મૃત્યુ અને અસ્થાયીતા વિશે વિચારવા માટેના ચાર સ્વયંસિદ્ધ

આપણે જોયું છે કે ધ્યાન એ ત્રિવિધ પ્રક્રિયાનો એક ભાગ છે જેમાં ઉપદેશો સાંભળવા, તેના વિશે વિચારવું અને પછી તેના પર ધ્યાન કરવાનું નો સમાવેશ થાય છે. ધ્યાન, આ ત્રીજા પગલા તરીકે, વાસ્તવમાં આપણે આપણા જીવનમાં ઉપદેશોને કેવી રીતે એકીકૃત કરીએ છીએ તે વિશે છે, જે પુનરાવર્તન દ્વારા આવે છે. આપણે મૂળભૂત રીતે મનની સકારાત્મક સ્થિતિનું નિર્માણ કરીએ છીએ જે આપણે તેને પુનરાવર્તન કરીને પ્રાપ્ત કરવા માંગીએ છીએ, જેથી તે આદત બની જાય.

આપણે ઉપદેશો સાંભળીએ છીએ, અને તેમાંથી આપણને ભેદભાવપૂર્ણ જાગૃતિ મળે છે, જેનાથી આપણે તફાવત કરી શકીએ છીએ, "હા, આ બુદ્ધનું શિક્ષણ છે" અને તેના વિશે ચોક્કસ થઈ શકીએ છીએ. આપણે એ પણ જોયું છે કે આપણે ઉપદેશો સાથે અનુમાનિત રીતે સંબંધિત છીએ; જરૂરી નથી કે આપણે બધી ઉપદેશો સમજીએ, પરંતુ ઓછામાં ઓછા આપણી  પ્રેરણા અને રસને કારણે, જ્યાં સુધી આપણે અન્યથા સાબિત ન કરીએ ત્યાં સુધી આપણે તેને સાચું માનીએ છીએ. જો આપણને ખબર પડે કે કંઈક સાચું નથી, તો આપણે તેના વિશે ભૂલી જઈ શકીએ છીએ. પરંતુ ઓછામાં ઓછું એવું માની લેવા માટે ખુલ્લું મન રાખવું અગત્યનું છે કે કંઈક સાચું છે, અને તે ખરેખર છે કે નહીં તે જોવા માટે તેને તપાસવાનું નક્કી કરો. અને આપણે વિટામિન્સની જેમ તે પણ ફાયદાકારક છે તેવું માનવું પડશે. તમે એવું વિચારીને ઝેર ન લેશો, "ચાલો મને તે જોવા દો કે શું તે ખરેખર મને મારી નાખશે," પરંતુ તમે વિટામિન્સ સાથે આમ કરો છો. તેથી આપણે ધારીએ છીએ કે તે ફાયદાકારક હશે, કારણ કે ઘણા લોકો કહે છે કે તે છે, અને તેથી આપણે જાતે પ્રયાસ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ.

જ્યારે આપણે ઉપદેશો વિશે વિચારીએ છીએ, ત્યારે "વિચારથી આવતી ભેદભાવપૂર્ણ જાગૃતિ" તરીકે ઓળખાતી પ્રક્રિયાના અંત સુધી પહોંચવા માટે આપણે તેનું પરીક્ષણ કરીએ છીએ. આ છે જ્યાં આપણને સંપૂર્ણ ખાતરી થઈ જાય છે કે આપણે ઉપદેશને સમજી ગયા છીએ, કે બુદ્ધે જે શીખવ્યું તે સાચું છે, તેનો ખરેખર ફાયદો છે, અને આપણે જે પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે પ્રાપ્ત કરવું ખરેખર શક્ય છે. જ્યારે લોકો ઉપરોક્ત પગલાંઓ નથી કરતા, જેમ ઘણા લોકો કરે છે, તો થોડા સમય પછી તેઓ "અનિર્ણયાત્મક ડગમગતા" અનુભવે છે, બીજા શબ્દોમાં કહીએ તો શંકા, જ્યાં તેમને ખાતરી નથી કે આ બધું ખરેખર શક્ય છે કે નહીં. અને પછી તેઓ છોડી દે છે.

મુક્તિ શું છે?

જ્યારે આપણે મુક્તિ અથવા જ્ઞાન પ્રાપ્તિ, અને તેને પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ વિશે વાંચીએ છીએ, ત્યારે આપણે ખરેખર મુક્ત થવાનો અર્થ શું છે તે યોગ્ય રીતે સમજવાની જરૂર છે. વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્તિનો અર્થ શું છે? અને તે પછી શું થાય છે? ઉપદેશો કહે છે કે બુદ્ધ સર્વજ્ઞ છે, તે બધું જ યોગ્ય રીતે અને એકસાથે જાણે છે. ઉપરાંત બુદ્ધ દરેક જીવ માટે સમાન ચિંતા ધરાવે છે, અને તે દરેક સાથે શ્રેષ્ઠ રીતે વાતચીત કરવામાં સક્ષમ છે. તેથી બુદ્ધ દરેકને શ્રેષ્ઠ રીતે મદદ કરે છે.

શું આ શક્ય છે અથવા તે માત્ર એક પરીકથા છે? જો આપણે વિચારીએ કે તે હાસ્યાસ્પદ છે, તો પછી આપણે તેને પ્રાપ્ત કરવાની પ્રયાસ કેમ કરી રહ્યા છીએ? જો આપણને લાગે છે કે તે પરીકથા છે, તો આપણે દેખીતી રીતે માનતા નથી કે તે પ્રાપ્ત કરવું શક્ય છે. બૌદ્ધ ધર્મમાં ચર્ચા કરાયેલા ધ્યેયોને આપણે વિવેચનાત્મક રીતે જોવું પડશે, અને આપણી પોતાની પ્રેરણાની તપાસ કરવી પડશે.

આપણું ધ્યેય શું છે?

આ શબ્દ, "પ્રેરણા", બૌદ્ધ ધર્મમાં ખૂબ ચોક્કસ અર્થ ધરાવે છે. આપણે ઘણીવાર કહીએ છીએ, "તમારી પ્રેરણાને પુનઃપુષ્ટ કરો અથવા ઉત્પન્ન કરો," જેના બે ભાગો છે. એક ઉદ્દેશ્ય છે – આપણી પાસે જે ધ્યેય છે – અને બીજું, તેની પાછળની લાગણી કે ભાવના જે આપણને તે ધ્યેય હાંસલ કરવા પ્રેરે છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં, પ્રેરણા શબ્દનો અર્થ મુખ્યત્વે બીજા ભાગનો હોય છે, લાગણી જે આપણને કંઈક કરવા પ્રેરે છે.

મને લાગે છે કે બૌદ્ધ ઉપદેશો, "ધર્મ" નું પાલન કરતા ઘણા લોકો માટે, જો આપણે નિષ્ઠાવાન હોઈએ, તો આપણને શોધીએ છે કે આપણું ધ્યેય ફક્ત આ જીવનને થોડું સરળ અને વધુ સુખી બનાવવાનું છે. અને આ ઠીક છે - તેને હું "વાસ્તવિક ધર્મ" ને બદલે "ધર્મ-લાઇટ" કહું છું. તે પ્રથમ પગલું છે. વાસ્તવિક બાબત એ છે કે સારા પુનર્જન્મ માટે કામ કરવું, મૂળભૂત રીતે જીવનકાળ પછી મૂલ્યવાન માનવ પુનર્જન્મ ચાલુ રાખવા માટે. પરંતુ જો તમે પુનર્જન્મમાં માનતા નથી, તો તમે સારા જન્મ માટે નિષ્ઠાપૂર્વક કેવી રીતે ધ્યેય રાખી શકો? પુનર્જન્મને સમજવા માટે, આપણે શું પુનર્જન્મ થાય છે તે સમજવાની જરૂર છે, મનની સાતત્યની પ્રકૃતિ, સ્વનો સ્વભાવ, વગેરે. વાસ્તવમાં, સારા પુનર્જન્મ માટેનું ધ્યેય એ ખાસ કરીને બૌદ્ધ નથી. ખ્રિસ્તીઓ અને અન્ય ધર્મો પણ આ માટે ધ્યેય રાખે છે; ખ્રિસ્તી ધર્મના કિસ્સામાં, તે સ્વર્ગમાં પુનર્જન્મ છે.

આગામી ધ્યેય અનિયંત્રિત રીતે પુનરાવર્તિત પુનર્જન્મમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનું છે. હિંદુ ધર્મો પણ આ માટે ધ્યેય રાખે છે. તેથી આપણે સમજવું પડશે કે બૌદ્ધ ધર્મનો વાસ્તવમાં આ મુક્તિનો અર્થ શું છે અને તેને પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ શું છે. પછી, અલબત્ત, અંતિમ ધ્યેય બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ માટે ધ્યેય રાખવાનું છે - આ બૌદ્ધ ધર્મ માટે અનન્ય છે.

પગલું દર પગલું

જ્યારે આપણે બૌદ્ધ ઉપદેશોને જોઈએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તે તબક્કામાં છે. એક આંતરદૃષ્ટિ બીજાને અનુસરે છે, અને આનો આદર કરવો મહત્વપૂર્ણ છે કારણ કે જો આપણે ફક્ત એમ કહીએ કે, "મારે બુદ્ધ બનવું છે જેથી હું તમામ સંવેદનશીલ જીવોને મદદ કરી શકું", તો તે ફક્ત અર્થહીન શબ્દો છે. શું આપણે ખરેખર બ્રહ્માંડના દરેક જંતુઓને મુક્ત કરવા અને જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય રાખીએ છીએ? કદાચ ના. ખરેખર તેના માટે ધ્યેય રાખવા માટે અને તેનો ખરેખર ગંભીરતા થી લેવા માટે મનના લગભગ અકલ્પનીય અવકાશની જરૂર છે, અને તેથી આપણે ધીમે ધીમે તે નિર્માણ કરવું પડશે. આપણે તે દરેક ઉપદેશોની તપાસ કરીને કરીએ છીએ જેનો હું "ચાર સ્વયંસિદ્ધ" તરીકે અનુવાદ કરું છું, કોઈ વસ્તુની તપાસ કરવા માટેના ચાર દૃષ્ટિકોણ, અને આપણે ધર્મના સૌથી આધારભૂત મુદ્દાઓથી પ્રારંભ કરીએ છીએ.

ઉદાહરણ તરીકે, તો પછી, ચાર સ્વયંસિદ્ધનો ઉપયોગ કરીને, ચાલો મૃત્યુ અને અસ્થાયીતા પર વિચાર કરીએ અને ધ્યાન કરીએ. હું કદાચ થોડા સ્વાર્થી કારણોસર આ પસંદ કરી રહ્યો છું, કારણ કે મારા સૌથી નજીકના મિત્રનું ગયા અઠવાડિયે અવસાન થયું હતું. ચાર સ્વયંસિદ્ધ છે:

  • નિર્ભરતાનો સ્વયંસિદ્ધ - આપણે જે મનની સ્થિતિ ઉત્પન્ન કરવા માંગીએ છીએ, મૃત્યુની જાગૃતિ, ત શેના પર આધાર રાખે છે? 
  • કાર્યક્ષમતાનો સ્વયંસિદ્ધ - જો આપણે મનની આ સ્થિતિ પ્રાપ્ત કરીએ, તો તે શું કરે છે અને તેના ફાયદા કે ગેરફાયદા શું છે?
  • કારણનો સ્વયંસિદ્ધ - જો આપણે શિક્ષણને સાચા છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે તપાસીએ, તો શું તે બુદ્ધના બાકીના ઉપદેશો સાથે બંધબેસે છે? શું તે તાર્કિક છે? જ્યારે આપણે તેને અજમાવીએ છીએ, ત્યારે શું તે તેની જણાવેલ અસર પેદા કરે છે?
  • પ્રકૃતિનું સ્વયંસિદ્ધ - શું મૃત્યુ એ વસ્તુઓની પ્રકૃતિનું ઉદાહરણ છે? શું બધા મરી જાય છે?

આપણે જે કરવાનું છે તે એ છે કે કોઈક ચોક્કસ શિક્ષણ લેવાનું, જેમ કે મૃત્યુ વિશે, અને આ ચારેય સ્વયંસિદ્ધના દૃષ્ટિકોણથી તેનું પૃથ્થકરણ કરવું, આપણને જોઈએ તેટલો સમય પસાર કરવો. એવું કોઈ સૂત્ર નથી જે કહે છે કે તમારે આના પર દસ મિનિટ અને તેના પર વીસ મિનિટ પસાર કરવી પડશે. પરંતુ ખૂબ ઝડપથી ન જવું સારું છે, કારણ કે પછી ઘણીવાર તમે જેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો તેનો કોઈ અર્થ નથી બનતો. એવું સરસ રહેશે જયારે કંઈક એને ઊંડું જવા દેશે, અને ખરેખર તેની સાથે કામ કરશે.

સંપૂર્ણ સમજ મેળવવી

મૂળભૂત રીતે આપણે ખાતરી કરવા માંગીએ છીએ કે આપણે વિષયને સમજીએ છીએ, જ્યાં આપણે વસ્તુઓ કેવી છે તે અંગે ચિંતન નથી કરતા. આ કારણે જ તિબેટીયનોમાં વાદવિવાદની શૈક્ષણિક પદ્ધતિ છે, જે આપણને આપણી સમજ પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે. દરેક વ્યક્તિએ તે કરવાનું છે - તમે ફક્ત વર્ગની પાછળ શાંતિથી બેસી શકતા નથી. એક વ્યક્તિ કંઈક કહેશે, અને વિરોધીએ તેને સ્વીકારવું અથવા નકારવું પડશે. આ બધાનો મુદ્દો સાચો જવાબ શોધવાનો નથી, પરંતુ વિષય વિશેની આપણી સમજણમાં નિશ્ચિતતા પ્રાપ્ત કરવાનો છે. તે એક ઉત્તમ પદ્ધતિ છે કારણ કે અન્ય લોકો આપણી વિચારસરણીને આપણે પોતે પડકારી શકીએ તેના કરતાં વધુ પડકારશે. વાદવિવાદ દરમિયાન, ઘણી વખત ઊર્જાનો જબરજસ્ત જથ્થો હોય છે કારણ કે લોકોને તે ખૂબ જ આનંદદાયક લાગે છે અને જ્યારે તેઓ અન્ય વ્યક્તિ પોતાની જાતને વિરોધાભાસી વાત કરે છે ત્યારે તેઓ ખૂબ હસે છે. પરંતુ તે બધું સારી રમૂજમાં કરવામાં આવે છે, અને દરેક તેનો આનંદ માણે છે.

શીખવાની આ શૈલીનો બીજો ફાયદો એ છે કે, પછી ભલે તમે કોઈ પણ હો, કોઈક સમયે તમે તમારી જાતનો વિરોઘી વાત કરશો અને કંઈક મૂર્ખપણે બોલશો, જે અહંકાર અને અભિમાનને દૂર કરવા માટે સારું છે. તે શરમને પણ દૂર કરે છે - તમે દલીલ કરવા માટે સભાની સામે ઉભા થવામાં ચોક્કસપણે શરમાળ નહીં થયી શકશો.

આપણે વાદવિવાદને "અરે, આ બુદ્ધિમાન વસ્તુ છે; હું સાહજિક બનવા માંગુ છું અને માત્ર ધ્યાન કરવા માંગુ છું. વાદવિવાદ તમને ધ્યાન કરવામાં મદદ કરે છે, જે સમગ્ર હેતુ છે. વાદવિવાદ કર્યા પછી, તમને કોઈ શંકા નથી રહેતી અને તમે તમારી સમજણ વિશે ચોક્કસ બનો છો, અને પછી તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આ આંતરદૃષ્ટિને એકીકૃત કરવા માટે ધ્યાન કરી શકો છો. નહિંતર, તમારું ધ્યાન એટલું મક્કમ નથી. અલબત્ત, તમે અહીં એકબીજા સાથે ઔપચારિક રીતે વાદવિવાદ ન કરી શકો, પરંતુ ગર્વ કે અહંકાર વિના, અને રક્ષણાત્મક બન્યા વિના, અન્ય વ્યક્તિ આપણા પર વ્યક્તિગત રીતે હુમલો નથી કરી રહ્યા તે વિચારીને, ઉપદેશોની વાદવિવાદ કરવી ખૂબ જ સરસ છે.

અન્ય બે તકનીકી બૌદ્ધ શબ્દો છે "એક હકીકતને સત્ય માનવું," અને "દ્રઢ પ્રતીતિ." આપણે કંઈક સાચું માની શકીએ છીએ જે ખોટું છે, તેથી આપણે આપણી ઉપદેશોની તપાસમાં સાવચેત રહેવું જોઈએ કે આપણે એવા નિષ્કર્ષ પર ન આવીએ કે આપણી પાસે સાચી સમજ છે, જ્યારે આપણે પાસે નથી. દ્રઢ પ્રતીતિ એ છે કે જ્યારે આપણે એટલી ખાતરી કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ આપણી માન્યતાને તોડી શકતી નથી, જેને આપણે ખરેખર વિકસાવવાની જરૂર છે.

આગળ વધતા રહો

આ બધું જિદ્દી અને બંદ દિમાગમાં વિકૃત થઈ શકે છે. આપણી પાસે ખોટી સમજ છે અને એટલા જિદ્દી બની જીએ છીએ કે કોઈ આપણને સુધારી શકતું નથી - આને કેટલીકવાર "ખોટો દૃષ્ટિકોણ" તરીકે અનુવાદિત કરવામાં આવે છે. આપણે કંઈક ખોટું ને પકડી રાખીએ છીએ અને તેના વિશે એટલા જિદ્દી થઈ જઈએ છીએ કે આપણે પ્રતિકૂળ થઈ જઈએ છીએ અને જે કોઈ પણ કંઈક અલગ કહેવાનો પ્રયાસ કરશે તો તેના પર હુમલો કરીશું.

જ્યાં સુધી આપણે બુદ્ધ ન થઈ જઈએ, ત્યાં સુધી આપણે વસ્તુઓને વધુ ને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આપણને હંમેશા કહેવામાં આવે છે, "તમારી સમજના સ્તરથી, તમારી સિદ્ધિના સ્તરથી ક્યારેય સંતુષ્ટ થશો નહીં, કારણ કે તમે બુદ્ધ ન બનો ત્યાં સુધી તમે હંમેશા ઊંડા જઈ શકો છો, હંમેશા વધુ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી શકો છો." તેથી જ્યારે આપણી પાસે સાચી સમજ હોય ત્યારે પણ તે કદાચ સૌથી ઊંડી સમજણ ના પણ હોઈ. ત્રિજાંગ રિનપોચે, પરમ પવિત્ર દલાઈ લામાના શિક્ષકોમાંના એક, કહેતા હતા, “મેં લેમ-રિમ ચેન-મો (ત્સોંગખાપા દ્વારા માર્ગના ક્રમાંકિત તબક્કાઓની ભવ્ય પ્રસ્તુતિ – એક મૂળભૂત અને વિશાળ લખાણ) સો વખત વાંચ્યું છે, અને જેટલી વાર મેં તેને વાંચ્યું છે, ત્યારે મને એક અલગ અને ઊંડી સમજણ મળી છે." આ એક સારું ઉદાહરણ છે કે કેવી રીતે, પેહલાથી સાચી સમજ હોવા છતાં, આપણે વધુને વધુ ઊંડા જવાની જરૂર છે.

મૃત્યુ ધ્યાન

હવે આપણે મૃત્યુ ધ્યાનના સંદર્ભમાં ચાર મુદ્દાઓને જોઈ શકીએ છીએ, તેથી તેઓ શું સૂચવે છે અને તેમને કેવી રીતે લાગુ કરવા તે અંગેનું ઉદાહરણ આપણે જોઈ શકીએ છે. અલબત્ત, આપણે મૃત્યુ અને મૃત્યુ ધ્યાન વિશેની શિક્ષાઓ પ્રાપ્ત કર્યા પછી જ આ કરીશું. મૃત્યુને જોતી વખતે, ત્રણ મૂળભૂત તથ્યો છે જેની સાથે આપણે કામ કરીએ છીએ:

  • મૃત્યુ અનિવાર્ય છે.
  • મૃત્યુનો સમય અનિશ્ચિત છે.
  • મૃત્યુ સમયે, ધર્મ સિવાય બીજું કંઈ મદદરૂપ થશે નહીં.

આપણે બધા મરી જવાના છીએ. તે અનિવાર્ય છે - હું, તમે, દરેક વ્યક્તિ જેને આપણે અંગત રીતે જાણીએ છીએ અને બીજા બધા પણ. આપણને એ પણ ખ્યાલ નથી કે મૃત્યુ ક્યારે ત્રાટકે છે અને જ્યારે આપણે મરી જઈએ છીએ, ત્યારે આપણે જે સકારાત્મક આદતો બાંધી છે અને આપણા માનસિક સાતત્યનો એક ભાગ બનાવી છે તે સિવાય કશું જ આપણને મદદ કરતું નથી.

મૃત્યુ અનિવાર્ય છે, પરંતુ આ શેના પર નિર્ભર છે (નિર્ભરતાનો સ્વયંસિદ્ધ)? આપણે આનું અનેક સ્તરે વિશ્લેષણ કરી શકીએ છીએ. પ્રથમ, મૃત્યુ જીવન પર આધાર રાખે છે. જીવ્યા વિના, તમે મરી શકતા નથી. અને દરરોજ, આપણે વૃદ્ધ થઈએ છીએ, અને આપણું શરીર, જે શરૂઆતમાં ખૂબ જ મજબૂત હતું, નબળા થઈ જાય છે. તેથી મૃત્યુ એ શરીર પર પણ આધાર રાખે છે જે બીમાર થઈ શકે છે, ગાડીથી અથડાઈ શકે છે વગેરે.

શા માટે મૃત્યુ વિશે વિચારવું?

પરાધીનતાના આ સિદ્ધાંતને લગતા ઊંડા સ્તરે, મૃત્યુ ધ્યાન પહેલાં આપણે જે સમજવાની જરૂર છે તે અદ્ભુત, અમૂલ્ય માનવ જીવન છે જે આપણી પાસે છે. મૃત્યુની જાગૃતિનો હેતુ હવે આ અમૂલ્ય માનવ જીવનનો લાભ લેવા માટે આપણને પ્રેરિત કરવાનો છે. જો આપણે આપણા જીવનની અને આપણી જાત પર કામ કરવાની તકની કદર ન કરીએ, તો આપણે ખરેખર આપણું જીવન ગુમાવવાનું વિચારીશું નહીં. કારણ કે મોટાભાગના લોકો એ વાતની કદર કરતા નથી કે "હું જીવિત છું, અને હું મારા શરીર અને મનનો ઉપયોગ કંઈક રચનાત્મક કરવા માટે કરી શકું છું," તેઓ તેમના જીવનનો વ્યય કરે છે. તેથી, મૃત્યુની જાગૃતિ ખરેખર જીવનની જાગૃતિ પર આધારિત છે.

આપણે જાણીએ છીએ કે આપણી પાસે આ અમૂલ્ય માનવ જીવન છે અને આપણે એવી ખરાબ પરિસ્થિતિઓથી મુક્ત છીએ જે આપણને ખરેખર જીવંત હોવાનો લાભ લેવા માટે સક્ષમ થવાથી રોકી શકે છે. આપણે એવા વાંદાનો જન્મ નથી લીધો કે જે કોઈ પણ જુએ છે તે તેના પર પગ મૂકવા માંગે છે. આપણે નાની માછલી તરીકે જન્મ્યા નથી કે જેને મોટી માછલી દ્વારા જીવંત ખાઈ જાય. આપણે માખી તરીકે જન્મ્યા નથી. તેના વિશે વિચારો, જો આપણે માખી તરીકે જન્મ્યા હોત તો આપણે શું કરી શકીએ અથવા શું સિદ્ધ કરી શકીએ? બહુ નહીં, આપણે આખું જીવન મળ અને કચરા તરફ આકર્ષાઈને પસાર કરત!

આમ, મૃત્યુથી વાકેફ રહેવાનો હેતુ (કાર્યક્ષમતાનો સ્વયંસિદ્ધ) માત્ર હતાશ થવાનો નથી, “અરે કેટલું ભયાનક! હું ચોક્કસ મરી જઈશ!” આ મુદ્દો નથી. કાર્ય એ છે કે આપણે આપણી પાસે જે કિંમતી સમય છે તેનો લાભ લેવાની ઈચ્છા જાગૃત કરવી, કારણ કે તે ક્યારે સમાપ્ત થશે તે આપણે ખરેખર જાણતા નથી. મારા મિત્રની જેમ ગયા અઠવાડિયે, જે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતો અને ખાસ વૃદ્ધ નહોતો. તે ધૂમ્રપાન કરતો ન હતો કે દારૂ પીતો ન હતો, તેને ઉચ્ચ બ્લડ પ્રેશર નહોતું, તે ઘણી બધી કસરતો કરતો હતી, તે એક તીવ્ર ધ્યાની અને અભ્યાસી હતો. અને ગયા અઠવાડિયે એક સવારે, તેણે સ્નાન કર્યું, તેને હાર્ટ એટેક આવ્યો અને તે મૃત્યુ પામ્યો. આમ જ.

આપણે આ અમૂલ્ય જીવન ક્યારે ગુમાવીશું તેની કોઈ નિશ્ચિતતા નથી, અને મૃત્યુ સામાન્ય રીતે તદ્દન અણધારી રીતે આવે છે. તમારે વૃદ્ધ થવાની જરૂર નથી, અને મરવા માટે તમારે બીમાર થવાની જરૂર નથી. તેથી મૃત્યુ વિશે જાગૃત રહેવાનો મુખ્ય હેતુ આળસ અને વિલંબને દૂર કરવાનો છે, હંમેશા આવતીકાલ સુધી વસ્તુઓને મુલતવી રાખવી. મારા મિત્ર, એલન, જેનું મૃત્યુ થયું, એક સારું ઉદાહરણ છે. તેની માતા ખૂબ જ વૃદ્ધ હતી અને તેની તબિયત સારી ન હતી, અને તે ખરેખર તેને શારીરિક અને આર્થિક રીતે મદદ કરવા માંગતો હતો. તેથી તે હંમેશા તેની સંભાળ રાખવામાં મદદ કરવા માટે દર સપ્તાહના અંતે જતો - ખરીદી કરવા વગેરે. તે હંમેશા કહેતો હતો કે તેની માતાનું અવસાન થતાં જ તે કામમાંથી નિવૃત્ત થઈ જશે અને સૌ પ્રથમ શુદ્ધિકરણ માટે એક વર્ષનું વજ્રસત્વ એકાંતવાસ કરશે અને પછી થોડી લાંબી એકાંતવાસ કરશે. આ તેમનો સંકલ્પ હતો.

મેં કહ્યું તેમ, તે ખૂબ જ તીવ્ર અભ્યાસી હતો, પરંતુ તે ક્યારેય ધ્યાન એકાંતમાં ગયા ન હતા કારણ કે તે તેમની માતાને મદદ કરવા અને તેમની કાળજી રાખવા માટે ઉપલબ્ધ રહેવા માંગતા હતા, તેથી તેમણે કામ કરવું પડ્યું. શું તેમણે તેમની માતાને મદદ કરવા માટે કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ, અથવા જ્યારે તેમને તક મળ્યો હતો ત્યારે જ એકાંતવાસ માટે જવું જોઈતું હતું, અને અન્ય લોકોને તેની સંભાળ લેવા દેવા જોઈએ? ધર્મ આપણને શું કરવાની સૂચના આપશે? મૃત્યુ વિશેના ઉપદેશો આપણને શું કરવા પ્રેરશે? તે વિચારવું સારું છે કે તે પરિસ્થિતિમાં હું શું કરત?

એક વિચાર એ છે કે ટૂંકા એકાંતવાસ કરવા અને તે જ સમયે તમારી માતાને મદદ કરવી. એકાંતવાસ એ પૂર્ણ સમયની પ્રવૃત્તિ હોવી જરૂરી નથી - આપણે સવારનું સત્ર અને સાંજનું સત્ર કરી શકીએ છીએ, અને દિવસ દરમિયાન આપણને જે જોઈએ છે તેની કાળજી કરી શકીએ છીએ. એકાંતવાસ કરવી સારી છે, પરંતુ ઉપદેશો હંમેશા કહે છે કે તમામ જીવોની દયાનું વળતર આપવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને આપણી માતાનું જેણે ખરેખર આપણને જીવન આપ્યું છે. જ્યારે તમે તમારા માતા-પિતાની સંભાળ રાખો છો, ખાસ કરીને નારાજગી વિના જેમ કે, "હું ઈચ્છું છું કે તેઓ જલદી મરી જાય કારણ કે હું મારી નોકરીને નફરત કરું છું અને હું નિવૃત્ત થવા માંગુ છું," તમે મોટી માત્રામાં સકારાત્મક સંભાવનાઓનું નિર્માણ કરો છો. જો આપણે આપણા માતા-પિતા વિશે ચિંતા કરવાની જરૂર નથી, તો અલબત્ત આપણે આપણા જીવનનો શક્ય તેટલો લાભ લેવાની જરૂર છે.

ઘણીવાર, તિબેટીયન લામાઓ પશ્ચિમી ધર્મ વિદ્યાર્થીઓને ખૂબ ગંભીરતાથી લેતા નથી, કારણ કે આપણામાંના ઘણા લોકો પાસે ધર્મ પ્રત્યે સમર્પણ અને પ્રતિબદ્ધતા નથી અને તેના મૂલ્યની વાસ્તવિક કદર નથી જે ઘણા તિબેટીઓ પાસે છે. પશ્ચિમના લોકો ઘણીવાર તેમના વલણથી ખૂબ હળવા હોય છે, વિચારે છે, "હું આજે થાકી ગયો છું, હું આગલી વખતે તે શિક્ષણમાં જઈશ." પરંતુ જો આપણે ખરેખર ગંભીર હોત, અને મૃત્યુ અને આપણી પાસેના આ અમૂલ્ય માનવ જીવન વિશે જાગૃત હોત, તો તે આપણને દરરોજ ઉપલબ્ધ ઉપદેશો પર જવા માટે ઉત્તેજિત કરત, પછી ભલે આપણે ગમે તેવું લાગતું હોય.

મૃત્યુ આવે છે: શાંત રહો!

આપણું અમૂલ્ય જીવન સમાપ્ત થવાનું છે. આપણને ખબર નથી કે ક્યારે. આપણે હાર્ટ એટેકથી સ્નાન કરતી વખતે મૃત્યુ પામી શકીએ છીએ; આપણને બસ ટક્કર મારી શકે છે. અને આપણે આપણું જીવન બરબાદ કરવા માંગતા નથી. મૃત્યુની જાગૃતિ આળસને દૂર કરવામાં મદદ કરે છે અને આપણી પાસે રહેલી તમામ તકોનો સંપૂર્ણ લાભ લેવા દે છે. પરંતુ, આમ કરતી વખતે, તણાવ અને તંગ ન થવું મહત્વપૂર્ણ છે. ઘણી વાર આપણે બિનમહત્વપૂર્ણ, તુચ્છ બાબતોને લઈને એટલા તંગ અને તણાવમાં હોઈએ છીએ, આપણે ધર્મ પ્રત્યે પણ સખત થઈ જઈએ છીએ. આપણે આપણા અભ્યાસમાં નિષ્ઠાવાન બનવાની જરૂર છે, પરંતુ શાંતિથી – જો કે આનો અર્થ આળસુ બનવાનો નથી. જ્યારે તમે સકારાત્મક આદતો કેળવશો, તો મૃત્યુ સમયે તે કોઈ તકલીફ નથી કારણ કે તમે જાણો છો કે તે આદતો તમને મદદ કરશે.

મૃત્યુ જીવનનું તાર્કિક નિષ્કર્ષ છે

તે પછી, આપણે કારણ દ્વારા સ્થાપિત કરીએ છીએ કે શું ઉપદેશો બુદ્ધે શીખવ્યું (કારણનો સ્વયંસિદ્ધ) સાથે સુસંગત છે. આ કરવા માટે આપણે સામાન્ય રીતે થોડીક ઉપદેશો પ્રાપ્ત કરી હોવી જોઈએ અથવા જાણવા માટે ઘણા બૌદ્ધ પુસ્તકો વાંચ્યા હોવા જોઈએ. ઘણા બૌદ્ધ ઉપદેશો અસ્થાયીતા વિશે વાત કરે છે, અને તેથી તે બુદ્ધે જે શીખવ્યું હતું તેની સાથે સુસંગત છે.

શું તે તાર્કિક છે? ઠીક, હા, દરરોજ આપણે મૃત્યુની નજીક જઈએ છીએ. અમુક સમયે શો પૂરો થશે. મૃત્યુ ચોક્કસ આવશે, કારણ કે એવા કોઈ સંજોગો નથી કે જે મૃત્યુ આવે ત્યારે તેને પાછું મોકલી શકે. આપણું આયુષ્ય વધારી શકાતું નથી, આપણું બાકીનું આયુષ્ય દિવસેને દિવસે, મિનિટે મિનિટે, સેકેન્ડે સેકેન્ડે ઘટતું જાય છે. આ માટે ખરેખર ભાવનાત્મક રીતે સંપૂર્ણપણે સમજવું એ ખરેખર ખૂબ જ ગહન છે, જ્યારે આપણે તેને એવી રીતે કરી શકીએ કે જ્યાં આપણે સંપૂર્ણપણે ગભરાઈ ન જઈએ, પરંતુ તેના વિશે શાંત રહી શકીએ, અને સાથે તેને ગંભીરતાથી પણ લઈએ. ભલે આપણી પાસે જીવતી વખતે ધર્મનું પાલન કરવાનો સમય ન હતો, પણ આપણે મરવું પડશે. દરેક વ્યક્તિ જે ક્યારેય જીવ્યા છે તેમને મૃત્યુ પામ્યું છે.

ફાયદાકારક પરિણામો

પરિણામ વિશે શું? ઠીક છે, જો આપણને ખરેખર ખાતરી થઈ જાય કે મૃત્યુ આવી રહ્યું છે અને આપણી પાસે આ અમૂલ્ય માનવ જીવન છે, તો પરિણામ એ આવશે કે તે આપણી આળસ ઘટશે અને આપણી પાસે જે બધી તકો છે તેનો લાભ ઉઠાવશું. આપણે પોતાના અનુભવથી જોઈ શકીએ છીએ કે આ ફાયદાકારક છે.

ચોથો સ્વયંસિદ્ધ, વસ્તુઓના પ્રકૃતિને લગતો, એ છે કે હા, જીવતી દરેક વસ્તુની પ્રકૃતિ એ છે કે તે મૃત્યુ પામે છે. આ જ રીતે વસ્તુઓ છે, આ વાસ્તવિકતા છે, અને આ હકીકતને સ્વીકારવા સિવાય આપણે કંઈ કરી શકતા નથી.

આ ઉદાહરણ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આપણે આપણા પોતાના અનુભવ સાથે સંબંધિત આ ચાર સ્વયંસિદ્ધનો ઉપયોગ ઉપદેશોનું વિશ્લેષણ કરવા માટે કરી શકીએ છીએ. આ એક સતત પ્રક્રિયા છે, કારણ કે ૧૦૦% ખાતરી થવા માટે અને તેને આપણા જીવનમાં એકીકૃત કરવા માટે ઘણું કામ કરવું પડે છે. બૌદ્ધિક રીતે ખાતરી થવી સહેલી છે, પરંતુ ભાવનાત્મક રીતે ખાતરી કરવી ખૂબ જ મુશ્કેલ છે. મન અને શરીર પણ અલગ-અલગ છે - દાખલા તરીકે મારા મિત્રના મૃત્યુના સંદર્ભમાં, માનસિક, ભાવનાત્મક રીતે, હું ખૂબ જ શાંતિ અનુભવું છું, પરંતુ મારા શરીરમાં ખૂબ જ શક્તિનો અભાવ લાગે છે.

તેથી શારીરિક સ્તરે ઉદાસી છે, કારણ કે "દરેક વ્યક્તિ મૃત્યુ પામે છે" ના શરીરના સ્તર પર તે લાગણી મેળવવી મુશ્કેલ છે. અને સમયાંતરે માનસિક સ્તર પર ઉદાસી ઉદભવશે કારણ કે તે સ્વાભાવિક છે. આપણે બુદ્ધ નથી; આપણે મુક્ત જીવો નથી. આપણે હજુ સુધી તમામ ખલેલ પહુંચાડતી લાગણીઓ અથવા વેદનાઓથી મુક્ત નથી. પરંતુ તે જ આપનો ધ્યેય છે.

સારાંશ

એકવાર આપણે ખરેખર જાણીએ કે મુક્તિ અને જ્ઞાન પ્રાપ્તિ શું છે, પછી આપણે આપણી ધ્યેય નક્કી કરી શકીએ છીએ. જ્યારે આપણે ખરેખર શું જોઈએ છે તે નક્કી કરી લીધું છે, ત્યારે આપણે ત્યાં પહોંચવા માટે પગલાં લઈ શકીએ છીએ. આપણે જે કરી રહ્યા છીએ તેની નિશ્ચિતતા મેળવવામાં મદદ કરવા માટે ચાર સ્વયંસિદ્ધ ઉપયોગી છે.

જ્યારે આપણે મૃત્યુનું ધ્યાન કરીએ છીએ, અને ખરેખર સમજીએ છીએ કે આપણે બધા મૃત્યુ પામવાના છીએ, છતાં આપણને ખ્યાલ નથી હોતો કે ક્યારે, આપણે ખરેખર શું મહત્વનું છે તેની સાથે આગળ વધવા માટે પ્રેરિત થઈશું. મૃત્યુની જાગૃતિ આપણી અંદર અવિશ્વસનીય પરિવર્તન લાવે છે, જેનાથી આળસ કે હતાશાનો ભોગ બનવું અશક્ય બને છે.

Top