે," અને બાળક કહે છે, "હું તને નફરત કરું છું!" શું આપણે ખરેખર તેને વ્યક્તિગત રીતે લઈએ છીએ? બાળક અતિશય થાકેલું છે, અને તેથી આપણે બાળક દ્વારા આપણા પર ફેંકવામાં આવેલા આ ખરાબ શબ્દોને વ્યક્તિગત રીતે લેતા નથી, પરંતુ આપણે બાળક પ્રત્યે વધુ ધીરજ અને વધુ પ્રેમ રાખીએ છીએ અને બાળકને શાંત કરવાનો પ્રયાસ કરીએ છીએ.
ધ્યાનમાં આપણે બીજા વ્યક્તિને વધુ રચનાત્મક રીતે જોવાનો પ્રયાસ કરીએ છીએ જેના કારણે આપણને સમસ્યાઓ થાય છે, અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં તે વ્યક્તિ પ્રત્યે વધુ ધીરજ, વધુ પ્રેમ, વધુ સકારાત્મક વલણ રાખવાનો અભ્યાસ કરીએ છીએ, જેથી જ્યારે આપણે વાસ્તવિક જીવનમાં આવી બાબતોનો સામનો કરીએ છીએ, ત્યારે આપણે તેને વધુ સારી રીતે સંભાળી શકીએ છીએ. ટૂંકમાં, બોધિચિત્તની આ અદ્ભુત માનસિક સ્થિતિ એવી છે જેને મેળવવા અને પ્રાપ્ત કરવા માટે આપણે પોતાને મહેનત કરવાની જરૂર છે, જેની સાથે આપણે ધ્યાન અને અન્ય પદ્ધતિઓ દ્વારા શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે કામ કરીને, મારી બધી ખામીઓથી છુટકારો મેળવવા અને મારી બધી સંભાવનાઓને સાકાર કરવા માટે અન્ય લોકોને મદદ કરવાની જવાબદારી લઈએ છીએ. કારણ કે જો હું દરેકને ખુશી મેળવવામાં મદદ કરવા માટે કામ કરીશ, તો અલબત્ત હું પણ સૌથી ખુશ રહીશ. પરંતુ જો હું ફક્ત મારી પોતાની ખુશી માટે કામ કરીશ, અને તે બીજાઓને અવગણીને અથવા બીજાના ભોગે કરું છું, તો આપણે બધા પીડાઈશું.
હવે, જ્યારે તમે યુવાન છો, તમે વિદ્યાર્થીઓ છો, ત્યારે આ એક ઉત્તમ સમય છે કે તમે ખરેખર તમારી સામર્થ્ય, તમારી ક્ષમતાઓનો આદર કરવાનું શીખો અને એ સમજો કે તમારી પાસે વિકાસ કરવા માટે બધી કાર્યકારી સામગ્રી છે, અને નકારાત્મક દિશામાં વિકાસ કરવાને અથવા કોઈ પણ દિશા માં નહીં જવાને બદલે સકારાત્મક દિશામાં વિકાસ કરવો. આપણે દુનિયામાં એકલા નથી; માહિતી, સોશિયલ મીડિયા વગેરેના આ યુગમાં, આપણે બધા જોડાયેલા છીએ. અને આપણે વધુને વધુ સકારાત્મક રીતે વિકાસ કરી શકીએ છીએ જે દરેકને રચનાત્મક રીતે અસર કરશે.
તો આ બોધિચિત્ત વિશે થોડુંક છે. હવે આપણી પાસે પ્રશ્નો માટે સમય છે.
બૌદ્ધ દ્રષ્ટિકોણથી પ્રેમ શું છે?
શું તમે બૌદ્ધ દ્રષ્ટિકોણથી પ્રેમ વિશે કંઈક વધુ કહી શકો છો, ખાસ કરીને પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના સંબંધોમાં?
જ્યારે આપણે બૌદ્ધ દ્રષ્ટિકોણથી પ્રેમ વિશે વાત કરીએ છીએ, ત્યારે પ્રેમ એટલે, જેમ મેં આપણી ચર્ચામાં ઉલ્લેખ કર્યો છે, કોઈ ખુશ રહે અને તેમની પાસે ખુશીના કારણો હોય તેવી ઈચ્છા. આનો અર્થ એ છે કે બીજા વ્યક્તિને, તેના મજબૂત અને નબળા મુદ્દાઓને સંપૂર્ણપણે સ્વીકારવા. અને મારી તેમને ખુશ થવાની ઈચ્છા એ તેઓ મારી સાથે કેવું વર્તન કરે છે તેના પર નિર્ભર નથી. કંઈપણ હોવા છતાં, હું ઈચ્છું છું કે તેઓ ખુશ રહે, ભલે તેનો અર્થ તેમને થોડી જગ્યા આપવી હોય.
ઘણીવાર, પ્રેમ ઇચ્છા સાથે મિશ્રિત હોય છે (ઇચ્છા એ છે જ્યારે આપણી પાસે કંઈક ન હોય અને આપણને તે મેળવવું હોય). તે આસક્તિ (જે આપણી પાસે કંઈક હોય તો પણ આપણે છોડવા માંગતા નથી) અને લોભ (ભલે આપણી પાસે કોઈ મિત્ર હોય, કોઈ જેને આપણે પ્રેમ કરીએ છીએ, આપણે તેમના પાસેથી વધુને વધુ ઇચ્છીએ છીએ) સાથે મિશ્રિત થઈ શકે છે. આ બધું ફક્ત તેમના સારા ગુણોને જોવા અને તેમને અતિશયોક્તિ કરવા, તેમાંથી મોટી વસ્તુ બનાવવી અને તેમની પાસે રહેલી કોઈપણ ખામીઓને અવગણવા પર આધારિત છે. અને તેમનામાં જે સારા ગુણો છે તે ફક્ત એટલા માટે હોઈ શકે છે કે તેઓ મને પસંદ કરે છે, જ્યારે હું આ વ્યક્તિ સાથે હોઉં છું ત્યારે તે મને સારું લાગે છે, તેઓ સુંદર દેખાય છે, તેઓ સેક્સી છે, ગમે તે હોય. તેથી આપણે ફક્ત વ્યક્તિના ખૂબ જ નાના ભાગને જોઈ રહ્યા છીએ, જેને આપણે બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ બનાવીએ છીએ. તેથી આ ખૂબ વાસ્તવિક વલણ નથી. અને તે એના પર ખૂબ જ નિર્ભર છે કે આ વ્યક્તિ મારી સાથે કેવી રીતે વર્તે છે: જો તેઓ મારી સાથે સારો વ્યવહાર કરે છે, તો હું તેમને પ્રેમ કરું છું; જો તેઓ મારી સાથે સારો વ્યવહાર નથી કરતા, તો હું હવે તેમને પ્રેમ કરતો નથી. આ એક સ્થિર પ્રકારનો પ્રેમ નથી.
જેમ મેં કહ્યું, સ્થિર પ્રકારનો પ્રેમ - જેની આપણે બૌદ્ધ ધર્મમાં વાત કરીએ છીએ - તે એવો પ્રેમ છે જેમાં આપણે કોઈના સારા અને નકારાત્મક બંને પાસાઓ સ્વીકારીએ છીએ, કારણ કે દરેકમાં મજબૂત અને નબળા પાસાઓ હોય છે; કોઈ આદર્શ કે સંપૂર્ણ નથી. તમે જુઓ તો, સમસ્યા એ છે કે આપણામાંથી ઘણા હજુ પણ પરીકથાઓમાં વિશ્વાસ કરે છે. પરીકથામાં સફેદ ઘોડા પર રાજકુમાર મોહક અથવા રાજકુમારી મોહક હોય છે જે બધી રીતે સંપૂર્ણ હશે. અને આપણે હંમેશા રાજકુમાર કે રાજકુમારીને શોધીએ છીએ, અને આપણે જે વિવિધ લોકો સાથે પ્રેમમાં પડીએ છીએ તેમના પર રાજકુમાર કે રાજકુમારી ને પ્રક્ષેપિત કરીએ છીએ. પરંતુ કમનસીબે તે ફક્ત એક પરીકથા છે અને, ફાધર ક્રિસમસની જેમ, તે વાસ્તવિક કંઈપણનો ઉલ્લેખ કરતી નથી.
એ વાત સમજવી બહુ સુખદ નથી; એ સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ છે. અને આપણે ક્યારેય હાર માનતા નથી: "આ રાજકુમાર કે રાજકુમારી નહોતા, પણ કદાચ આગામી હશે." જ્યાં સુધી આપણે સફેદ ઘોડા પર રાજકુમાર કે રાજકુમારીને પ્રક્ષેપિત કરતા રહીશું અને શોધીશું, ત્યાં સુધી આપણા સંબંધો, બીજાઓ સાથેના આપણા પ્રેમાળ સંબંધોમાં સમસ્યાઓ રહેશે, કારણ કે કોઈ પણ આપણા માટે સંપૂર્ણ જીવનસાથીના આદર્શ પર ખરું ઉતરી શકતું નથી. જ્યારે તેઓ રાજકુમાર કે રાજકુમારીની જેમ વર્તે નહીં ત્યારે આપણને ગુસ્સો આવે છે. સારું, એનો અર્થ એ છે કે આપણે એ વાસ્તવિકતાને સ્વીકારી રહ્યા નથી કે તેઓ મારા જેવા માણસ છે અને તેમના મજબૂત અને નબળા પાસાઓ છે. તેથી સાચો પ્રેમ, સ્થિર પ્રેમ, બીજા વ્યક્તિના વાસ્તવિકતાને સ્વીકારવા પર આધારિત છે.
જે વ્યક્તિના પ્રેમમાં આપણે પડીએ છીએ તેની વાસ્તવિકતાનું બીજું પાસું, જે આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ, તે એ છે કે તેમના જીવનમાં આપણે એકલા નથી. ઘણી વાર, આપણે એ હકીકત ભૂલી જઈએ છીએ કે તેમની પાસે મારી સાથે રહેવા ઉપરાંત પણ એક જીવન છે - તેમના અન્ય મિત્રો છે, તેમનો પરિવાર છે, તેમની પાસે અન્ય જવાબદારીઓ છે. અન્ય વસ્તુઓ જે તેમના જીવનનો ભાગ છે; હું એકલો નથી. તેથી જ્યારે તેઓ અન્ય લોકો સાથે, તેમના જીવનની અન્ય વસ્તુઓ સાથે સમય વિતાવે છે ત્યારે ઈર્ષ્યા અને અસ્વસ્થ થવું ખૂબ જ ગેરવાજબી છે. અને જ્યારે તેઓ ખરાબ મનોભાવમાં હોય, ઉદાહરણ તરીકે, અથવા આપણી સાથે રહેવાનું મન નથી હોતું, ત્યારે તે ફક્ત મારા કારણે નથી. આ બીજી વ્યક્તિ જે અનુભવે છે અને કરે છે તેનું કારણ હું નથી. જો તેઓ ખરાબ મનોભાવમાં હોય, તો તે તેમના પરિવારમાં શું ચાલી રહ્યું છે તેનાથી પ્રભાવિત હોઈ શકે છે; તે તેમના અન્ય મિત્રોથી પ્રભાવિત હોઈ શકે છે; તે બીમાર હોવાથી, ખૂબ સારું ન લાગવાથી પ્રભાવિત હોઈ શકે છે; તે ઘણી બધી વસ્તુઓથી પ્રભાવિત હોઈ શકે છે. મારે શા માટે વિચારવું જોઈએ કે આ બીજી વ્યક્તિ જે અનુભવે છે તેનું એકમાત્ર કારણ હું છું?
તેવી જ રીતે, જો મારો આ વ્યક્તિ સાથે લાંબા ગાળાનો સંબંધ હોય, તો આપણી વાતચીતમાં દરરોજ ઘણી બધી ઘટનાઓ બને છે. ઘણીવાર, જે થાય છે તે એ છે કે, "તેઓએ આજે મને ફોન ન કર્યો. તેમણે મારા ટેક્સ્ટ મેસેજનો જવાબ ન આપ્યો," અને આપણે આ એક ઘટનાનું મહત્વ અતિશયોક્તિ કરીએ છીએ; સમય જતાં આપણે તેને આપણા સમગ્ર સંબંધના લાંબા ગાળાના સંદર્ભમાં જોતા નથી. અને આ એક ઘટનાને કારણે, આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ કે તેઓ હવે મને પ્રેમ કરતા નથી. પરંતુ આ ખૂબ જ ટૂંકી દ્રષ્ટિ છે - ફક્ત એક નાની વસ્તુને જોવી અને તેને આખા સંબંધથી અલગ રાખવી.
વાસ્તવિકતા એ છે કે દરેક વ્યક્તિનું જીવન, મનોભાવ, વગેરે, ઉપર-નીચે જતા રહે છે. આ વાત આપણા વિશે સાચી છે; દરેક વ્યક્તિ વિશે પણ સાચી છે. તેથી એ સ્વાભાવિક છે કે ક્યારેક આ વ્યક્તિ જેને હું પ્રેમ કરું છું તેને મારી સાથે રહેવાનું મન થાય; ક્યારેક એવું ન થાય. ક્યારેક તેઓ સારા મનોભાવમાં હોય છે; ક્યારેક તેઓ ખરાબ મનોભાવમાં હોય છે. અને જો તેઓ ખરાબ મૂડમાં હોય - અથવા જો તેઓ બીજી બાબતોમાં એટલા વ્યસ્ત હોય કે મારા ટેક્સ્ટ મેસેજનો જવાબ આપી શકતા નથી, અથવા જે કંઈ પણ હોય, તરત જ - તો તેનો અર્થ એ નથી કે તેઓ હવે મને પ્રેમ કરતા નથી; તે ફક્ત જીવનનો એક ભાગ છે.
જો આપણે આપણા પ્રેમાળ સંબંધોને સ્થિર બનાવવા માંગતા હોઈએ તો આ કેટલીક બાબતો શીખવી અને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે; નહીં તો, ઘણી બધી ભાવનાત્મક ઉથલપાથલ થશે.
એક મહાન ભારતીય બૌદ્ધ ગુરુએ એક ખૂબ જ સારું ઉદાહરણ આપ્યું છે, જે એ છે કે બીજાઓ સાથેના આપણા સંબંધો પવનમાં ઉડતા પાંદડા જેવા છે, જે પાનખરમાં ઝાડ પરથી ખરી પડે છે. ક્યારેક પાંદડા પવનમાં એકસાથે ઉડી જાય છે; ક્યારેક અલગ થઈ જાય છે. તે જીવનનો એક ભાગ છે. અને તેથી કોઈની સાથેનો કોઈપણ સંબંધ - કદાચ તે આપણા આખા જીવન માટે ટકી રહેશે, પણ કદાચ નહીં.
આપણી બારી પાસે આવેલા જંગલી પક્ષીની જેમ સામેની વ્યક્તિને જોવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે. એક સુંદર જંગલી પક્ષી આપણી બારી પાસે આવે છે, અને તે કેટલું અદ્ભુત છે. આ જંગલી પક્ષી થોડા સમય માટે મારી સાથે છે તે કેટલું સુંદર, કેટલું સારું છે. પરંતુ અલબત્ત પક્ષી ઉડી જશે: પક્ષી મુક્ત છે. અને જો પક્ષી ફરીથી મારી બારી પાસે આવે છે, તો તે કેટલું અદ્ભુત છે, હું કેટલો ભાગ્યશાળી છું. પરંતુ જો હું પક્ષીને પકડીને પાંજરામાં મૂકવાનો પ્રયાસ કરીશ, તો પક્ષી ખૂબ જ નાખુશ થશે અને કદાચ મરી પણ જાય.
તો એવી જ વાત કોઈ એવી વ્યક્તિ સાથે છે જે આપણા જીવનમાં આવે છે અને જેને આપણે પ્રેમ કરીએ છીએ. તેઓ આ સુંદર જંગલી પક્ષી જેવા છે. તેઓ આપણા જીવનમાં આવે છે, ખૂબ આનંદ અને સુંદરતા લાવે છે. પરંતુ તેઓ જંગલી પક્ષીની જેમ મુક્ત છે. પરંતુ જો આપણે તેમને પકડી રાખવાનો પ્રયાસ કરીએ કે જાણે તેઓ આપણી માલિકી હોય, અને આપણે તેમને સતત સતાવીએ - "તમે મને કેમ ફોન ન કર્યો? તમે મને મળવા કેમ ન આવ્યા? તમે મારી સાથે વધુ સમય કેમ નથી વિતાવતા?" - તો તે જંગલી પક્ષીને પાંજરામાં નાખવાનો પ્રયાસ કરવા જેવું છે. તે જંગલી પક્ષી શક્ય તેટલું ભાગવાનો પ્રયાસ કરશે. અને જો જંગલી પક્ષી આપણી સાથે રહેશે, જેમ કે આ વ્યક્તિ દોષિતની ભાવનાથી આપણી સાથે રહે છે, તો તેઓ ખૂબ જ નાખુશ થશે.
આ એક ખૂબ જ મદદરૂપ વિચાર છે - આપણે જેને પ્રેમ કરીએ છીએ, જે આપણા જીવનમાં આવે છે, તેને આ સુંદર જંગલી પક્ષી ની જેમ ગણવો. આપણે જેટલા હળવા હોઈશું - જેટલા ઓછું પકડવાની કોશિશ કરીશું - તેટલું જ જંગલી પક્ષી આપણી બારી પાસે આવવાનું પસંદ કરશે.