"ખલેલ પહોંચાડતી લાગણી" શું છે?
ખલેલ પહોંચાડતી લાગણીને મનની એવી સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યારે આપણે તેનો વિકાસ કરીએ છીએ, તો તેના કારણે આપણે આપણી માનસિક શાંતિ અને આત્મ-નિયંત્રણ ગુમાવીએ છીએ.
કારણ કે આપણે આપણી મનની શાંતિ ગુમાવીએ છીએ, તે ખલેલ પહોંચાડે છે; તે આપણી મનની શાંતિને ખલેલ પહોંચાડે છે. કારણ કે જ્યારે આપણે આપણી મનની શાંતિ ગુમાવીએ છીએ ત્યારે આપણે પરેશાન થઈએ છીએ, આપણે આપણા વિચારોમાં કે આપણી લાગણીઓમાં ખરેખર સ્પષ્ટ નથી હોતા. સ્પષ્ટતાના અભાવને કારણે, આપણે આત્મ-નિયંત્રણ રાખવા માટે જરૂરી ભેદભાવની ભાવના ગુમાવીએ છીએ. આપણે શું મદદરૂપ છે અને શું મદદરૂપ નથી; ચોક્કસ પરિસ્થિતિઓમાં શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે વચ્ચે ભેદભાવ કરવા સક્ષમ હોવું જરૂર છે.
રચનાત્મક મનની સ્થિતિઓ સાથે પણ ખલેલ પહોંચાડતી લાગણીઓ આવી શકે છે
ખલેલ પહોંચાડતી લાગણીઓના ઉદાહરણોમાં, દાખલા તરીકે, આસક્તિ અથવા ઝંખનાની ઇચ્છા, ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન, ઘમંડ વગેરેનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક ખલેલ પહોંચાડતી લાગણીઓ આપણને વિનાશક કૃત્ય કરવા તરફ દોરી શકે છે, પરંતુ હંમેશા એવું જરૂરી નથી હોતું. ઉદાહરણ તરીકે, આસક્તિ અને ઝંખનાની ઇચ્છા આપણને વિનાશક કૃત્ય કરવા તરફ દોરી શકે છે - દાખલ તરીકે, બહાર જઈને કંઈક ચોરી કરવા માટે. પણ આપણને પ્રેમ મેળવવાની ઝંખના પણ હોઈ શકે છે અને આપણે તેની સાથે જોડાયેલા હોઈએ છીએ, તેથી આપણે બીજાઓને મદદ કરીએ છીએ જેથી તેઓ આપણને પ્રેમ કરે. બીજાઓને મદદ કરવી વિનાશક નથી; તે કંઈક રચનાત્મક છે, પરંતુ તેની પાછળ એક ખલેલ પહોંચાડતી લાગણી છે: "હું પ્રેમ પામવા માંગુ છું, તેથી હું તમને ભીખ માંગુ છું કે બદલામાં મને પ્રેમ કરો."
અથવા ગુસ્સાના કિસ્સાને ધ્યાનમાં લો. ગુસ્સો આપણને વિનાશક કૃત્ય કરવા, કોઈને નુકસાન પહોંચાડવા અથવા તેમને મારી નાખવા તરફ દોરી શકે છે, કારણ કે આપણે ખૂબ ગુસ્સે છીએ. તો, તે વિનાશક વર્તન છે. પરંતુ, ધારો કે આપણે કોઈ ચોક્કસ પ્રણાલી અથવા ચોક્કસ પરિસ્થિતિના અન્યાય વિશે ગુસ્સે છીએ - અને આપણે તેના પર એટલા ગુસ્સે છીએ કે આપણે ખરેખર તેને બદલવા માટે કંઈક કરીએ છીએ. તે જરૂરી નથી કે આપણે જે કરીએ છીએ તે હિંસક કાર્ય હોય. પરંતુ મુદ્દો એ છે કે અહીં કંઈક રચનાત્મક અથવા સકારાત્મક કરવું પણ ખલેલ પહોંચાડતી લાગણીથી પ્રેરિત છે. આપણી પાસે મનની શાંતિ નથી અને, કારણ કે આપણી પાસે મનની શાંતિ નથી, જ્યારે આપણે તે સકારાત્મક કાર્ય કરી રહ્યા છીએ, ત્યારે આપણા મન અને લાગણીઓ ખૂબ સ્પષ્ટ નથી હોતી અને આપણી ભાવનાત્મક સ્થિતિ ખૂબ સ્થિર નથી હોતી.
આ કિસ્સાઓમાં, તો પછી, ઝંખના અથવા ગુસ્સા સાથે, આપણે ઇચ્છીએ છીએ કે બીજી વ્યક્તિ આપણને પ્રેમ કરે અથવા આપણે અન્યાયનો અંત લાવવા માંગીએ છીએ. તે મનની સ્થિર સ્થિતિઓ અથવા સ્થિર ભાવનાત્મક સ્થિતિઓ નથી. કારણ કે તે મનની સ્પષ્ટ સ્થિતિઓ અથવા સ્પષ્ટ ભાવનાત્મક સ્થિતિઓ નથી, આપણે શું કરવું અને ખરેખર આપણા હેતુને કેવી રીતે પૂર્ણ કરવો તે વિશે ખૂબ સ્પષ્ટ રીતે વિચારી રહ્યા નથી. પરિણામે, આપણી પાસે આત્મ-નિયંત્રણ નથી. ઉદાહરણ તરીકે, આપણે કોઈને કંઈક કરવામાં મદદ કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ, પરંતુ મદદ કરવાની વધુ સારી રીત એ હોઈ શકે છે કે તેમને તે જાતે કરવા દો. ધારો કે જો આપણી એક મોટી દીકરી હોય અને આપણે તેને રસોઈ બનાવવામાં, ઘર સંભાળવા અથવા બાળકોની સંભાળ રાખવા મદદ કરવા માંગીએ છીએ, તો ઘણી રીતે આ દખલ કરવું છે. આપણી દીકરીને રસોઈ કેવી રીતે બનાવવી અથવા તેના બાળકોને કેવી રીતે ઉછેરવા તે કહેવામાં આવે તે ખરેખર ગમશે નહીં. પરંતુ આપણે તેમનું પ્રેમ જોઈએ છીએ અને ઉપયોગી બનવા માંગીએ છીએ, તેથી આપણે પોતાને તેમના પર ધકેલીએ છીએ. આપણે કંઈક રચનાત્મક કરી રહ્યા છીએ, પરંતુ તે કરવામાં, આપણે આત્મ-નિયંત્રણ ગુમાવીએ છે જેના કારણે આપણે વિચાર્યું હોત કે, "મારા મોં બંધ રાખવું અને મારો અભિપ્રાય ન આપવો અને મારી મદદ ન કરવી તે વધુ સારું છે."
ભલે આપણે એવી પરિસ્થિતિમાં મદદ કરીએ જ્યાં બીજી વ્યક્તિને મદદ કરવી યોગ્ય હોય, આપણે તેના વિશે હળવાશ અનુભવતા નથી, કારણ કે આપણે બદલામાં કંઈક અપેક્ષા રાખી શકીએ છીએ. આપણને તેમનું પ્રેમ જોઈએ છીએ; આપણે જરૂરી બનવા માંગીએ છીએ; આપણને પ્રશંસા જોઈએ છે. આ પ્રકારની ઝંખના આપણા મનમાં એક શરત તરીકે હોય છે, અને જો આપણી દીકરી આપણે જે રીતે ઈચ્છીએ છીએ તે રીતે પ્રતિક્રિયા ન આપે, તો આપણે ખૂબ જ નારાજ થઈએ છીએ.
જ્યારે આપણે અન્યાય સામે લડવા જઈએ છીએ ત્યારે આપણે માનસિક શાંતિ ગુમાવીએ છીએ અને આત્મ-નિયંત્રણ ગુમાવીએ છીએ, જેના કારણે આપણે વિક્ષેપિત થઈએ છીએ, ત્યારે તે વધુ સ્પષ્ટ થાય છે. તેના વિશે ખરેખર હેરાન થઈને, આપણે ખરેખર નિરાશ થઈએ છીએ. જો આપણે નિરાશા ના આધારે કાર્ય કરશું, તો સામાન્ય રીતે આપણે શું કરવું તે સ્પષ્ટ રીતે વિચારતા નથી. ઘણીવાર આપણે ઇચ્છતા પરિવર્તન લાવવા માટે શ્રેષ્ઠ પગલાં લેતા નથી.
ટૂંકમાં, આપણે વિનાશક રીતે કાર્ય કરીએ કે રચનાત્મક રીતે, જો આપણે જે કરીએ છીએ તે ખલેલ પહોંચાડતી લાગણીથી પ્રેરિત અને તેની સાથે હોય, તો આપણું વર્તન સમસ્યાઓનું કારણ બનશે. જોકે આપણે ચોક્કસ આગાહી કરી શકતા નથી કે તે અન્ય લોકો માટે સમસ્યાઓનું કારણ બનશે કે નહીં, તે મુખ્યત્વે આપણા માટે સમસ્યાઓનું કારણ બનશે. આ સમસ્યાઓ જરૂરી નથી કે તરત જ થાય; તે લાંબા ગાળાની સમસ્યાઓ છે કારણ કે ખલેલ પહોંચાડતી લાગણીઓના પ્રભાવ હેઠળ કાર્ય કરવાથી વારંવાર ખલેલ પહોંચાડતી રીતે કાર્ય કરવાની ટેવ પડે છે. આ રીતે, ખલેલ પહોંચાડતી લાગણીઓ પર આધારિત આપણું અનિવાર્ય વર્તન લાંબા ગાળાની સમસ્યારૂપ વર્તણૂક બનાવે છે. આપણને ક્યારેય માનસિક શાંતિ મળતી નથી.
તેનું એક સ્પષ્ટ ઉદાહરણ એ છે કે આપણે બીજાઓને મદદ કરવા અને સારા કાર્યો કરવા માટે પ્રેરિત થઈએ છીએ, કારણ કે આપણે પ્રેમ અને પ્રશંસા અનુભવવા માંગીએ છીએ. તેની પાછળ, આપણે મૂળભૂત રીતે અસુરક્ષિત છીએ. પરંતુ આપણે આ પ્રકારની પ્રેરણા સાથે જેટલું વધુ કાર્ય કરવાનું ચાલુ રાખીએ છીએ, તે ક્યારેય સંતોષતું નથી, આપણને ક્યારેય લાગતું નથી કે, "ઠીક છે, હવે હું પ્રિય છું. બસ, મને હવે વધારેની જરૂર નથી." આપણે ક્યારેય એવું લાગતું નથી. અને તેથી આપણું વર્તન ફક્ત "મારે પ્રેમ અનુભવવો પડશે, મારે મહત્વપૂર્ણ અનુભવવું પડશે, મારે પ્રશંસા અનુભવવી પડશે" એવી ફરજિયાત લાગણીની આ આદતને વધુ પ્રબલિત અને મજબૂત બનાવે છે. તમે ફક્ત પ્રેમ મેળવવાની આશામાં વધુ ને વધુ આપો છો, પરંતુ તમે હંમેશા નિરાશા અનુભવો છો. તમે નિરાશ થાઓ છો કારણ કે જો કોઈ તમારો આભાર માને છે, તો પણ તમે વિચારો છો કે, "તેઓ ખરેખર નથી માનતા," આ પ્રકારની વાત. તેના કારણે, આપણને ક્યારેય મનની શાંતિ મળતી નથી. અને તે વધુને વધુ ખરાબ થતું જાય છે, કારણ કે સહલશણ પુનરાવર્તિત થાય છે, પુનરાવર્તિત થાય છે અને પુનરાવર્તિત થાય છે. તેને "સંસાર" કહેવાય છે - એક અનિયંત્રિત રીતે વારંવાર આવતી સમસ્યારૂપ પરિસ્થિતિ.
જ્યારે ખલેલ પહોંચાડતી લાગણી આપણને નકારાત્મક અથવા વિનાશક રીતે કાર્ય કરવા માટે પ્રેરિત કરતી હોય ત્યારે આ પ્રકારના સહલશણને ઓળખવું એટલું મુશ્કેલ નથી. ઉદાહરણ તરીકે, આપણે હંમેશા હેરાન થઈએ છીએ, અને કારણ કે આપણે હેરાન છીએ અને નાની નાની વાત પર ગુસ્સે થઈએ છીએ, તો પછી બીજાઓ સાથેના આપણા સંબંધોમાં આપણે હંમેશા કઠોર રીતે બોલીએ છીએ અથવા ક્રૂર વાતો કહીએ છીએ. અને તે સ્પષ્ટ છે કે કોઈ આપણને પસંદ નથી કરતું અને લોકો ખરેખર આપણી સાથે રહેવા માંગતા નથી અને તે આપણા સંબંધોમાં ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ત્યાં શું ચાલી રહ્યું છે તે ઓળખવું એકદમ સરળ છે. પરંતુ જ્યારે ખલેલ પહોંચાડતી લાગણી આપણા સકારાત્મક કાર્ય પાછળ હોય ત્યારે તેને ઓળખવું એટલું સરળ નથી. પરંતુ આપણે બંને પરિસ્થિતિઓમાં તેને ઓળખવાની જરૂર છે.
જ્યારે આપણે કોઈ ખલેલ પોંહચાડતી લાગણી, વલણ અથવા મનની સ્થિતિના પ્રભાવ હેઠળ હોઈએ ત્યારે કેવી રીતે ઓળખવું
તો પ્રશ્ન એ છે કે આપણે કોઈ ખલેલ પહોંચાડતી લાગણી કે વલણના પ્રભાવ હેઠળ કાર્ય કરી રહ્યા છીએ તે કેવી રીતે ઓળખવું? તે ફક્ત એક લાગણી હોવી જરૂરી નથી; તે જીવન પ્રત્યેનો વલણ કે આપણી જાત પ્રત્યેનો વલણ પણ હોઈ શકે છે. આ માટે, આપણે આત્મનિરીક્ષણ કરવા માટે થોડા સંવેદનશીલ બનવાની જરૂર છે અને આપણે અંદરથી કેવું અનુભવીએ છીએ તે ધ્યાનમાં લેવાની જરૂર છે. આ કરવા માટે, ખલેલ પહોંચાડતી લાગણી કે ખલેલ પહોંચાડતી વલણની વ્યાખ્યા ખૂબ મદદરૂપ થાય છે: તે આપણને આપણી મનની શાંતિ ગુમાવવા અને આત્મ-નિયંત્રણ ગુમાવવાનું કારણ બને છે.
જો, જ્યારે આપણે કંઈક કહેવા જઈએ છીએ અથવા કંઈક કરવા જઈએ છીએ, ત્યારે આપણે અંદરથી થોડા ગભરાટ અનુભવીએ છીએ, આપણે સંપૂર્ણપણે હળવા નથી, તો તે એક સંકેત છે કે કોઈ ખલેલ પહોંચાડતી લાગણી હાજર છે.
તે અજાણપણે હોઈ શકે છે અને ઘણીવાર તે અજાણપણે હોય છે, પરંતુ તેની પાછળ કેટલીક ખલેલ પહોંચાડતી લાગણી હોય છે.
ધારો કે આપણે કોઈને કંઈક સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. જો આપણે જોયું કે તે વ્યક્તિ સાથે વાત કરતી વખતે આપણા પેટમાં થોડી બેચેની છે, તો તે એક સારો સંકેત છે કે તેની પાછળ કોઈ ગર્વ છે. આપણે અનુભવી શકીએ છીએ કે, "હું કેટલો હોશિયાર છું, હું તે સમજી શકું છું. હું તમને તે સમજવામાં મદદ કરીશ." આપણે ખરેખર બીજા વ્યક્તિને કંઈક સમજાવીને મદદ કરવા માંગીએ છીએ, પરંતુ જો આપણે આપણા પેટમાં થોડી બેચેની અનુભવીએ છીએ, તો તેમાં થોડો ગર્વ છે. ખાસ કરીને જ્યારે આપણે આપણી પોતાની સિદ્ધિઓ અથવા આપણા પોતાના સારા ગુણો વિશે વાત કરીએ છીએ ત્યારે આવું થાય છે. ઘણી વાર, આપણે થોડી બેચેની સાથે તેનો અનુભવ કરીએ છીએ.
અથવા એક ખલેલ પહોંચાડનારા વલણનો વિચાર કરીએ, ચાલો એવું વલણ કહીએ કે "દરેક વ્યક્તિએ મારા તરફ ધ્યાન આપવું જોઈએ," જે ઘણીવાર આપણી પાસે હોય છે. આપણને અવગણવામાં આવે તે ગમતું નથી - કોઈને અવગણવામાં આવે તે ગમતું નથી - તેથી આપણે લાગે છે કે, "લોકોએ મારા તરફ ધ્યાન આપવું જોઈએ અને હું જે કહું છું તે સાંભળવું જોઈએ," વગેરે. સારું, તે અંદરથી થોડી ગભરાટ સાથે પણ હોઈ શકે છે, ખાસ કરીને જો લોકો આપણી તરફ ધ્યાન ન આપતા હોય. તેઓએ આપણી તરફ કેમ ધ્યાન આપવું જોઈએ? જ્યારે તમે તેના વિશે વિચારો છો, ત્યારે કોઈ સારું કારણ નથી.
સંસ્કૃત શબ્દ "કલેશ" - તિબેટીયનમાં "ન્યોન-મોંગ" - ખૂબ જ મુશ્કેલ શબ્દ છે જેનો હું અહીં "ખલેલ પહોંચાડતી લાગણી" અથવા "ખલેલ પહોંચાડતી વલણ" તરીકે અનુવાદ કરી રહ્યો છું. તે મુશ્કેલ છે કારણ કે તેમાંના કેટલાક એવા છે જે ખરેખર લાગણી અથવા વલણની શ્રેણીમાં ખૂબ સારી રીતે બંધબેસતા નથી, ઉદાહરણ તરીકે નિષ્કપટતા. આપણે આપણા વર્તનની અન્ય લોકો પર અથવા આપણા પર થતી અસર વિશે ખૂબ જ નિષ્કપટ હોઈ શકીએ છીએ. અથવા આપણે કોઈ પરિસ્થિતિ વિશે, શું ચાલી રહ્યું છે તેની વાસ્તવિકતા વિશે નિષ્કપટ હોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે, ચાલો કહીએ કે આપણે નિષ્કપટ છીએ એ વાતથી કે કોઈની તબિયત સારી નથી અથવા કોઈ નારાજ છે. આવી પરિસ્થિતિઓમાં, આપણે ચોક્કસપણે નિષ્કપટ હોઈ શકીએ છીએ કે તેમને કંઈપણ કહેવાનું પરિણામ શું આવશે; આપણા સારા ઇરાદા હોવા છતાં, તેઓ આપણાથી ખૂબ નારાજ થઈ શકે છે.
જ્યારે આપણી પાસે આવી પ્રકારની ખલેલ પોંહચાડતી મનની સ્થિતિ હોય છે, ચાલો તેને કહીએ, ત્યારે જરૂરી નથી કે આપણે અંદરથી બેચેની અનુભવીએ છીએ. પરંતુ જેમ આપણે જોયું તેમ, જ્યારે આપણે આપણી મનની શાંતિ ગુમાવીએ છીએ, ત્યારે આપણું મન અસ્પષ્ટ હોય છે. અને તેથી જ્યારે આપણે નિષ્કપટ હોઈએ છીએ, ત્યારે આપણું મન ખરેખર સ્પષ્ટ હોતું નથી; આપણે આપણી પોતાની નાની દુનિયામાં હોઈએ છીએ. આપણે આત્મ-નિયંત્રણ ગુમાવીએ છીએ કારણ કે આપણે આપણી પોતાની નાની દુનિયામાં હોઈએ છીએ, તેથી આપણે પરિસ્થિતિમાં શું મદદરૂપ અને યોગ્ય છે અને શું નથી તે વચ્ચે ભેદભાવ નથી કરતા. ભેદભાવના અભાવને કારણે, આપણે યોગ્ય રીતે અને સંવેદનશીલ રીતે કાર્ય કરતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આપણી પાસે યોગ્ય રીતે કાર્ય કરવા અને કંઈક અયોગ્ય કરવાથી રોકવા માટે આત્મ-નિયંત્રણ નથી. આ રીતે, નિષ્કપટતા મનની ખલેલ પહોંચાડતી સ્થિતિની આ વ્યાખ્યામાં બંધબેસે છે, જોકે નિષ્કપટતાને લાગણી અથવા વલણ તરીકે વિચારવું મુશ્કેલ છે. જેમ મેં કહ્યું તેમ, "કલેશ" શબ્દનો ખરેખર સારો અનુવાદ શોધવો ખૂબ જ મુશ્કેલ છે.
બિન-ખલેલ પહોંચાડતી લાગણીઓ
સંસ્કૃત અને તિબેટી ભાષામાં "લાગણીઓ" માટે કોઈ શબ્દ નથી. આ ભાષાઓ માનસિક પરિબળો વિશે વાત કરે છે, જે આપણી માનસિક સ્થિતિના દરેક ક્ષણને બનાવે છે. તેઓ આ માનસિક પરિબળોને ખલેલ પહોંચાડતી અને બિન-ખલેલ પહોંચાડતી અને રચનાત્મક અને વિનાશકમાં વિભાજીત કરે છે. તે બે જોડી એકબીજાને સંપૂર્ણપણે ઓવરલેપ કરતી નથી. વધુમાં, એવા માનસિક પરિબળો છે જે આમાંથી કોઈપણ શ્રેણીમાં આવતા નથી. તેથી, પશ્ચિમમાં આપણે જેને "લાગણીઓ" કહીએ છીએ તેના સંદર્ભમાં, કેટલાક એવા છે જે ખલેલ પહોંચાડે છે અને કેટલાક એવા છે જે ખલેલ પહોંચાડતા નથી. એવું નથી કે આપણે બૌદ્ધ ધર્મમાં બધી લાગણીઓથી છૂટકારો મેળવવાનું લક્ષ્ય રાખી રહ્યા છીએ, બિલકુલ નહીં. આપણે ફક્ત ખલેલ પહોંચાડનારાઓથી છૂટકારો મેળવવા માંગીએ છીએ. આ બે પગલામાં કરવામાં આવે છે: પહેલું પગલું તેમના નિયંત્રણમાં ન આવવું અને બીજું એ છે કે તેમાંથી છૂટકારો મેળવવો જેથી તેઓ ઉદ્ભવે પણ નહીં.
બિન-ખલેલ પહોંચાડતી લાગણી શું હશે? સારું, આપણે વિચારી શકીએ છીએ કે "પ્રેમ" એ બિન-ખલેલ પહોંચાડતી લાગણી અથવા "કરુણા" અથવા "ધીરજ" છે. પરંતુ જ્યારે આપણે આપણી યુરોપિયન ભાષાઓમાં આ શબ્દોનું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આ દરેક લાગણીઓમાં ખલેલ પહોંચાડતી અને બિન-ખલેલ પહોંચાડતી વિવિધતા હોઈ શકે છે. તેથી, આપણે થોડું સાવચેત રહેવું જોઈએ. જો પ્રેમ એવી લાગણી છે જેમાં આપણે અનુભવીએ છીએ, "હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારી જરૂર છે, મને ક્યારેય છોડશો નહીં!" તો આ પ્રકારનો પ્રેમ ખરેખર મનની એક ખલેલ પહોંચાડનારી સ્થિતિ છે. તે ખલેલ પહોંચાડે છે કારણ કે જો તે વ્યક્તિ આપણને પ્રેમ ન કરે અથવા તેમને આપણી જરૂર ન હોય, તો આપણે ખૂબ જ નિરાશ થઈ જઈએ છીએ. આપણે ખૂબ ગુસ્સે થઈએ છીએ અને અચાનક આપણી લાગણી બદલાઈ જાય છે, "હું હવે તને પ્રેમ કરતો નથી."
તેથી, જ્યારે આપણે મનની સ્થિતિનું વિશ્લેષણ કરીએ છીએ, ભલે આપણે તેને ભાવનાત્મક સ્થિતિ તરીકે કલ્પના કરીએ છીએ, અને આપણે તેને "પ્રેમ" કહી શકીએ છીએ, વાસ્તવમાં આ માનસિક સ્થિતિ ઘણા માનસિક પરિબળોનું મિશ્રણ છે. આપણે ફક્ત એક જ લાગણીનો અનુભવ કરતા નથી. આપણી ભાવનાત્મક સ્થિતિઓ હંમેશા મિશ્રણ હોય છે; તેના ઘણા જુદા જુદા ઘટકો હોય છે. તે પ્રકારનો પ્રેમ જેમાં આપણે અનુભવીએ છીએ કે "હું તને પ્રેમ કરું છું, હું તારા વિના જીવી શકતો નથી" તે સ્પષ્ટપણે એક પ્રકારની નિર્ભરતા છે અને તે ખૂબ જ ખલેલ પહોંચાડે છે. પરંતુ એક બિન-ખલેલ પહોંચાડતી પ્રકારનો પ્રેમ છે, જે ફક્ત એવી ઇચ્છા છે કે બીજી વ્યક્તિ ખુશ રહે અને ખુશીના કારણો મેળવે, પછી ભલે તે ગમે તે કરે. આપણે તેમની પાસેથી કંઈપણ પાછું મેળવવાની અપેક્ષા રાખતા નથી.
ઉદાહરણ તરીકે, આપણા બાળકો પ્રત્યે આપણને આ પ્રકારનો બિન-ખલેલ પહોંચાડતી પ્રેમ હોઈ શકે છે. આપણે ખરેખર તેમની પાસેથી કંઈપણ પાછું મેળવવાની અપેક્ષા રાખતા નથી. દેખીતી રીતે, કેટલાક માતાપિતા એવું કરે છે. પરંતુ સામાન્ય રીતે, બાળક ગમે તે કરે, આપણે હજી પણ બાળકને પ્રેમ કરીએ છીએ. આપણે ઇચ્છીએ છીએ કે બાળક ખુશ રહે. પરંતુ ઘણી વાર, ફરીથી, આ બીજી એક ખલેલ પહોંચાડતી સ્થિતિ સાથે મિશ્રિત થાય છે, જે એ છે કે આપણે ઇચ્છીએ છીએ કે આપણે પોતે તેમને ખુશ કરી શકીએ. જો આપણે આપણા બાળકને ખુશ કરવાના હેતુથી કંઈક કરીએ, જેમ કે તેમને કટપુતલીના પ્રદર્શનમાં લઈ જઈએ અને તે કામ ન કરે, તો તે તેમને ખુશ કરતું નથી, તેઓ તેમની કમ્પ્યુટર ગેમ રમવાનું પસંદ કરે છે, તો આપણને ખૂબ ખરાબ લાગે છે. આપણને ખરાબ લાગે છે કારણ કે આપણે આપણા બાળકની ખુશીનું કારણ બનવા માંગતા હતા, કમ્પ્યુટર ગેમ નહીં. પરંતુ આપણે હજુ પણ આપણા બાળક પ્રત્યેની લાગણીને "પ્રેમ" કહીએ છીએ. "હું ઇચ્છું છું કે તે ખુશ રહે, હું તેને ખુશ કરવાનો પ્રયાસ કરીશ, પરંતુ હું તારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બનવા માંગુ છું જે તે કરી રહ્યું છે."
તો, આ બધી વિસ્તૃત ચર્ચાનો મુદ્દો એ છે કે આપણે ખરેખર આપણી ભાવનાત્મક સ્થિતિઓને ખૂબ કાળજીપૂર્વક જોવાની જરૂર છે અને વિવિધ લાગણીઓને નામ આપવા માટે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેમાં એટલા ફસાઈ ન જઈએ. આપણી માનસિક સ્થિતિના કયા પાસાઓ ખલેલ પહોંચાડે છે અને આપણને આપણી મનની શાંતિ ગુમાવવા, આપણી સ્પષ્ટતા ગુમાવવા, આત્મ-નિયંત્રણ ગુમાવવા માટેનું કારણ બને છે તે શોધવા માટે આપણે ખરેખર તપાસ કરવાની જરૂર છે. આ એવી બાબતો છે જેના પર આપણે કામ કરવાની જરૂર છે.
ખલેલ પહોંચાડતી લાગણીઓનું મૂળ કારણ અજાણતા છે
જો આપણે મનની આ ખલેલ પહોંચાડતી સ્થિતિઓ, લાગણીઓ કે વલણોથી મુક્તિ મેળવવા માંગતા હોઈએ, તો આપણે તેમના કારણ સુધી પહોંચવાની જરૂર છે. જો આપણે તેમના મૂળ કારણને દૂર કરી શકીએ, તો આપણે તેમાંથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ. ફક્ત આપણી સમસ્યાઓનું કારણ બનેલી ખલેલ પહોંચાડતી લાગણીઓથી મુક્ત થવાની વાત નથી; આપણે ખરેખર ખલેલ પહોંચાડતી લાગણીઓના મૂળ સુધી જવાની અને તેનાથી છૂટકારો મેળવવાની જરૂર છે.
તો પછી, મનની આ ખલેલ પહોંચાડતી સ્થિતિઓનું સૌથી ઊંડું કારણ શું છે? આપણે જે શોધીએ છીએ જે ઘણીવાર "અજ્ઞાનતા" અનુવાદિત થાય છે અથવા, હું પસંદ કરું છું, તેને "અજાણતા" કેહવું. આપણે કંઈક વિશે અજાણ છીએ, આપણને ફક્ત ખબર નથી. અજ્ઞાનતા એવું લાગે છે કે આપણે મૂર્ખ છીએ. એવું નથી કે આપણે મૂર્ખ છીએ. ફક્ત એટલું જ છે કે આપણે માત્ર જાણતા નથી, અથવા એવું પણ હોઈ શકે છે કે આપણે મૂંઝવણમાં છીએ: આપણે કંઈક ખોટી રીતે સમજીએ છીએ.
આપણે શેના વિશે મૂંઝવણમાં છીએ, અથવા આપણે શેનાથી અજાણ છીએ? મૂળભૂત રીતે, તે આપણા વર્તન અને તેની પરિસ્થિતિઓનો અસર છે. આપણે ખૂબ ગુસ્સે છીએ, આસક્ત છીએ અથવા કોઈ રીતે નિરાશ છીએ, અને તે આપણને ભૂતકાળની આદતો અને વૃત્તિઓના આધારે ફરજિયાત રીતે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. મૂળભૂત રીતે કર્મ એ જ છે, ફરજિયાતપણે એવી રીતે કાર્ય કરવું જે ખલેલ પહોંચાડતી લાગણી અથવા ખલેલ પહોંચાડતી વૃત્તિ પર આધારિત હોય, અને એટલે આત્મ-નિયંત્રણ વિના.
આ ફરજિયાતપણે વર્તન કરવા પાછળનું મૂળ કારણ અજાણતા છે: આપણે જાણતા નહોતા કે આપણે જે કર્યું કે કહ્યું તેની અસર શું થશે. અથવા આપણે મૂંઝવણમાં હતા: આપણે વિચારતા હતા કે કંઈક ચોરી કરવાથી આપણને ખુશી મળશે, પણ એવું નહોતું. અથવા આપણે વિચારતા હતા કે તમને મદદ કરવાથી હું ઉપયોગી અને પ્રિય છું એવો અહેસાસ થશે; એવું નહોતું. તેથી આપણને ખબર નહોતી કે તેની અસર શું થશે. "મને ખબર નહોતી કે જો હું આવું કહીશ, તો તે તમને નુકસાન પહોંચાડશે." અથવા આપણે તેના વિશે મૂંઝવણમાં છીએ. "મને લાગ્યું તે મદદ કરશે અને તે ન થયું." "મેં વિચાર્યું હતું કે તે મને ખુશ કરશે, તે ન થયું." અથવા તે તમને ખુશ કરશે, તે ન થયું. અથવા પરિસ્થિતિઓ વિશે, "મને ખબર નહોતી કે તમે વ્યસ્ત છો." અથવા "મને ખબર નહોતી કે તમે વિવાહિત છો." અથવા એવું હોઈ શકે છે કે આપણે મૂંઝવણમાં હોઈએ, "મને લાગ્યું કે તમારી પાસે પુષ્કળ સમય છે." પણ એવું નહોતું. "મને લાગ્યું કે તમે કુંવારા છો, કોઈની સાથે અસંબંધિત છો, તેથી મેં પ્રેમાળ સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો," જે અયોગ્ય છે. તો ફરીથી, આપણે પરિસ્થિતિઓથી અજાણ છીએ: કાં તો આપણે જાણતા નથી અથવા આપણે તેના વિશે મૂંઝવણમાં છીએ: આપણે તેને ખોટી રીતે જાણીએ છીએ.
હવે, એ વાત સાચી છે કે જાગૃતિનો અભાવ એ આપણા ફરજિયાતપણે વર્તન કરવાનું મૂળ છે. પરંતુ એ વાત એટલી સ્પષ્ટ નથી કે તે ખલેલ પહોંચાડતી લાગણીઓનું મૂળ પણ છે અને ખલેલ પહોંચાડતી લાગણીઓ ફરજિયાતપણે વર્તન કરવા સાથે ખૂબ જ જોડાયેલી છે. તેથી, આપણે આ મુદ્દાઓ પર થોડી વધુ કાળજીપૂર્વક વિચાર કરવાની જરૂર છે.